રોકાણ ફક્ત કરવા ખાતર નહીં, પોતાનાં નાણાકીય લક્ષ્યોની પ્રાપ્તિ માટે કરાવું જોઈએ

કુલજે વૃત્તસમ્પન્ને ધર્મજે સત્યવાદિની ।

મહાપક્ષે ધનિન્યાર્યે નિક્ષેપં નિક્ષિપેદ્ બુધઃ ।।179।।

મનુસ્મૃતિના શ્લોક ક્ર. 8.179માં રોકાણને લગતી પાયાની વાત કરવામાં આવી છે. પોતાના નાણાં સારા પરિવારમાં જન્મેલી, પ્રામાણિક, કાયદાપાલન કરનારી અને સત્યવચન બોલનારી વ્યક્તિને સોંપવાં એવું તેમાં કહેવામાં આવ્યું છે. વર્તમાન પરિપ્રેક્ષ્યમાં પ્રામાણિક સંસ્થાને સોંપવાં એમ કહેવું પડે.

આજકાલ આપણે કૌભાંડો અને લોકોને છેતરનારી રોકાણની સ્કીમના કેટકેટલાય સમાચારો વાંચીએ છીએ. પ્રશ્ન એ જાગે છે કે આપણે જેને નાણાં સોંપીએ એ સંસ્થા વિશ્વસનીય છે કે કેમ એ કેવી રીતે ચકાસવું. આ સવાલનો જવાબ સાવ સરળ છે. કઈ સંસ્થા આ સંસ્થાનું કે રોકાણની સ્કીમનું નિયમન કરે છે એ જોવું.

હાલ દેશમાં ચાર મુખ્ય નિયમનકાર સંસ્થાઓ છેઃ 1) રિઝર્વ બૅન્કઃ આ સંસ્થા બૅન્કોનું નિયમન કરે છે. રિઝર્વ બૅન્કના નિયમન હેઠળની બૅન્કોમાં નાણાં રાખવાં. 2) સેબીઃ આ નિયમનકાર સંસ્થા સિક્યૉરિટીઝ માર્કેટનું નિયમન કરે છે. સ્ટૉક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ, પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસીસ (PMS) તેના નિયમન હેઠળ આવે છે. સિક્યૉરિટીઝ માર્કેટને લગતી કોઈ પણ સ્કીમ લાવવી હોય તો તેને સેબી પાસે મંજૂર કરાવવી પડે છે. 3) ઇન્સ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI): સમગ્ર વીમા ઉદ્યોગનું નિયમન આ સંસ્થા કરે છે. વીમા કંપનીઓ જે પોલિસીઓ ઑફર કરવા માગતી હોય એ તમામ પોલિસીઓને IRDAI પાસે મંજૂર કરાવવી પડે છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (PFRDA): ભારતમાંનાં તમામ પેન્શન ફંડ્સનું નિયમન આ સંસ્થા કરે છે.

કોઈ પણ રોકાણકારે ઉક્ત નિયમનકાર સંસ્થાઓની મંજૂરી હોય એવી જ એન્ટિટીઝમાં અને સ્કીમમાં નાણાં રોકવાં જોઈએ.

ઘણી વાર લોકો ઓછા સમયમાં નાણાં બમણાં કરવાની લાયમાં બોગસ સ્કીમમાં રોકાણ કરે છે. જલદીથી શ્રીમંત કરવા માટે ચાલતી સ્કીમ ખરેખર તો જલદીથી ગરીબ બનાવી દેનારી હોય છે.

માણસ નાણાં રોકે એટલું જરૂરી નથી. એ રોકાણ પોતાની નાણાકીય આવશ્યકતાઓ અને આકાંક્ષાઓને સંતોષનારું હોવું જોઈએ.

હું આ લેખ લખી રહ્યો હતો એવામાં એક મહિલાનો ફોન આવ્યો. તેઓ ઇન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝરીની સર્વિસીસ ઈચ્છતા હતા. તેમણે અગાઉ કેટલાંક રોકાણ કર્યાં હતાં અને હવે તેઓ વધુ વળતર આપે એવા વિકલ્પોમાં રોકાણ કરવા માગતાં હતાં. જ્યારે મેં તેમને કહ્યું કે અમે ઇન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝરી સેવાઓ આપતા નથી ત્યારે તેમને આંચકો લાગ્યો. તેમને એમ જ હતું કે અમારું કામ ઇન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝરીનું છે. મોટાભાગના લોકોના મનમાં આવી જ છાપ હોય છે. મેં તેમને સમજાવ્યું કે ઇન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝરી અને ફાઇનૅન્શિયલ પ્લાનિંગમાં ફરક છે.

મેં એરોપ્લેન અને સાઇકલનું ઉદાહરણ આપતાં કહ્યું કે એરોપ્લેનથી ઝડપી પ્રવાસ થઈ શકે છે, પરંતુ માત્ર એક કિલોમીટર સુધી જવું હોય તો એરોપ્લેન ન ચાલે. આથી રોકાણ કરતાં પહેલાં એ નિર્ણય લેવાવો જોઈએ કે એ રોકાણ કઈ ઈચ્છા કે કયા સ્વપ્નની પૂર્તિ માટે કરવું છે. નાણાકીય લક્ષ્ય કે ઉદ્દેશ્ય વગરનું રોકાણ નુકસાનદાયક નીવડી શકે છે.

આપણે પોતાના ઉજ્જવળ અને સલામત ભવિષ્ય માટે મહેનત કરીને નાણાં ભેગાં કરતાં હોઈએ છીએ. આથી યોગ્ય એન્ટિટી પાસે અને પોતાની જરૂરિયાતો-લક્ષ્યો પૂરાં થાય એ રીતે રોકાણ કરવું જરૂરી છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)