“ગૌરવ, જ્યારે હું આંખો બંધ કરીને શાંત રહેવાનો પ્રયત્ન કરું છું ત્યારે મને ઘણા વિચારો આવે છે. મારું મન ચકરાવે
ચડી જાય છે,” એક મિત્રના આ શબ્દો છે. મેં એને એક સીધી-સાદી પદ્ધતિથી શ્વસન કરવાનું સૂચવ્યું હતું.
“તારી આ પ્રગતિ સારી કહેવાય,” એવું મેં જ્યારે કહ્યું ત્યારે એ મુંઝાયો. પોતે મગજને શાંત રાખવાનો પ્રયાસ કરે છે ત્યારે ઘણા બધા વિચારો આવે છે એ વાત સમજાઈ એ જ એની પ્રગતિ હતી, કારણ કે ઘણા લોકોને આ હકીકત સમજવામાં જ ઘણી વાર લાગતી હોય છે.
વાસ્તવમાં, જ્યારે પણ કોઈ વ્યક્તિ મગજને શાંત રાખવાની જહેમત કરતો હોય છે ત્યારે વધારે પડતા વિચારો આવતા જ હોય છે. આ સાવ સામાન્ય બાબત કહેવાય. વિચારોનું આક્રમણ ઓછું થાય અને મગજ શાંત થવા લાગે એ સ્થિતિમાં પહોંચવા માટે ઘણી સાધના કરવી પડતી હોય છે.
જો આપણે બારીક અવલોકન કરીએ તો જાણવા મળે છે કે ભૂતકાળના જ વિચારો મગજને ચકરાવે ચડાવી દેતા હોય છે. આપણે અગાઉ જે અનુભવ કર્યો હોય, જે વાતનું અર્થઘટન કર્યું હોય અને મગજમાં સંગ્રહ કર્યો હોય એ બધી વસ્તુઓ સામે આવ્યા કરે અને આપણને ખલેલ પહોંચાડ્યા કરે. આ બધા વિચારો કોઈ બીજાના નહીં, આપણા જ મગજના હોય છે. ખરું પૂછો તો, આ જ કર્મનો સિદ્ધાંત છે.

આપણે બધા ‘સમુદ્રમંથન’ વિશે જાણીએ છીએ . એ કરતી વખતે પ્રથમ ઝેર (વિષ) બહાર આવ્યું અને પછી અમૃત. એ જ રીતે, જ્યારે આપણે આંખો બંધ રાખીને મનને શાંત કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે પહેલાં બધા વિક્ષેપકારક વિચારો આવે છે, જે સમુદ્રમંથનના વિષ સમાન હોય છે. પછીથી શાંતિ પ્રગટ થાય છે, જેની તુલના આપણે અમૃત સાથે કરી શકીએ છીએ.
જેના પર ઘણાં વર્ષોથી ધૂળ જામી હોય એવા એક અરીસાને સાફ કરતી વખતની સ્થિતિની કલ્પના કરી જુઓ. શરૂઆતમાં ઘણી બધી ધૂળ ખરવા લાગશે. પૂરેપૂરી સફાઈ થઈ ગયા પછી રજકણ ગાયબ થઈ જશે. થોડી જ વારમાં અરીસો એકદમ સાફ થઈને આપણું પ્રતિબિંબ ચોખ્ખું દેખાવા લાગશે. સ્વચ્છ અરીસો આપણા સ્વચ્છ અને શુદ્ધ મન સમાન હોય છે.
મન શાંત થવામાં કેટલી વાર લાગશે એ બાબત દરેક વ્યક્તિ પર નિર્ભર હોય છે. કોઈકને એક દિવસ, તો કોઈકને દાયકાઓ લાગી શકે છે. ભૂતકાળના વિચારો જેટલા રૂઢ થઈ ગયા હશે એટલું જ એમાંથી છૂટકારો મેળવવાનું અઘરું પડશે.

અહીં ખાસ જણાવવાનું કે વિચારો ક્યાંય જવાના નથી, એ ફક્ત આપણા મગજને શાંત કરવાની ક્રિયામાં વચ્ચે નહીં આવે. આ વિચારો બાહ્ય દુનિયા સાથેના આપણા અનુભવો હોય છે, જેનું આપણે અર્થઘટન કરીને મગજમાં સંગ્રહ કરી રાખ્યા હોય છે. બહારથી આવતી કોઈપણ વસ્તુ આપણને પરેશાન કરે તેવી શક્યતા હોય છે. શાંતિ અંદરથી પ્રગટ થાય છે; એ આપણને પરેશાન નહીં કરે. આ જ રીતે યોગિક વેલ્થ પણ આંતરિક બાબત છે. એ હંમેશાં શાંતિ આપે છે, ક્યારેય પરેશાન કરતી નથી.
અન્ય સંપત્તિ બહારથી આવે છે. આપણે જે વસ્તુઓ ખરીદીએ છીએ અને વાપરીએ છીએ એ બહારથી આવે છે. જે બહાર છે એ જ કામચલાઉ છે અને એ જ આપણને પરેશાન કરે છે દા.ત. “હું ફક્ત આઇફોન વાપરું છું.” આઇફોન બહારથી આવે છે. જો તેની સાથે કોઈ આસક્તિ નહીં હોય, તો એ આપણને ઉપયોગ બાબતે સ્વતંત્રતા આપશે. જો આપણને એ ગમશે તો ફરી વાર ખરીદશું, નહીંતર બીજો કોઈ ફોન ખરીદી કરી લઈશું. “હું ફક્ત આઇફોન વાપરું છું,” એવું કહેનાર વ્યક્તિને એ બ્રાન્ડ પ્રત્યે આસક્તિ હોય છે અને એવી સ્થિતિ તકલીફ સર્જી શકે છે.
આઇફોન ગમતો હોય તો ચોક્કસ ખરીદો. બીજું પણ જે કંઈ ગમતું હોય એ ભલે ખરીદો, પરંતુ જો તમને તેની સાથે આસક્તિ બંધાઈ જશે, તો એ સુખ નહીં આપે અને પરેશાન કરશે. જો કોઈ આસક્તિ નહીં હોય તો એ સ્વતંત્રતા અને આનંદ આપશે.
પૈસા ખર્ચવા છતાં કાયમી શાંતિ અને આનંદ ન મળતાં હોય તો એ ખર્ચ શું કામનો? યોગિક વેલ્થની ખેવના રાખો, કારણ કે એ જ સંપત્તિ આનંદ આપે છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)


