શિયાળામાં આ રીતે મેળવો સ્વાસ્થ્ય

દિવસો ટૂંકા થઈ જાય, તાપમાન ઘટી જાય અને આપણે આપણા સ્કાર્ફ, સ્વેટર અને શાલ બહાર કાઢવા પડે – આ રીતે આપણે શિયાળાની મોસમને આવકારીએ છીએ.

આ વખતની શિયાળાની મોસમમાં તમને મદદરૂપ થાય એવી પાંચ હૂંફાળી ટિપ અહીં પ્રસ્તુત છેઃ

૧. પોષણદાયક ખાદ્યપદાર્થો ખાવ:

તમારા શરીરનાં સાંધાને અને શરીરને સ્વસ્થ રાખવા માટે તલ વધારે ખાવા જોઈએ, તેમજ ઘરમાં બનાવેલું ઘી કે માખણ અને બાજરા જેવા આખા ધાન્ય ખાવા જોઈએ. પાંચ બદામ લો અને એને આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજે દિવસે સવારે તમારા બ્રેકફાસ્ટના ભાગરૂપે ખાવ. સંતરા, આમળા અને ગાજર જેવા તાજાં ફળો અને શાકભાજી ખાવ, જે શિયાળાની ઋતુમાં તો બજારમાં પુષ્કળ પ્રમાણમાં મળે. જંક ફૂડ ખાવાને બદલે અંજીર કે ચિક્કીને તમારી બેગમાં રાખવી અથવા તમારા કામકાજના સ્થળે રાખવી. તુલસી, તજ, લવિંગ, કેસર, મરી, હળદર અને લસણ જેવા મસાલા અને હર્બ્સનો પણ ઉપયોગ કરવો જે તમને જુદા જુદા વાયરસ સામે રક્ષણ આપે છે અને તમે એના ઘણા દવારૂપી લાભ પણ મેળવી શકો છો. આ મોસમ છે ગરમ સૂપ બનાવવાની, ગરમ પ્રવાહીઓ પીવાની કે એલચી, કેસર અને બદામનો પાવડર નાખેલું ગરમ દૂધ પીવાની. જો તમે તમારા આહારમાં આ રીતે થોડોક ખર્ચો કરશો તો તમારે દવાઓ પાછળ પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે.

૨. વાળ અને ત્વચાની સંભાળઃ

શિયાળામાં વાતાવરણને કારણે ત્વચા સૂકી પડવાને કારણે હોઠ અને પગની એડી ફાટે છે અને વાળ ખરતા હોય છે. તાલકામાં ચામડી ફાટે અને ખંજવાળ આવ્યા કરે. ઉગ્ર પ્રકારના કેમિકલવાળા કોસ્મેટિક્સનો ઉપયોગ કરવાનું ટાળવું. એને બદલે રાઈ, તલ કે નાળિયેરના તેલને ગરમ કરી એનાથી માલિશ કરવું. તમારા માલિશવાળા તેલમાં ટી-ટ્રી ઓઈલ કે નીલગીરીના તેલના અમુક ટીપાં ઉમેરો, જેથી એનો વધુ લાભ મળી શકે. નાહતા પહેલાં આ માલિશ કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે અને ત્વચાને સુંવાળી તથા મોઈશ્ચરાઈઝ્ડ રાખવામાં મદદ મળે છે.  નાક જામ થતું રોકવા માટે દરેક નસકોરામાં ગરમ કરેલા ઘીનાં ત્રણ ટીપાં નાખવાનો બહુ જાણીતો આયુર્વેદિક ઈલાજ છે. હોઠને ફાટતાં અટકાવવા માટે એની પર ઘી કે વેસેલીન નિયમિત લગાડવું જોઈએ.

૩. ગરમ કપડાંથી શરીરને ઢાંકોઃ

ઘરની બહાર નીકળો ત્યારે પગમાં ગરમ મોજાં અને હાથમાં ગ્લોવ્ઝ પહેરવા અને કાન તથા ગળાને સ્કાર્ફથી ઢાંકી રાખવા. ઠંડા પવનથી બચવા માટે કોઈક સારું વિન્ડ બ્રેકર પહેરવું. ભેજવાળી ત્વચા અને ભીના હાથ સાથે બહાર નીકળવાનું ટાળવું, કારણ કે એનાથી ત્વચા ફાટી શકે છે. અત્યંત ઠંડીના દિવસોમાં રક્ષણ માટે તમારા રોજિંદા વસ્ત્રોની નીચે ટાઈટ્સ કે થર્મલ વસ્ત્રો પણ પહેરવા જોઈએ.

૪. ફિટ રહોઃ 

નિયમિત રીતે કસરત કરો, ખાસ કરીને ડાઈનેમિક કે ઝડપવાળી કસરતોથી શરીર અને મનને નવી ઊર્જા પ્રાપ્ત થશે. ખુલ્લા વાતાવરણમાં ફરો, કુદરતી સૂર્યપ્રકાશ મેળવો અને તાજી હવાને શ્વાસમાં ભરો. ઝડપથી ચાલવાની ટેવ પાડો અને થોડાક સૂર્યનમસ્કાર કરો જેથી શરીરમાં હળવાશનો અને શક્તિનો અનુભવ કરશો.

૫. યોગ્ય રીતે શ્વાસોચ્છવાસ કરોઃ

કપાલભાતીની યોગક્રિયા કરવાથી તમારી સમગ્ર શરીરમાં શક્તિ, સ્ટેમિના વધશે. આ કરવાની રીત આ મુજબ છેઃ તમારી કરોડરજ્જુ સીધી રહે એ રીતે બેસો. નાકમાંથી ઝડપથી શ્વાસ બહાર કાઢો, પેટને કરોડરજ્જુ તરફ ખેંચો. તમારા શ્વાસ સાથે તાલમેલ રાખીને આ ક્રિયા 30 વખત કરો, પછી પાંચ વખત શ્વાસ લેવા માટે થોભો. ક્રિયા ફરી શરૂ કરો અને 30-30ના વધુ બે રાઉન્ડ કરો. વચ્ચે થોડુંક અટકવું. આ ક્રિયા કરવાથી વધારે સ્ફૂર્તિ પ્રાપ્ત કર્યાનો અનુભવ થશે અને તમે સકારાત્મક બનશો. આ ક્રિયા કરવાથી સમગ્ર શરીરને પુનઃશક્તિ પ્રદાન થાય છે.

આશા છે કે આ સરળ ક્રિયાઓ તમને આ મોસમમાં ઉષ્માપૂર્ણ અને હુંફાળા રાખશે.

શિયાળાની મોસમની પૂરેપૂરી મજા માણો. ઠંડીની મજા માત્ર આ જ મોસમમાં મળે છે!

(સુજાતા કૌલગી)