શંખ પ્રક્ષાલન: યોગની વિશેષ પ્રક્રિયાથી શરીરનું શુદ્ધિકરણ

યોગશાસ્ત્રમાં શુદ્ધિકરણ માટે બતાવેલ ષટ્કર્મની ક્રિયા ખૂબ અસરકારક છે. ઋષિ ઘેરંડ અને ઋષિ પતંજલીના યોગ શાસ્ત્રમાં ષટ્કર્મ વિશે સ્પષ્ટ જણાવેલ છે.

૧) ત્રાટક–આંખોના શુદ્ધિકરણની ક્રિયા. દીવાની જ્યોત, મીણબત્તીની જ્યોત, સૂર્ય, ચંદ્ર, તારા સામે ત્રાટક થઈ શકે છે.

૨)નેતિ– ગળા અને નાસાગ્રહ શુદ્ધિકરણ માટેની ક્રિયા. જલનેતિ અને સૂત્રનેતિ

૩) કપાલભાતિ–નાસાગ્રહ થી ફેફસાના શુદ્ધિકરણ માટેની ક્રિયા.

૪) ધૌતિ– પેટ સુધીના પાચનતંત્રના રસ્તાનું શુદ્ધિકરણ. વસ્ત્ર ધોતી, વમન ધોતી.

૫) નૌલી– પેટ, પેઢાના અવયવો માટેની ક્રિયા.

૬) શંખપ્રક્ષાલન– આંતરડાનું શુદ્ધિકરણ, સમાનવાયુ, અપાન વાયુનું બેલેન્સ કરતી ક્રિયા.

શંખ એટલે આપણા પાચનતંત્રના અવયવો અને પ્રક્ષાલન એટલે આ અવયવોને સંપૂર્ણ સ્વચ્છ કરવા. આપણે ગાડી, ફ્રીજ, એસી જેવા ઉપકરણોને સમયાંતરે સર્વિસ કરાવતા રહીએ છીએ, પરંતુ આપણે આપણા શરીરનું અંદરથી સંમાર્જન કરતા નથી. જેને કારણે આપણા શરીરમાં ઘણી અશુધ્ધીઓ, ઘણા ટોક્સીન્સ, ઘણા દૂષિત તત્વો જમા થયા કરે છે. આ વિજાતીય તત્વો શરીરની આંતરિક વ્યવસ્થાને ખલેલ પહોંચાડે છે. પરિણામે તેનો દુષ્પ્રભાવ શરીર પર ક્યાંકને ક્યાંક રોગના ચિન્હો રૂપે દેખાય છે. શરીર મશીનની જેમ કાર્ય કર્યા કરે છે તો મશીનની જેમ સફાઈ પણ કરતાં રહેવું જોઈએ.

મ્યુકસ, ગેસ, એસીડીટી, પરસેવો, ઝાડો, પેશાબ જેવા ઝેરી પદાર્થોની સફાઈમાં શંખ પ્રક્ષાલન સૌથી સારી ક્રિયા છે. શરીરમાં રોગ હોય તો રોગ પ્રસન્ન માટે શરીર ચોખ્ખું કરવું જોઈએ, પરંતુ જેને રોગ નથી એને પણ સમયાંતરે શુદ્ધીકરણ શંખ પ્રક્ષાલન દ્વારા કરવું જોઈએ. યોગ શાસ્ત્રને ધ્યાનમાં રાખીને સાત દિવસની પ્રક્રિયા રાખી છે.

આમ તો શંખ પ્રક્ષાલન ત્રણ કે ચાર કલાકની જ પ્રક્રિયા છે. પરંતુ મારા યોગાસન જીવનશૈલીના ૨૧ વર્ષના અનુભવ પછી મને એવું લાગે છે કે જે રીતે -હવા પ્રદૂષિત છે, અન્ન પ્રદૂષિત છે, વિચારો, વલણ વર્તનને ખોટી દિશા તરફ ખેંચાઇ રહ્યા છે ત્યારે સાત દિવસની શંખ પ્રક્ષાલનની પ્રક્રિયામાં શરીર અને મન પર ઘણા સારા રીઝલ્ટ જોવા મળે છે. આ ક્રિયા શ્વાસનતંત્ર અને પાચનતંત્ર સાફ કરે છે. આંતરિક જાગૃતિનો વિકાસ કરે છે. જેને હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલનું અસંતુલન, અનિંદ્રા જેવી સંભવિત સમસ્યાઓને આવતી રોકી શકે છે. અને આખી જિંદગી દવાઓ ખાવા માંથી મુક્તિ મેળવી શકે છે.

સાત દિવસના શંખ પ્રક્ષાલનમાં તમારી નાડી પરિક્ષણ કરવામાં આવે છે.  જેમાં પ્રથમ બે દિવસ ચાર ઔષધી ભેગી કરેલું જળ આપવામાં આવે છે. ત્રીજે દિવસે ગાયનું ઘી પીવડાવીને શરીરની બરડ વાહિનીઓને નરમ બનાવીએ છીએ. ચોથે દિવસે અભ્યંગ સ્વેદન કરી પછી પાંચમા દિવસે શંખ પ્રક્ષાલન કરાવીએ છીએ. છઠ્ઠો અને સાતમો દિવસ હળવો આહાર લઇ પછી નોર્મલ food લઈ શકાય છે. આ બધું તમારી નાડી જોઈને નક્કી કરીએ છીએ- કે તમારી પ્રકૃતિ પ્રમાણે શુદ્ધિકરણની માત્રા નક્કી થઈ શકે.

આ ક્રિયાથી ઘણા બધાના કોલેસ્ટ્રોલ ઓછા થયા છે. ડાયાબિટીસ ઓછું થયું છે. રિપોર્ટ કઢાવીએ છીએ અને અમને જાણ મળી છે. જેને વાયુ, પિત્ત, કાચા આમના કારણે વજન નથી ઉતરતું તેનું વજન પણ ઊતરી શકે છે. કોઈ દવા લીધા વિના માત્ર શુદ્ધિકરણની પ્રક્રિયાના જ આટલા ફાયદા થતા હોય તો ચાલો આનો લાભ લઈએ.

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)