શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પ્રાણાયામના ચમત્કારિક ફાયદા

શ્રી કૃષ્ણ ભગવાને ભગવત ગીતાના છઠ્ઠા અધ્યાયના અઠ્ઠાવીસમાં શ્લોકમાં કહ્યું છે કે, યોગાભ્યાસમાં હંમેશાં પરોવાયેલા રહીને આત્મસંયમ યોગી સર્વ ભૌતિક મલિન તત્વોથી રહિત થઈ જાય છે, અને ભગવાનની દિવ્ય પ્રેમભરી સેવામાં પરમસુખની સર્વોચ્ચ અવસ્થા પામે છે.

યોગ એવી પ્રક્રિયા છે કે જેના વડે આપણે આપણી ચેતના શુદ્ધ કરી શકીએ છીએ. દૂષણોને અટકાવી શકીએ છીએ, તેમજ પૂર્ણતા, પૂર્ણ જ્ઞાન તથા આનંદના સ્તરને પ્રાપ્ત કરી શકીએ છીએ.

અહીં એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે, આ બધું કરતાં પહેલા શરીર સારું હોવું જરૂરી છે. શરીર અને મન સારું રાખવા માટે યોગ ઉત્તમ ઉપાય છે. એટલે એવું કહેવાય છે કે યોગાસન અને પ્રાણાયામ કરવાથી આપણે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહી શકીએ છીએ.

ચાલો આજે આપણે એના પર થોડી વાતો કરીએ….

પ્રાણાયામ યોગ વિજ્ઞાનનું એક અગત્યનું સાધન ગણવામાં આવે છે. પ્રાણાયમના થોડા ફાયદા સમજીએ.

  • પ્રાણાયામ શરીર અને મન બંને ઉપર કામ કરે છે.
  • પ્રાણાયામથી યુવાનીનો સમય લાંબો ટકી શકે છે, શક્તિ વધે છે.
  • માનસિક રોગો ઘણા બધા ઓછા થઈ જાય છે.
  • પ્રાણાયામથી ઘણી બધી શારીરિક તકલીફો પણ ઓછી થાય છે. જેમ કે મંદાગ્ની હોય તો ત્યાં જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે.
  • શરીર તંદુરસ્ત બને છે સાથે-સાથે દુખાવા ઓછા થાય છે.
  • સતત અભ્યાસથી જ્ઞાનતંત્ર અને શક્તિ મળે છે. શરીરની અંદર શક્તિનો સંચાર થાય છે.
  • ચંચળતા દૂર થાય છે અને એકાગ્રતા વધે છે.
  • પ્રાણાયામથી ઊંઘ સારી આવે છે કારણ કે મનને શાંત કરે છે.
  • જો પ્રાણાયામ નિયમિત કરવામાં આવે તો એનો અર્થ એ થયો કે શારીરિક અને માનસિક રીતે આપણે સ્વસ્થ રહી શકીએ છીએ.

 

પ્રાણાયામનું મહત્ત્વ:

યાગશાસ્ત્રોમાં પ્રાણાયામને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. વ્યાસભાષ્યમાં કહ્યું છેઃ

तपो न परंप्राणायामात् ।

ततोविशुद्धिर्मलानांदीप्तिश्र्चज्ञानस्य ।।

અર્થાત્: પ્રાણાયામ કરતાં મોટું કોઈ તપ નથી. એનાથી મળ દૂર થાય છે અને જ્ઞાનનો ઉદય થાય છે.

મનુએ પણ કહ્યું છે :

दह्यन्तेध्मायमानानांधातूनांहियथामलाः

तथेन्द्रियाणांदह्यन्तेदोषाःप्राणस्यनिग्रहात् ।।

અર્થાત્: જેવી રીતે અગ્નિમાં સોનું અને બીજી અનેક ધાતુ ઓગાળવાથી તેમનો મેલ દૂર થાય છે તેવી જ રીતે પ્રાણાયામ કરવાથી શરીરની ઇન્દ્રિયોનો મળ દૂર થાય છે. પ્રાણાયામ મહર્ષિ પતંજલિએ દર્શાવેલ અષ્ટાંગ યોગનું ચોથું અને અતિ મહત્ત્વનું અંગ છે.

પ્રાણાયામનો અર્થ: પ્રાણાયામનો શાબ્દિક અર્થ ‘પ્રાણનો આયામ એટલે વિસ્તાર કરવો એવો થાય છે.

મહર્ષિ પતંજલિએ પ્રાણાયામની વ્યાખ્યા આપતાં પાતંજલ યોગસૂત્રના સાધનપાદના ૪૯માં સૂત્રમાં લખ્યું છે…

तस्मिन्सतिश्वासप्रश्वासयोर्गतिविच्छेदःप्राणायामः

અર્થાત્: શ્વાસોચ્છવાસની ગતિનો વિચ્છેદ કરી પ્રાણને રોકવો તેનું નામ પ્રાણાયામ.

કેટલાક લોકોની માન્યતા પ્રમાણે ‘પ્રાણ’ શબ્દનો અર્થ કેવળ ‘વાયુ’ જ થાય છે. પણ એ માન્યતા ભ્રામક છે. ‘પ્રાણ’ શબ્દનો અર્થ ‘વાયુ’ કરતાં વધારે વ્યાપક છે. પ્રાણ તો વાસ્તવમાં તે પ્રાણશક્તિ અથવા જીવનશક્તિ (Vital Power) છે, જે સ્થૂળ પૃથ્વી પર પ્રત્યેક વસ્તુનું સંચાલન કરતી જોવામાં આવે છે અને જગતમાં વિચારના રૂપમાં રહે છે. બીજી રીતે જોઈએ તો પ્રાણનો સંબંધ મન સાથે, મનનો સંબંધ બુદ્ધિ સાથે, બુદ્ધિનો સંબંધ આત્મા સાથે અને આત્માનો સંબંધ પરમાત્મા સાથે છે.

સારી ઊંઘ માટે ભ્રામરી પ્રાણાયામ. સૂર્ય નાડી એક્ટિવ કરવા માટે સૂર્યભેદન પ્રાણાયામ. બહુ શરદી રહેતી હોય, સાઇનસ થતો હોય અને જો કફની પ્રકૃતિ હોય તો સૂર્ય નાડી એટલે કે સૂર્યભેદન પ્રાણાયામ કરવું જોઈએ. સૂર્ય નાડીને એક્ટીવ કરવી જોઈએ.

જો બહુ જ ગરમીનું પ્રમાણ શરીરમાં હોય અને ગરમી ઓછી કરવી હોય ત્યારે ચંદ્ર ભેદન પ્રાણાયામ કરવું જોઈએ. દરેક પ્રાણાયામના ઘણા બધા ફાયદાઓ છે. ધારો કે આંખ,નાક, કાનની બહુ જ સામાન્ય તકલીફ હોય તો આંતર કુંભક પ્રાણાયામ કરવું જોઈએ. જો સવારે આળસ આવતી હોય અને કંટાળો આવતો હોય તો એ વખતે એામ મંત્રનું ઉચ્ચારણ વધારે લાંબો બોલો તો પેટ અને શરીરના અંગો પર અસર કરે છે સાથે શરીરમાં સ્ફૂર્તિ આપે છે. એ જ વખતે જો ઊંઘ ન આવતી હોય કે, મન બેચેન હોય, સ્ટ્રેસ હોય, ચિંતા હોય તો ઓમ બોલવા માંમકારનો ઉચ્ચારણ વધારે લાંબો કરો તો  મનને શાંત કરે છે.

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)