વિશ્વના નવા ધનકુબેરોમાં સૌથી નાનો જોન કોલિસન

નસંપદા… આ શબ્દ નથી, આજના સમયનો જીવનમંત્ર બની જાય તેટલી હદે જતો રહેલો પ્રયત્ન બની ચૂક્યો છે. દુનિયાના પડમાં સતત ચાલતી મથામણોમાં આનો સૌથી મોટો ફાળો જોઇ શકાય છે. અપાર સંપત્તિ, લખલૂટ પૈસો, જાડો પૈસો… આ વિભાવનાઓ જીવનના બીજા દાયકામાં વાસ્તવિકતા બને તો…?  અવશ્ય ફોર્બ્ઝે તેની નોંધ લેવી પડે!જોન કોલિસન નામનો આયરલેન્ડ દેશનો આ યુવાન આજકાલ ખૂબ લાઇમલાઇટમાં આવ્યો છે. માતા લક્ષ્મીની એને ખબર નથી પણ માતા લક્ષ્મીએ ચાર હાથે આ લાડલાને વરદાન આપ્યાં હોય તેમ દુનિયા સામે તેની ફોર્બ્ઝે દીધી ઓળખ એ રીતે સામે આવી રહી છે કે 26 વર્ષની વયમાં જ દુનિયાનો સૌથી યુવા સેલ્ફમેડ અબજપતિ બન્યો છે. કોલેજ યુનિવર્સિટીની ડિગ્રી પામીને ધન્યતાનો ભાવ ભોગવ્યાં પછી જે વયમાં યુવાન કેરિયરમાં સેટ થવા કંઇ કરે એવી વયમાં કોઇ યુવાન પોતાના બાવડાંના બળે અબજોપતિ બને તો આવકાર પામે એ સ્વાભાવિક છે.

જૉન ‘સ્ટ્રીપ’ નામની કંપનીનો સહસ્થાપક અને પ્રેસિડેન્ટ છે. જૉન કોલિસનની આ કંપની ડઝનબંધ કંપનીઓ અને લાખો લોકોને ઇન્ટરનેટ પર સાવ સરળ રીતે ચૂકવણાં સ્વીકાર કરવામાં મદદ કરે છે.

ફૉર્બ્ઝ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં દુનિયાના ધનકુબેરોની કુલ સંખ્યા 2043 પહોંચી ગઇ છે. તેમાં નવાસવા અબજપતિ બનેલાં 195 નવા ધનકુબેરોમાં જૉન કોલિસન આવી ગયો છે. ધનકુબેરોની કુલ નેટવર્થ આ વર્ષે 18 ટકા વધીને 7.67 ટ્રિલિયન ડૉલર થઇ ગઇ છે તેમાં આ જૉનભાઇ ખરાં. ફોર્બ્ઝની યાદીમાં વીસીમાં જ અબજપતિ બનેલાં ચાર યુવા ધનપતિઓમાં તેને સ્થાન મળી ગયું છે.

જોન કોલિસનની કંપનીની વેલ્યૂ 9.2 અરબ ડૉલર આંકવામાં આવી છે. ભાગ્યશાળી જૉન સ્નેપચેટના સીઇઓ ઇવાન સ્પીગલ કરતાં બે મહિના નાનો છે એટલે સૌથી યુવા અબજપતિમાં આવી ગયો હતો. અમેરિકન એક્સપ્રેસ, વિઝા, ક્લીનર પર્કીન્સ કેફિલ્ડ અને બાયર્સ અને સેક્વોઆ કેપિટલ જેવી વૈશ્વિક નાણાકીય કંપનીઓ કંપનીમાં કેટલાક રોકાણકારો છે.નાની ઉંમરમાં આજુબાજુ જોયાં વિના પોતાનું બિઝનેસ એકમ ખડું કરવા મચી પડેલા જૉનને તેની સ્ટ્રીપ કંપની બનાવવાનો આઇડિયા ત્યારે આવ્યો જ્યારે તે તેના ભાઇ પૈટ્રિક કોલિસન સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે હતો. હાલમાં તેની કંપનીમાં 696 કર્મચારીઓ રોજગાર મેળવી રહ્યાં છે અને દુનિયાના 25 દેશમાં તેમનું કામકાજ ચાલી રહ્યું છે.

19 વર્ષની વયમાં જૉને ભાઇ પૈટ્રિક સાથે મળીને ઓક્ટોમેટિક નામનું સ્ટાર્ટઅપ શરુ કર્યું હતું. આ સ્ટાર્ટઅપને જૉને 2008માં 5 મિલિયન ડૉલરમાં વેચી કાઢ્યું હતું અને એ રીતે 19 વર્ષની વયમાં જ મિલિયોનર બની ગયો હતો. માત્ર 17 વર્ષની ઉંમરમાં જૉને 2007 માં ‘શૂપ્પા’ નામની ઓનલાઈન હરાજી-મેનેજમેન્ટ સીસ્ટમની સ્થાપના કરી હતી. તેણે 2008માં 5 મિલિયન ડોલરમાં વેચી દીધી હતી. એ સમયે જૉન કોલિસન એક વિદ્યાર્થી તરીકે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરતો હતો. આયરોનિકલી…આ કિસ્સાથી વળી એકવાર સાબિત થયું છે કે હાર્વર્ડમાંથી નીકળી જવાથી અબજોપતિ બનાય છે!

અહેવાલઃ પારુલ રાવલ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]