કોણ છે ભારતની આ સૌથી ધનિક મહિલા?

નવી દિલ્હી: ભારતની અગ્રણી ટેક કંપની HCL ટેકનોલોજીસના ચેરમેન પદેથી શિવ નાદરે રાજીનામું આપી દીધું છે. તેમણે કંપનીની જવાબદારી તેમની પુત્રી રોશની નાદર મલ્હોત્રાને સોંપી છે. 38 વર્ષીય રોશની નાદર મલ્હોત્રાનું નામ ફોર્બ્સની ધ વર્લ્ડ્સ 100 મોસ્ટ પાવરફુલ વુમન-2019માં સામેલ છે. એટલું જ નહીં, IIFL વેલ્થ Hurun Rich List અનુસાર, રોશની વર્ષ 2019માં 36,800 કરોડની સંપત્તિવાળી દેશની સૌથી ધનિક મહિલા છે. એટલું જ નહીં આ સાથે જ રોશની એક લિસ્ટેડ ભારતીય આઈટી કંપનીનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા બની ગઈ છે.

મહત્વનું છે કે, HCLએ શુક્રવારે જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ દરમિયાન શિવ નાદરે ચેરમેન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી. જોકે હાલ તેઓ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરને પદે યથાવત રહેશે.

રોશની શરૂઆતથી HCLના તમામ વ્યૂહાત્મક નિર્ણયો લઈ રહી છે. આ જ કારણ છે કે તેને માત્ર 28 વર્ષની ઉંમરે કંપનીમાં ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (CEO) બનાવવામાં આવી હતી. બીજા જ વર્ષે તે કોર્પોરેશનની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બની. રોશની કંપનીની સાથે સાથે શિવ નાદર ફાઉન્ડેશનની શિક્ષણ પહેલમાં પણ ફાળો આપે છે. તે ફાઉન્ડેશન એજ્યુકેશન પર કામ કરે છે. આ ફાઉન્ડેશન દ્વારા ભારતમાં કેટલીક ટોચની કોલેજો અને શાળાઓની સ્થાપના કરવામાં આવી છે.

 

રોશનીનું શિક્ષણ

રોશની નાદરે સ્કૂલિંગ દિલ્હીથી જ કર્યું હતું. ત્યારબાદ રોશનીએ નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીથી કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમણે અમેરિકાની કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. રોશની નાદર વર્લ્ડ ઇકોનોમિક ફોરમ મંચના યંગ ગ્લોબલ લીડર્સ પહેલની પૂર્વ વિદ્યાર્થી પણ રહી ચૂકી છે.

ન્યૂઝ પ્રોડ્યુસર તરીકે કરી ચૂકી છે કામ

વર્ષ 2009માં એચસીએલ કોર્પોરેશનમાં જોડાયા પહેલા Sky News UK અને CNN America માં તેમણે ન્યૂઝ પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું હતું. એચસીએલમાં જોડાયાના એક વર્ષના અંદરમાં રોશનીને એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટરની જવાબદારી સોંપવામાં આવી હતી અને 27 વર્ષની ઉંમરમાં તેમને કંપનીના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.

વર્ષ 2010માં કર્યા લગ્ન

રોશનીએ 2010માં શિખર મલ્હોત્રા સાથે લગ્ન કર્યા. શિખર મલ્હોત્રા એચસીએલ હેલ્થકેરમાં વાઈસ ચેરમેન છે. રોશની અને શિખરને બે પુત્ર છે, જેઓના નામ અરમાન અને જહાન છે.

મહત્વનું છે કે, રોશનીને પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝિન દ્વારા વર્ષ 2017, 2018 અને 2019 ના વર્ષોમાં વિશ્વની 100 મજબૂત મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે. રોશની શાસ્ત્રીય સંગીતમાં પણ પારંગત છે અને આર્થિક રીતે નબળા બાળકો માટે એક સંસ્થા ચલાવે છે. તેનું નામ ‘વિદ્યાજ્ઞાન લીડરશીપ એકેડેમી’ છે. તેઓ તેના પ્રમુખ છે.