નરેશ તુમડાઃ ગરીબી સામે ઝઝૂમતો ભારતનો બ્લાઈન્ડ ક્રિકેટર

નવસારીઃ ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામમાં રહેતો નરેશ તુમડા ભારતના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોની ટીમનો ખેલાડી છે. 2018માં બ્લાઈન્ડ ક્રિકેટરોની વર્લ્ડ કપ સ્પર્ધામાં એ ભારતીય ટીમનો સભ્ય હતો. એ ટીમે ફાઈનલમાં પાકિસ્તાનને પરાજય આપ્યો હતો.

નરેશ ગરીબ આદિવાસી પરિવારનો છે. તેના પરિવારમાં પિતા, માતા અને પત્ની છે. કોરોનાવાઈરસ મહાબીમારીએ જેમ બધાયનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે તો એમાં નરેશ પણ બાકાત રહ્યો નથી. એને પણ હાલ ઘણા કઠિન સમયનો સામનો કરવો પડી રહ્યો છે. લોકડાઉન પછી એને પોતાનું ભવિષ્ય અંધકારમય જણાઈ રહ્યું હતું. કોઈ આવક નહોતી. નિરાશ થઈને તેણે કડિયાકામ શરૂ કર્યું, શાકભાજી વેચતો થયો, મજૂરી કરતો થયો.

દુબઈમાં બ્લાઈન્ડ ક્રિકેટરોની વર્લ્ડ કપ રમવા ગયો હતો ત્યારે એ ઉધારી પર બે ક્રિકેટ બેટ લઈ ગયો હતો.

નરેશ કહે છે, પહેલા લોકડાઉન વખતે મુંબઈનાં જાણીતાં સ્પોર્ટ્સ તંત્રી હરિની રાણાએ પોતાનો ઈન્ટરવ્યૂ લીધો હતો. મને જાણ થઈ કે હરિનીબેન સામાજિક કાર્ય પણ કરે છે અને કોવિડ-19 મહામારીમાં વંચિત લોકોને મદદરૂપ થાય છે. બીજા લોકડાઉન વખતે મને મજૂરી કરતાં જોઈને એમણે મને ફોન કર્યો હતો અને તરત જ આર્થિક મદદ કરી હતી.

નરેશ કહે છે, મને વર્લ્ડ કપ જીત્યા હતા ત્યારે પણ એટલી મોટી રકમ નહોતી મળી. હરિની રાણાએ કરેલી મદદથી નરેશના ઘરમાં અનાજ, તેલ, રાંધણ ગેસનું નવું સિલીન્ડર આવ્યું. એની પત્નીને ભણવા માટેના પાઠ્યપુસ્તકો, નોટબુકો પણ મળ્યાં, એની ફી પણ ચૂકવી.

માત્ર એક જ આંખે જોઈ શકતા નરેશનું કહેવું છે કે આ આર્થિક મદદથી તો એનું થોડાક મહિના સુધી ગુજરાન ચાલશે, જ્યારે એને જરૂર છે નોકરીની, જેથી પોતે અને એના પરિવારજનો સમ્માનપૂર્વક જીવન જીવી શકે.