સ્માઈલી સુરીઃ જેણે પોલ ડાન્સિંગની ખરાબ છાપને ભૂંસી નાખી

અભિનેત્રી સ્માઈલી સુરી માને છે કે પોલ ડાન્સિંગને કારણે જ એના જીવનને અર્થ મળ્યો છે.

સંઘર્ષ વ્યક્તિને મજબૂત અને આત્મનિર્ભર બનાવે છે. સંઘર્ષ માનસિક, શારીરિક કે કોઈ પણ પ્રકારનો હોઈ શકે, પણ જે વ્યક્તિ એમાંથી સંપૂર્ણપણે બહાર નીકળે એ જ સમાજમાં દાખલો બેસાડતી હોય છે.

‘પોલ ડાન્સ જ મારા જીવનને તારી શકશે એવું મને લાગ્યું. એણે મારા જીવનને પાટે ચઢાવવામાં મદદ કરી.’

આવી જ એક મહિલા છે, જેણે સંઘર્ષ વેઠીને પોતાની અનોખી ઓળખ ઊભી કરી છે. બોલીવૂડ ફિલ્મોમાં સફળ અભિનેત્રી રહી ચૂકેલી સ્માઈલી સુરીની જીવનકથામાં અનેક ઉતાર-ચઢાવ છે. નામ-દામ અને સફળતા મળ્યાં હોવા છતાં વર્ષો સુધી ડિપ્રેશનનો શિકાર રહેલી સ્માઈલી દોઢ-બે વર્ષમાં નવેસરથી પોતાની ઓળખ બનાવવામાં કામિયાબ નીવડી છે.

પોલ ડાન્સિંગ, જે બોલીવૂડ અને હોલીવૂડમાં ડાન્સનો બદનામ પ્રકાર ગણાય છે એના દ્વારા સ્માઈલી મહિલાઓને માનસિક અને શારીરિક રીતે સશક્ત બનાવવાનું કાર્ય કરી રહી છે. ‘ચિત્રલેખા પ્રિયદર્શિની’ને મુલાકાત આપતાં સ્માઈલી કહે છે:

‘પોલ એ મારું ત્રિશૂળ છે. શક્તિ છે. આપણા સમાજમાં દર વખતે નવા ડાન્સ પ્રકારને લોકોએ વખોડ્યો છે, પણ સમય જતાં એ જ ડાન્સ પ્રકારને કળા તરીકે સ્વીકારવામાં આવ્યો છે. મારે પણ પોલ ડાન્સિંગ વિશે જે વિવિધ ગેરમાન્યતા છે એને તોડવી છે. અઘરું કામ છે, પણ મારો પ્રયાસ ચાલુ છે અને રહેશે એ વાત પાક્કી.’

પોલસ્ટાર ઈન્ડિયા નામક પોલ ડાન્સિંગ ઈન્સ્ટિટ્યૂટ શરૂ કરનારી સ્માઈલીની આ ડાન્સ ઈન્સ્ટિટ્યૂટ ભારતની પહેલી એવી ઈન્સ્ટિટ્યૂટ છે, જ્યાં દસ વર્ષના બચ્ચાથી લઈને ૬૫-૭૦ વર્ષની વયોવૃદ્ધ મહિલાને પોલ પર ડાન્સ કરતાં શીખવવામાં આવે છે.

સ્માઈલી કહે છે: ‘પોલ ડાન્સિંગ એક પ્રકારની યોગ-સાધના છે. મલ્લખાંબનો આપણે ત્યાં વર્ષોથી ઉપયોગ થાય છે. ઝાંસીની રાણી, પેશવા, વગેરે ઘણા લોકો શરીરની સ્વસ્થતા માટે મલ્લખાંબ કરતાં. પોલ ડાન્સિંગ પણ એવો જ એક પ્રકાર છે. ફરક માત્ર એ છે કે પોલ ડાન્સિંગ દ્વારા માત્ર મહિલા જ નહીં, પુરુષ પણ પોતાના શરીર, મુદ્રા, વગેરેથી સચેત થાય છે.’

સ્માઈલી પાસે ઘણા લોકો એવા આવે છે, જેમના માટે આ ડાન્સ થેરાપી કે હીલિંગ જેવો સાબિત થયો છે. એ લોકો આ ડાન્સથી ઠીક થયા છે. એમના સંબંધો સુધર્યા છે. આ ડાન્સ થકી સ્ત્રીને પોતાનાં સ્ત્રીત્વનું અને સુંદરતાનું ભાન થાય છે. વળી, આ ડાન્સ થકી સેલ્ફ-કૅરનો અહેસાસ પણ થાય છે.

સ્માઈલી ક્યારેય પોતાની કારકિર્દી બનાવવા પ્રત્યે સ્પષ્ટ રહી નથી. જીવનમાં જે શીખવાની, કશુંક કરવાની તક સાંપડી એમાં એણે વધુ વિચાર્યા વગર ઝંપલાવ્યું છે. ઘણી ઠોકરો ખાધા બાદ પોલ ડાન્સિંગને જ પોતાના જીવનનો સર્વોત્તમ હેતુ માનનારી સ્માઈલીનું બૅકગ્રાઉન્ડ એના જેવું જ દિલચસ્પ છે.

મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં હીના ભટ્ટ-સુરી અને દક્ષ સુરીનાં બે સંતાનમાંની નાની દીકરી એટલે સ્માઈલી. પપ્પાનો વ્યવસાય હોવાને કારણે સ્માઈલી અમદાવાદ, હૈદરાબાદ, ચેન્નઈ, મુંબઈ, બેંગલોર, દિલ્હીની સ્કૂલમાં ભણી. સ્માઈલી ડિસલેક્સિક  હોવાને કારણે એને ભણવામાં ઘણી તકલીફ થતી. માંડ માંડ પાસ થતી સ્માઈલીને ડાન્સમાં ખૂબ રસ પડતો. બેલે ડાન્સ નાનપણથી શીખનારી સ્માઈલી સ્કૂલમાં પણ ઘણા ડાન્સ કાર્યક્રમમાં ભાગ લેતી.

સ્માઈલી કહે છે: ‘૧૩ વર્ષની હતી ત્યારે મેં શામક દાવરના ડાન્સ ક્લાસમાં અલગ અલગ ડાન્સ શીખવાની શરૂઆત કરી. સાતેક વર્ષ શામક સાથે રહીને ઘણું શીખી. દુનિયાભરમાં થતા અનેક કાર્યક્રમોમાં પણ ડાન્સ ટ્રુપમાં ગઈ. ટીચર પણ બની. મજા આવતી મને ડાન્સ કરવામાં. આ એક થેરાપી છે.’

સ્માઈલી જ્યારે ૧૬ વર્ષની હતી ત્યારે એના જીવનમાં અઘટિત બન્યું. એ બાઈક પરથી પડી ગઈ. અડધું શરીર, ચહેરો બધુંય પેરેલાઈઝ્ડ. ઊભાં ન થઈ શકવાની નોબત આવી, છતાં માત્ર આત્મવિશ્ર્વાસ પર એ ફરી ડાન્સ કરતી થઈ. એન.એમ. કૉલેજમાં કૉમર્સના ભણતર દરમિયાન જાણીતા બોલીવૂડ ડિરેક્ટર મહેશ ભટ્ટે સ્માઈલીને અભિનય કરવા કહ્યું. મહેશ ભટ્ટ એના સંબંધી પણ છે. જો કે ત્યારે સ્માઈલીએ ફિલ્મોમાં લેખનકાર્ય શરૂ કર્યું. આસિસ્ટન્ટ ડિરેક્ટર બનીને ભટ્ટસાહેબ, અનુરાગ કશ્યપ, વગેરે સાથે રહીને એ ફિલ્મની પ્રક્રિયા સમજી. ત્યાર બાદ ‘કલયુગ’ નામક ફિલ્મમાં અભિનય કર્યો. સ્માઈલી કહે છે:

‘આ ફિલ્મની સ્ક્રિપ્ટ તેજાબી હતી. એને બ્લ્યુ ફિલ્મ  કહીને બધાએ રિજેક્ટ કરી હતી અને આપણે તો એવાં છીએ કે જે લોકો ન કરે એ પહેલાં કરવું હોય. ‘કલયુગ’ ફિલ્મનો મારો અનુભવ સારો રહ્યો. ફિલ્મ હિટ થઈ અને મને લાગ્યું કે મારી કારકિર્દી શરૂ થઈ.’

જો કે ફિલ્મની ચમકદમકવાળી દુનિયામાં સ્માઈલી વધુ સમય સુધી ગોઠવાઈ ન શકી. ફિલ્મો મળી, પણ સફળતા ન મળી. ખૂબ નાની વયે માતા ગુમાવનારી સ્માઈલીએ આઠેક વર્ષ પહેલાં પિતા અને ત્યાર બાદ નાની પણ ગુમાવ્યાં. ભાઈ મોહિત સુરી દિગ્દર્શનમાં આગળ વધી ગયો. એની ફિલ્મો સફળ થવા લાગી, પણ સ્માઈલી એકલી પડવા લાગી. વચ્ચેનાં વર્ષોમાં કથ્થક, સંદીપ સોપારકર સાથે બોલ રૂમ ડાન્સિંગ, વગેરેની તાલીમ. કાર્યક્રમો પણ કરતી, પરંતુ એક પછી એક અંગતજનોને ગુમાવનારી સ્માઈલી માનસિક રીતે તૂટતી રહી હતી. જીવન આગળ વહી રહ્યું હતું, પણ સ્માઈલીનાં દિલોદિમાગના ઘા એને અંદરથી ખાઈ રહ્યા હતા. આ જ સમયમાં એ વિનિત બગેરાના પ્રેમમાં પડી અને પરણી ગઈ. સ્માઈલી કહે છે:

‘નાજુક સમયમાં તમને એવું જ લાગતું હોય છે કે આ વ્યક્તિ તમને સાચવશે, સમજશે, પ્રેમ કરશે, પણ બે વર્ષમાં જ મને સમજાઈ ગયું કે લગ્ન કરવાનો નિર્ણય ખોટો હતો. હવે અમે અલગ છીએ.’

આ જ સમયમાં સ્માઈલીને નર્વસ બ્રેકડાઉન થયું. એરિયલ ડાન્સ શીખવા માટે દુબઈ ગયેલી સ્માઈલી સૌપ્રથમ વાર પોલ ડાન્સ શીખી અને એ જ પળે એને પોતાના જીવનનો અર્થ મળી ગયો હોય એવું લાગ્યું. સ્માઈલી કહે છે:

‘પોલ ડાન્સ જ મારા જીવનને તારી જશે એવું મને લાગ્યું. એણે મને શક્તિ આપી. મારા જીવનને એકઠું કરવામાં મદદ કરી.’

ત્યાર બાદ સ્માઈલીએ સિંગાપોર જઈને બ્રાસબાર સ્કૂલમાં પોલ ડાન્સિંગનો અભ્યાસ કર્યો. પૈસા ન હોવા છતાં પચાસ એમએમનો પોલ ખરીદ્યો. બે વર્ષ પહેલાં ફરી ભારત આવીને પોલસ્ટાર ઈન્ડિયા ડાન્સ ઈન્સ્ટિટ્યૂટ શરૂ કરી.

શરૂઆતમાં એના પોલ ડાન્સિંગ  શીખવાના પ્રચારની લોકો પર ધારી અસર ન થઈ. લોકોનાં મનમાં પોલ ડાન્સ વિશે ઘણી ખરાબ છાપ હતી, પણ ધીરે ધીરે સોશિયલ મિડિયા થકી આ છાપ ભૂંસવાનો પ્રયાસ સ્માઈલીએ શરૂ કર્યો. આખરે એની પાસે આ ડાન્સ શીખવા સંખ્યાબંધ યુવતીઓ-મહિલાઓ આવવા લાગી.

ઈન્ટરનૅશનલ ડાન્સર મેલા ટેનેરિયો સાથે મળીને સ્માઈલીએ ગયા વર્ષે પોલ કૅમ્પ પણ યોજ્યો. સ્માઈલીની ડાન્સ સ્કૂલમાં બ્રાસ, ક્રોમ, સ્ટીલ અને સિલિકોન પોલ છે. ૧૦૦થી વધુ યુવતી, મહિલા, પુરુષો અને બાળકોને પોલ ડાન્સ શીખવનારી સ્માઈલી કલાકના અહીં હજાર રૂપિયા ફી પેઠે લે છે. સ્માઈલી કહે છે: ‘પોલ ડાન્સના ઘણા ફાયદા છે. વજન તેમ જ કમરના ઈંચ ઘટે છે. કમર સુડોળ બને છે. ડિપ્રેશન તથા અનિદ્રામાંથી પણ તમે બહાર આવી શકો છો. માઈન્ડ, બૉડી સોલ પર કામ થાય છે અને સૌથી વધુ મહત્ત્વનો ફાયદો એ થાય છે કે તમે તમારી જાતના પ્રેમમાં પડો છો.’

સ્માઈલી પોલસ્ટાર શક્તિપીઠ  ભારતભરમાં અને વિદેશમાં શરૂ કરવા માગે છે, જ્યાં મલ્લખાંબ, પોલ, એરિયલ, જિમ્નેસ્ટિક, સેલ્ફ ડિફેન્સ, માર્શલ આર્ટ શીખવવામાં આવે. એ માને છે કે એક સશક્ત મહિલા જ બીજી મહિલાને સશક્ત બનાવી શકે છે. શક્તિ ફોજ  બનાવીને સ્માઈલી દરેકને જીવનમાં આવતા પડકારો સામે લડતાં શીખવવા માગે છે. આ ઉપરાંત, અભિનય પ્રત્યેનો પ્રેમ હજી પણ જીવિત હોવાને કારણે નાટકો, વેબસિરીઝ અને ફિલ્મોમાં પણ સ્માઈલીને અર્થપૂર્ણ કામ કરવું છે.

અહેવાલઃ માનસી શ્રોફ

તસવીરોઃ દીપક ધુરી