અલવિદા, અહેમદભાઇ!

દેશભરના કોંગ્રસીઓ માટે નવી દિલ્હીના 10, જનપથનું સરનામું સૌથી શક્તિશાળી ગણાય છે, પણ એ સરનામે પહોંચવા માટે દિગ્ગજ કોંગ્રેસીઓએ પણ ‘23, મધર ટેરેસા ક્રેસન્ટ’ એ સરનામે થઇને જવું પડતું એટલું શક્તિશાળી સરનામું હતું એ.

હતું એટલા માટે કે, આ સરનામે મધ્યરાત્રિએ પણ જોવા મળતી વીવીઆઇપીઓની અવર-જવર જેમને મળવા માટે થતી એ શખ્સિયતે ગઇ મધ્યરાત્રિએ આ દુનિયામાંથી જ વિદાય લઇ લીધી છે.

હા, નવી દિલ્હીની પાવર ગેલેરીમાં એપી અને ગુજરાતના અંગરંગ વર્તુળોમાં બાબ્બભાઇ નામે ઓળખાતા કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસને તો ક્યારેય ન પૂરી શકાય એવી ખોટ પડી જ છે, પણ દેશના રાજકીય આકાશમાંથી પણ એક તેજસ્વી તારો ખરી પડયો છે. એક એવો તારો, જે પોતાની અજાત રાજકીય શત્રુતા, રાજકીય તેજસ્વીતા અને સાલસ વ્યક્તિત્વ માટે હંમેશા યાદ કરાશે.

ભરૂચ જિલ્લાના પિરામણ ગામે જન્મેલા અને 1977 માં પહેલી વખત ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટાઇને સંસસભ્ય બનેલા અહેમદ પટેલ ત્રણ વખત લોકસભામાં અને છ ટર્મ સુધી રાજ્યસભામાં સભ્ય બની રહયા. યુવાન વયે ગુજરાત કોંગ્રેસમાં વિવિધ પદ પર રહયા પછી મોટાભાગે રાષ્ટ્રીય રાજકારણમાં જ સક્રિય રહયા. એમના નિધન પછી કોંગ્રેસે અહેમદ પટેલ, ઓસ્કાર ફર્નાન્ડીઝ અને અરુણ સિંહ 1985 માં સંસદીય સચિવ તરીકે શપથ લેતા હતા એ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર સોશિયલ મિડીયામાં શેર કરી છે. એ સમયે અમર, અકબર, એન્થની તરીકે ઓળખાતી આ જોડીમાંથી અહેમદભાઇ છેક સુધી કોંગ્રેસ અને ગાંધી પરિવારને વફાદાર રહયા. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને પછી સોનિયા ગાંધી એમ ગાંધી પરિવારની ત્રણ પેઢી સુધી એમને રાજકીય પડછાયો બનીને રહયા. સોનિયા ગાંધીએ એટલે જ એમને આપેલી ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિમાં એમને ‘અ ફ્રેન્ડ’ ગણાવ્યા છે.

 

પાવરફૂલ પટેલસાહેબ

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સચિવ તરીકે અને પછી છેલ્લે કોંગ્રેસના ખજાનચી તરીકે અહેમદ પટેલ યુપીએ સરકાર વખતે દેશના ત્રીજા નંબરના મોસ્ટ પાવરફૂલ વ્યકિત હતા. નવી દિલ્હીમાં એમના નિવાસસ્થાને મોડી રાત સુધી કોંગ્રેસશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓથી માંડીને, ઉદ્યોગગૃહોના વડાઓ, પાવરફૂલ લોકોથી માંડીને ગુજરાતના ગામડામાંથી આવેલા કોંગ્રેસના સામાન્ય કાર્યકર્તાઓની ભીડ એમને રાજકીય પાવર દર્શાવતો, પણ આમ છતાંય આટલી લાંબી રાજકીય કારકિર્દીમાં એમણે ક્યારેય કોઇ પ્રધાનપદું કે પદ ભોગવવાની ઇચ્છા જતાવી નહોતી. યુપીએ સરકારમાં એ ધારે ત્યારે, ધારે એ ખાતાની પ્રધાન બની શકે એણ હતા. એકવાર એમને પીએમઓમાં મિનિસ્ટર બનાવવાની વાત ય થયેલી, પણ એમણે હંમેશા પરદાની પાછળ રહેવાનું પસંદ કર્યું. રાજકીય સંકટ વખતે એ કાયમ સોનિયા ગાંધીના, કોંગ્રેસના અને યુપીએના ફાયર-ફાઇટર બની રહયા.

મૃદુભાષી, સાલસ વ્યક્તિત્વ

રાજકીય રીતે શક્તિશાળી હોવા છતાં અહેમદ પટેલ વ્યક્તિગત રીતે અત્યંત મૃદુભાષી અને સાલસ વ્યક્તિત્વના માલિક હતા. કોંગ્રેસના નાનામાં નાના કાર્યકર્તાને પણ એમને મળવામાં ભાર ન લાગે. પદનો કોઇ અહંકાર નહીં. ગુજરાતનો કોઇપણ કોંગ્રેસી કાર્યકર્તા નવી દિલ્હીમાં એમના ઘરે જાય અને પટેલસાહેબ વીવીઆઇપીઓથી ઘેરાયેલા હોય તો પણ એને નિરાશ થવાનો વારો ન જ આવે. પટેલસાહેબ સામેથી એમને મળે, ખબરઅંતર પૂછે અને ‘ચાય’ પીવડાવીને જ જવા દે.

ગુજરાત કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ જેવા એમના અંગત ગણાતા કેટલાક અગ્રણીઓ માટે તો દિલ્હીમાં એમનું આ નિવાસસ્થાન ‘જાગરણની જગ્યા’ હતી. રાત્રે ભેગા થવાનું હોય તો ‘જાગરણની જગ્યા’એ આવી જજો એવા કોર્ડવર્ડમાં એકબીજાને સંદેશાઓ પહોંચી જતા!

લોકોના હદયમાં રહયા

અહેમદ પટેલ ભરૂચ લોકસભાની ચૂંટણી હાર્યા પછી ક્યારેય ચૂંટણીના રાજકારણમાં ન પડયા. હંમેશા રાજ્યસભામાં ચૂંટાતા રહયા એટલે લોકસમુદાયના નેતા ન બન્યા, પણ પોતાના વાણી, વર્તન અને વ્યક્તિત્વથી એ એક સારા માણસ તરીકે લોકોના હદયમાં ચોક્કસ રહયા.

હા, ગુજરાતના મુદ્દાઓ, પ્રશ્નો માટે એ સંસદસભ્ય તરીકે હંમેશા સજાગ રહયા. પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને પણ એમણે ગુજરાતના હિતને પ્રાધાન્ય આપ્યું. એમનો બહુ ઓછો જાણીતો એક કિસ્સો છે. વર્ષ 2006 માં નર્મદાના મુદ્દે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં 51 કલાકના ઉપવાસ પર બેઠા હતા ત્યારે કેન્દ્રમાં યુપીએ સરકારમાં સૈફુદ્દીન સોઝ જળસંપત્તિ મંત્રી હતા. નર્મદા કંટ્રોલ ઓથોરિટી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું ઘર્ષણ ચરમસીમાએ હતું એ કપરા સંજોગોમાં અહેમદ પટેલે રાજકીય પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને સૈફુદ્દીન સોઝ પાસે નર્મદા બંધનું કામ નહીં અટકે એ મતલબનું નિવેદન કરીને મામલો થાળે પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. લક્ષદ્વીપમાં બંધક બનેલા ગુજરાતી પ્રવાસીઓને છોડાવવા માટે ગૃહ મંત્રીના ઘરે આખી રાત બેસીને એમણે કરેલી મહેનતને ગુજરાત ભૂલી ન શકે.

વ્યાપક સ્વીકૃતિ

અહેમદભાઇનું વ્યક્તિત્વ બધાને ગમી જાય એવું સરળ અને નિખાલસ હતું. એમની રાજકીય કારકિર્દીની એક બાબતની નોંધ લોકોએ બહુ લીધી નથી. મુસ્લિમ સમુદાયમાંથી આવતા હોવા છતાંય એ ક્યારેય કોંગ્રેસનો માઇનોરિટી ચહેરો નહોતા. એમણે પોતાની જાતને એક લીડર તરીકે ક્યારેય કોઇ ધર્મ કે કોમના ચોકઠામાં ફીટ ન થવા દીધી એ કદાચ એમની સૌથી મોટી રાજકીય સફળતા હતી. વ્યક્તિગત રીતે એ ગુજરાતમાં રાજકીય કાર્યકરોથી માંડીને, વેપારીઓ, બિઝનેસગૃહો કે સરકારી અધિકારીઓ બધામાં સ્વીકૃત હતા. ઉલ્ટાનું, ગામમાં બધા પ્રેમથી એમને બાબુભાઇ કે બાબ્બભાઇ કહીને બોલાવતા.

એક નાનકડી, પણ એમના વ્યક્તિત્વના પાસાંને ઉજાગર કરતી મહત્વની વાત છે. થોડાક વર્ષ પહેલાં વડોદરા નજીકના એક ગામમાં કોંગ્રેસી નેતા મુસ્લિમ ધર્મગુરૂ કદીર પીરઝાદાએ ગૌશાળા માટેનો એક કાર્યક્રમ યોજેલો. મોરારિબાપુ અને લેખક ગુણવંત શાહની સાથે અહેમદભાઇ પણ સ્ટેજ પર મહેમાનની રૂએ હાજર હતા. બધાએ સ્ટેજ પર એન્ટ્રી લીધી ત્યારે એકમાત્ર અહેમદ પટેલ એવા હતા, જેમણે બાપુની હાજરી અને કાર્યક્રમના હાર્દને સમજીને સ્ટેજ પર આવતાં પહેલાં પોતાના ચપ્પલ બહાર ઉતાર્યા હતા!

હું પણ દિલ્હીનો ગુજરાતી જ છું…

રાજકારણીઓને રાજકીય પદ ઉપરાંત સામાજિક-ધાર્મિક કે વિવિધ સંગઠનોમાં હોદ્દા ભોગવવાની અને એ રીતે સંગઠનનો રાજકીય ઉપયોગ કરવાની બહુ ભૂખ હોય, પણ અહેમદ પટેલ એમાંય અપવાદ હતા. લો-પ્રોફાઇલ રહીને આવા સંગઠનોને મદદ ખૂબ કરતા, પણ એના કાર્યક્રમોમાં ખુરશી પર બેસવાના અભરખા ક્યારેય ન રાખતા.

વર્ષ 2011 માં ચિત્રલેખાની ડાયમંડ જયુબિલી વખતે નવી દિલ્હીમાં પોસ્ટલ સ્ટેમ્પ રિલીઝ થઇ એ વખતે ચિત્રલેખા અને દિલ્હી ગુજરાતી સમાજે સાંજે ગુજરાતી નાટકનો કાર્યક્રમ રાખેલો. કાર્યક્રમ માટે નહીં, પણ નાટક જોવાની ઇચ્છાથી એ મેમુનાબેગમ સાથે ખાસ આવેલા. ગુજરાતી સમાજના અગ્રણીઓ સાથે વાતચીત કરીને સમાજની પ્રવૃત્તિઓ વિશે વધારી જાણકારી મેળવતી વખતે એમણે એકદમ નમ્રતાથી કહયુઃ ‘હું ય દિલ્હીમાં રહેતો ગુજરાતી છું તો હું સભ્ય બની શકું?’

ગુજરાતી સમાજ માટે તો આ સામેથી મળતું સમ્માન હતું, પણ અહેમદભાઇએ તરત જ પોતાના પોકેટમાંથી રૂપિયા કાઢીને ધરાર ફી ભરીને સામાન્ય સભ્યપદ લેવાનો જ આગ્રહ રાખ્યો. એ પછી ય એમણે ક્યારેય સમાજમાં પોતાનું પ્રભુત્વ વધારીને રાજકીય ઉપયોગ કરવાનો પ્રયત્ન ન કર્યો. ગુજરાતી તરીકે એ સામાન્ય સભ્ય બનીને જ રહયા.

આવો એક ગુજરાતી આજે ગુજરાતે ગુમાવ્યો છે. ગુજરાત એમને એમના આ આભિજાત્ય માટે કાયમ યાદ કરશે. અલવિદા, બાબ્બભાઇ!

(કેતન ત્રિવેદી)