તમને નીની લાવી દેશે આ રૉબોટ ઓશિકું!

લાગે છે કે આવનારા દિવસોમાં આપણી આજુબાજુ રૉબોટની ભરમાર હશે. તમારા ઘરમાં કામવાળા તરીકે, છાપાં નાખવા આવનાર તરીકે, દૂધ દેવા આવનાર તરીકે રૉબોટ હશે. પરંતુ શું તમે જાણો છો કે સૂવા માટેનું ઓશિકું પણ રૉબોટના રૂપમાં હોઈ શકે?

આ ઓશિકું શ્વાસ લે છે. એવું લાગે છે કે છાતી લયબદ્ધ રીતે ઉપર અને નીચે થાય છે. જાણે વ્યક્તિ વશીભૂત થઈ હોય (હિપ્નૉટાઇઝ થઈ હોય) તેમ. આ ૧.૮ કિલોગ્રામનું ઓશિકું છે. આ ઓશિકાની કંપની દાવો કરે છે કે જો તમે રાત દરમિયાન આ રૉબોટને પીઠની તરફથી લપેટી લો તો તમને સારી ઊંઘ આવશે. આ રૉબોટ હજારો વર્ષોની બૌદ્ધ શ્વાસ લેવાની ટૅક્નિક પર બન્યો છે.

આરોગ્ય વિજ્ઞાન મુજબ, ઊંઘ માટે શ્વાસ ધીમા પડવા અને એકસમાન હોવા જરૂરી છે. જાડા કૂતરાની જેમ તમે ક્રોધિત થયેલા હો તો તમને ઊંઘ આવવી મુશ્કેલ છે. અનિદ્રાવાળા દર્દીઓને રાત્રે પથારીમાં જવાની બીક લાગતી હોય છે. બીકથી શ્વાસનો દર વધે છે. તેના કારણે તેમને ઊંઘ આવવામાં મુશ્કેલી પડે છે. આ જ રીતે તણાવ, ચિંતા કે હતાશા હોય તો પણ આવું થાય છે. પરંતુ રૉબોટ ઓશિકું બનાવનાર કંપની સૉમનોક્સના કહેવા મુજબ, તમારે આ સૉમનોક્સ રૉબોટને પકડવાનો છે. તેના લીધે તમને ખબર પણ નહીં પડે અને તમારા શ્વાસોચ્છવાસ ધીમા પડી જશે અને ધીમેધીમે એક લયમાં આવી જશે. તમે ક્યારે ઊંઘી જશો તેની તમને ખબર પણ નહીં પડે.

સૉમ્નૉક્સ બનાવવા માટેનું કામ નેધરલેન્ડની ડેલ્ફ્ટ યુનિવર્સિટી ઑફ ટૅક્નૉલૉજીમાં વર્ષ ૨૦૧૫માં શરૂ થયું હતું. સૉમનૉક્સના સહ સ્થાપક જુલિયન જગ્ટેનબર્ગના કહેવા પ્રમાણે, “અમે રૉબોટિક્સ એન્જિનિયર છીએ. અમને પોતાને જ ઊંઘવાની તકલીફ હતી. અમે પહેલાં તો અમારી જાતને ઊંઘવામાં મદદ માટે નરમ રૉબોટિક નમૂનો બનાવ્યો. અમને તેનાથી ઝડપથી ઊંઘ આવી અને અમે લાંબો સમય સૂઈ શક્યા. ઘણા એવા લોકો હતા જેમને ઊંઘવામાં તકલીફ હતી તેઓ અમારી પાસે આવવા લાગ્યા. તે પછી અમે વિચાર્યું કે આ માત્ર એકેડેમિક પ્રૉજેક્ટ ન હોઈ શકે.”

ડૉ. ઍન્ડ્રુ વૅઇલે વર્ષ ૨૦૧૫માં ૪-૭-૮ની શ્વાસ લેવાની પદ્ધતિ લોકપ્રિય બનાવી હતી અનેતે પછી ઇન્ટરનેટ પર બહુ ચાલી હતી. શ્વાસોચ્છવાસ જ શરીરને વિશ્રામ આપી શકે છે. અને વિશ્રામના લીધે જ ઊંઘ આવે છે. આવી જ પદ્ધતિ તણાવ ઘટાડી ઊંઘ લાવે છે. આમ તો આ પદ્ધતિ ભગવાન શિવે આપેલા યોગનું જ સ્વરૂપ છે. યોગમાં અનુલોમ વિલોમ પ્રાણાયામ આવે છે જેમાં તમારે કેટલીક સેકન્ડ શ્વાસ અંદર ભરવાનો હોય છે. તે પછી તેનાથી અનેક સેકન્ડ સુધી તેને અંદર ટકાવી રાખવાનો હોય છે. ત્યાર બાદ તેને અનેક સેકન્ડ સુધી બહાર કાઢવાનો હોય છે. આ પ્રમાણ ૧-૨-૪ હોઈ શકે છે.

જગ્ટેનબર્ગના કહેવા પ્રમાણે, “ઘણા લોકોને આ પ્રકારે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે કારણકે તેમ કરવા માટે તમારે બહુ ધ્યાન આપવું પડે છે અને શિસ્તબદ્ધ રહેવું પડે છે.” આથી જો સૉમ્નૉક્સ દ્વારા તમને આપોઓપ તે કરી દેવામાં આવે અને તમને તમારા શ્વાસ તમારા અજાણતા નિયમિત થઈ જાય તો તેનાથી રૂડું શું?

આમેય લોકોને હવે બધું તૈયાર ભાણે જોઈએ છે. પોતે કરે તે કરતાં કોઈ યંત્ર કરાવે તે તેમને ગમે છે. પોતે બહાર ખુલ્લી હવામાં દોડવા જાય તે કરતાં ટ્રેડ મિલ પર આપોઆપ દોડવા મળે તે તેમને ગમે છે.

૧૯૯૫માં કનેક્ટિકટ યુનિવર્સિટી દ્વારા એક અભ્યાસમાં સૂચવાયું હતું કે જે શિશુઓ બ્રેથિંગ બીયર સાથે સૂતાં હતાં (આ બ્રેથિંગ બીયર વેચવા માટે નહોતું) તેમનામાં ધીમા અને વધુ નિયમિત શ્વાસોચ્છવાસ હતા. આ સાધને બાળકોમાં શ્વાસ ધીમા કરી દીધા અને તેમને ઉંઘાડી દીધા, કારણકે બાળકો નકલ કરતાં હોય છે. તેમણે તેની નકલ કરી અને શ્વાસ ધીમા લીધા. વર્ષ ૨૦૦૩માં અનુવર્તન અભ્યાસમાં જણાયું કે બ્રેથિંગ બીયરવાળાં બાળકોમાં સારી ઊંઘના કારણે સારો મિજાજ આવ્યો હતો.

સૉમ્નૉક્સને આશા છે કે તેના આ ઉત્પાદનની આવી જ અસર થશે. આ ઉત્પાદનને તમે સ્માર્ટ પિલૉ પણ કહી શકો છો. અને જેમ જેમ તેમાં સૉફ્ટવેર અપડેટ થશે તેમ તેમ તે વધુ સ્માર્ટ બનતું જશે. શરૂઆતમાં તો તેમાં ધ્યાનનું સંગીત વાગે છે, હૃદયના ધબકારાના તાલ વાગે છે. ઑડિયો બુક પણ તેમાં છે. બ્લુટૂથની મદદ વડે તમારા ઍન્ડ્રૉઇડ કે આઈઓએસ ફૉન પર સૉમ્નૉક્સ ઍપ સાથે તમે જોડાઈ શકો છો અને તેના વડે તમે સૉમ્નૉક્સના શ્વાસના દરને ધીમા કે વધુ કરી શકો છો. ઉત્પાદનને તરતું મૂક્યા પછી સૉમ્નૉક્સે ગયા વર્ષે બે સૉફ્ટવેર અપડેટ આપવાનું આયોજન કર્યું હતું જેમાં સવારે ઉઠવા માટે એલાર્મનો સમાવેશ થાય છે. એલાર્મમાં કર્કશ અવાજના બદલે કાનમાં મધુર અવાજ સંભળાય તેવી વ્યવસ્થા વિચારાઈ હતી. બીજું અપડેટ એ હશે કે તે પહેરી શકાય તેવા ફિટનેસ સાધન સાથે જોડાશે અને જો તમારો દિવસ તણાવપૂર્ણ ગયો હશે તો તે પકડી પાડશે અને પછી તમને રાત્રે સારી ઊંઘ આવે તે માટે તમારા શ્વાસનો લય બદલાવે છે. છે ને સારી વાત?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]