જમ્મૂમાં બસ પર થયો હુમલો, ગ્રેનેડ એટેકમાં 28 લોકો ઘાયલ

જમ્મૂઃ હાઈ એલર્ટ પર રહેલા જમ્મૂમાં આજે એક બસ સ્ટેન્ડ પર બસમાં બ્લાસ્ટ થવાથી 28થી વધુ લોકો ઘાયલ થયાં છે. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભીડ વાળા વિસ્તારમાં આવેલા બસ સ્ટેશનમાં એક બસ પાસે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે ત્યાં ઉપસ્થિત 26થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરાવી દેવામાં આવ્યા છે. પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એક સંદિગ્ધ હુમલાખોરે ગ્રેનેડથી હુમલો કર્યો અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદથી આખા રાજ્યમાં હાઈ એલર્ટ છે અને આજે જમ્મૂમાં બસ સ્ટેન્ડ પર થયેલા બ્લાસ્ટ બાદ ગુપ્તચર એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બ્લાસ્ટમાં ચાઈનીઝ ગ્રેનેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર પહેલા પણ આ વિસ્તાર આતંકીઓના નિશાના પર રહ્યો છે. અત્યારે ઘટનાસ્થળને સુરક્ષા કર્મચારીઓએ ઘેરી લીધો છે અને તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર તપાસમાં સામે આવ્યું છે કે આ બ્લાસ્ટનો ઉદ્દેશ્ય સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનો હતો. ત્યારે આવા સમયે પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું છે કે અફવાઓ પર ધ્યાન ન આપવું.

પ્રશાસને જમ્મૂ-કાશ્મીરની જનતાને શાંતિ રાખવા અપિલ કરી છે. ગ્રેનેડ બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે આસપાસની અન્ય પણ ઘણી બસોને નુકસાન પહોંચ્યું છે. આપને જણાવી દઈએ કે પુલવામાં હુમલા બાદથી રાજ્ય પ્રશાસન અને તમામ સુરક્ષા એજન્સિઓ એલર્ટ છે.