મુંબઈ-પુણે વચ્ચે હાઈપરલૂપ સિસ્ટમ: મહારાષ્ટ્ર, વર્જિન ગ્રુપ વચ્ચે સમજૂતી

મહાનગર મુંબઈ અને પુણે શહેર વચ્ચે એક અત્યાધુનિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શરૂ કરવા માટે ઓનગ્રાઉન્ડ પેસેન્જર ટ્રાવેલનું સુપરસોનિક સ્પીડવાળું માધ્યમ ડેવલપ કરતી બ્રિટનની એક કંપનીએ મહારાષ્ટ્ર સરકાર સાથે ઈન્ટેન્ટ એગ્રીમેન્ટ કર્યો છે. આ અનોખી ટ્રેન સુવિધા શરૂ થઈ ગયા બાદ બંને શહેર વચ્ચેનું અંતર ત્રણ કલાકને બદલે માત્ર 20-મિનિટમાં જ પૂરું કરી શકાશે.

વર્જિન ગ્રુપની વર્જિન હાઈપરલૂપ વન (વીએચઓ) કંપનીના ચેરમેન રિચર્ડ બ્રેન્સન મેગ્નેટિક મહારાષ્ટ્ર શિખર સંમેલન માટે હાલ મુંબઈ આવ્યા છે. એમણે આજે જણાવ્યું કે હાઈપરલૂપ સિસ્ટમ માટેનો રૂટ મુંબઈથી સૂચિત નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માર્ગે થઈને પુણે સુધીનો રહેશે.

આ સિસ્ટમ માટેનું ભાડું કેટલું હશે એ કહેવું હાલ વહેલું ગણાશે, પરંતુ એ લગભગ વિમાન ભાડા જેટલું હશે.

બ્રેન્સનનું કહેવું છે કે, હાઈપરલૂપ સેવાથી અકસ્માતોની સંખ્યા ઘટી જાય છે. અમારા એન્જિનિયર્સની ટીમ્સ આ રૂટ માટેનો અભ્યાસ કરી રહી છે.

અધિકારીઓનું કહેવું છે કે અંતિમ ફિઝિબિલિટી રિપોર્ટ છ મહિનામાં પૂરો થઈ જશે. ટેસ્ટ ટ્રેકનું બાંધકામ 2019ના આરંભમાં શરૂ કરી શકાશે અને 2021ના અંત સુધીમાં પૂરું થઈ જશે. જો પરીક્ષણો સફળ રહેશે તો ચાર વર્ષમાં સમગ્ર મુંબઈ-નવી મુંબઈ-પુણે ટ્રેક બાંધી શકાશે.

શું છે હાઈપરલૂપ?

  • હાઈપરલૂપ એ હાઈ-સ્પીડ ટ્રાવેલ સિસ્ટમ છે, જે આપણી પ્રવાસની પદ્ધતિમાં ક્રાંતિ લાવી શકે છે.
  • હાઈપરલૂપ ટ્રેન ભારતમાં પહેલી જ વાર ચલાવવામાં આવશે. આ દુનિયાની પહેલી જ હાઈપરલૂપ ટ્રેન હશે.
  • હાઈપરલૂપ ટ્રેન બનાવવાની ટેક્નોલોજી અલગ પ્રકારની હોય છે. એ બનાવવા માટે ચુંબકીય શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર બેસાડવામાં આવેલા થાંભલાઓની ઉપર એલિવેટેડ પારદર્શક ટ્યૂબ હોય છે જે દેખાતી નથી.
  • હાઈપરલૂપ ટ્રેનનું નિર્માણ એકદમ બુલેટ ટ્રેન જેવું હોય છે. આવી ટ્રેન હવામાં જાણે તરતી હોય એવી દેખાય છે.
  • હાઈપરલૂપ ટ્રેનની ક્ષમતા 1000 કિલોમીટર પ્રતિ કલાકની ક્ષમતા રહેલી છે, પરંતુ સૂચિત મુંબઈ-પુણે રૂટ ઉપર માટે તો માત્ર 350 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હશે. એ સ્પીડ ભવિષ્યમાં 600-1000 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારી શકાશે.
  • વર્જિન ગ્રુપે મુંબઈ-પુણે વચ્ચે હાઈપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ બાંધવા માટે મહારાષ્ટ્ર સરકાર સાથે કરાર પર સહીસિક્કા કરી લીધા છે.
  • આ લૂપ સેવા દર વર્ષે 15 કરોડ જેટલા પ્રવાસીઓને અવરજવર કરાવશે.
  • પ્રથમ હાઈપરલૂપ રૂટ મધ્ય પુણે અને મુંબઈને જોડશે. વચ્ચે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ કનેક્ટ કરશે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]