કેનેડાના વડાપ્રધાન ગાંધીઆશ્રમની મુલાકાતે

અમદાવાદઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અહીં પરિવાર સાથે તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. જસ્ટીન ટ્રુડોએ પોતાની પત્ની અને બાળકો સાથે ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી અને સાથે જ રેંટીયો પણ કાંત્યો હતો. (તસવીર- પ્રજ્ઞેશ વ્યાસ)

‘‘ગાંધી આશ્રમ એ શાંતિ – માનવતા અને સત્યનું અનુપમ સ્થળ છે. જે સાંપ્રત સમયમાં પણ એટલું જ જરૂરી છે.’’ તેમ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ આજે તેમની સાબરમતી આશ્રમની મુલાકાત પ્રસંગે જણાવ્યું હતું. ગુજરાતના મોંઘેરા અતિથિ અને કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો આજે સપરિવાર સાબરમતી આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે આશ્રમના ટ્રસ્ટ્રી મંડળના સભ્યોએ સુતરની આંટી પહેરાવી તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તેમણે સાબરમતી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી સુતરની આંટી પહેરાવી હતી. તેમણે ગાંધીજીના જીવન કવન પ્રદર્શિત કરતું પ્રદર્શન નિહાળ્યું હતું તથા આશ્રમની મુલાકાત પુસ્તિકામાં તેમણે સાંપ્રત સમયમાં પણ શાંતિ – માનવતાને જરૂરી ગણાવી હતી. જ્યારે તેમની સાથે આવેલી તેમની પુત્રી એલા અને પુત્ર ઝેવીયરે ગાંધી આશ્રમની તેમની મુલાકાતને અદભૂત અનુભવ ગણાવીને આભારની લાગણી વ્યક્ત કરી હતી.

ગાંધીઆશ્રમના હ્રદયકુંજના ઓટલા પર બેસી તેમણે તેમના પરિવાર સાથે અલૌકિક ક્ષણો માણી હતી. આ પ્રસંગે તેમની સાથે ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.