નોટ આઉટ@ 96: મંદાકિનીબહેન પટ્ટણી

નવરાત્રીમાં નાગરી-નાતની શાન ગણાતા બેઠા-ગરબાની રમઝટ આજે 96 વર્ષની ઉંમરે પણ આનંદથી બોલાવતા મંદાકિનીબહેન પટ્ટણીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ જામનગરમાં, પાંચ બહેન, બે ભાઈનું બહોળું, ભણેલું કુટુંબ. પિતા ડોલરભાઈ બુચ,લાઠી અને મોરબીમાં દિવાન. આઝાદી પછી જામનગર સ્ટેટના કલેક્ટર અને ચીફ-સેક્રેટરી ઓફ સૌરાષ્ટ્ર-સ્ટેટ. વળી વીરબાઈમા મહિલા કૉલેજ ટ્રસ્ટના ચેરમેન. ડોલરભાઈ એ જમાનામાં બીએ,એલએલબી, પ્રમોટેડ IAS ઓફિસર. કુટુંબમાં બીજા 10 IAS ઓફિસર!

મંદાકિનીબહેનનું પ્રાથમિક-શિક્ષણ લીમડી, લાઠી, મોરબીમાં. ૧૯૪૩માં મેટ્રિક થયા. ૧૯૪૪માં તેમના લગ્ન. લગ્નના ૧૦ વર્ષ પછી SNDTમાંથી BA કર્યું! બે દીકરી અને એક દીકરાથી ઓપતું લગ્ન-જીવન. M.Sc (Tech) પતિની પોલીટેકનિક-કૉલેજની નોકરી ભાવનગર (૨૨ વર્ષ), અમદાવાદ અને વલસાડમાં, નિવૃત્ત થયા (પ્રિન્સીપાલ, ગવર્ન્મેન્ટ પોલીટેકનિક, વલસાડ). પોતે આજીવન ગૃહિણી. (દીકરીઓ અમદાવાદ, મુંબઈ અને દીકરો સિંગાપુર).

નિવૃત્તિની પ્રવૃત્તિ :

છ વાગે ઊઠે, થોડી કસરત કરે, થોડીવારે લીંબુ-પાણી. પછી ચા અને છાપુ! છાપામાં સુડોકુ અને શબ્દ-રમતો ખાસ રમે. જાતે રસોઈ બનાવી 11:30 વાગે જમી લે. ‘ટાઈમ-પાસ’ મેગેઝીન તેમનું પ્રિય! બપોરે પુસ્તકો વાંચે, સીવણ કામ કરે. 15-20 દિવસે એકાદ વાર ઘરઘંટી ચલાવે. સાંજે રસોઈ કરી ટીવી જુએ અને થોડું ચાલવા જાય. તેમને નવરા બેસવું બિલકુલ ગમે નહીં!

શોખના વિષયો :

વાંચવું બહુ ગમે! MJ પુસ્તકાલયમાંથી દર 15 દિવસે ચાર ચોપડીઓ લાવે! સિલાઈ, નીટીંગ, ભરત-કામ એવું બધું પણ બહુ ગમે. ઘરમાં  બધી ખુરશીનાં કવર, પડદા, ઓશિકાનાં કવર… બધું જાતે સીવેલું છે. મહિલા-મંડળનાં સભ્યો અને બહેનોને તેમને ત્યાં આવવાનું ખાસ આકર્ષણ, ઘરના બનાવેલા નાસ્તા મળે! શબ્દ-રમતો રમવાનો અને શબ્દકોશનો ઉપયોગ કરવાનો શોખ ઘણો! હવે તો GOOGLE ઉપર બધું જ શોધતાં આવડી ગયું છે એટલે GOOGLEનો ઉપયોગ કરવો પણ ગમે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

તબિયત બહુ સરસ છે. બીપી નથી, કોલેસ્ટ્રોલ નથી, કોઈ દવા નથી! 25 વર્ષ પહેલાં, અકસ્માત થયો હતો, આજે વિલપાવરથી જ ઊભી છું! મારો મોટામાં-મોટો રોગ શરદી! ખોરાક ખૂબ ઓછો છે, જંક-ફૂડ બિલકુલ ખાતી નથી. ઘરનો ખોરાક લઉં છું અને રોજ એક ગ્લાસ લીંબુનું શરબત પીવું છું.

યાદગાર પ્રસંગ:

લગ્નનાં ૧૦ વર્ષ પછી, બીએ પાસ થયાં. કુટુંબમાં પહેલા મહિલા-ગ્રેજ્યુએટ! ઘરમાં તો આનંદ-આનંદ છવાઈ ગયો! સસરાએ ગર્વભેર ચાંદીની કંકાવટી ભેટ આપી તે યાદ છે!

બીજો યાદગાર પ્રસંગ:

ભાવનગરના ‘સ્વાતિ નારી સંમેલન મંડળ’ તરફથી તેમના હસ્તે રાજ્યના મુખ્ય-પ્રધાન હિતેન્દ્રભાઈ દેસાઈને એમ્બ્યુલન્સ આપવામાં આવી!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટીવી, મોબાઇલ, WHATS’APP વગેરે તો વાપરે જ છે,  GOOGLEનો ઉપયોગ પણ ઘણો કરે છે. તેમની પાસે એક નાનો મોબાઈલ હતો તે ચોરાઈ ગયો. પૌત્રએ  મોટો મોબાઈલ ભેટ આપ્યો. તેમને થયું: આટલો સરસ મોબાઇલ આપ્યો છે તો એનો ઉપયોગ કરતાં તો શીખવું જ પડે ને?  પૌત્રએ આપેલા નવા મોબાઈલનો ઉપયોગ કરવા માટે તેઓ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતાં શીખ્યાં. વાર્તાઓ વગેરે પણ ઓનલાઇન વાંચે છે. છેલ્લા બે વર્ષમાં તો ઓનલાઇન કેટલું બધું કામકાજ કર્યું કે ટેકનોલોજી માટે ખૂબ જ પોઝિટિવ છે. પહેલા તો કેટલા વખતે ટપાલ પહોંચે જ્યારે હવે તો બધાં સાથે રોજ વાત થઈ શકે છે! શબ્દકોશ ઓનલાઈન બહુ જ ઉપયોગી વસ્તુ છે! પણ નાનાં બાળકોને મા-બાપ મોબાઇલ રમવા આપી દે છે તે તેમને બહુ ગમતું નથી.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

તેઓ નાનાં હતાં ત્યારે ઘરમાં પંખો પણ ન હતો! લાઠી, લીમડી, મોરબીમાં મહિલા શિક્ષણ માટે બહુ તકલીફ હતી જ્યારે અત્યારે તો ભણવા માટે કેટકેટલી સગવડ છે! સંપ અને સોંઘવારી હતાં, જો કે પગાર પણ ઓછા હતા! આજે પૈસા છે પણ કુટુંબભાવના નથી.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?

કુટુંબનાં બધાં બાળકો મારાં ફ્રેન્ડ! પૌત્રનો ફોન પરદેશથી આવે તો અડધો કલાક વાત કરે! પૌત્ર-પૌત્રીને એમણે જ મોટાં કર્યાં છે એટલે તેમની સાથે લગાવ વધુ છે. કોવીડ સુધી દર વર્ષે એકલા સિંગાપુર જતાં. આજકાલનાં યુવાનોમાં હોશિયારી વધી છે. તેઓ મા-બાપની આંગળી પકડીને ચાલતાં નથી, પણ સ્વતંત્ર નિર્ણયો લે છે.

સંદેશો :

યુવાનો ભણી-ભણીને પરદેશ જતાં રહે છે તે ગમતું નથી. યુવાનોએ દેશ માટે કંઈક કરવું જોઈએ અને ખાસ તો વ્યસનથી દૂર રહેવું જોઈએ.