નોટ આઉટ @ 87 : ઈશ્વરભાઈ શાહ

બેંક-ઓફ-બરોડામાં ક્લાર્ક તરીકે જોઈન થઈ, 37 વર્ષ કામ કરી, જનરલ-મેનેજર (International)ની પોસ્ટથી રીટાયર થયા એવા ઈશ્વરભાઈ ચંદુલાલ શાહની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

બાળપણ રાંદેરમાં, (હાલ દુબઈમાં), સાત ભાઈઓનું કુટુંબ, તેઓ સૌથી મોટા. પિતાને નાની દુકાન. પ્રાથમિક-અભ્યાસ રાંદેરમાં, ધોરણ-11 સુધી જૈન-ગુરુકુળ, પાલીતાણામાં. ત્યાં બે અઠ્ઠાઈ કરી. દર-મહિને પાલીતાણાનો શત્રુંજય પર્વત ચડતા. એમ.એસ. યુનિવર્સિટી, બરોડામાંથી બી.કોમ. કર્યું. CAની ફર્મ હરિભક્તિ એન્ડ કંપનીમાં થોડો વખત કામ કર્યું. પછી બેંક-ઓફ-બરોડા(BOB)માં ક્લાર્ક તરીકે જોડાયા. બેંકની પરીક્ષા(CAIIB)ઓ આપી, સ્કોટલેન્ડ અને IIM-Aમાં તાલીમ લીધી અને ઘણી પ્રગતિ કરી. બેંકની ટ્રેનિંગ કોલેજમાં 7 વર્ષ કામ કર્યું. બરોડા, ઊંઝા, અમદાવાદ, મુંબઈ, દુબઈ, લંડન, કેન્યા(નૈરોબી), ન્યુયોર્ક, સ્વીત્ઝરલેન્ડ…. ઘણી જગ્યાએ કામ કર્યું. લંડન 6 વર્ષ રહ્યા. 37 વર્ષે બેંકમાંથી નિવૃત્તિ લીધા પછી  GLFLમાં 4 વર્ષ કામ કર્યું. પત્ની મીનાબહેને તેમની અને કુટુંબની જવાબદારી ઉપાડી લીધી જેથી ઈશ્વરભાઈએ નિશ્ચિતતાથી કામ કર્યું. અત્યારે દીકરો-વહુ બહુ ધ્યાન રાખે છે.

 

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે નાહી-ધોઈને બે કલાક સેવા-પૂજા કરે, પછી ચાલવા જાય. બગીચામાં પડી ગયા હતા એટલે હમણાં ઘોડીથી ચાલે છે. પાછા આવીને છાપાં-મેગેઝીન વાંચે. જમીને આરામ કરે. 5:00 વાગે ચા-પાણી કરી ફરી ચાલવા જાય. આવીને ધાર્મિક-વાંચન કરે, જૂના ફોટા જુએ. શેર-બજારની માહિતી મેળવે. જરૂર પડ્યે ઘરના કામમાં મદદ કરે. ટીવી જોવાનો બહુ શોખ નથી.

શોખના વિષયો : 

છાપાં, મેગેઝીન, ધાર્મિક-પુસ્તકોનું વાંચન કરવું ગમે. શેર-બજારમાં રસ ખરો. જૂના ફોટાઓ જોવા ગમે. પ્રવાસનો શોખ. બેંકના  LTCથી દર-વર્ષે વેકેશનમાં, બે કુટુંબો સાથે ફરવા જતાં, આખું ભારત જોઈ લીધું છે. રાંદેરની નાતમાં તેમનું નામ, લોકો સલાહ લેવા આવે. પ્રસંગે ભાષણ કરવું ગમે. લેખનમાં સારી હથોટી, ડ્રાફ્ટિંગ સરસ કરે. હિસાબના પાક્કા.

 

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે, DEMENTIAને કારણે બધું ભૂલી જવાય છે. આંખો સારી છે પણ કાનની તકલીફ છે. પડી ગયા પછી ચાલવાની થોડી તકલીફ છે.

યાદગાર પ્રસંગ: 

ઈરાન-ઈરાક વોર વખતે તેઓ દુબઈ હતા. ત્યારની નાંણાકીય કટોકટીમાં ફક્ત તેમની બેંક નાણાં આપી શકતી! સાંજે બેંક ચાલુ રહેતી, પણ સ્ટાફને ગમે નહીં. ઈશ્વરભાઈએ યુએઈની સેન્ટ્રલ-બેન્ક પાસેથી પરવાનગી લઈ સાંજના બેન્કિંગના કલાકો બંધ કરાવ્યા. સ્ટાફ ખુશ-ખુશ! બીજી બેંકના મેનેજરો ઈશ્વરભાઈની સલાહ લેતા! એક-વાર યાસર અરાફતની કંપનીએ લોન માટે દુબઈ-બ્રાંચને અરજી કરી. કંપનીના ધારા-ધોરણમાં ફીટ ના થતાં ઈશ્વરભાઈએ અરજી રિજેક્ટ કરી. કંપનીએ હેડ-ઓફિસમાં વાત કરી. ઉપરી-અધિકારીનો ઈશ્વરભાઈને ફોન આવ્યો: “લોન મંજૂર કરી દો!” ઇશ્વરભાઈએ હિંમતથી કહ્યું: “તમને યોગ્ય લાગે તો મને લેખિત-ઓર્ડર મોકલો, હું તરત લોન આપી દઈશ!” ક્યારેય લેખિત-ઓર્ડર આવ્યો જ નહીં!

ચેરમેન અને ઉપરી-અધિકારીઓની મીટીંગ હતી. એક અધિકારીએ ઈશ્વરભાઈની નીચેના સ્ટાફને ધમકાવ્યો. ઈશ્વરભાઈએ બહુ શિસ્તથી કીધું: “હું તમને રિપોર્ટ કરું છું, તમે મને ધમકાવી શકો, પણ મારા સ્ટાફને નહીં!” તેમની આવી વર્તણુંકને કારણે નીચેનો સ્ટાફ અને મેનેજમેન્ટ બંને ખુશ રહેતા. બેંક-સ્ટાફે અને યુનિયને તકલીફના સમયે ઘણી મદદ કરી હતી.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

પોતે ઊંચી-પદવી પર હતા, હાથ નીચે મોટો સ્ટાફ એટલે જાતે કોમ્પ્યુટરનો ઉપયોગ નથી કર્યો, પણ ટેકનોલોજી માટે એકદમ પોઝિટિવ! કોમ્પ્યુટર્સનો હજુ બજારમાં પ્રવેશ થતો હતો ત્યારે સૌપ્રથમ તેમણે ગાંધી-રોડ,અમદાવાદની આખી બ્રાન્ચ કોમ્પ્યુટરાઈઝ્ડ કરાવી. એક બાજુ યુનિયનનો વિરોધ, બીજી બાજુ મેનેજમેન્ટનો આગ્રહ. તકલીફો વચ્ચે તેમણે તે કામ સમયસર પતાવ્યું. દુબઈ-બ્રાન્ચમાં પણ ઓફિસ-ઓટોમેશનનાં મોટાં-મોટાં મશીનો તમણે જ લીધાં.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?  

કામકાજના 42 વર્ષ દરમિયાન, તેઓ અનેક જગ્યાએ ફર્યા છે એટલે તેમને આજે પણ બહુ ફેર લાગતો નથી. તેઓ બે માણસને કે બે સમયને સરખાવતા નથી. કોઈ માણસ ખરાબ નથી, કોઈ સમય ખરાબ નથી. બધા સક્ષમ છે. માણસને અનુકૂળ સમય હોય ત્યારે તે આગળ વધી શકે છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?   

મોટું કુટુંબ, સાત ભાઈઓ,15 ભત્રીજા-ભત્રીજી, એમનાં બાળકો.. કુટુંબના યુવાનો સાથે સારો ઘરોબો છે. પૌત્ર આગમ સાથે બહુ ફાવે! આગમને પણ દાદા માટે બહુ પ્રેમ! દાદાને બાળકો બહુ ગમે, તેમને રમાડે, તેમને ભેટ આપે.

સંદેશો :  

કાયદા-વિરુદ્ધ ક્યારેય કામ કરવું નહીં. અને મા-બાપના નામ પર ચરી ખાવું નહીં, પોતાની ઓળખ જાતે ઊભી કરવી!