નોટ આઉટ @ 83 : માલતીબહેન સુતરિયા

સમાજ-સેવા સાથે પુષ્ટિમાર્ગીય પરંપરાને દીપાવનાર, “ઓક્ટોજીનીયસ-પાથ-બ્રેકર”, આજીવન વિદ્યાર્થીની, એવાં વિદુષી માલતીબહેન સુતરિયાની પ્રેરક-વાત સાંભળીએ તેમને પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

સુરતના જાણીતા ખડેપાઉં કુટુંબમાં જન્મ. ૭ ભાઈબહેન સાથે સંયુક્ત કુટુંબમાં ઉછેર. હજુ પણ પ્રસંગે 100 જણનું કુટુંબ ભેગું થાય છે! પિતા સુંદરલાલને  લાલગેટ પર લોખંડની દુકાન. માલતીબહેને સુરતથી બીએ(ઇકોનોમિક્સ) કર્યું છે. તેઓ ઇન્ટરમાં હતા ત્યારે  પિતાજી ગુજરી ગયા. ઘરની બધી જવાબદારી તેમની ઉપર આવી. પતિ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, સિંધિયા શિપિંગ કંપનીમાં કામ કરતા હતા. તેમને  બે દીકરા, એક દીકરી. મોટો દીકરો માથેરાન પ્રવાસમાં ગયો હતો અને ત્યાં અકસ્માતમાં તેનું અવસાન થયું. ખૂબ જ માનસિક તાણમાં જીવનનાં ૨૦ વર્ષ ગયાં. અલ્સર અને બીજી બીમારીઓને લીધે એમનું વજન 29 કિલો થઈ ગયું! જીવનને સંભાળવા તેમણે વડોદરા રહી, વલ્લભ-વિદ્યાપીઠમાંથી 10 વર્ષનો પુષ્ટિમાર્ગનો કોર્સ કર્યો અને પીએચડી થયાં. 72 વર્ષની વયે કલીના યુનિવર્સીટી, વલ્લભ-વેદાંત-એકેડેમીમાંથી ત્રણ વર્ષનો કોર્સ કર્યો. ત્યારબાદ સંસ્કૃત-ભારતીય-વિદ્યાલયમાંથી ભાષાનો કોર્સ કર્યો અને 87% માર્ક સાથે ઉત્તીર્ણ થયાં. હાલ જૈનીઝમના કોર્સમાં એડમીશન લીધું છે!

દિવ્યાંગ-યુવાનો આત્મસન્માન સાથે પગભર  થઈ જીવન જીવી શકે તે આશયથી પુત્ર દિપેશ અને પુત્રવધૂ  શાંતિ બાવીસ વર્ષથી બેંગ્લોરમાં “એનેબલ ઇન્ડિયા” નામનું NGO ચલાવે છે. ૨ લાખથી વધુ દિવ્યાંગોને તેમણે મદદ કરી છે. દીકરો-વહુ નિશ્ચિંત થઈ કામ કરી શકે તે હેતુથી ઘરનું કામ તેમણે ઊપાડી લીધું છે. જોકે, ઘરમાં મદદ માટે માણસો છે. ક્રિકેટર સૈયદ કીરમાણી “એનેબલ ઇન્ડિયા”ની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે માલતીબહેનનું કામ જોઈ તેમને “મધર-ઇન્ડિયા”નું ઉપનામ આપ્યું!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

તમને ક્યારેય રિટાયર થવું નથી! જે કામ સામે આવે તે કરવાનું, તેવું માને છે! ઘરનું કામ કરવું ગમે છે. મહેમાનોની અવરજવર ઘણી રહે છે. વળી પુષ્ટિમાર્ગની સેવા-પૂજા છે, એટલે તે કામ પણ રહે. ટીવી જુએ, રસોઈ શો જોવો ગમે, ધાર્મિક-ચેનલ જુએ. થોડું ભરવા-ગુંથવાનું કામ કરે, વાંચન કરે, ઠાકોરજીના વાઘા બનાવે. દિવસ આખો પ્રવૃત્તિમય જાય છે!

શોખના વિષયો : 

વધુ અભ્યાસનો વિસ્મયકારક શોખ! સાહિત્ય, વાંચન-લેખન, ભરત-ગુંથણ, રસોઈ ગમે. હિંચકો બહુ ગમે! તેના પર બેસે એટલે પ્રેરણા મળે! બેંગ્લોર-સાહિત્ય-વૃંદનાં સક્રિય સભ્ય છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે, પણ અલ્સરને લીધે ખાવા-પીવામાં સાચવવું પડે. તીખું ખવાય નહીં. થોડું બીપી અને સુગર વગેરે રહે છે. “ચાલશે” “ફાવશે” “ભાવશે” અને “ગમશે” તે તેમનો મંત્ર છે! “હું મને પોતાને બહુ ગમું છું”માં તેઓ માને છે અને એટલે પોઝિટિવ એટીટ્યુડ ધરાવે છે જેથી તબિયત સારી રહે છે! વહુ અને જમાઈ બંને દક્ષિણ-ભારતીય છે. વહુ તો દીકરી જેવી જ છે! એક દોહિત્રી છે. 2008માં પતિનો સાથ ગુમાવ્યો.

યાદગાર પ્રસંગ:  

પુત્રના NGOને મોટો એવોર્ડ મળ્યો ત્યારે માલતીબહેન દીકરા સાથે એવોર્ડ-ફંકશનમાં ગયાં હતાં. એવોર્ડ-સ્પીચમાં દીકરાએ “થેન્ક્સ-ટુ-મોમ” કહી પોતાના કામનો બધો યશ માતાને આપ્યો! હાજર રહેલાં મહેમાનોએ તેમને તાળીઓથી વધાવી લીધાં! ઓફિસને 20 વર્ષ થયાં તેના ફંકશનમાં દીપ-પ્રાગટ્ય માલતીબહેનના વરદ-હસ્તે કરવામાં આવ્યું. ક્રિકેટર સૈયદ કિરમાણી તો તેમને “મધર-ઇન્ડિયા”ના નામે જ ઓળખે છે! 150ના સ્ટાફનાં પણ તેઓ માતા! એક મુક-બધિર-અંધ સ્ટાફ-મેમ્બરને તેમણે કોરોનામાં બે મહિના ઘરે રાખ્યો! બેંગ્લોર-જૈન-મંડળ તરફથી “ઓક્ટોજીનીયસ-પાથ-બ્રેકર”નો એવોર્ડ તેમને મળેલો છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

મોબાઈલ તો તેમનો દોસ્ત છે! ટેબલેટ(આઇપેડ) વધુ વાપરે છે. youtubeનો ઉપયોગ સારી રીતે કરે છે. સાહિત્યની સખીઓ સાથે ઝૂમ ઉપર પ્રોગ્રામ કરે છે. લખવા માટે તથા ધાર્મિક-પ્રોગ્રામ જોવા માટે આઇપેડ હાથવગું રહે છે. ટેકનોલોજી સાથે એડજસ્ટ થઈને કામ કરવામાં આનંદ આવે છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આપણે મા-બાપ કહે તેમ કરતાં, રહેણીકરણીમાં માનતાં, નાહ્યાં-ધોયાં વગર રસોડામાં જતાં નહીં! સમય પ્રમાણે બદલાવવું પડે છે! વડીલોનું ધ્યાન રાખવાને આપણે ફરજ સમજતાં. હવે યુવાનો હોંશિયાર છે, વડીલપણાની જરૂર નથી!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

NGOના કાર્યને લીધે યુવાનો સાથે એકદમ ટચમાં છે. આજના યુવાનો MONEY-MINDED છે, પણ આપણે આશા ન રાખીએ તો બીજી કોઈ તકલીફ રહેતી નથી.

સંદેશો : 

જિંદગીમાં ક્યારેય હારવું નહીં. BE POSITIVE! તો જ આગળ વધી શકશો. 60 વર્ષના વડીલો માટે ખાસ સંદેશો…. સ્ત્રીઓએ પુરુષનું કામ અને પુરુષોએ સ્ત્રીનું કામ શીખી જવું  જોઈએ. ક્યારેક તો એકલા રહેવાનું જ છે!