નોટઆઉટ@82: નટવરભાઈ ગાંધી

સાવરકુંડલાની સાંકડી ગલીઓમાંથી અમેરિકાના રાજમાર્ગ સુધીની દોટ? મુંબઈના ગુમાસ્તામાંથી વૉશિન્ગટનના CFOની સફર? ગળાડૂબ વ્યાવસિક અને કૌટુંબિક જવાબદારીઓ  વચ્ચે સાહિત્ય અને સમાજની સેવા? પ્રશ્નોના જવાબ આપશે અમેરિકાથી શ્રી નટવર ગાંધી.

 

એમની સાથેની વાતચીતનો  એક્સરે :

પ્રાથમિક અભ્યાસ સાવરકુંડલામાં. મુંબઈથી  B.Com, LLB., અમેરિકામાં MBA અને PhD. સાહિત્યમાં પહેલેથી રસ પણ આર્થિક કારણોસર અભ્યાસનો વિષય એકાંઉન્ટીગ. મુંબઈમાં નોકરી શોધતા ઘણી મુશ્કેલી પડી. ડિપાર્ટમેન્ટ-સ્ટોરમાં, મિલની ઓફિસમાં, મુંબઈની હાડમારીઓથી થાકીને ભોપાલની કેમિકલ ફેકટરીમાં નોકરી શોધી પણ મુંબઈ છોડ્યું નહીં. વીમા-એજન્ટ અને પત્રકાર થવાના નિષ્ફ્ળ પ્રયત્ન કર્યા…. આખરે નસીબનું પાંદડું ફર્યું અને સદ્ભાગ્યે અમેરિકા જવાનું થયું. અમેરિકામાં પણ ઘણી નોકરીઓ કરી. PhD થયા પછી કોલેજમાં પ્રોફેસર થયા. અમેરિકન કોંગ્રેસના સલાહકાર તરીકે વીસ વરસ કામ કર્યું. અમેરિકન રાજધાની વૉશિન્ગટનના ટેક્સ-કમિશનર તરીકે અને કારકિર્દીના છેલ્લા વર્ષોમાં ત્યાંના CFO (નાણાંપ્રધાન) તરીકે ત્યાંની નાણાંકીય પરિસ્થિતિ સુધારી.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

છેલ્લા આઠેક વરસથી નિવૃત્ત. નાનપણથી સાહિત્યમાં રસ છે. ત્રણ કાવ્યસંગ્રહો અને આત્મકથા “એક અજાણ્યા ગાંધીની આત્મકથા” લખી છે. (ઠેઠ કિશોરવયથી ગાંધીજી મારા આદર્શ!) મારા અમેરિકાના અનુભવોને આવરી લેતું પુસ્તક “Still the Promised Land” લખ્યું છે. મારી પત્નીના અવસાન પછી કવિ પન્ના નાયક સાથે છેલ્લા દસેક વરસથી સહવાસ કરવાનું પરમ સદ્ભાગ્ય મળ્યું. વૉશિન્ગટનની સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં તથા અમેરિકાની ગુજરાતી સાહિત્યની અકાદમીમાં સક્રિય છીએ. દુનિયા ભમવાની પણ મજા આવે છે. સાવરકુંડલામાં તાજેતરમાં બંધાયેલી નિઃશુલ્ક હોસ્પિટલ માટે પૈસા ઊભા કરવા અમે બન્ને સક્રિય છીએ.

શોખના વિષયો : 

વાંચન, લેખન, પ્રવાસ, ફિલ્મ, અમેરિકન રાજકારણ અને સ્વાદીષ્ટ રસોઈ.

યાદગાર પ્રસંગો : 

દેશમાં નોકરી અને ઘરબાર વગર જે ખત્તા ખાવા પડ્યા, મુળજી જેઠા માર્કેટમાં ગુમાસ્તા તરીકે નોકરી કરવી પડી…એ મુંબઈના કપરા દિવસોને હું કદી ભૂલી શકતો નથી. વરસોથી ખાધમાં ચાલતા વૉશિન્ગટનને આર્થિક રીતે સમૃદ્ધ કરવાની મારી જવાબદારીને મેં સફળતાપૂર્વક પૂરી પાડી એ મારા જીવનની અગત્યની સિદ્ધિ છે, જેનું મને ઘણું ગૌરવ છે.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ફાયદા/ગેરફાયદા?

કમ્પ્યુટર અને આઈ-ફોન નિયમિત વાપરું છું. જીવનમાં બન્ને એવી રીતે ગૂંથાયેલા છે કે એમના વગર જીવવું મુશ્કેલ છે. મારું ગુજરાતી /અંગ્રેજી લખવાનું કમ્પ્યુટર ઉપર જ થાય છે. પુસ્તકો, છાપાઓ, મેગેઝીનો, વગેરે મોટે ભાગે વાચિકમ–ઓડિયો માધ્યમ દ્વારા વાંચું છું. ટેક્નોલોજીને કારણે આખી દુનિયા આંગળીને ટેરવે છે. ગઈકાલનું, આજનું અને આવતીકાલનું જે કંઈ જોવા-જાણવા જેવું છે તે બધું અબઘડીએ મળે છે. ટેક્નોલોજી એ માણસની એક મહાન સિદ્ધિ અને સાધન છે, પરંતુ જો એનો ઉપયોગ સંયમ વગર થાય તો એની લત લાગે, નશો ચડે. એ એનું મોટું ભયસ્થાન છે.

ઉમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો કોઈ બીમારી ?

આજે મને 82મું વરસ ચાલે છે. નિયમિત કસરત કરું છું. ખાવા-પીવામાં ખ્યાલ રાખું છું. પ્રભુકૃપાએ કોઈ જીવલેણ માંદગી આવી નથી. હા, ઘૂંટણ અને ખભાની સર્જરી કરાવવી પડી છે. કાનમાં બરાબર સાંભળવા માટે હિઅરીંગ-એઈડ વાપરું છું.

શું ફેર પડ્યો છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

ટેક્નોલોજીને કારણે દેશ અને દુનિયામાં મહાન ફેરફારો થયા છે. મોબાઈલ ટેલિફોન, ટીવી અને કમ્પ્યુટરને કારણે આખી દુનિયા જાણે કે આપણે આંગણે આવીને ઉભી છે. દેશમાં આવું છું ત્યારે દેશની અસાધારણ પ્રગતિ જોઈને આનંદ અને આશ્ચર્ય થાય છે!

આજના યુવાનોને શું તકલીફ પડે છે ? 

અમારા સમયમાં, ખાસ કરીને યુવાન પ્રજામાં, જે ક્ષોભ અને આત્મશ્રદ્ધાનો અભાવ હતો, તે હવે નથી. ભારતના યુવાનોની ખુમારી જોઈને એમની અને દેશની પ્રગતિ માટે ઘણી આશા બંધાય છે. દેશનું ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે. દર મહિને લગભગ એક મિલિયન નવ-યુવાનો અને નવ-યુવતીઓ જોબ-માર્કેટમાં આવે છે. એમને એમની શક્તિ અને શક્યતાઓ દેખાડવાની પૂરતી તક મળશે કે નહીં તેની મને ચિંતા છે.

સંદેશ :

ભારતની આખી યુવા-પેઢી સજ્જતા અને આત્મવિશ્વાસથી ભરેલી છે. ધ્યેય, નિશાન તો ઊંચા જ રાખવા. હા, નિરાશા જરૂર મળશે, પછડાવું પણ પડશે, પણ આત્મશ્રદ્ધા ખોશો નહીં, અવિરત પ્રયત્નો ચાલુ રાખશો તો સફળતા તમારી જ છે!

પન્ના નાયકને સંબોધીને લખાયેલા તેમના એક સોનેટની અંતિમ બે પંક્તિઓ :

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,

હવે ઝાઝાં છે ના દિવસ સખી, ઉલ્લાસ કરીએ!