નોટ આઉટ @ 83 : પ્રોફેસર પ્રદીપ ખાંડવાળા

અમદાવાદની વિશ્વવિખ્યાત મેનેજમેન્ટ સ્કૂલ, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ(IIM-A)ના ભૂતપૂર્વ પ્રોફેસર અને ડાયરેક્ટર તથા ગુજરાતના આદરણીય કનૈયાલાલ મુનશીના દોહિત્ર એવા પ્રોફેસર પ્રદીપ ખાંડવાળાની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ મુંબઈમાં, બાળપણ કરાચીમાં. પિતાજી સ્વાતંત્ર-સેનાની અને પછી સિંધિયાની સબસીડરી કંપનીમાં મેનેજર. માતા (કનૈયાલાલ મુનશીના પુત્રી) ફર્ગ્યુસન કોલેજના ગ્રેજ્યુએટ. ઇંગ્લેન્ડ જઈ ડિપ્લોમા-ઇન-એજ્યુકેશન ભણ્યાં. પ્રદીપભાઈ મુંબઈમાં પોદ્દાર હાઇસ્કૂલમાં, ન્યુ-એરા હાઇસ્કુલમાં અને કેથેડ્રલ સ્કૂલમાં ભણ્યા. નરમ-ગરમ તબિયતને કારણે વિજ્ઞાનને બદલે કોમર્સ વિદ્યાશાખામાંથી બી.કોમ. કર્યું. અને CA કર્યું (આખા ભારતમાં ચોથા નંબર સાથે). વોર્ટન સ્કુલમાંથી એમ.બી.એ. કર્યું. ભણવાની મજા પડી ગઈ! જાતજાતના કોર્સ કર્યા! ફોર્ડ ફાઉન્ડેશનની ડોક્ટરલ ફેલોશીપ સાથે  ઓર્ગેનાઈઝેશન-થીયરીમાં પી.એચ.ડી. કર્યું. રીસર્ચનો જીવ.  કાર્નીગી મેલનમાં રીસર્ચનું કામ કર્યું. મોન્ટ્રીઅલ(કેનેડા)માં છ વર્ષ કામ કર્યું. પછી ભારત આવ્યા. પહેલું વર્ષ તકલીફ પડી, પણ પછી આઈ.આઈ.એમ.માં પ્રોફેસર તરીકે 27 વર્ષ કામ કર્યું. 5 વર્ષ  ડાયરેક્ટર હતા. અનેક રીસર્ચ આર્ટિકલ્સ અને પેપર્સ લખ્યાં છે. તેઓ  લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ્સ, Best Management Book Award થી શોભે છે. પત્ની અંજલીબહેન પોતે લેખિકા. શાસ્ત્રીય-સંગીત, લોકસંગીત, ભજનો જાણે. આદિવાસી વિસ્તારોમાં ઘણું કામ કર્યું. અંજલીબહેન 4 વર્ષ પહેલા અવસાન પામ્યાં.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

તેમણે સોશિયલ-લીડર્સ તૈયાર કરવાની વર્કશોપ કરી. તેમને માર્ગદર્શન આપતા લેખો લખ્યા. સર્જકતા-અનુકંપા-સક્ષમતા ભેગા કરી સમાજમાં કેવી રીતે કામ કરી શકાય તે શીખવ્યું. અંગ્રેજી અને ગુજરાતીમાં કવિતાનું પુસ્તક લખ્યું. રોજ  રાતના 9 થી 12 સાધના-પ્રાર્થના-ધ્યાન-મેડીટેશન વગેરે ચાલે. જીવન પર રામકૃષ્ણ પરમહંસનો ઘણો પ્રભાવ! સવારે ઊઠતાં મોડું થાય. ઊઠીને કસરત-ચાલવાનું-યોગાસન-પ્રાણાયામ-રેકી વગેરે બે કલાક ચાલે. પછી નાસ્તો કરી થોડું લખવાનું કામ કરે. જમ્યા પછી થોડો આરામ. ઊઠીને વળી લખવાનું ચાલે. ફોન આવે, મિત્રો મળવા આવે…એમ પ્રવૃત્તિમાં આખો દિવસ જાય.

શોખના વિષયો : 

રીસર્ચ તેમનો પહેલો શોખ અને સાહિત્ય બીજો! એસ્ટ્રોનોમી ગમે. માતાએ બાળપણમાં આકાશનો નકશો ભેટ આપ્યો હતો. પિતાએ દૂરબીન ભેટ આપ્યું હતું, જેનાથી તેમનો આ શોખ વિકસ્યો. જ્યોતિષ-શાસ્ત્રમાં રસ હતો. લગભગ 500 કુંડળીઓ ભેગી કરી તેના પર રીસર્ચ કરી હતી! સ્ટેમ્પ-કલેક્શનનો શોખ. સ્પોર્ટ્સ ગમે. ટેનિસ, ટેબલ-ટેનિસ વગેરે રમવું ગમે. શાસ્ત્રીય-સંગીત ગમે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

1994માં બાયપાસનું ઓપરેશન કર્યું હતું. તબિયત સારી છે. સિઝનમાં ક્યારેક દમનો પ્રોબ્લેમ થાય. બહાર ફરવાનું અને લોકોને મળવાનું ઓછું કરી નાખ્યું છે. પત્નીની ગેરહાજરીથી જીવનમાં શૂન્યાવકાશ લાગે છે.

યાદગાર પ્રસંગ:  

પત્ની અંજલીબહેનને સંગીતનો ભારે શોખ. એકવાર સંગીત-શિક્ષક મધુભાઈ પટેલે દક્ષિણ-ગુજરાતનાં લોકગીતો સંભળાવ્યાં. દક્ષિણ-ગુજરાતના એક રાજાની રાણી કર્ણાટકની રાજકુમારી હતી, એટલે કર્ણાટકી ગાયકીનો ટચ સ્પષ્ટ વર્તાય. અંજલીબહેન તે સંગીત શીખ્યાં અને તેમણે ઘણાં લોકગીતો અને ભજનો ગાયાં. IIM-Aમાં સંગીતના ઘણા પ્રોગ્રામ થતા. પ્રોગ્રામ પહેલા સંગીતકારો ઘેર આવતા. કિરાણા ઘરાનાના ફૈયાઝ અહેમદખાન અને નિયાઝ અહેમદખાન, પંડિત રવિશંકર, ગુંડેચા બ્રધર્સ વગેરે તેમને ઘેર આવતા. એકવાર જસરાજજી ઘરે આવ્યા. અંજલીબહેને લાડુ બનાવ્યા હતા. પૂછ્યું: ‘લાડુ ખાશો?’ જસરાજી ખુશ થઈ ગયા, ગરમાગરમ લાડુ ખાઈ ગયા! જોકે પછીનો પ્રોગ્રામ તો બહુ સરસ થયો!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

પોતાની જરૂર જેટલું કામ કમ્પ્યુટર ઉપર કરી લે છે. રિટાયરમેન્ટ પછી છ કવિતાનાં પુસ્તકો, એક નિબંધનું પુસ્તક અને ચાર ભાષાંતરના પુસ્તકો કર્યાં છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

ભારતનાં લોકો અમેરિકન થઈ રહ્યાં છે! પૈસાને ઘણું મહત્વ આપે છે. તેમણે અમેરિકાની ભૌતિક પ્રગતિ અને નૈતિક અધોગતિ જોઈ છે. આપણે તે જ રસ્તે ચાલી રહ્યાં છીએ. ભારતે ઘણી ભૌતિક પ્રગતિ કરી છે પણ આપણે નૈતિકમૂલ્યો સાચવવાં જોઈએ.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

“એસ્પાયર-સર્કલ”નું કામ ઓછું થવાથી યુવાનો સાથેનો ટચ ઓછો થઈ ગયો છે. યુવાનો કેરિયર અને સારા પગારની નોકરી સિવાય કંઈ વિચારતાં નથી. આ યુવાનો ભવિષ્યના ચેરમેન અને એમ.ડી. થવાનાં. જો એ લોકો પણ આવું જ વિચારશે તો ભારત કયા રસ્તે જશે? જો કે હજુ કમીટેડ યુવાનો ઘણાં છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી!

સંદેશો :  

સર્જકતા, અનુકંપા અને સક્ષમતા સાથે કામ કરો તો દેશ કે સંસ્થા આગળ વધી શકે. જાપાન અને જર્મની બીજા-વિશ્વયુદ્ધ પછી કંગાળ થઈ ગયાં હતાં. તેઓ આને લીધે ઝડપથી ઊભાં થઈ ગયાં! અમેરિકામાં સક્ષમતા છે, પણ અનુકંપા ઓછી થઈ રહી છે.