કોન્ડોમ્સ પ્રત્યેની સૂગમાં ઘટાડોઃ ૬૯ દિવસમાં ઓનલાઈન ૧૦ લાખ ખપી ગયા

ભારત એક સાંસ્કૃતિક દેશ તરીકે વિશ્વમાં જાણીતો છે. પ્રાચીન ધાર્મિક-સાંસ્કૃતિક ઈતિહાસને કારણે આજે પણ દેશમાં કોન્ડોમ શબ્દ પ્રત્યે ઘણા લોકો સૂગ ધરાવે છે. કોન્ડોમ પરનું આ લાંછન દૂર કરવા કે એના વિશેની ગેરસમજ દૂર કરવા માટે લવ કોન્ડોમ્સ નામની એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

આ ઝુંબેશ શરૂ થયાને હજી તો માત્ર ૬૯ દિવસો જ થયા છે અને કોન્ડોમ્સની ઓનલાઈન ખરીદી માટે લોકોએ જોરદાર પ્રતિસાદ આપ્યો છે. માત્ર ૬૯ દિવસમાં જ કોન્ડોમ્સની ઓનલાઈન ખરીદીનો આંકડો ૧૦ લાખને પાર જતો રહ્યો છે.

આ ઝુંબેશ અંતર્ગત કોન્ડોમનું મફતમાં વિતરણ કરવાનું નક્કી થયું હતું અને ઝુંબેશના આયોજકોને ૯ લાખ ૫૬ હજાર કોન્ડોમ્સનો ઓર્ડર મળ્યો છે. આમાં, પાંચ લાખ ૧૪ હજાર કોન્ડોમ્સનાં ઓર્ડર વિવિધ સમાજો અને સેવાભાવી સંસ્થાઓ તરફથી મળ્યા છે તો ૪ લાખ ૪૦ હજાર કોન્ડોમ્સના ઓર્ડર જુદી જુદી અનેક વ્યક્તિઓ પાસેથી મળ્યા છે.

‘લવ કોન્ડોમ્સ’ ઝૂંબેશનો હેતુ છે, ભારતીયોની માનસિકતામાં ફેરફાર

આયોજકોના મતે ભારતમાં આ સારી બાબત કહેવાય કે લોકો કોન્ડોમ્સના ઉપયોગને આટલું બધું મહત્વ આપે છે. તેથી લવ કોન્ડોમ્સ ઝુંબેશ શરૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય કોન્ડોમ્સ પ્રત્યે ભારતનાં લોકોની માનસિકતામાં પરિવર્તન લાવવાનો છે.

ભારત વિશે એક કમનસીબ હકીકત છે એ કે આ દેશ એચઆઈવી/એઈડ્સ રોગના કેસોની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજા નંબરે છે.

૧ અબજ ૩૨ કરોડ લોકોની વસ્તીવાળા ભારતમાં એચઆઈવીના કેસો ગંભીર લેવલે પહોંચી ગયા છે.

નેશનલ એઈડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન, ઈન્ડિયા સંસ્થાના જણાવ્યા મુજબ, ભારતમાં ૨૧ લાખ એચઆઈવી-પોઝિટીવ લોકો છે. તે છતાં સરકારના રજિસ્ટરમાં માત્ર ૧૨ લાખ દર્દીઓ નોંધાયા છે.

વસ્તીની દ્રષ્ટિએ ભારત બનશે વર્લ્ડ નંબર-1ઃ WHOની ભવિષ્યવાણી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું માનવું છે કે વસ્તીની દ્રષ્ટિએ ભારત આવતા છ વર્ષમાં ચીનથી આગળ નીકળી જશે. ૨૦૫૦ની સાલ સુધીમાં ભારતની વસ્તીનો આંક ૧ અબજ ૭૦ કરોડ પર પહોંચશે.

આટલી બધી વસ્તી હોવા છતાં ભારતમાં કોન્ડોમ્સ અને ગર્ભનિરોધક દવાઓ કે સાધનોનાં ઉપયોગનું પ્રમાણ ઘણું ઓછું છે.

૨૦૦૮-૨૦૧૬ વચ્ચેના સમયગાળા દરમિયાન ગર્ભનિરોધક દવાઓ કે સાધનોના ઉપયોગમાં ૩૫ ટકાનો ઘટાડો થયો હતો જ્યારે કોન્ડોમ્સના ઉપયોગની ટકાવારી ઘટીને 52% થઈ છે.

બીજી બાજુ, આરોગ્ય માટે જે બંને જોખમી છે, તે ગર્ભપાતની સંખ્યા તથા ઈમરજન્સી પિલ્સના ઉપયોગમાં બમણો વધારો થયો છે.

ભારતમાં બાળજન્મ પર નિયંત્રણની જવાબદારી મહિલાઓ પર નાખવામાં આવી હોય એવું લાગે છે. કારણ કે એક તુલના અનુસાર, નસબંધી કરાવવા માટે સહમત થયેલા ત્રણ લાખ પુરુષોની સામે ગર્ભાશયની અંદર ગર્ભનિરોધક સાધન બેસાડવા માટે ૫૫ લાખ મહિલાઓ તૈયાર થઈ હતી.

‘લવ કોન્ડોમ’ ઝુંબેશ શું છે?

લવ કોન્ડોમ ઝુંબેશને એઈડ્સ હેલ્થકેર ફાઉન્ડેશન નામની એક ચેરિટેબલ સંસ્થાએ શરૂ કરી છે.

આ ઝુંબેશ અંતર્ગત અગાઉ ગર્ભધારણ થવા માટે સૌથી જોખમી હોય એવા વર્ગોમાં મફત કોન્ડોમ્સનું વિતરણ કરવામાં આવતું હતું, પણ આ પહેલી જ વાર બધાયને માટે એનું મફત વિતરણ કરવામાં આવ્યું છે.

એએચએફ સંસ્થાએ ભારતમાં મફતમાં વિતરણ કરવા માટે ૧૦ લાખ કોન્ડોમ્સનો ઓર્ડર આપ્યો હતો. એની ધારણા હતી કે ૨૦૧૭ના ડિસેમ્બર સુધીમાં ૧૦ લાખ વહેંચી શકાશે, એના આશ્ચર્ય વચ્ચે ગયા જુલાઈ મહિનાના પહેલા જ અઠવાડિયામાં ૧૦ લાખ વહેંચાઈ ગયા હતા.

સૌથી વધારે ડિમાન્ડ દિલ્હી અને કર્ણાટકમાંથી આવી હતી.

આયોજકોએ નવેમ્બર મહિના માટે બીજા ૨૦ લાખ અને જાન્યુઆરી-૨૦૧૮ માટે ૫૦ લાખ કોન્ડોમ્સનો ઓર્ડર આપ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]