ચાલો, ચકલીને નામશેષ થતી અટકાવીએ…

(કેતન ત્રિવેદી)

માર્ચ મહિનાની 20 તારીખ એટલે ‘વિશ્વ ચકલી દિવસ’. પક્ષીપ્રેમી સંસ્થાઓ, ચકલી-પ્રેમી લોકો પાસે ચકલીના માળા જોવા મળે. માટીના, પુંઠાના વિવિધ આકારના માળા, કુંડા વહેંચી ચકલી-બચાવોના કાર્યક્રમો પણ થાય.

અમદાવાદના જગત કિનખાબવાલાએ ચકલીઓને બચાવવાના અથાગ પ્રયત્નો કર્યા છે. શહેરના પોશ પણ ગીચ વિસ્તારમાં રહેતા જગત કિનખાબવાલાએ પોતાના ઘરને ચકલીઓ મુકામ બનાવે એવી નૈસર્ગિક વ્યવસ્થા તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે. જગતભાઇનો ચકલીઓનું ખાનપાન, રહેવાની, વિહરવાની તમામ બાબતોનો ઉંડો અભ્યાસ છે. ચકલી અને અન્ય પક્ષીઓને સમજીને લોકો સુધી વાત પહોંચે એ માટે શાળા, કોલેજ, સંસ્થાઓ, ઔદ્યોગિક એકમોમાં વ્યાખ્યાનો આપ્યા છે. એમણે ચકલી પર પુસ્તકો લખ્યા છે અને ઓડિયો-વિઝ્યુઅલ, સોશિયલ મીડિયા દ્વારા લોકોને સમજાવવા પ્રયાસ કર્યા છે. ‘વર્લ્ડ સ્પેરો ડે’ હોય કે ન હોય, અસંખ્ય લોકો જગતભાઇને ફોન કરીને ચકલી રહી શકે એવા તૈયાર પુંઠાનાં-માળા ચકલીઓ માટે લઇ જાય છે.

વિશ્વ ચકલી દિવસે પક્ષી-પ્રેમી જગત કિનખાબવાલા ‘ચિત્રલેખા.કોમ’ને કહે છે, ‘આજથી વર્ષો પહેલાં જૂના લોકો પોતાની આસપાસ અસંખ્ય ચકલીઓનું અસ્તિત્વ જોતા હતા. ઘટાદાર વૃક્ષો, પુરતું પાણી હોવાના કારણે ચકલીઓ ખૂબ જ જોવા મળતી હતી. એક સમય એવો આવ્યો ઝડપથી વધતાં શહેરીકરણને કારણે વધતાં ચકલીઓનું પ્રમાણ ઓછું થયું. શહેરમાં પક્ષીઓ ઘટતાં જાગૃત નાગરિકો, પક્ષી-પ્રેમીઓના પ્રયાસોને કારણે કુંડા, ચબુતરા મુકાતા થયા. પુંઠાના માળા બનાવવાનો પ્રયાસ કર્યો. ચકલી એમાં પ્રવેશી શકે, રહી શકે એ પ્રમાણે માળા ડિઝાઇન કર્યા. આ પ્રયોગ સફળ થયો, હજારો પુંઠાના માળા તૈયાર થાય છે. જેમાં ચકલીને ઘર અને ચણ બન્ને મળી રહે છે. ચકલીઓ માટેના કામ અને પુસ્તકની વાત ‘મનકી બાત’માં પણ આવી ગઇ. ચકલીના પુસ્તકોની ચોથી એડિશન પણ તૈયાર થઇ રહી છે. ભારત સરકારના એક વિભાગે તૈયાર કરેલા એક પુસ્તકમાં ચકલી વિશેષજ્ઞ તરીકે મારા વિશે લખાયું. જે પુસ્તકનું  વિમોચન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કર્યું હતું. અમેરિકામાં પણ ચકલી વિશેના વક્તવ્યો યોજાયા. સહાય, સરાહના અને માળાઓની સ્વીકૃતિ મળતાં જ દર વર્ષે આપણે દસથી પંદર હજાર માળા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. આપણી ડિઝાઇનના ચકલીઓ માટેના માળાને કેનેડા, અમેરિકા, ફ્રાંસ જેવા દેશોમાં મોકલ્યા. એ એકદમ નિઃશુલ્ક પ્રવૃત્તિ છે. લોકડાઉનમાં પણ ચકલીઓ માટે ઓનલાઇન સેશન કર્યા હતા. હું મૂળ ભણ્યો MBA ફાઇનાન્સ પણ ચકલીઓમાં રસ પડતાં જ થયું આ જીવને નામશેષ નથી થવા દેવું એટલે બીડું ઝડપ્યું. આ પ્રવૃત્તિ સરસ રીતે ચાલે છે. પહેલાં ચકલીઓને જગ્યા ન મળતાં ગમે ત્યાં માળા બનાવી દેતી. ચકલી જન્મે ત્યારથી એની વિવિધ પ્રવૃત્તિઓની ડોક્યુમેન્ટરી તૈયાર કરી છે. જે લોકો સુધી મફતમાં પહોંચાડવી છે.  ચકલીને માળો, પાણી અને કણકી જેવા દાણાં મળી રહે એટલે એ નામશેષ થતી અટકી જશે.’

(પ્રજ્ઞેશ વ્યાસ)

(જુઓ જગત કિનખાબવાલાનું વિડિયો નિવેદન)