રૂપાલી પાસે કનિષ્કનો સંપર્ક કરવાનો કોઈ માર્ગ નહોતો બચ્યો…

‘હની, શું કરે છે?’ રુપાલીને સવારમાં વોટ્સએપ મેસેજ પર કનિષ્કે પૂછ્યું.

‘મિસ કરું છું તને, જાનુ.’ રુપાલીએ કિસિંગ ઈમોજી સાથે જવાબ આપ્યો.

રુપાલી બે મહિના પહેલા જ ત્રીસની થઇ હતી. એક વીમા કંપનીમાં નોકરી હતી અને કારકિર્દીના માધ્યમ તબક્કે તે પહોંચી ગઈ હતી. તેના ડેડિકેશન અને પર્ફોર્મન્સને કારણે સમય કરતા પહેલા પ્રમોશન પણ રુપાલીને મળી ગયા હતા અને કંપનીમાં તેનો ગ્રોથ ખુબ સારો રહ્યો હતો. હવે તો તેને આવતા વર્ષે રિજનલ મેનેજર બનવાના પણ ચાન્સ હતા.

નોકરીએ લાગી ત્યારે શરૂઆતમાં તો મમ્મી-પપ્પા માટે મકાન લેવાનું અને નાના ભાઈના ભણતરના ખર્ચને પહોંચી વળવા તેની આવક વપરાઈ જતી હતી. પગાર પણ શરૂઆતમાં તો ઓછો. ધીમે ધીમે આ બધી જવાબદારીઓ પુરી કરી લીધી અને કંપનીમાં પણ પ્રમોશન મળતાં ગયા ત્યારે તેના કામનો બોજ પણ વધતો ગયો. જો કે બધું જ ધીમે ધીમે પ્રગતિના પંથે ચાલી રહ્યું હતું પરંતુ આ બધામાં એક વાત તદ્દન છૂટી ગઈ. રુપાલીના પોતાના જીવનની. લગ્નની. જીવનસાથી શોધવાની.

હવે ત્રીસેક વર્ષે અને પોતાના સ્ટેટસ પ્રમાણે રુપાલીને માટે છોકરા શોધવા નીકળેલા તેના મમ્મી પપ્પાને એ વાતનો અહેસાસ થયો હતો કે તેઓએ મોટી ભૂલ કરી હતી. શરૂઆતમાં જ રુપાલી માટે સારો છોકરો શોધીને તેને પરણાવી દેવી જોઈતી હતી પરંતુ ત્યારે કદાચ તેની આવકથી જે મદદ મળતી હતી તે જોઈને સૌને લાગેલું કે પહેલા ઘર પરિવાર અને નાના પુત્રની ભણતરની જવાબદારી પુરી કરી દઈએ. પરંતુ ત્યાં તો રુપાલીના લગ્નના વર્ષ નીકળી ગયા. રુપાલીને અંદરથી આ વાત ખૂંચી હતી પણ તેણે ક્યારેય તે મમ્મી પપ્પા પર દર્શાવી નહોતી.

આખરે ત્રણેક મહિના પહેલા રુપાલીએ એક લગ્ન માટેની વેબસાઈટ પર પોતાનો પ્રોફાઈલ ખોલ્યો અને સુંદર ફોટો સાથે પોતાની નોકરીની અને બીજી વિગતો મૂકી. થોડા દિવસ બાદ કનિષ્કે તેનો સંપર્ક કર્યો અને ધીમે ધીમે તેમની વચ્ચે વાતો શરુ થઇ. કનિષ્ક અત્યારે કેનેડામાં હતો. કોલેજ કરવા તે કેનેડા ગયેલો અને ત્યારબાદ ત્યાં જ એક સારી કંપનીમાં નોકરી મળી જતા સેટલ થઇ ગયેલો. તેની સ્ટોરી પણ લગભગ રુપાલી જેવી જ હતી. ભણવા અને કેરીઅર બનાવવાના જોશમાં તેણે પણ પાંત્રીસ પુરા કર્યા હતા અને હવે તે છોકરી શોધવા નીકળ્યો હતો.

રુપાલીને કનિષ્ક સાથે વાતો કરવી ગમવા લાગી. તેના પરિપક્વ વિચારો, સરસ સ્ટેટસ અને મહત્વાકાંક્ષા રુપાલીને ઈમ્પ્રેસ કરી ગયા. હેન્ડસમ તો હતો જ અને તેમાં પણ છેલ્લા એકાદ વર્ષથી જિમ જવાનું શરુ કરેલું તેની અસર કનિષ્કની પર્સનાલિટી પર દેખાઈ આવતી હતી. કેનેડામાં રહીને લાઇફસ્ટાઇલ પણ ખુબ ઊંચી બનાવેલી જે રુપાલી પોતાના નાના શહેરમાં વિચારી પણ ન શકે.

કનિષ્કે તો રુપાલીને દશ દિવસમાં જ કહી દીધેલું કે તે લગ્ન માટે તૈયાર છે. કનિષ્કથી સારો છોકરો તેને મળશે નહિ એ વાતની રુપાલીને સમજ હતી. આ તો કોઈ પુણ્યને કારણે જોગાનુજોગ કનિષ્ક સાથે સંપર્ક થઇ ગયો નહીંતર અહીં તો કોણ મળત – એવું વિચારીને તેણે પણ કનિષ્કને લગ્ન માટે હા કહી દીધેલી. તેમની વચ્ચે જયારે નક્કી થઇ ગયું ત્યારે કનિષ્ક ઇન્ડિયા આવે ત્યારે રુપાલીના મમ્મી પપ્પા સાથે વાત કરવી તેવું નક્કી થયેલું.

‘મારે તારી સાથે કૈંક ડિસ્કસ કરવાનું છે.’ કનિષ્કે વિડિઓ કોલ પર વાત કરતા રુપાલીને કહેલું.

‘હા, બોલને.’ રુપાલીએ ફ્લાઈંગ કિસ આપતા જવાબ આપેલો.

આ વાત લગભગ એકાદ મહિના પહેલા થયેલી. કનિષ્કે વિડિઓ કોલ પર રુપાલીને સમજાવેલું કે પોતે નોકરી છોડીને કેનેડામાં સ્ટાર્ટઅપનું વિચારી રહ્યો છે. તેની પાસે બિઝનેસ માટે એક પ્લાન હતો અને હવે તે પોતાના માટે કામ કરવા માંગતો હતો. રુપાલીએ તેને કહેલું કે તેના દરેક પ્લાનમાં પોતે સાથ આપશે.

‘સાચું કહું તો હું આ સ્ટાર્ટઅપ તારા આધારે જ શરુ કરું છું.’ કનિષ્કે કહેલું.

‘કેમ મારા આધારે?

‘તારી સ્કિલ્સ આ સ્ટાર્ટઅપ માટે બહુ કામ આવશે. તું અહીં આવીશ ત્યાં સુધીમાં હું બધું ગ્રાઉન્ડવર્ક તૈયાર કરી રાખું છું. બે મહિનામાં હું ઇન્ડિયા આવીશ. આપણે લગ્ન કરી લઈશું અને લગભગ એકાદ મહિનામાં પાછા અહીં આવી જઈશું પછી સ્ટાર્ટઅપ લોન્ચ કરીશું. મેં તો નામ પણ વિચારી લીધું છે – રુપાલી હોસ્પિટાલિટી.’ કનિષ્કે પોતાનો પ્લાન સમજાવતા કહેલું.

‘મારા નામે તું સ્ટાર્ટઅપ શરુ કરીશ?’ રુપાલી મનોમન ખુબ ખુશ થયેલી.

ત્યારબાદ બંને થોડો થોડો પ્લાન રોજ ડિસ્કસ કરતા. બે અઠવાડિયા બાદ કનિષ્કે કહેલું, ‘મેં ત્રણ ચાર જગ્યાએ વાત કરી લીધી છે. લીઝ એગ્રીમેન્ટ્સ તૈયાર છે. આપણે પ્રોપર્ટીઝ બ્લોક કરી લેવી જોઈએ. કુલ રકમ લગભગ ૩ લાખ કૅનૅડીઅન ડોલર જેટલી છે. મારી પાસે અઢી લાખ છે. પચાસેક હજારની વ્યવસ્થા કરવાની છે.’

‘પચાસ હજાર ડોલર એટલે લગભગ ત્રીસેક લાખ રૂપિયા?’ રુપાલીએ પૂછેલું.

‘હા, લગભગ એટલું જ.’

‘મારી પાસે છે. તું કહે તો હું મોકલી આપું. જો સારી ડીલ મળતી હોય તો લઇ લઈએ.’ રુપાલીએ સૂચન કરેલું.

‘પણ તું શાને ચિંતા કરે છે. આઈ વીલ મેનેજ.’ કનિષ્કે કહેલું.

‘બિઝનેસ તો મારો જ છે ને? હું શા માટે ન આપું?’ રુપાલીએ હકથી કહેલું.

‘ઓકે. હું તને એકાઉન્ટ ડીટેલ મોકલું છું. તેમાં ટ્રાન્સફર કરી દેજે.’

ત્યારબાદ રુપાલીએ ત્રીસ લાખ, પછી બીજા ચાર લાખ, પછી સાત લાખ એમ કરીને લગભગ એકતાલીસ લાખ રૂપિયા કનિષ્કને મોકલી આપેલા. દર વખતે કનિષ્ક તેને પ્રોપર્ટી અને બિઝનેસના પેપર્સ અને ફોટા મોકલતો અને બંને પ્લાન આગળ ડિસ્કસ કરતા.

‘ડાર્લિંગ, લગભગ પચાસ હજાર ડોલરની જરૂર પડશે હજી.’ આજે કનિષ્કે મેસેજમાં કહ્યું.

‘હની, હવે તો મારી પાસે પૈસા નથી. મારી બધી જ બચત મેં ધીમે ધીમે કરીને કેનેડા મોકલી આપી છે. લેટ’સ ગો સ્લો. એટલું રાખીએ અત્યારે. બે-ત્રણ વર્ષ પછી પ્રોફિટ થશે તેમાંથી જ બિઝનેસ વધારીશું.’ રુપાલીએ જવાબ આપ્યો.

‘ઓહ, કોઈ વ્યવસ્થા થાય તેમ નથી?’ કનિષ્કે થોડા ઉદાસ થઈને પૂછ્યું.

‘જો મારી પાસે હોત તો તારી કહેવું પણ ન પડત.’ રુપાલીએ વિશ્વાસ આપ્યો.

‘ઓકે. નો પ્રોબ્લેમ. આઈ વીલ મેનેજ.’ કનિષ્કે કહ્યું.

વાત પુરી થઇ અને પછી રુપાલી પોતાના કામે લાગી. બપોર સુધીમાં બધા કામ પરવારીને તેણે કનિષ્કને વોટ્સએપ કર્યો. સિંગલ ટીક. ડીપી પણ નહોતો દેખાતો. રુપાલીને ચિંતા થઇ. તેણે વોટ્સએપ કોલ લગાડ્યો – કોલિંગ. રિંગ પણ ન ગઈ. રુપાલીએ રેગ્યુલર કોલ કર્યો. તેમાં પણ રિંગ ન ગઈ. રુપાલીને કૈંક ડર જેવું લાગ્યું. તેણે તરત જ ફેસબુક પણ જઈને જોયું. ત્યાં કનિષ્કનો પ્રોફાઈલ જ ન દેખાયો. ધીમે ધીમે બધા સોશ્યિલ મીડિયા પર જઈને ચેક કર્યું. બધી જગ્યાએથી કનિષ્કે તેને બ્લોક કરી દીધી હતી. કોઈ સંપર્ક કરવાનો માર્ગ નહોતો બચ્યો.

રુપાલીએ થોડા મહિના પહેલા ન્યુઝ વાંચેલા જેની હેડલાઈન હતી: લગ્નની લાલચ આપી યુવતીને લખો રૂપિયાનો ચૂનો લગાવાયો.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)