સાન્યા ને મનમાં ડર હતો કે સરકારી બાબુ ક્યાંક તેને…

સાન્યા બાર વર્ષથી બેંકમાં કામ કરતી હતી. આ વર્ષે તેનું પ્રમોશન થયું અને તે બ્રાન્ચ મેનેજર બની ગઈ. અમુક વર્ષની નોકરી પછી મળે તેવું આ પ્રમોશન નહોતું પરંતુ સાન્યાની મહેનત અને કામ કરવાની ધગશને કારણે જ આ આઉટ ઓફ ટર્ન જેવું પ્રમોશન તેને મળેલું. તેની ખુશી માત્ર સાન્યાને જ નહિ પરંતુ બ્રાન્ચના બધા જ લોકોને હતી. બ્રાન્ચ મેનેજર તરીકે સાન્યાની જવાબદારીઓ વધી હતી પરંતુ તેની સ્ટાફ સાથે હળીમળીને કામ કરવાની આવડતને કારણે તે બોજરૂપ બની નહોતી. તેનો કેટલોય સમય નવા ક્લાઈન્ટ સાથે મિટિંગ કરવામાં નીકળી જતો. આ કારણે ક્યારેક તેને બહાર મુસાફરી પણ કરવી પડતી અને ક્યારેક પાર્ટીઝમાં પણ જવાનું થતું.
આજે સાંજે સાન્યાને એક કાર્યક્રમમાં જવાનું હતું. આમ તો તેને લોકોને મળવું અને નવા પરિચય કેળવવા ગમતા પરંતુ સરકારી કાર્યક્રમોમાં તેને મજા નહોતી આવતી. અને આજે સાંજે તો આયોજક પણ સરકારી જ હતા. કોઈ ઓફિસરે કાર્યક્રમનું આયોજન કરેલું અને તેમાં એક પાર્ટનર તરીકે તેની બેંક જોડાઈ હતી. સાંજે એ પહેલીવાર ઓફિસર અને તેની ટીમને મળવાની હતી. તોછડું વર્તન અને બાબુગીરી સરકારી અધિકારીઓમાં જાણે અભિન્ન હોય છે તેવું સાન્યા માનતી હતી. તેને લાગતું હતું કે હંમેશની માફક આજે પણ જો કઈ સારું થશે તો તેની વાહવાહી લેવા સરકારી બાબુઓ તૈયાર થઇ જશે પણ રખેને જો કઈ ભૂલ થઇ ગઈ તો તેનો વાંક બેંક ઉપર નાંખી દેશે. સાન્યાએ મનોમન પ્રાર્થના કરી કે આજનો કાર્યક્રમ કેમેય કરીને સારી રીતે નીકળી જાય.
સાંજે ઓફિસમાંથી થાકેલી તે ઘરે ગઈ અને ચા પીને જલ્દી નાહવા જતી રહી. ફોર્મલ ડ્રેસ પહેરવાનો હતો એટલે બ્લેક પેન્ટ, ક્રીમ શર્ટ અને બ્લેક બ્લેઝર પહેર્યા. વાળ ખુલ્લા રાખવાને બદલે અંબોળો વાળી લીધો. જલ્દીથી લાઈટ મેકઅપ લગાવ્યું અને ફેવરિટ લાઈટ પિન્ક લિપસ્ટિક લગાવીને તેણે બ્રાન્ડેડ બેગ ઉઠાવ્યું. કાર ડ્રાઈવ કરીને તે કાર્યક્રમના સ્થળે પહોંચી. તેની ટીમ તૈયારીમાં લાગેલી હતી. બધું બરાબર લાગતું હતું તે જોઈને તેને મનોમન સંતોષ થયો.
‘પ્રકાશ, બધી તૈયારી બરાબર છે ને?’ સાન્યાએ તેના સ્ટાફને પૂછ્યું.
‘હા મેમ, બધું બરાબર ચાલી રહ્યું છે. થોડીવારમાં મહેમાન પણ આવી જશે.’ પ્રકાશે જવાબ આપ્યો.
‘ગુડ, મેહમાન આવે એટલે એને સેટલ કરી દઈએ. ચીફ ગેસ્ટ તો થોડીવાર માટે આવશે પણ પેલા ચીફ ઓફિસરનું શું? કાર્યક્રમ તો તેનો છે ને. કઈ આઘું પાછું થશે તો આપણું ગળું કાપી નાખશે.’ સાન્યાએ ગળા પર છરીની જેમ આંગળી ફેરવતા ટચકારો કર્યો.
‘ના ના મેડમ, ચિંતા ન કરો. બધું બરાબર જ ચાલે છે. અને ચીફ ઓફિસર તો પોતે જ ક્યારના અહીં કામમાં લાગેલા છે. એ જુઓ ત્યાં ખૂણામાં.’
‘શું? એ પોતે આવી ગયા છે?’
‘હા, ક્યારનાય. અમે તો સાથે ચા પણ પીધી અને આ સ્ટેજ સેટ કરવામાં પણ તે સાથે જ હતા.’ પ્રકાશની વાત પરથી લાગતું હતું કે તે તો ચીફ ઓફિસર સાથે સારી રીતે હળીભળી ગયો છે. પણ સાન્યાને મનમાં થયું કે પોતે આટલી મોડી આવી છે અને ચીફ ઓફિસર પહેલાથી જ કામમાં લાગેલા છે તો જરૂર તેના પર ગુસ્સે થશે. ઊંડો શ્વાસ લઈને તેણે પ્રકાશને કહ્યું, ‘હું મળી લઉ સાહેબને?’
‘હા, ચાલોને મેડમ.’ કહેતો પ્રકાશ આગળ ચાલ્યો.
‘સાન્યા મનોમન પ્રાર્થના કરતી તેની પાછળ પાછળ ચાલી.
‘સર, અમારા મેડમ આવ્યા છે. સાન્યા મેડમ.’ પ્રકાશે એક યુવાનની પાસે જઈને કહ્યું.
‘ઓહ, વેલકમ.’ ચીફ ઓફિસર અવાજની દિશામાં ફર્યા અને સાન્યા તરફ જોઈને કહ્યું.
‘સર, સોરી મને ખબર નહોતી કે તમે વહેલા આવી જશો નહીંતર હું પણ…’ સાન્યા બોલી રહી હતી ત્યાં ચીફ ઓફિસરે તેની સામે હાથ લંબાવ્યો, ‘આઈ એમ મહેશ કુમાર, સાન્યા જી. વેરી નાઇસ ટુ મીટ યુ.’
‘સર, સેમ હીઅર. બટ આઈ એમ રીઅલી સોરી.’
‘અરે, તમારી ટીમ એટલી સારી છે કે કામ ખુબ સરસ રીતે સંભાળી લીધું છે. હું તો બસ ઓફિસેથી ઘરે જવા નીકળતો હતો તો મને થયું કે જરા વેન્યુ પર નજર નાખતો જાઉં. અહીંયા જોયું તો લગભગ બધી તૈયારીઓ થઇ ગઈ હતી અને પછી આ બધાને કામ કરતા જોયા તો મને લાગ્યું ચાલો થોડીવાર અહીં જ રોકાઈ જાઉં. પ્રકાશે ખુબ સરસ કામ કર્યું છે સાન્યા જી, આઈ મસ્ટ સે.’ મહેશે ખુબ સામાન્ય રીતે વાત કરતા સાન્યાને કહ્યું.
તેની વાત પરથી એકયવાર ન લાગ્યું કે તે ગુસ્સે થયા હતા કે તેને કોઈ વાત અંગે ફરિયાદ હતી.
‘સર, હું જોઈ લઈશ અહીંનું. આપ ઘરે જઈ આવો.’ સાન્યાએ કહ્યું.
‘આર યુ સ્યોર? હું જરા કપડાં બદલીને આવું? ત્રીસ મિનિટમાં આવી જઈશ.’
‘યસ સર. આઈ એમ સ્યોર. આપ મારો ફોન નંબર લઇ લો. કોઈ સૂચના આપવાની હોય તો વોટ્સએપ કરી દેજો સર.’ સાન્યાએ કહ્યું.
બંનેએ નંબરની આપ લે કરી અને મહેશ પોતાની ગાડીમાં ઘરે જવા નીકળ્યો.
સાન્યાને વિશ્વાસ જ ન આવ્યો કે સરકારી અધિકારી એટલા ડાઉન ટુ અર્થ હોઈ શકે. હવે તેને મનમાં થોડી રાહત થઇ હતી કે આજના કાર્યક્રમમાં કોઈ વાંધો નહિ આવે અને બધું સારી રીતે પતિ જશે. સાન્યાએ બાકીની તૈયારીઓ પુરી કરાવી.
થોડીવાર પછી મહેમાન આવવા લાગ્યા. સાન્યાની ટીમ તેમને નિશ્ચિત જગ્યાએ બેસાડવા લાગી. લગભગ બધા મહેમાન આવી રહ્યા ત્યાં સુધીમાં બીજી બે સરકારી ગાડીઓ આવી. આગળની ગાડીમાંથી ચીફ ઓફિસર મહેશ કુમાર ઉતર્યા અને બીજી ગાડીમાંથી ચીફ ગેસ્ટ હતા તે સેક્રેટરી ઉતર્યા.
સાન્યા હાથમાં ફૂલ લઈને તેમની નજીક પહોંચી.
મહેશ કુમારે તેનો સેક્રેટરી સાથે પરિચય કરાવતા કહ્યું, ‘સર સાન્યા જી બ્રાન્ચ મેનેજર છે અને તેમના સહયોગથી જ આજનો આ કાર્યક્રમ શક્ય બન્યો છે.’
સાન્યાને મનમાં થોડો સંકોચ થયો કે બધી તૈયારી તો મહેશ કુમારે જાતે કરાવેલી પરંતુ તેમ છતાં તેમને ક્રેડિટ તો બેંકને આપી.
‘થેન્ક યુ, આ કાર્યક્રમનું આયોજન કરવા માટે.’ સેક્રેટરીએ સાન્યાના હાથમાંથી બુકે લેતા કહ્યું.
સેક્રેટરી અને બીજા કેટલાક મહેમાનો સ્ટેજ પર બેઠા. મહેશ કુમારે કાર્યક્રમની શરુઆત કરી અને પછી તેઓ આગળની લાઈનમાં તેમની ખુરશી પર આવી ગયા. સાન્યાની બાજુમાં જ તેમની સીટ હતી. કાર્યક્રમ દરમિયાન તેઓ સાન્યાને જે પ્રોજેક્ટ અંગે કાર્યક્રમ થઇ રહ્યો હતો તેના અંગે માહિતી આપતા રહ્યા.
તેમને મળીને સાન્યાને લાગ્યું જ નહિ કે તેઓ પહેલીવાર મળી રહ્યા હતા. આખરે કાર્યક્રમ પૂરો થયો અને સૌ ખુશી ખુશી પોતાના ઘરે જવા રવાના થયા. સેક્રેટરી પણ સમયસર નીકળી ગયા હતા.
‘સો આર વી મિટિંગ અગેઇન? મહેશ કુમારે જતા જતા સાન્યાને પૂછી લીધું. સાન્યા માટે આ સરપ્રાઈઝ હતી. તેણે વિચાર્યું નહોતું કે તેઓ આ કાર્યક્રમ પછી પણ મળવા કહેશે.
‘આવતી કાલે સાંજે છ વાગ્યે કોફી, હોટેલ ક્રાઉન પ્લાઝા?’ સાન્યાને સમજાયું નહિ કે પોતે જરાય પણ સંકોચ વિના આ જવાબ કેવી રીતે આપી દીધો. પરંતુ હવે શબ્દો નીકળી ગયા હતા અને તેનો સાન્યાને કોઈ અફસોસ પણ નહોતો.
‘ડન. મળીએ કાલે.’ મહેશ કુમારે જતા જતા કહ્યું.
સાન્યા કાર ડ્રાઈવ કરીને પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે તેના મનમાં વિચાર ચાલી રહ્યો હતો કે આજના કાર્યક્રમ પછી સરકારી અધિકારીઓ સાથે કામ કરવાનો તેનો ડર તો નીકળી જ ગયો પરંતુ એક સરકારી અધિકારી કદાચ તેના મનમાં ઘર કરી રહ્યો છે. તેના ચેહરા પર સ્મિત આવ્યું અને તે શરમાઈ ગઈ.
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)