જિજ્ઞાસા: હું તો વિચારી પણ ન શકું કે તું મારી સાથે આ રીતે વર્તીશ

‘મેડમ, ઓટોગ્રાફ પ્લીઝ.’ એક પ્રશંસકે ડાયરી અને પેન આગળ ધરતા જિજ્ઞાસાને કહ્યું.

‘મેડમ, એક સેલ્ફી મળશે?’ બીજી એક ફેશનેબલ છોકરીએ પોતાનો આઇફોન કાઢીને જિજ્ઞાસા સાથે સેલ્ફી ખેંચી. હજારો દર્શકો અને પ્રશંસકો વચ્ચેથી ગુજરાતની મશહૂર ગાયિકા જિજ્ઞાસા પોતાનો માર્ગ કરતી કરતી ધીમે ધીમે તેના અંગરક્ષકની મદદથી સ્ટેજથી પોતાની કાર સુધી પહોંચી.
જિજ્ઞાસા જાણતી હતી કે પ્રશંસકો તેના માટે ભગવાન છે અને તેમને નારાઝ ક્યારેય ન કરાય એટલે તેમને હંમેશા હસીને જ વધાવતી. ક્યારેક આવા મોટા કાર્યક્રમોમાં આવેલા હજારો દર્શકો હોય કે પછી ક્યારેક વીઆઈપી લોકોનું નાનું જૂથ હોય, બધાની વચ્ચે પોતાનો માર્ગ કરતા તે શીખી ગઈ હતી.

જિજ્ઞાસા કારમાં બેઠી એટલે ડ્રાઈવરે દરવાજો બંધ કર્યો અને કાર રસ્તા પર દોડવા લાગી. જિજ્ઞાસા સાથે કારમાં તેનો પતિ વિજય પાછળની સીટ પર બેઠો હતો અને આગળની સીટ પર બોડીગાર્ડ અને ડ્રાઈવર હતા. લગભગ અડધા કલાક પછી કાર હાઇવે પર દોડવા લાગી. જિજ્ઞાસા થાકેલી હતી અને તેને ઊંઘ આવી રહી હતી એટલે તેણે માથું સીટના ટેકે ઢાળ્યું.

‘આજનો શો સારો રહ્યો, નહિ?’ વિજયે કહ્યું.

‘હા, શો તો સારો ગયો પણ હું બહુ થાકી ગઈ છું. સતત ત્રણ રાતના ઉજાગરા છે. આંખો બળવા લાગી છે. હવે તો હું આરામથી ઊંઘીશ.’ જિજ્ઞાસાએ આંખો બંધ રાખીને જ જવાબ વાળ્યો.

‘હા, કાલે કાર્યક્રમ જલ્દી પૂરો થઇ જશે.’ વિજયે કહ્યું.

‘શું? કાલે તો મારા શિડ્યુલમાં કઈ જ નહોતું. કાલનો કાર્યક્રમ ક્યાંથી આવ્યો?’ જિજ્ઞાસા ઝબકીને જાગી અને વિજય સામે જાણે તાડુકી પડી.

‘પેલા મિનિસ્ટરના પીએનો ફોન આવ્યો હતો. કેટલાક વીઆઈપી મહેમાનો આવે છે મિનિસ્ટરને ત્યાં. તેમના માનમાં એક પ્રાઇવેટ પ્રોગ્રામ રાખ્યો છે. યુ આર ધ લીડ સિંગર.’ વિજયે શાંતિપૂર્વક જિજ્ઞાસાના ખભે હાથ મુકતા કહ્યું.

‘પણ વિજય, શા માટે મને પૂછ્યા વિના તે કાલ માટે હા પાડી? મને પૂછવું તો જોઈતું હતું ને?’ જિજ્ઞાસા અકળાયેલી હતી.

‘હું તારું વિચારી ને જ શો બુક કરું છું, તું જાણે છે. આવા મોટા લોકોની ઓળખાણથી કામ વધારે મળે અને રૂતબો પણ વધે. તું મારા પર છોડી દે ને એ બધું.’ વિજયે જિજ્ઞાસાને બાળકની જેમ સમજાવતા કહ્યું.

જિજ્ઞાસાએ વિજયને સંભળાય તેટલા અવાજ સાથે શ્વાસ ફેંક્યો અને ફરીથી આંખો બંધ કરીને સીટ પર માથું ઢાળ્યું અને પોતાના ભૂતકાળના વિચારોમાં સરી પડી.

જિજ્ઞાસા અને વિજય સાત વર્ષ પહેલા એક કાર્યક્રમમાં મળેલા. જિજ્ઞાસા હજુ ઉભરતી કલાકાર હતી અને વિજય તે કાર્યક્રમનો આયોજક હતો. ધીમે ધીમે તેમનો સંપર્ક વધતો ગયો અને વિજય વધારે ને વધારે કાર્યક્રમોમાં જિજ્ઞાસાને ચાન્સ આપતો ગયો. થોડા સમય પછી વિજયે જિજ્ઞાસાને બે પ્રપોઝલ એકસાથે આપ્યા. એક તો લગ્ન કરવાનું અને બીજું દસ વર્ષ માટે તેની કંપની સાથે કોન્ટ્રાકટ કરીને જોડાવાનું. લગ્નનું પ્રપોઝલ એટલું તો વહાલું લાગ્યું કે જિજ્ઞાસાએ બીજા પ્રપોઝલ વિષે કઈ જ વિચાર્યું નહિ. બંને પ્રપોઝલ સ્વીકારીને જિજ્ઞાસા વિજયની પત્ની અને ક્લાઈન્ટ બની.

વિજયની કંપની કેટલાય કલાકારો સાથે કામ કરતી હતી અને તેમાં જિજ્ઞાસા પણ એક હતી. જોતજોતામાં જિજ્ઞાસાનું નામ ખુબ પ્રસિદ્ધ થવા લાગ્યું અને તેમાં તેની કલા ઉપરાંત વિજયનો પણ હાથ હતો તે વાત જિજ્ઞાસા જાણતી હતી. વિજયના સપોર્ટથી તે સુપર સ્ટાર બની ચુકી હતી અને લોકો તેની આગળ પાછળ ફરતા હતા. જ્યાં પણ જતી ત્યાં લોકો તેનો ઓટોગ્રાફ અને સેલ્ફી માંગતા. તેને જોવા અને સાંભળવા માટે લોકોની લાઈન લાગતી.

જિજ્ઞાસા આ સાત વર્ષની સફર વિચારોમાં ખેડી રહી હતી ત્યાં અચાનક કારની બ્રેક લાગી એટલે તેણે આંખ ખોલીને જોયું તો તેઓ એક ધાબા પર રોકાયા હતા.

‘ચાલ કઈંક ખાવું પીવું હોય તો.’ વિજયે કહ્યું.

‘મને ભૂખ નથી. હું ઊંઘી જઈશ.’ જિજ્ઞાસાએ કારમાંથી ઉતરવાની ના પડી એટલે વિજય જતો રહ્યો. ડ્રાઈવર અને બોડીગાર્ડ તો પહેલા જ જતા રહેલા. થોડીવાર સુધી તેણે આરામ કર્યો પણ તેના મગજમાં વિચારોનો વમળ વધારેને વધારે તોફાની બની રહ્યો હતો. વિજયે શા માટે તેને પૂછ્યા વિના એ કાર્યક્રમ માટે હા પાડી દીધી? આવું તેણે પહેલા પણ બે-ત્રણ વાર કરેલું. આજે તો આ વાતનો ખુલાસો કરવો જ પડશે તેવા વિચારે તેને ઊંઘ ન આવી.

થોડીવારમાં ત્રણેય કારમાં પાછા આવ્યા અને ડ્રાઈવરે ગાડી ફરીથી દોડાવવી શરુ કરી એટલે જિજ્ઞાસાએ વિજયને મક્કમ અવાજે કહ્યું, ‘વિજય, હું કાલનાં કાર્યક્રમમાં નહિ ગાઈ શકું. તું ના પાડી દે જે તેમને.’

‘શું વાત કરે છે તું? શા માટે નહિ ગાઈ શકે?’ વિજયનો આવાજ અકળાયેલો હતો.

‘કેમ કે મારી ઈચ્છા નથી. અને હવે પછી તું મને પૂછ્યા વિના એકેય શો બુક ન કરીશ.’ જિજ્ઞાસાએ વધારે દ્રઢતાથી પોતાનો નિર્ણય સંભળાવ્યો.

વિજયનો હસવાનો અવાજ સંભળાયો પણ તેના તરફથી કોઈ જવાબ મળ્યો નહિ એટલે થોડીવાર રાહ જોયા પછી બેચેન થયેલી જિજ્ઞાસાએ ફરીથી કહ્યું, ‘તને સમજાયું ને વિજય મેં શું કહ્યું એ?’

‘મને તો સમજાયું, પણ લાગે છે કે તને હજી કોન્ટ્રાકટ નથી સમજાયો જિજ્ઞાસા.’ વિજય ગુસ્સામાં જણાતો હતો.

‘તે કોન્ટ્રાકટ કર્યો હોય મિનિસ્ટર સાથે તો તું જો. મને માફ કર. હું આરામ કરવા ઈચ્છું છું. નહીંતર મારો અવાજ હું હંમેશને માટે ખોઈ બેસીસ.’ જીજ્ઞાસાની ચિંતા વ્યાજબી હતી.

‘હું એ કોન્ટ્રાકટની વાત કરું છું જે તે મારી કંપની સાથે કર્યો છે. જિજ્ઞાસા, આપણા કોન્ટ્રાકટ પ્રમાણે તું મારી કંપની સાથે દસ વર્ષ સુધી હું જે કહું તે કાર્યક્રમમાં ગાવા માટે બંધાયેલી છો. તું કોઈ પણ કારણથી તેને કેન્સલ ન કરી શકે.’ વિજયનો અવાજ હવે પતિનો નહિ પરંતુ કોઈ શાહુકાર દેવદારને તેનું દેવું યાદ કરાવતો હોય તેવો હતો.

‘વિજય? તું મારી સાથે આવી રીતે વાત કરીશ?’ જિજ્ઞાસા સફાળી જાગી ગઈ.

‘હા, અને તને એ પણ યાદ કરાવી દઉં કે આ કોન્ટ્રાકટ એક્સક્લુઝિવ છે. એટલે કે તું મારી કંપની સિવાય બીજા કોઈ માટે આ દસ વર્ષ દરમિયાન ગાઈ ન શકે. કોન્ટ્રાકટ તોડવાની પેનલ્ટી એટલી છે કે તું આખી જિંદગી કમાઈશ તો પણ નહિ ચૂકવી શકે. માટે ના કહેવાનું તો વિચારતી પણ નહિ.’ વિજયે જિજ્ઞાસા તરફ ફરીને આંગળી લગભગ તેની આંખોમાં ખુમપાવતા હુકમથી કહ્યું.

‘વિજય, તું મને મજબુર કરે છે? હું તો વિચારી પણ ન શકું કે તું મારી સાથે આ રીતે વર્તીશ…’ જિજ્ઞાસા ડુસકા સાથે બોલતી રહી અને તેના શબ્દો ગળામાં અવરોધાઈને ધીમે ધીમે સમી ગયા.

કાર હાઇવે પર પુરપાર ઝડપે અંધારું ચીરીને દોડી રહી હતી અને વિજય પોતાના મોબાઈલમાં કઈંક જોઈ રહ્યો હતો. તેના ચેહરા પર કપટી હાસ્ય રમતું હતું.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)