સંબંધ હોય એટલે લગ્ન કરવા જરૂરી છે?

સુમન તેના ફ્રેન્ડ મૃદુલની ઓફિસ પાર્ટીમાં ગયેલી અને ત્યાં વિશાલ સાથે પ્રથમ મુલાકાત થઈ તેને ચાર વર્ષ થયા. પાર્ટીમાં પહેલીવાર મળી ત્યારે તેણે વિશાલને ધ્યાનથી જોયો. લાબું કદ, મધ્યમ બાંધો, ખીલથી પડેલા ખાડાવાળા ગાલ અને સખત ચેહરો. બોલવામાં પાવરધો પરંતુ જલ્દીથી સૌની સાથે વાત ન કરે.

વળી, એટીટ્યુડવાળો તો ખરો જ. સુમને તેને ‘હેલો’ કહેલું તો તેના જવાબમાં વિશાલે માત્ર ડોક હલાવેલી. ત્યારબાદ તેણે સુમનની નોંધ પણ લીધી નહોતી. પાર્ટીમાં એક ગેમ દરમિયાન કોઈ ટાસ્ક માટે તેની સાથે વિશાલનું નામ નીકળ્યું. બન્નેએ મળીને ટાસ્ક પૂરું કર્યું અને ગેમ જીતી ગયા. પ્રાઈઝમાં મળેલ એક પુસ્તક સુમને ‘વાંચીને પછી તમને મોકલી આપીશ’ તેવું કહી પોતાની પાસે રાખી લીધેલું.

થોડા દિવસ પછી સુમને મૃદુલ પાસેથી વિશાલનો ફોન નંબર મેળવીને વિશાલને વોટ્સએપ મેસેજ કર્યો. પુસ્તક આપવા માટે એ વિશાલને મળી ત્યારે સુમનનો તેજ મગજ અને ધારદાર વાણી વિશાલને આકર્ષી ગયા. પછી તો બંનેએ મળવાનું શરુ કર્યું. તેને ડેટ કહેવાય કે નહીં તે નક્કી નહોતું, પરંતુ ધીમે ધીમે તેમાંથી સાંજે ઘરે છોડવા સુધીનો અને પછી ક્યારેક સુમનની રૂમ પાર્ટનર ન હોય ત્યારે ત્યાં જ રોકાઈ જવા સુધીનો સંબંધ બંધાયો.

(પ્રતીકાત્મક તસવીર)

સુમન કેરળથી નોકરી કરવા મુંબઈ આવેલી. વિશાલ તો મુંબઇનો જ રહેવાસી હતો. ઘરમાં વૃદ્ધ માતા-પિતા સાથે રહેતો હતો. ક્યારેક તેના માતા-પિતા દીકરીના ઘરે જાય ત્યારે સુમન પણ વિશાલના ઘરે જતી રહેતી. સમય જોઈને વિશાલે માતા-પિતાને સુમન વિષે વાત કરી અને ઘરે મળવા લઇ આવ્યો. બંનેને સુમનનો સ્વભાવ ગમ્યો. ધીરે ધીરે સુમનનું ઘરે આવવાનું વધ્યું. ‘તારા મમ્મી-પપ્પાને બોલાવે તો લગ્નની વાત કરીએ’ એમ કહીને વિશાલની મમ્મીએ સુમનને પોતાના ઘરની વહુ બનાવવાનો ઈરાદો સ્પષ્ટ કર્યો. સુમન શરમાઈને રસોડામાં ચાલી ગયેલી.

‘મારા મમ્મી-પપ્પા હવે જલ્દી આપણાં લગ્ન ગોઠવવા માંગે છે. તેમની ઈચ્છા છે કે આપણે આ વર્ષના અંત સુધીમાં પરણી જઈએ.’ વિશાલે કહ્યું.

જવાબમાં સુમને કહયું, ‘મને થોડો સમય જોઈએ છે, વિશાલ.’

બે-ત્રણ મહિના વીત્યા. વિશાલ વારેવારે સુમનને કહ્યા કરે, પરંતુ સુમન તેની વાત ટાળી દે.

‘તું મારી સાથે લગ્ન કરવા માંગે છે કે નહિ તે સાફ સાફ કહી દે, સુમન. આ રીતે મને લટકાવીને ન રાખ.’ વિશાલે એક દિવસ ગુસ્સામાં કહ્યું.

‘હું તને અત્યારે જવાબ નહિ આપી શકું. મારે સમય જોઈએ છે.’ સુમન તેની વાતમાંથી પલટાઈ નહીં.

‘જો તું મને એક અઠવાડિયામાં જવાબ નહિ આપે તો હું બીજે ક્યાંય લગ્ન કરી લઈશ. હું વધારે રાહ જોઈ શકું તેમ નથી. મમ્મી-પપ્પાને મારા લગ્નની ઉતાવળ છે.’

‘આપણે શહેરમાં રહીએ છીએ. ભણેલા ગણેલા છીએ. પેરેન્ટ્સના કહેવાથી લગ્ન કેમ કરી લઈએ?’

‘હું એ બાબતમાં દલીલ કરવા નથી માંગતો. તારા વિચાર તેની જગ્યાએ સાચા હશે પરંતુ મને હવે વધારે રાહ જોવાનું કોઈ કારણ લાગતું નથી.’ વિશાલ એટલું કહીને જતો રહયો.

ચાર દિવસ પછી સુમને લગ્ન માટે હા કહી દીધી અને તેના પેરેન્ટ્સને મુંબઈ બોલાવ્યા. તેઓ વિશાલના પેરેન્ટ્સને મળ્યા અને લગ્નની તારીખ નક્કી થઇ.

લગ્નની તૈયારી ચાલતી રહી. એક દિવસ સાંજે સુમને વિશાલને કોફી શોપમાં મળવા બોલાવીને કહ્યું, ‘વિશાલ, મારી દુબઇમાં નોકરી લાગી ગઈ છે અને હું ત્યાં શિફ્ટ થઇ રહી છું.’

‘વ્હોટ? આપણા લગ્નને એક અઠવાડિયું બાકી છે. બધી તૈયારી થઇ ગઈ છે.’

‘વિશાલ, હું ઘણા સમયથી દુબઈમાં નોકરી માટે પ્રયત્ન કરી રહી હતી. એટલા માટે જ તારી સાથે લગ્ન માટે ક્યારેય સહમત નહોતી થતી.’

‘પણ હવે તો થઇ ગઈ છો ને. તો પછી દુબઇ જવાની શું જરૂર છે?’

‘નોકરી શોધવામાં લાંબો સમય થયો એટલે મારી આશા મોળી પડી ગયેલી. મેં લગભગ મન મારીને જ લગ્નની હા પાડેલી. પણ આજે જ સમાચાર મળ્યા કે મારી નોકરી નક્કી થઇ છે અને હું જલ્દીથી ત્યાં જવા ઈચ્છું છું.’

‘પણ મુંબઈમાં શું વાંધો છે?’

‘તું નહિ સમજે. અમારે ત્યાં બધા લોકો નાનપણથી જ ગલ્ફમાં જવાનું સપનું જોતા હોય છે.’

‘અને મારુ શું?’

‘તું અહીં કોઈને પરણી જજે.’

‘અને તું?’

‘હું ત્યાં જ કોઈને શોધી લઈશ.’

‘તું એટલું સરળતાથી કેવી રીતે કહી શકે? આપણા પ્રેમનું શું? ચાર વર્ષના સંબંધનું શું?’

‘હા. હું સ્પષ્ટ છું. મેં ક્યારેય લગ્નની ઉતાવળ નહોતી કરી. ખરેખર તો વાત જ નહોતી કરેલી. અને સંબંધ હોય એટલે લગ્ન કરવા જ જોઈએ તેવું જરૂરી છે? આપણે સાથે રહ્યા અને સારો સમય વિતાવ્યો એટલું પૂરતું નથી?’

‘અને મારા મમ્મી-પપ્પા? તેમની તારા માટેની લાગણી?’ વિશાલ ભારે અવાજે બોલ્યો.

‘અને મારા મમ્મી-પપ્પા? તેમની મારા માટેની લાગણી? વિશાલ. ભાવુક થઈને તું સ્પષ્ટ વાત સમજી શકતો નથી. બધા રસ્તાઓને એક જ દિશામાં વાળવાની શી જરૂર છે? આપણો માર્ગ અલગ વળાંક લે છે તો લેવા દે.’

વિશાલ પાસે કોઈ જવાબ ન હતો. સુમન તેનું પર્સ લઈને ટેક્ષીમાં બેસી જતી રહી.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)