પ્રિયાએ તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢ્યું અને પછી આખો દિવસ…

‘અમર, તું આજે ચા જાતે બનાવી લઈશ? મારી તબિયત થોડી નાજુક લાગી રહી છે.’ પ્રિયાએ પોતાના પતિ અમરને કહ્યું. આઠ વાગવા આવ્યા હતા. અમરનો રોજ ઓફિસ નીકળવાનો સમય સવા આઠ વાગ્યાનો એટલે તે પોણા આઠ વાગ્યા સુધીમાં નાહી-ધોઈને તૈયાર થઇ જાય. પ્રિયા કપડાં ઈસ્ત્રી કરીને રાખે એટલે પહેરી લે, અને બંને સાથે બેસીને ચા-નાસ્તો કરે પછી તે ઓફિસ જવા નીકળે. આ તેમનો રોજિંદો ક્રમ.

 

આજે પ્રિયાએ સવારે સાડા છ વાગ્યે અમર ઉઠ્યો ત્યારે પલંગમાંથી જ કહેલું, ‘તું કપડાં ઈસ્ત્રી કરી લઈશ? મારી તબિયત સારી લાગતી નથી.’

અમર પોતાના કપડાં તૈયાર કરીને પછી જ નહાવા ગયેલો. હવે તૈયાર થઇ ગયો ત્યારે પ્રિયાએ તેને ચા જાતે બનાવી લેવા કહ્યું એટલે અમરે તેની પાસે જઈને કપાળ પર હાથ મુક્યો. શરીરનું તાપમાન તો સામાન્ય લાગ્યું.

‘હા, હું ચા બનાવી લઈશ. પણ શું થયું છે તને? તાવ તો નથી લાગતો.’ અમરે પૂછ્યું.

‘ખબર નહિ. તને તો ખબર છે ઘણા દિવસથી મારી તબિયત થોડી નરમ રહે છે. અંદરથી શરીર તૂટ્યા કરે છે.’ પ્રિયાએ કહ્યું અને ઊંડો શ્વાસ લીધો.

‘ઓકે, તું આરામ કર.’ કહીને અમર રસોડામાં ગયો અને પોતાના માટે ટોસ્ટ અને ચા બનાવી જલ્દીથી નાસ્તો પતાવીને ઓફિસે જવા નીકળી ગયો.

પ્રિયા સાડા નવ વાગ્યે બેડમાંથી ઉઠી, બ્રશ કરીને પોતાની ચા બનાવી છાપું વાંચવા બેઠી. અગિયારેક વાગ્યે તેની મમ્મીનો ફોન આવ્યો.

‘હા મમ્મી, બોલો કેમ છો?’

‘હું મજામાં છું. તું કેમ છો?’

‘આજે આળસ જેવું લાગે છે. સવારે ઉઠવાનો મૂડ જ નહોતો થતો. થોડીવાર પહેલા બેડમાંથી નીકળી છું. હજી નહાવાનું પણ બાકી છે.’ પ્રિયાએ કહ્યું.

‘તો અમરનો ચા-નાસ્તો? ઓફિસની તૈયારી?’

‘તે તો કઈ નહિ. મેં અમરને કહી દીધું ‘તું કે મારી તબિયત બરાબર નથી તો તું કરી લેજે. તે પોતાનું કરીને જતો રહ્યો છે. ચિંતા ન કરીશ.’ પ્રિયાએ પોતાનો ચાનો કપ ધોવા માટે મૂકતા કહ્યું.

‘સારું, ચાલ તું ધ્યાન રાખજે. હું બજાર જવા નીકળું છું.’ કહીને તેની મમ્મીએ ફોન કટ કર્યો.

પ્રિયાએ છાપું બાજુ પર મૂક્યું અને બાથરૂમમાં નહાવા ગઈ. એકાદ કલાક સુધી તેણે સરસ રીતે પોતાની જાતને પંપાળી અને પછી વોર્ડરોબમાંથી ટ્રેક સૂટ કાઢીને પહેર્યું. બેડ પર નજર પડી તો ચાદર અને રજાઈ ફેલાયેલા પડ્યા હતા એટલે તે ડ્રોઈંગ રૂમમાં સોફા પર જતી રહી. રિમોટ ઉઠાવીને ટીવી ચાલુ કર્યું. નેટફ્લિક્સ પર નવી આવેલી સિરીઝ લગાવી અને ફોન પર ફૂડ ડિલિવરી માટે સારી ઓફર જોવા લાગી. આજે તેને ચાઈનીઝ ખાવાની ઈચ્છા હતી. ત્રણ ચાર રેસ્ટોરન્ટના મેનુ ચેક કરીને તેણે ઓર્ડર કરી દીધો.

થોડીવારમાં ડિલિવરી આવી. પેકેટ ખોલ્યા અને પ્લેટમાં જમવાનું કાઢ્યું. ખુશ્બુ અને દેખાવ બંને ખુબ સારા હતા. તરત જ પ્રિયાએ આઠ દશ ફોટો અલગ અલગ એંગલથી લઇ લીધા અને પછી ગરમ ગરમ ચાઈનીઝ ખાધું. ટેસ્ટ સારો લાગ્યો અને ભાવ પણ સારો હતો. બિલમાં લખ્યું હતું કે રિવ્યુ આપવાથી બીજા ઓર્ડર પર પંદર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એવો મોકો જવા દેવામાં પ્રિયા માનતી નહોતી. તેણે તરત જ રેસ્ટોરન્ટનું રીવ્યુ લખી નાખ્યું અને ઇમેઇલ પર તેને ડિસ્કાઉન્ટ કોડ પણ આવી ગયો. સાથે બીજી લિંક પણ આવે જેને કોઈ મિત્ર સાથે શેર કરો અને જો તેઓ ઓર્ડર કરે તો બીજા પાંચ ટકાનું ડિસ્કાઉન્ટ પણ મળે. પ્રિયાએ એ સારું કામ પણ તરત જ કરી દીધું. ત્રણ ચાર સહેલીઓને લિંક વોટ્સએપ પર મોકલી આપી અને પછી પોતે લીધેલા ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી દઈને ટેસ્ટી ચાઈનીઝ ફૂડનો હેઝટેગ લગાવ્યો.

બે-ચાર લોકોના વોટ્સએપ મેસેજ આવ્યા પરંતુ અત્યારે તેનું ધ્યાન સીરીઝનો હવે પછીનો એપિસોડ જોવા પર હતું એટલે પોઝ કરેલ એપિસોડ પાછો ચાલુ કર્યો અને પોતે સોફા પર લંબાવ્યું. દરેક એપિસોડ એવો રસપ્રદ રીતે પૂરો થતો કે પ્રિયા મજબુર થઇ ગઈ પછીનો એપિસોડ જોવા માટે. એક પછી એક એપિસોડ ચાલતા ગયા અને પ્રિયા સોફા પર આરામથી સૂતી સૂતી જોતી રહી. ચારેક વાગ્યા એટલે તેને ચા પીવાની ઈચ્છા થઇ. નેટફ્લિક્સ ફરીથી પોઝ કરીને તે રસોડામાં ગઈ અને ચા મૂકી. તે દરમિયાન વોટ્સએપના જવાબ આપી દીધા. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પર આવેલા લાઈક ચેક કર્યા અને કમેન્ટને લાઈક કરીને જવાબ પણ આપ્યા. ચા થઇ ગઈ પછી વાસણ ધોવા માટે બાજુ પર મૂકી દીધા. ચા કપમાં લઈને તે સોફા પર આવી અને પગ લંબાવી સિરીઝ જોવાનું ચાલુ કર્યું. સવા પાંચ વાગતા સુધીમાં સિરીઝ પુરી થઇ. પ્રિયાને તે સિરીઝ એકદમ ગમી ગઈ એટલે તેણે ગૂગલ કરીને તેના ડાઈરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર વગેરે વિશે પણ થોડું વાંચી લીધું.

પાંચ ચાલીસ થઇ એટલે પ્રિયાએ ટીવી બંધ કર્યું. ચાનો કપ ઉઠાવ્યો અને ધોવા માટે રસોડામાં મૂકી દીધો. પછી તે બેડરૂમમાં આવી અને પલંગ પર રઝાઈ ઓઢીને સૂતી. દશેક મિનિટમાં ડોરબેલ વાગ્યો પણ પ્રિયા ઉઠી નહિ. એકાદ મિનિટ બાદ દરવાજાનો લોક ખુલવાનો અવાજ આવ્યો.

‘પ્રિયા? ઘરે છો?’ કહેતા અમર બેડરૂમમાં પ્રવેશ્યો.

‘હા, અમર. ઘરે જ છું. આખો દિવસ અકળામણ રહી છે. બેડમાંથી નીકળી જ નથી આખો દિવસ.’ પ્રિયાએ રઝાઈ અડધી હટાવી અને દિવાલના ટેકે બેસતાં કહ્યું.

‘તાવ તો નથી ‘ને?’ અમરે પ્રિયાની નજીક આવીને તેના કપાળે હાથ મૂકીને તાપમાન ચેક કર્યું.

‘ખબર નહિ. અંદર અંદરથી કદાચ હોય પણ ખરો.’ પ્રિયાએ અમરનો હાથ પકડીને તેને પોતાની પાસે બેસાડ્યો.

‘તું જમી કે નહિ?’

‘હા, મેં થોડુંક ઓર્ડર કરી લીધું હતું. બનાવવાની શક્તિ નહોતી અને મોઢું કડવું કડવું થઇ ગયું હતું એટલે કૈંક તીખું ખાવાની ઈચ્છા હતી.’

‘સારું કર્યું. હું જરા ફ્રેશ થઇ જાવ પછી ડિનરની વ્યવસ્થા કરું છું.’

‘કઈંક સાદું સાદું જ બનાવજે, મને તો વધારે મન નથી હો.’

‘શું બનાવું? ખીચડી ખાઈશ?’ અમરે બાથરૂમ તરફ જતા પૂછ્યું.

‘એના કરતા પિઝા કે એવું કઈંક મંગાવી લે તો મારાથી થોડુંક ખવાશે નહીંતર મોઢું એવું બેસ્વાદ થઇ ગયું છે ને કે કોળિયો પણ ગળે નહિ ઉતરે.’ પ્રિયાએ થોડું કણસતા કહ્યું અને પાછી રઝાઈ ઓઢીને સૂતી.

‘સારું, પિઝા ઓર્ડર કરી દઉં છું. પણ પ્રિયા, હમણાં હમણાં તારી તબિયત વારે વારે ખરાબ થતી જાય છે હો.’ અમરે બાથરૂમમાંથી કહ્યું.

‘હા, ખબર નહીં કેમ પણ અશક્તિ બહુ આવી ગઈ છે. અને અમર, એકાદ-બે વાસણ ધોવા માટે રાખ્યા છે, તું ધોઈ લઈશ પિઝા આવે ત્યાં સુધીમાં? પ્રિયાએ અમરને અવાજ દઈને પૂછ્યું.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)