કેમ સુનિતાએ પોતાનું લગ્નજીવન બરબાદ કર્યું?

સુનીતાએ લગ્નના ત્રણ વર્ષ બાદ તેમનો પુત્ર ટીકુ બે વર્ષનો થઈ ગયો ત્યારે બેંકમાં નોકરી શરું કરી ત્યારથી ધીમે ધીમે તે કામમાં વ્યસ્ત થતી ગઈ હતી. કુંદનની નોકરી તો પહેલાથી જ એવી હતી કે તેને રોજ રાત્રે આવવામાં મોડું થઇ જાય અને શનિ-રવિવારે પણ કેટલીયવાર કામ કરવું પડે. પતિ-પત્ની બંનેની સારી પ્રોફેશનલ લાઈફ હોવી અને ઘરમાં પણ પૂરતો સમય આપી શકવો આસાન હોતું નથી, ખાસ કરીને જયારે બંનેની જોબમાં કામનો ભાર વધારે રહેતો હોય ત્યારે. આવા સમયે પણ જો બાળક નાનું હોય તો દાંપત્ય જીવનમાં તકરારના કેટલાય પ્રસંગો ઊભા થતાં હોય છે.

‘તારે પણ પોતાનું કરીઅર છે અને બાળક માત્ર તારી એકલીનું નથી.’ પૂર્ણિમા લંચના સમયે સુનીતાને કહી રહી હતી.

‘હા, પણ બાળકને સંભાળવાની જવાબદારી તો માતાની હોય છે તે વાતથી હું કેવી રીતે ઇન્કાર કરું?’ સુનીતાના મનમાં આ બાબત અંગે કોઈ દલીલ નહોતી.

‘આઈ નો. આપણા સમાજમાં લોકો એવું જ માને છે પરંતુ નિર્ણય તારા હાથમાં છે.’ પૂર્ણિમાએ લંચ પછી પોતાના ટેબલ પર પાછા ફરતા કહેલું.

સુનિતા અને પૂર્ણિમા વચ્ચે અવારનવાર આવી વાતો થતી. સુનિતા પોતાના લગ્નજીવનમાં ચાલી રહેલી સમસ્યા અંગે પૂર્ણિમાને બધી વાત કરતી અને તેની સલાહ પણ લેતી. પૂર્ણિમાનો પતિ નોકરી માટે દુબઈમાં રહેતો હતો અને પોતે બેંકમાં બદલી થવાથી ત્રણેક વર્ષથી પૂર્ણિમાના શહેરમાં આવેલી. બંનેની વચ્ચે ધીમે ધીમે દોસ્તી થયેલી. પૂર્ણિમા પોતાના પતિના દૂર હોવા અંગે ફરિયાદ કરતી તો સુનિતા પોતાના લગ્નજીવનની વ્યથા સંભળાવતી. તેને લાગતું કે પોતાનો પતિ સાથે હોવા છતાં પણ સાથે નથી.

એક દિવસ રાત્રે ડિનર ટેબલ પર કુંદને સુનિતાને ગંભીર વાત કરવાની શરૂઆત કરી.

‘સુનિતા, કંપની મને પ્રમોશન સાથે ટ્રાન્સફર આપવાનું વિચારી રહી છે.’ કુંદને કહ્યું.

‘ટ્રાન્સફર? તારી નોકરી તો ટ્રાન્સફરવાળી નથી.’

‘હા, પણ કંપની બીજો પ્લાન્ટ શરુ કરવા માંગે છે અને ત્યાં મને પ્રમોશન આપીને મોકલવાની વાત ચાલે છે.’

‘ના, ના, ટ્રાન્સફર બ્રાન્સફર નથી લેવું આપણે. ટીકુની સ્કૂલનું શું?’ સુનિતા ખિન્ન થઇ ગયેલી જણાતી હતી.

‘હજુ ટ્રાન્સફર થઇ નથી. વાત ચાલે છે. જો કંપની નક્કી કરશે તો આપણને ઓફર આપશે અને જો આપણે સ્વીકારીશું તો જ મોકલશે, જબરદસ્તી નહિ કરે.’ કુંદને સુનિતાને શાંત પડતા કહ્યું.

‘જોઈ લેજે તારી રીતે.’ સુનિતાએ પોતાની થાળી ઉપાડી રસોડામાં જતા વાત પુરી કરી.

સુનિતાએ બીજા દિવસે પૂર્ણિમાને આ વાત કરી.

‘કુંદન કહે છે કે કંપની તેને ટ્રાન્સફર પર મોકલે એવી શક્યતા છે.’

‘ઓકે.’ પૂર્ણિમાએ કહ્યું.

‘તો મારે પણ આ નોકરી છોડીને અને ટીકુની સ્કૂલ છોડાવીને જવું પડશે. મને તો ચિંતા થઇ ગઈ છે.’ સુનિતા વ્યથિત હતી.

‘તારે શા માટે જવું પડશે? તેની ટ્રાન્સફર છે તો તે જશે.’ પૂર્ણિમાએ બહુ સહજતાથી કહ્યું.

‘શું? પણ પરિવારનું શું? અલગ અલગ કેવી રીતે રહેવાય?’ સુનિતા માટે આ વાત સમજવી મુશ્કેલ હતી.

‘હું રહું જ છું ને? તેમાં શું થઇ ગયું? આપણે કંઈ પતિની પૂંછડી છીએ કે તે જ્યાં જાય ત્યાં આપણે પણ પાછળ પાછળ પહોંચી જવાનું? આપણી પણ સ્વતંત્ર ઓળખ છે, અસ્તિત્વ છે. જવા દે એને જવું હોય તો. મેં પણ મારા પતિને જવા જ દીધો છે ને?’ પૂર્ણિમાના અવાજમાં ઉપદેશ જેવો જુસ્સો હતો.

સુનિતાએ આ વાતનો જવાબ ન આપ્યો, પણ તેના મનમાં એક નવો વિચાર રોપાઈ ગયો.

છ મહિના પછી કુંદને ફરીથી ડિનર ટેબલ પર વાત કરી.

‘કંપનીએ ઓફર આપી છે કે મને મેનેજરની પોસ્ટ આપશે અને પગાર તથા સુવિધાઓ પણ ખુબ સારી થઇ જશે.’ કુંદનના અવાજમાં ઉત્સાહ હતો.

‘તો તું જવાનું વિચારે છે?’ સુનિતાએ પોતાના ગુસ્સાને કાબુમાં રાખી લીધો.

‘મને લાગે છે કે આપણે આ ઓફર સ્વીકારી લેવી જોઈએ.’ કુંદને પોતાનો પક્ષ મુક્યો.

‘આપણે નહિ. તારે સ્વીકારવી હોય તો સ્વીકાર. હું ક્યાંય નથી જવાની.’ સુનીતાના અવાજમાં મક્કમતા હતી.

‘શું વાત કરે છે? આપણે અલગ અલગ રહેવાનું? ટીકુનું શું? મને ખબર છે કે આપણા સંબંધોમાં ઘણા સમયથી કોઈ ખાસ ગરમાવો રહ્યો નથી પરંતુ અલગ થવાની નોબત તો હજી નથી આવી.’ કુંદનને એક ઝટકો લાગી ગયો.

‘અલગ થવાની નહિ પરંતુ આ ટ્રાન્સફરથી અલગ રહેવાની નોબત તો આવી જ ગઈ છે. હું તને રોકતી નથી. તું જતો રહે ટ્રાન્સફર લઈને. હું અને ટીકુ અહીં જ રહીશું. મારી નોકરી છે, મારી સ્વતંત્ર ઓળખ છે અને તારા ટ્રાન્સફર ખાતર હું એ બંને નહિ છોડું.’ સુનિતાએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો અને થાળી લઈને રસોડામાં મુકવા જતી રહી.

કુંદને ટ્રાન્સફર સ્વીકારી અને સુનિતાને વિનંતી કરી કે તેની સાથે જાય પરંતુ તે ન માની એટલે પોતે એકલો નવા પ્લાન્ટ પર જતો રહ્યો. નવો પ્લાન્ટ ઘરથી ત્રણ સો કિલોમીટર દૂર હતો અને ગ્રામ્ય વિસ્તારમાં હતો એટલે પાંચેક કલાકની મુસાફરી તો ખરી. જવાબદારીઓ પણ વધારે અને હવે પ્રમોશન પણ થયેલું એટલે કુંદન માંડ મહિનામાં એકવાર ઘરે આવી શકતો. સુનિતાએ પણ તેનાથી દૂરી વધારી દીધી અને પોતે સ્વતંત્ર જીવન જીવવા લાગી. સાત વર્ષના લગ્ન પછી સુનિતા અને કુંદનના લગ્નજીવનમાં તેમના છ વર્ષના પુત્ર ટીકુ સિવાય બીજું કઈ જ રહ્યું નહોતું જે તેઓને એક છત નીચે ભેગા રાખી શકે.

છએક મહિના પછી સુનિતા અને પૂર્ણિમા લંચમાં બેઠા હતા ત્યારે પૂર્ણિમાએ વાત શરુ કરી.

‘હું નોકરી છોડીને દુબઇ જાઉં છું.’ પૂર્ણિમાના અવાજમાં ખુશી અને ખનક હતા.

‘કેમ?’ સુનિતાને આંચકો લાગ્યો.

‘મારા વિઝા થઇ ગયા છે. મારા પતિએ ઘણી મહેનત કરી ત્યારે થયા. હવે અમે બંને સાથે રહી શકીશું. ઘણો સમય મારે અલગ રહેવું પડ્યું.’ પૂર્ણિમાએ વાળની લટ કપાળ પરથી હટાવતા કહ્યું.

‘પણ તારી નોકરીનું શું?’

‘મારી નોકરી તો ઠીક. તેનો પગાર ઘણો સારો છે અને પોસ્ટ પણ ઊંચી છે. ત્યાં મને નોકરી મળશે તો કરીશ નહીંતર ચાલશે.’ પૂર્ણિમાએ ખુલાશો કર્યો.

‘તું તો એવું માને છે ને કે તારું સ્વતંત્ર અસ્તિત્વ છે, ઓળખ છે વગેરે વગેરે, તો પછી પતિની પાછળ જવા માટે એ બધું શા માટે છોડી રહી છે?’ સુનિતાને લગભગ ચક્કર આવી ગયા.

‘હા, તે મારી ઓળખ કે અસ્તિત્વ થોડું નાબૂદ કરશે? આ બધુ તો સમય જતા દુબઈમાં પણ બની જશે. મારુ મન તો હવે ફેમિલી પ્લાંનિંગ કરવાનું છે.’ પૂર્ણિમાના અવાજમાં જરાય શંકા કે ખચકાટ નહોતા. તેની વર્ષોની ઈચ્છા પુરી થતી હોય તેવી ખુશી ચેહરા પર સ્પષ્ટ દેખાઈ આવતી હતી.

સુનિતાએ લંચબોક્સ પેક કર્યું અને તે પોતાના ટેબલ પર આવી ગઈ.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)