મહાત્માના મંદિરમાં મૂડીરોકાણના પ્રયોગો…

વર્ષ 2007-08ની વાત છે. સિંગાપોરના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ગો ચોક ગુજરાતની મુલાકાતે આવેલા. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે એમને વ્યક્તિગત દોસ્તી એટલે નરેન્દ્રભાઇએ વાતચીતમાં એમને કહ્યુઃ તમે આવ્યા છો તો બધા લોકોને મળી શકાય એવું કાંઇક ગોઠવીએ, પણ ગો ચોક પોતાની રીતે ગુજરાત જોવા માગતા હતા એટલે આવા ગેટ ટુ ગેધરનો સવિનય ઇનકાર કરીને એ પોતે ગુજરાતમાં ફર્યા. સિંગાપોર પરત ફરતી વખતે એમણે નરેન્દ્ર મોદીને એટલું જ કહ્યુઃ આજથી હું તારા ગુજરાતનો બ્રાન્ડ એમ્બેસેડર!

દોસ્તો, આ ગુજરાતની, ગુજરાતીઓની વેપારવણજ માટેની સૂઝની ઓળખ છે. એ ઓળખ પર લાગેલી વૈશ્વિક મહોર છે. અને, આ ઓળખને વૈશ્વિકસ્તરે વધારે ઉજળી કરવામાં જેનું મહત્વનું પ્રદાન છે એ વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ઢોલ ફરીથી ઢબૂકી રહ્યા છે. આખું ગાંધીનગર નવોઢાની માફક શણગાર સજીને દેશ-વિદેશના વડાઓ, રાજદ્વારીઓ અને વેપાર-ઉદ્યોગના માંધાતાઓને આવકારવા સજજ થઇ ચૂક્યું છે.

10, 11 અને 12 જાન્યુઆરીએ લોકો અમદાવાદ આવશે, મૂડીરોકાણની માયાજાળ રચશે અને પરત ફરતી વખતે અમદાવાદના આકાશમાં ચગેલા પતંગની મજા અને ગુજરાતી ઊંધીયું-જલેબીનો સ્વાદ માણતા જશે.

વેલ, વાઇબ્રન્ટ ગુજરાતની આ દસમી એડિશન છે. અત્યાર સુધીમાં નવ સમિટમાં અંદાજે 1.4 લાખ જેટલાં એમઓયુ થયા હોવાનું અને એના દ્વારા ગુજરાતમાં લગભગ 55 બિલિયન ડોલરનું વિદેશી મૂડીરોકાણ આવ્યું હોવાના દાવા કરાય છે, પરંતુ થોડીવાર માટે આંકડાઓની આ માયાજાળ બાજુએ મૂકીને ગુજરાતની બે દાયકાની આ વાઇબ્રન્ટ સફર કેવી રહી એના પર નજર નાખીએ…

વર્ષ 2003માં યોજાએલી સમિટ એ પૂર-વાવાઝોડું-ધરતીકંપ અને કોમી રમખાણો જેવી કુદરતી અને માનવસર્જિત આફતોના કારણે ગુજરાતની ખરડાયેલી ઈમેજ અને ખોડંગાયેલા અર્થતંત્રને પાટે લાવવાનો પ્રયત્ન હતો. અમદાવાદના ટાગોર હોલમાં યોજાયેલી આ સમિટ નાના પાયે યોજાઇ, પણ એનાથી શરૂઆત થઇ.

વર્ષ 2005 અને 2007ની સમિટે ગુજરાતની બિઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ તરીકેની છબી વધારે ઉજળી બનાવી, પણ એની સાથે નરેન્દ્ર મોદીની એક કુશળ પોલિટિકલ લીડર ઉપરાંત એક બિઝનેસ ફ્રેન્ડલી લીડર તરીકેની છાપ પણ વધારે મજબૂત બની. વેપાર જગતમાં નરેન્દ્રભાઈની સ્વીકૃતિ આ સમિટથી ગાઢ બની.

વર્ષ 2009, 2011 અને 2013માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું કદ તો વધતું જ ગયું, પણ આ સમિટ એની સાથે સાથે નરેન્દ્ર મોદીના વધતા જતા રાજકીય કદની પણ સાક્ષી બની. રતન ટાટા, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીથી માંડીને દેશના તમામ મોટા ગજાના ઉદ્યોગપતિઓને એક મંચ પર ભેગા કરી એમના મુખે ગુજરાતને દેશના ગ્રોથ એન્જિન તરીકે ઓળખાવવામાં નરેન્દ્રભાઈ સફળ થયા. 2013ની સમિટ પછી તો રાષ્ટ્રીય કક્ષાએ લોકપ્રિય થઇ ચૂકેલા નરેન્દ્રભાઇને દેશનું બિઝનેસ જગત ઓલમોસ્ટ વડાપ્રધાન તરીકે જોઈ રહ્યું હતું.

એ પછી 2014માં જે થયું એ ઇતિહાસ છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા એ પછી પણ 2015, 2017 અને 2019 માં યોજાયેલી સમિટ વખતે મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ અને વિજયભાઈ રૂપાણી હતા, એના કેન્દ્રસ્થાને તો વાઇબ્રન્ટ જેમના ભેજાની નીપજ હતી એ નરેન્દ્ર મોદી જ હતા. ભૂતાનના વડાપ્રધાન ત્શેરિંગ તોગ્બેથી માંડીને અમેરિકન વાઇસ પ્રેસિડન્ટ જ્હોન કેરીની આ મંચ પર ઉપસ્થિતિ એ વાતની સાક્ષી પૂરે છે.

મૂડીરોકાણના ચકાચૌંધ કરી દેતા આંકડા, વિદેશી મહેમાનોનો મેળાવડો, સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર અને ખાણીપીણી જેવી બાબતોથી ગાજતી રહેતી આ સમિટ એમાં ઉપસ્થિત રહેતા મહાનુભાવોના અમુક વિધાનોથી ય યાદગાર બની રહી છે, જેમાં રતન ટાટાના પ્રખ્યાત સ્ટેટમેન્ટ ‘યુ આર સ્ટુપીડ, ઇફ યુ આર નોટ ઇન ગુજરાત’ નો પણ સમાવેશ થાય છે. મહેમાનો ગુજરાતના વખાણ કરવાનું ચૂકે નહીં એ તો ઠીક છે, પણ મુકેશ અંબાણી જેવા દેશના ટોચના ઉદ્યોગપતિ પણ આ મંચ પરથી જ્યારે એવું સતત કહેતા રહે કે, ‘વી આર પ્રાઉડ ટુ સે ધેટ રિલાયન્સ ઇઝ એ ગુજરાતી કંપની…’ ત્યારે ગુજરાતીઓ એને તાળીઓથી વધાવીને ગૌરવ અનુભવે છે. ભૂતાનના તત્કાલિન વડાપ્રધાન ત્શેરિંગ તોગ્બેએ શુદ્ધ હિન્દીમાં બોલીને ટોચના બિઝનેસ માંધાતાઓને મોં પર એવું કહ્યું કે, ‘તમે જો ગ્રીન બિઝનેસ કરતા હો તો જ તમારું ભૂતાનમાં સ્વાગત છે’ એ પણ આ સમિટની એક યાદગાર સ્પીચ છે. ‌

અફકોર્સ, વાઇબ્રન્ટ સમિટની આ ચમકદમક છતાંય એમાં થતા એમઓયુઝ અને મૂડીરોકાણની જાહેરાતના વાસ્તવિક અમલ સામે સવાલો પણ થઈ શકે છે. જે ધૂમધડાકા સાથે જાહેરાત થાય છે એટલું એનું અમલીકરણ વાસ્તવિક રીતે થાય છે કે કેમ એ જૂદો સવાલ છે, પરંતુ એ બાબતમાં ઇનકાર ન થઈ શકે કે ગુજરાત એ વેપાર-ઉદ્યોગ અને ઉદ્યોગસાહસિકતાનું વૈશ્વિક સરનામું છે અને ગુજરાતમાં વેપાર-ધંધો કરવો માટે વાતાવરણ અનુકૂળ છે એવો સંદેશ આપવામાં આ પ્લેટફોર્મ સફળ રહ્યું છે. એની સૌથી મોટી ફળશ્રુતિ એ છે કે, અહીં આવનારો દેશી-વિદેશી મૂડી રોકાણકાર એટલો સંદેશ લઈને અચૂક જાય છે કે, ગુજરાતમાં તમે રૂપિયા વાવીને ડોલર લણી શકો છો!

વર્ષ 2009 પહેલાંની એક વાત છે. સિંગાપોરમાં સાઉથ એશિયાના સીઈઓનું એક કન્વેશન-કમ-એક્ઝિબિશન યોજાએલું. ગુજરાત સરકારે પણ એમાં સ્ટોલ રાખેલો. એક્ઝિબિશનમાં એક યુરોપિયન એક્ઝિક્યુટિવ ગુજરાત સરકારના સ્ટોલ પાસે આવ્યા ત્યારે સૂટ-બૂટમાં સજ્જ એક વ્યક્તિએ એમને આવકારીને કહ્યુઃ વેલકમ ટુ ગુજરાત! વોટ કેન આઈ ડુ ફોર યુ? અને પછી આ વ્યક્તિએ એ યુરોપિયન એક્ઝિક્યુટીવને ગુજરાત રોકાણકારો માટે કેટલું સલામત અને આકર્ષક છે એ વાત ગરમાગરમ શીરાની જેમ ગળે ઉતારી દીધી. આ એક્ઝિક્યુટિવ એ બીજું કોઈ નહીં, પણ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતે હતા!

બેશક, વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીયસ્તરે બિઝનેસ જગતમાં સ્વીકૃતિ મળી, પણ એનાથી વધારે સ્વીકૃતિ એમણે વૈશ્વિકસ્તરે આ સમિટને અપાવી છે.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)