જનસંઘ અને પછી તેનો નવીન અવતાર ભારતીય જનતા પક્ષ હિન્દી બેલ્ટનો પક્ષ કહેવાતો રહ્યો છે, પણ તેમાં અર્ધસત્ય છે. જનસંઘ અને ભાજપ માટે સૌથી ફળદ્રુપ ભૂમિ પશ્ચિમ ભારતની રહી છે. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સંગઠન મજબૂત થયું. રાજસ્થાન અને ગુજરાતમાં રાજકીય સત્તા પણ મળી અને પછી પૂર્વમાં મધ્ય પ્રદેશ અને ઉત્તરમાં ઉત્તર પ્રદેશ તરફ વિસ્તાર થયો. ગુજરાતની પણ પહેલાં 1977માં રાજસ્થાનમાં જનસંઘના ભૈરોસિંહ શેખાવત મુખ્ય પ્રધાન બન્યા હતા. પ્રથમ ત્રણ સાંસદો જીત્યા તેમાંથી પણ એક રાજસ્થાનમાંથી જીત્યા હતા. સંગઠનનો પાયો મહારાષ્ટ્રમાં હતો, પણ મહારાષ્ટ્રમાં સત્તા મેળવવામાં ઘણું મોડું થયું હતું.
ગુજરાતમાં 1990માં અડધી અને 1995માં સંપૂર્ણ સત્તા મળ્યા પછી હજી સુધી ગુમાવી નથી. તેથી ગુજરાતને હિન્દુત્વની અને ભાજપના ચૂંટણીના ગણિતની પ્રયોગશાળા ગણાય છે. તેથી કહી શકાય કે ભાજપનો સૂર્ય પશ્ચિમ ભારતમાંથી ઉગ્યો હતો. પ્રારંભમાં ઉગેલો સૂર્ય રાજ્યોમાં સત્તા અપાવનાર હતો, 2014માં ઉગેલા સૂર્યે કેન્દ્રમાં એકલે હાથે બહુમતી અપાવી. પરંતુ તે વખતે સૂર્ય ઉગ્યો હતો ઉત્તર ભારતમાંથી – (પશ્ચિમ ભારતની સાથે જ) યુપી-બિહારમાં જબરદસ્ત જીત અગત્યની બની હતી. પણ સૂર્યની ગતિ પૂર્વથી પશ્ચિમની છે, ઉત્તર – દક્ષિણની દિશા બહુ કામની નથી. ઉત્તર ભારતમાં પ્રથમથી જ જનસંઘ-ભાજપનું જોર હોવા છતાં તે બહુ ફળ્યું નથી. સત્તા વારંવાર હાથમાંથી સરકતી રહી છે. દક્ષિણમાં પગ મૂકવો પણ મુશ્કેલ છે, ત્યારે પૂર્વ એવો વિસ્તાર છે, જ્યાંથી 2019નો સૂર્ય ઉગી શકે છે.
પૂર્વમાં આવ્યા છે ઈશાન ભારતના રાજ્યો, જ્યાં ભાજપ અને તેના પક્ષોનું આધિપત્ય સ્થપાઈ ગયું છે. સૌથી ધ્યાન ખેંચનારા પરિણામો ત્રિપુરાના રહ્યા. મજબૂત ગણાતા ડાબેરી પક્ષને ભાજપે હરાવ્યો અને ત્રિપુરામાં સત્તા મેળવી તે પછી હવે ભાજપની નજર પશ્ચિમ બંગાળ પર છે.
પશ્ચિમ બંગાળમાં મજબૂત ગણાતા ડાબેરીઓને હરાવવાનું કામ મમતા બેનરજીએ કર્યું હતું, પણ મમતા બેનરજી જેવા મજબૂત નેતાને હરાવવાનું કામ ભાજપે કરવું પડે તેમ છે. બંગાળમાં ભાજપ જીતે તે પછી સાચા અર્થમાં રાષ્ટ્રીય પક્ષ બની જશે. દક્ષિણમાં પણ કર્ણાટક પછી તેલંગાણા અને આંધ્રમાં તેની હાજરી વર્તાવા લાગી છે, પણ પૂર્વમાં બંગાળમાં અત્યારે વધારે તક દેખાઈ રહી છે.
છેલ્લે યોજાયેલી પંચાયતોની ચૂંટણીમાં ભાજપ બીજા નંબરના પક્ષ તરીકે ઉપસી આવ્યો તે પછી બંગાળમાં હવે તેની અવગણના થઈ શકે તેમ નથી. મમતા બેનરજીને પણ ખ્યાલ આવી ગયો છે કે પડકાર હવે ડાબેરી કે કોંગ્રેસ ફરી બેઠા થાય તેનો નથી. પડકાર હવે નવી ઊગી રહેલી રાજકીય શક્તિનો છે. પડકાર વધારે એટલા માટે છે કે ભાજપના હિન્દુત્વના પ્રયોગો બંગાળમાં અસરકારક પણ સાબિત થઈ શકે છે. જમ્મુ અને કાશ્મીર (68.31) અને આસામ (34.22) પછી સૌથી વધુ મુસ્લિમ વસતિ પશ્ચિમ બંગાળમાં 27.01 ટકા છે. તેના કારણે જ મમતા બેનરજી લઘુમતી તુષ્ટિકરણનું રાજકારણ કોંગ્રેસ કરતાંય ખુલ્લેઆમ અને જોરશોરથી કરે છે.
સવાલ એ છે કે તેનો ફાયદો ઉઠાવીને હિન્દુ મતોનું કોન્સોલિડેશન કેવી રીતે કરવું. બંગાળીઓ બુદ્ધિજીવી ગણાય છે અને તેમને ધર્મ અને કોમના નામે ઉશ્કેરવા મુશ્કેલ મનાય છે. બંગાળીઓ માટે મૂડીવાદ કે સામ્યવાદ એવા વૈચારિક મુદ્દા વધારે અગત્યના રહ્યા છે. ગુજરાતની પ્રજા પણ સૌથી વ્યવહારુ મનાતી હતી અને તેના માટે વેપાર અગત્યનો ગણાય, વૈચારિક મુદ્દા નહિ. આમ છતાં કેટલાક કારણોસર હિન્દુત્વનો મુદ્દો અગત્યનો બન્યો તે રીતે બંગાળમાં પણ હિન્દુત્વનો મુદ્દો અગત્યનો બનશે તેમ સંઘ પરિવારને લાગે છે.
આનો એક નાનકડો પ્રયોગ આસામમાં પણ સફળતાપૂર્વક થઈ શક્યો છે. આસામના 34 ટકા મુસ્લિમ મતદારો જોકે એકલઠ મતદાન કરતા નથી. મુસ્લિમ વૉટબેન્ક કોંગ્રેસ અને એઆઇયુડીએફ વચ્ચે વહેંચાયેલી છે. તેનો પણ ભાજપને ફાયદો થયો, અને કોંગ્રેસના હેમંત બિશ્વા સરમા જેવા મજબૂત નેતાઓને તોડી નાખીને ભાજપે આસામમાં સત્તા મેળવી. પશ્ચિમ બંગાળમાં ટીએમસીને તોડવાની કોશિશ પણ ચાલુ છે અને મમતાના નીકટના સાથે મુકુલ રૉય ભાજપમાં ભળી ગયા છે. સામા પક્ષે મમતા ભાજપના સાંસદ ચંદન મિત્રાને તોડી લાવ્યા. કોંગ્રેસ અને ડાબેરી પક્ષોમાં પણ તોડફોડ ચાલી રહી છે, પણ તે બંને પક્ષે. કોંગ્રેસ અને ડાબેરી નેતાઓ સરકીને કાંતો ટીએમસી, કાંતો ભાજપમાં જઈ રહ્યા છે.
તેનો અર્થ એ કે ટક્કર ભાજપ સામે થવાની છે, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સામે નહિ. ભાજપને મતો મળી રહ્યા છે તે પણ કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના મળી રહ્યા છે. છેલ્લે 2016ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મતો બમણા થઈને 10 ટકા થયા, પણ ટીએમસીને ચિંતા નહોતી, કેમ કે તેમનો વૉટ શેર 45 ટકાનો થયો હતો. મતો તૂટ્યા હતા ડાબેરીના અને મહદ અંશે કોંગ્રેસના.
પરંતુ છેલ્લે યોજાયેલી પંચાયતોની ચૂંટણીમાં ચિત્ર પલટાયું છે. ટીએમસીના પણ થોડા ઘણા મતો તૂટ્યા છે અને ભાજપને મોટા પાયે ફાયદો થયો છે. સૌથી અગત્યની વાત એ છે કે પંચાયતોની એ ચૂંટણી છેલ્લા દાયકાઓમાં થયેલી ચૂંટણીમાં સૌથી વધુ હિંસક સાબિત થઈ હતી. એક જમાનામાં જે ગુંડાગીરી ડાબેરી કાર્યકરો કરતાં હતા તે ગુંડાગીરી આ વખતે ટીએમસીના કાર્યકરોએ કરી હતી. ન ગમે તેવી વાત એ છે કે ડાબેરીઓ કહેવાય બુદ્ધિજીવીઓ અને વિચારકો, પણ બંગાળમાં તેમણે સત્તા ટકાવી રાખી હતી શેરીએ શેરીએ ઊભા કરેલા ગુંડાઓને કારણે. એ જ ગુંડાઓનો સામનો કરવા મમતાએ માથાભારે કાર્યકરો ઊભા કર્યા અને જીતી શક્યા. બાદમાં ગુંડાતત્ત્વો સત્તા સાથે થઈ ગયા. હવે આ જ ગુંડા તત્ત્વોનો સામનો કરવા માટે ભાજપે એવા જ માથાભારે કાર્યકરોનો કાફલો બંગાળમાં તૈયાર કર્યો છે. કેન્દ્રમાં સત્તા પછી ભાજપ મમતાના માથાભારે રાજકારણનો સામનો કરવા માટે પણ સમક્ષ બન્યું હતું.
હિંસક ચૂંટણીઓમાં ટીએમસીએ સપાટો બોલાવી દીધો હતો અને મોટા ભાગની પંચાયતો કબજે કરી લીધી હતી. પણ તે ચૂંટણીએ ભાજપને ઊભા રહેવાની જગ્યા આપી દીધી છે. ભાજપ બીજા નંબરે આવી ગયો અને તેની પાસે 28 ટકા કરતાંય વધુ મતો એકઠા થયા હતા. મમતા બેનરજીની ઉંઘ હરામ થઈ જાય તેવી એ ચૂંટણી હતી. ભાજપને ભલે જીત ના મળી, પણ લડવા માટેનું મેદાન ભાજપને મળી ગયું છે. 1990માં ગુજરાતમાં ભાજપને જગ્યા મળી હતી અને ચીમનભાઈએ સત્તામાં ભાગીદારી આપવી પડી હતી. ઊભા રહેવાની જગ્યા મળી પછી બહુ ઝડપથી ટેકેદાર વર્ગમાં વધારો થઈ શક્યો હતો.
બંગાળમાં 27 ટકા મુસ્લિમો છે એટલે ભાજપનું કામ આસાન છે અને નથી. આસાન એટલા માટે કે મુસ્લિમ તુષ્ટિકરણ સામે હિન્દુઓને એક કરી શકવાની ઉત્તમ તક છે. સામી બાજુએ 27 ટકા મતોને ભાજપના નામે ડરાવીને એકત્ર કરી લેવાની તક પણ મમતાને મળે છે. કોંગ્રેસ અને ડાબેરીના બદલે મમતા જ ભાજપ સામે લડી શકે છે તેવું જાણી ગયા પછી મુસ્લિમો વધારે મજબૂતી સાથે ટીએમસીને ટેકો આપી શકે છે. ભાજપે તેના કારણે જ હિન્દુત્વ ઉપરાંત કોંગ્રેસ અને ડાબેરી નેતાઓને સમાવી લેવાનું પણ કામ કર્યું છે. દાર્જિંલિંગમાં ગોરખા મુક્તિ મોરચા સાથે ગઠબંધન પણ છે.
પંચાયતોમાં કુલ 7000 જેટલા ભાજપના સભ્યો જીત્યા છે. તેથી જ અમિત શાહે પશ્ચિમ બંગાળની 42 બેઠકોમાંથી 22 બેઠકો મેળવી લેવાનું લક્ષ્યાંક આપ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ તો કહે છે કે ઓછામાં ઓછી 26 બેઠકો જીતીશું. મતોની ટકાવારીના આંકડાં જોઈએ તો વાત થોડી સ્પષ્ટ થશે. 2009ની સરખામણીએ ભાજપને 2014માં સીધા 10.66 ટકા મતો વધુ મળ્યા હતા અને કુલ વૉટ શેર 16.80% ટકાનો થયો હતો.
આસનસોલમાંથી બાબુલ સુપ્રીયો અને દાર્જિંલિંગમાંથી અહલુવાલીયા જીતી ગયા હતા. જોકે 2016માં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપને 10.2% મતો જ મળ્યા. બે વર્ષમાં છ ટકા મતો ઘટ્યા, પણ અહીં મહત્ત્વનો આંકડો એ છે કે 2011માં 4.6% જ મતો હતા અને એક પણ ધારાસભ્ય જીત્યો નહોતો. 2016માં તેમાં 5.6% ટકાનો વધારો થયો, ત્રણ ધારાસભ્યો પોતાના અને ત્રણ ધારાસભ્યો સાથી ગોરખા જનમુક્તિ મોરચાના જીત્યા. તે પછી આ વર્ષે પંચાયત ચૂંટણીઓ આવી અને ભાજપના મતોની ટકાવારી 18 ટકાથી વધી ગઈ. ગ્રામ પંચાયતમાં ભાજપના સભ્યોની સંખ્યા 548થી વધીને 5759 થઈ ગઈ. તાલુકા પંચાયતોમાં 33ની જગ્યાએ 764 સભ્યો જીત્યા અને જિલ્લા પંચાયતોમાં ઝીરોમાંથી સભ્યોની સંખ્યા 23 થઈ છે. વિધાનસભાની સામે પંચાયતોની ચૂંટણીમાં વૉટશેરમાં કેવો ફેરફાર થયો તે નીચેના કોઠા પરથી સ્પષ્ટ થઈ જશે.
Panchayat Assembly
TMC 34% 44.9
BJP 28% 10.2
CPIM 24% 19.8
INC 7% 12.3
Others 7% 11.0
|
આ બધા પ્રયાસોનું એ પરિણામ આવ્યું છે બંગાળમાં આરએસએસની શાખાની સંખ્યા પણ વધી છે. 2016માં સંઘની 1100 શાખાઓ ચાલતી હતી, તે 2017માં વધીને 1350 થઈ હતી. આ વર્ષે તે વધારે વધી હશે. આદિવાસી વિસ્તારોમાં સંઘની સંસ્થાઓ વર્ષોથી કામ કરે છે તેનું ફળ પણ હવે મળી રહ્યું છે. આદિવાસી વિસ્તારોમાં જ ભાજપને સૌથી વધુ પંચાયતોની બેઠકો મળી છે.
બીજા રાજ્યોમાં થયું છે તે પ્રમાણે અહીં પણ રથ યાત્રાનો સહારો લેવાનું ભાજપે નક્કી કર્યું છે. કોલકાતા હાઇ કોર્ટે રથ યાત્રા કાઢવાની મનાઈ કરી છે, પણ ભાજપે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. લોકસભાની ચૂંટણી પહેલાં રથ યાત્રા કાઢવા અને તેની મંજૂરી ના મળે તો તે મુદ્દે વિરોધ પ્રદર્શનો જગાવવાની ભાજપની તૈયારી છે. હવે ‘ઇબાર બાંગલા’ એવા સૂત્ર સાથે ભાજપ રથ યાત્રા અને સત્તા યાત્રા કાઢવાના મૂડમાં છે.