રાજસ્થાનમાં મુદ્દા વિનાની ચૂંટણી: બંને ચિંતામાં

ચૂંટણી આડે ચાર જ મહિના બાકી રહ્યા હોવા છતાં કોઈ મુદ્દો સ્પષ્ટ ના થાય ત્યારે રાજકીય પક્ષો પણ ચિંતામાં પડી જતા હોય છે. લોકોના મનમાં શું ચાલે છે તે સૌથી સારી રીતે નેતાઓ જાણતા હોય છે. નાડ પારખી શકે તે જ નેતા બને, પણ રાજસ્થાનની ચૂંટણીમાં લોકોની નાડ પારખી શકવામાં હજી બંને પક્ષોને મુશ્કેલી નડી રહી હોય તેવું ચિત્ર છે. ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી માટે પ્રચાર અત્યારથી ચાલી રહ્યો છે. રાબેતા મુજબ ભારતીય જનતા પક્ષે રથયાત્રા પણ કાઢી છે. આ વખતે તેનું નામ સૂરજ ગૌરવ યાત્રા રખાયું છે. ગૌરવ કરવા જેવો કોઈ મુદ્દો નથી એટલે મુખ્યત્વે સરકારી કાર્યક્રમો પ્રચાર ચાલે છે.રાજસ્થાનમાં સરકારી અને સત્તાવાર સિવાયનો જે પ્રચાર કરવાનો છે એ ઑલરેડી થઈ ગયો છે અથવા હજીય થશે. રાજસ્થાનમાં સૌથી વધુ ટોળાની હિંસા થઈ છે. ગૌહત્યાના મામલે હત્યાઓ થઈ છે. રાબેતા મુજબ ધ્રુવીકરણ કરીને મતો લેવાના છે, પણ રાજસ્થાનમાં ધ્રુવીકરણ પ્રવાહ પલટી શકે ખરો તેની કસોટી હજી બાકી છે. તેની કસોટી આ ચૂંટણીમાં થશે. તામિલનાડુમાં સતત બીજી વાર જીતીને મુખ્ય પ્રધાન બનીને જયલલિતાએ પરંપરા તોડી હતી. બીજા પણ કેટલાક રાજ્યોમાં તે તૂટી છે, ત્યારે રાજસ્થાનનો વારો આવે છે કે કેમ તેના પર નજર રહેશે. આઝાદી પછીના પ્રથમ અઢી દાયકા એકધારી કોંગ્રેસની સરકારો રહી હતી. તે પછી ધીમે ધીમે પ્રાદેશિક પક્ષોની સરકારો બનવા લાગી. પણ સરકારો દર પાંચ વર્ષે બદલાઈ જતી હતી. કાંતો કોંગ્રેસનું પુનરાગમન થતું હતું કે નવો પ્રાદેશિક પક્ષ સત્તા મેળવતો હતો. નેવુંના દાયકાથી મહારાષ્ટ્ર અને ગુજરાત અને કર્ણાટક જેવા રાજ્યોમાં ભાજપની પણ સરકારો બનવા લાગી. તે પછી કેટલાક રાજ્યોમાં ભાજપ સજ્જડ ચોંટી ગયો છે, પણ રાજસ્થાન અને કર્ણાટકમાં એવું બન્યું નથી.
કર્ણાટકમાં જેડી (એસ) નામનો ત્રીજો પક્ષ ઉપસ્થિત હતો અને તેના કારણે ચૂંટણીના પરિણામો પછી સમગ્ર ચિત્ર બદલાઈ ગયું. રાજસ્થાનમાં ભાજપને એવી કોઈ ચિંતા નથી. ચિંતા જુદી છે. કોઈ મુદ્દાના અભાવમાં સરકાર વિરોધી લાગણી ઊભી થઈ છે તેને કેમ ખાળવી તે ચિંતા છે. ભાજપમાં આ વખતે અસંતુષ્ટો પણ વધારે છે. વસુંધરા રાજે સામેની આંતરિક નારાજી પણ પક્ષને નડી શકે તેમ છે. તેની સામે કોંગ્રેસમાં પણ બે જૂથો છે. અશોક ગેહલોત રાષ્ટ્રીય કક્ષાએ વધારે સક્રીય થયા છે, પણ તેમની સતત હાજરી રાજસ્થાનમાં વર્તાઇ રહી છે. બીજી બાજુ રાજેશ પાયલટને યુવાન ચહેરા તરીકે આગળ કરાયા છે. જૂથબંધી સ્પષ્ટ નથી થઈ, પણ ટિકિટોની વહેંચણી પછી જ કોંગ્રેસમાં ખરો ખેલ શરૂ થતો હોય છે – પોતાના જ નેતાઓને હરાવવાનો.
2013માં ભાજપને મળેલો વિજય ભવ્ય હતો – 200માંથી (78માંથી વધીને) 163 બેઠકો મળી ગઈ હતી. કોંગ્રેસને માત્ર (96માંથી ઘટીને) 21 બેઠકો જ મળી હતી. 2012માં ગુજરાતમાં નરેન્દ્ર મોદીની જીત પછી તેઓ હવે ભાજપ કેન્દ્રમાં સત્તા પર આવી રહ્યું છે તેવી હવા બનવા લાગી હતી. તેનો ફાયદો રાજસ્થાનમાં પણ મળ્યો હતો. નરેન્દ્ર મોદીએ બહેન વસુંધરા રાજે પ્રચાર કર્યો હતો. તેનો ફાયદો વિધાનસભામાં મળ્યો અને ત્યાર બાદ 2014માં લોકસભામાં પણ મળ્યો અને 25માંથી 23 બેઠકો ભાજપે જીતી લીધી હતી.
તેનો અર્થ એ થયો કે આંકડાંની રીતે ભાજપ રિપિટ કરવા માટે દાવેદાર છે, પણ 2014 પછી જ ખુદ ગુજરાતમાં પણ કોંગ્રેસ બેઠી થઈ અને સારો દેખાવ કરી શકી છે. તે સંજોગોમાં રાજસ્થાનમાં પણ કોંગ્રેસ સારા દેખાવની આશા રાખી શકે છે. પણ ગુજરાતની જેમ ખૂબ સારો દેખાવ કર્યા પછીય, સત્તાથી કેટલું દૂર રહેવાશે તે જોવાનું રહે છે.
જાણકારો કહે છે કે પ્રથમવાર વસુંધરા રાજે મુખ્ય પ્રધાન બન્યા ત્યારે કેટલાક નિર્ણયો અને કેટલાક લોકો સાથેના (જેમ કે લલિત મોદી) સંબંધોના કારણે બદનામી થઈ હતી. તેના કારણે બીજી ટર્મમાં તેમણે વધારે પડતી સાવધાની રાખી હતી. કોઈની સાથે નીકટતાના આક્ષેપો ના થાય તેની સાવધાનીને કારણે ઉલટાની મહારાણી છે અને અહંકારી છે એવી છાપ પડી છે. પક્ષના ધારાસભ્યો અને સંગઠનના લોકો પણ નારાજ થયા. પાંચ મુદતથી ધારાસભ્ય રહેલા ધનશ્યામ તિવારીએ ગયા જૂનમાં જ પક્ષમાંથી રાજીનામું આપ્યું. તેમના દીકરાએ ભારત વાહિની પાર્ટી નામે અલગ પક્ષ બનાવ્યો છે. છેલ્લી બે ચૂંટણીમાં અપક્ષો આઠેક ટકા મતો લઈ ગયા છે, જે બંને પક્ષને નડ્યા છે. બીએસપી અને એનસીપીમાંથી છુટા પડેલા સંગમાનો પક્ષ નેશનલ પિપલ્સ પાર્ટી પણ 6 ટકા મતો ધરાવે છે. તેમાં વધુ એક પક્ષ ઉમેરાયો છે, તેથી કેટલીક બેઠકો પણ ગણતરી બદલાઈ શકે છે. છેલ્લે યોજાયેલી લોકસભાની બે પેટાચૂંટણીઓમાં કોંગ્રેસને બહુ મોટી લીડથી જીત મળી હતી. તેની નીચે આવતી 17 વિધાનસભા બેઠકોમાં બધે જ કોંગ્રેસને બહુમતી મળી હતી તેના કારણે જ કોંગ્રેસ ખુશ છે.
વસુંધરા રાજેએ હવે સૂરજ ગૌરવ યાત્રા કાઢીને લોકો વચ્ચે જવાનું અને પોતાની સરકારના કાર્યોને જાતે જ લોકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું છે. દરેક રેલીમાં તે જુદી જુદી યોજનાઓની વાત કરે છે. જે વિસ્તારમાંથી યાત્રા પસાર થઈ હોય ત્યાં થયેલા કામોની વાતને ભાષણમાં વણી લે છે. જોકે તેનાથી ફાયદો થશે કે કેમ તે જોવાનું રહે છે. બીજું ગયા વખતે રાજસ્થાનમાં ગુર્જર, જાટ, મીણા સમાજના આંદોલનોની પણ અસર હતી. કેન્દ્રની અને રાજ્યની કોંગ્રેસ સરકારો સામે રોષ ઊભો થયો હતો. તેના કારણે મતોની ટકાવારી ઘટીને 35 ટકા જેટલી નીચે આવી હતી અને માત્ર 21 બેઠકો જ મળી હતી. પણ તે આંદોલનો પછી ભાજપ સરકાર પણ અનામત અપાવી શકી નથી. તેના કારણે અનામતનો મુદ્દાની બાદબાકી થઈ ગઈ છે તેમ કોંગ્રેસના નેતાઓને લાગે છે.
બીજું કોંગ્રેસની જોડાણની નીતિ રાજસ્થાનમાં કેવી રીતે આકાર લેશે તે સ્પષ્ટ થયું નથી. બીએસપી દર વખતે પાંચ સાત બેઠકો મેળવે છે. દલિતો અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં તે જીતે છે. બીજી આવી થોડી બેઠકોમાં તેના મતોથી હારજીત નક્કી થઈ શકે છે. મધ્ય પ્રદેશની જેમ બીએસપી સાથે અને તિવારીના નવા પક્ષ સાથે સમજૂતિ થઈ શકે તે સંજોગોમાં કોંગ્રેસને ફાયદો થઈ શકે છે.તો રાજસ્થાન ચૂંટણીમાં મુખ્ય મુદ્દો શું રહેશે? એ સવાલ હજી ઊભો જ છે. સચિન પાયલટ સરકારની નિષ્ફલતાની અને વસુંધરા રાજે સરકારની કામગીરીની જ વાતો કરી રહ્યા છે – પણ આપણે જાણીએ છીએ ચૂંટણીમાં હાર જીત કંઈ સરકારી કામગીરી કે તેના અભાવને કારણે નથી થતી. સરકાર સારી છે કે ખરાબ અને તેનો વિકલ્પ કેવો છે તેના પરસેપ્શનના આધારે મતદારોનો મિજાજ બંધાતો હોય છે. રાજસ્થાન માટે હવેના બે મહિના અગત્યના છે, કેમ કે તે દરમિયાન જ કોઈ હવા બંધાશે અને નક્કી થશે કે ચૂંટણીમાં હવામાન કેવું રહેશે.