કુદરતી આફત આવે ત્યારે પુરવઠો થોડા દિવસ માટે ખોરવાઈ જવાનો. ધીમે ધીમે રસ્તા રિપેર થાય, પાટા તૂટી ગયા હોય તે તાત્કાલિક જોડી દેવામાં આવે, વીજળીના થાંભલા ફરી ઊભા કરીને લાઇટ પણ ચાલુ કરી દેવાય. ટ્રેનો અને ટ્રક ફરી દોડતા થાય એટલે પુરવઠો ફરી આવતો થાય. દરમિયાન કેટલીક ટિપિકલ ઘટનાઓ બનતી હોય છે. કેટલાક ચાલાક લોકો કાગડા જેવા હોય છે. તે અડધા વાક્યે દોડીને સંઘરાખોરી કરવા દોડે છે. આજ મધરાત 12 બજે સે લૉકડાઉન… એટલું વાક્ય બોલાયું એટલી વારમાં કેટલાક લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા. રાત્રે ડેરી પાર્લર પર અને કરિયાણાની દુકાનો પર લાઈનો લાગી ગઈ હતી.
એક બીજો વર્ગ હોય છે જે સ્વયંશિસ્તમાં માનતો હોય છે અને ખોટી ઉતાવળ કરતો નથી. સૌનું થશે તે મારું થશે તેમ માનનારા પણ હોય છે. થોડા દિવસ વસ્તુઓ વિના ચલાવી પણ શકાય છે. એક જમાના વીજળી જ ક્યાં જ હતી? યાદ કરો. આટલા વાહનો પણ નહોતા અને ઝડપી પણ નહોતા. પ્લાસ્ટિકની કોથળીઓમાં દૂધ મળતું નહોતું. રોજેરોજ દૂધવાળા દેવા આવે ત્યારે મળે. નાના શહેરોમાં પણ ઘણા લોકો ઘરે દૂઝાણું રાખતા હતા. ઘંટી બંધ રહે અને લોટ દળવાનો મોકો ના મળે તો મૂંઝાવાનું ના હોય. ખીચડી અને મગ બાફીને ક્યાં નથી ખાઈ શકાતા?
લૉકડાઉન, ક્લસ્ટર, બફર ઝોન, ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોન, ક્વૉરેન્ટાઇન વગેરે શબ્દોથી પરિચિત થઈ ગયા હશો. ગુજરાતી શબ્દો સેલ્ફ-આઇસોલેશનમાં જતા રહ્યા છે, કેમ કે ‘ચેપ’ બીચારો ક્યાંક ખૂણામાં ભરાઈ ગયો છે અને ‘સંક્રમણ’ ભાઈનું આક્રમણ થયું છે. એ સંદર્ભમાં નહિ, પણ રોગચાળા અને કુદરતી આપદા વખતે ઊભા થતા અભાવોના સંદર્ભમાં શેડકઢા દૂધના બદલે ટેટ્રાપૅક મિલ્કની વાત કરવી પડે છે. શેડકઢું દૂધ એટલે ધારોષ્ણ દુગ્ધ એટલે તાજું જ દોહેલું દૂધ એટલે હૂંફાળું ગરમ હોય તેવું દૂધ. એવું દૂધ તો હવે પશુપાલકોના સંતાનો પણ પીતા નથી. દૂધના વેપારના કારણે પારકાં છોકરાં ટેટ્રાપૅક પીએ અને ઘરનાં છોકરા દૂધ વિનાના રહે તેવુંય ક્યાંક ક્યાંક બને છે. પણ આપદાના સમયમાં ટેટ્રાપૅક દૂધ બહુ ઉપયોગી થાય તેવું છે.
તેથી જ લેખના મથાળામાં પૂછ્યું કે ટેટ્રાપૅક દૂધ પીધું કે નહિ. ઉપર અંગ્રેજી શબ્દોની ભરમાર તમને જણાવી, તેમાં જો ક્લસ્ટરમાં અને રેડ ક્લસ્ટરમાં આવી ગયા તો દૂધ લેવાય ઘરની બહાર નીકળવા દેવાશે નહિ. સાચા અર્થમાં કરફ્યૂ ઘણા વિસ્તારમાં લગાવવો પડ્યો છે. અમદાવાદના કોટ વિસ્તારમાં કરફ્યૂ બહુ જૂની વાત નથી, પણ તે કોમી રખમાણો વખતે દિવસો ના દિવસો સુધી લાગુ પડતો હતો. તેમાં બહાર નીકળ્યા કે પોલીસની ગોળી વછૂટી. હવે કોરોના ક્લસ્ટર કર્ફ્યુમાં બહાર નીકળ્યા અને ભીડ તો થવાની જ એટલે ચેપનું જોખમ જ ઘરે લઈને આવવાનું. હા, ચેપ એટલે સંક્રમણ, એની જ વાત ચાલે છે.
આવું જોખમ ટાળવા માટે કોરોના નિયંત્રિત વિસ્તાર સંચારબંધી (ના સમજ્યા? ઉપર જણાવ્યું એ કોરોના ક્લસ્ટર કર્ફ્યુ)માં દૂધ શાકભાજી લેવા જવાનું પણ મુશ્કેલ બની શકે છે. તે સંજોગોમાં ટેટ્રાપૅક દૂધ લઈ આવો તો ઉપયોગી થાય. ઘણા લઈ આવશે, પણ ઘણાના મનમાં ટ્રેટાપૅક વિશે કેટલીક શંકાઓ હોય છે. દૂધ લાંબો સમય ચાલે નહિ અને લાંબો સમય ચાલતું આવું પેકિંગવાળું દૂધ પ્રિઝરવેટિવ્ઝ સાથેનું હોય તેમ ઘણા માનતા હશે. એવી કોઈ વાત નથી. ટેટ્રાપૅક દૂધને લાંબો સમય સાચવી માટે જ પૅક કરાયું હોય છે. તેને ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી. અંતરિયાળ વિસ્તારમાં દૂધ નિયમિત પહોંચાડવું શક્ય ના હોય અને ફ્રીજની પણ સગવડ ના હોય તેના માટે ટેટ્રાપૅક બહુ ઉપયોગી હોય છે.
હા, એક વાર પૅક ખોલી નાખો તે પછી ઝડપથી વાપરી નાખવું જોઈએ અથવા ફ્રીજમાં રાખવું પડે. દૂધને લાંબો સમય સાચવવા માટે માત્ર તેને 140 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરીને પછી ટેટ્રાપૅક કરી દેવાતું હોય છે. તેમાં કોઈ પ્રિઝરવેટિવ્ઝ નાખવાની જરૂર રહેતી નથી. ગરમ કરવાથી તેમાંના જીવાણુઓ મરી જાય છે અને બાદમાં ઠંડુ કરીને સ્ટરાઇલ કરી લઈને તરત હવાચૂસ્ત રીતે પૅક કરી દેવામાં આવે છે. હવાચૂસ્ત બંધ કરી દેવાના કારણે હવે તેમાં કોઈ જીવાણુ કે વિષાણુ પ્રવેશવાના નથી. તમે ખોલો ત્યારે જ તેને હવા મળે.
કેટલાક વધુ વેદીયા હોય છે. તેઓ માને કે દૂધને બહુ ગરમ કરીએ એટલે તેમાંથી પોષકતત્ત્વો પણ જતા રહે. આ વાત સાવ ખોટી પણ નથી. કેટલાક પદાર્થોને લાંબો સમય બહુ ગરમ કરવાથી જીવાણુ અને વિષાણુ સાથે પોષકતત્ત્વો પણ નાબુદ થાય, પણ દૂધને 140 ડિગ્રીએ પહોંચાડીને થોડી સેકન્ડ માટે જ રાખવામાં આવે છે. તેથી પોષકતત્ત્વો નાબુદ થવા દેવાતા નથી. દૂધમાં રહેલા બી1, બી2 અને બી12 વિટામિન્સ પણ નાબુદ થતા નથી. દૂધને ફક્ત એક જ ઉકાળવાનું હોય છે. વારંવાર ઉકાળો તો પોષકતત્ત્વો નાશ પામે ખરા, પણ વારંવાર ઉકાળવાની જરૂર રાખવી જોઈએ નહિ.
અહીં એક જ વાર દૂધને ગરમ કરીને હવાચૂસ્ત પૅક કરી દેવાયું તેથી કમસે કમ 180 દિવસ સુધી દૂધ હવે તેમાં સલામત રહેવાનું છે. ટેટ્રાપૅકને ખોલો પછી થોડું વાપરો અને થોડું વધે તો તેને ફ્રીજમાં એક કે બે દિવસ હજી પણ રાખી શકાય છે. સામાન્ય દૂધ, કોથળીનું દૂધ લાવીને આપણે તેને ગરમ કરીને વાપરતા હોઈએ છીએ. તે આદત પ્રમાણે ટેટ્રાપૅકના દૂધને ગરમ કરવાની જરૂર નથી. તે પ્રક્રિયા તેને પેકિંગ કરતાં પહેલાં થઈ ગઈ હોય છે. ટેટ્રાપૅકની રચના જ એવી છે કે એકવાર તેમાં ચોખ્ખી વસ્તુ પૅક કરવામાં આવે પછી લાંબો સમય અંદર હવા પ્રવેશે નહિ અને બગડે નહિ.
તમને ગરમ દૂધ પીવાનું મન થયું કે જરૂર પડી તો ટેટ્રાપૅક દૂધ કરવામાં કોઈ વાંધો નથી, પણ તેને સાચવી રાખવા માટે ગરમ કરવાની જરૂર નથી એટલો જ મુદ્દો છે. બાળકોને તો તાજું દૂધ જ આપવું જોઈએ એવું આપણે માનીએ છીએ. વાત સાચી છે, પણ આગળ વાત કરી તેવું શેટકઢું દૂધ શહેરોમાં મળતું નથી. ગામડાંય નથી મળતું, સાચી વાત કરીએને તો. એટલે ટેટ્રાપૅક દૂધ તો બહુ જૂનું, ક્યારે પૅક થયું હશે શું ખબર એમ માનવાની જરૂર નથી. બાળકો માટે પણ આ દૂધ એટલું જ ઉપયોગી છે.
તેથી આ વખતે કોરોના સંકટમાં જરૂર પડે તો ટેટ્રાપૅક મિલ્ક લઈ આવો. જથ્થામાં લઈ આવો એટલે રોજ દૂધ લેવા ઘર બહાર જવું પડે નહિ. શાકભાજી પણ આઠ દસ દિવસના એક વાર લઈ આવો. કરિયાણું ઘરમાં પૂરતું રાખવાની આદત છુટી ગઈ છે. નહિતો તે લેવા જવાની જરૂર જ ના પડત. કંઈ યાદી તૈયાર કરીને અનાજ, કઠોળ, દાળ, ચોખા, મસાલા, મીઠું, ખાંડ, ચા-કૉફી, ઘંટીએ જવાનું ટાળો અને તૈયાર લોટ આટલું એક સાથે લઈ આવો. એક જ વાર 10 દિવસની શાકભાજી લઈ આવો અને 15 દિવસ ચાલે તેટલું ટેટ્રાપૅક મિલ્ક લઈ આવો. 15 દિવસ એટલે કે લૉકડાઉન ખૂલે ત્યાં સુધી તમારે એક પણ વાર ઘરની બહાર નીકળવું નહિ પડે. નીકળશો પણ નહિ, સમાચાર જોયા કરો કે કેવી રીતે ધીમે ધીમે વધુ વિસ્તારોમાં એકાદ બે કેસ નીકળી રહ્યા છે. તો ઘરે જ રહેજો અને અમારી વેબસાઇટ ઓનલાઇન વાંચતા રહેજો.