મહિલા મુદ્દે ધર્મકારણ, સમાજકારણ ને રાજકારણ..

હિલાઓના મુદ્દે દેશમાં ધમાસાણ મચ્યું છે. ત્રણ મુદ્દાઓ એવા છે જેમાં કેન્દ્રસ્થાને સ્ત્રીઓ છે. ત્રણેય મુદ્દાઓમાં સ્થાપિત હિતોનો ગરાસ લૂંટાઈ રહ્યો છે એટલે વાતને આડા પાટે ચડાવવાની કોશિશ થઈ રહી છે. તેમાંથી ત્રીજો અને કદાચ સૌથી અગત્યનો મુદ્દો #MeToo ઝુંબેશનો છે, પણ તેમાંય રાજકારણ આવ્યું છે કેમ કે ભાજપ સરકારના પ્રધાન એમ.જે. અકબરને બચાવવાના છે. ભાજપે નમૂના માટે કેટલાક મુસ્લિમ નેતાઓને રાખ્યા છે. આ નમૂનાઓને પણ ખબર છે પક્ષને તેમના મુસ્લિમ નામોની ગરજ છે. નરેન્દ્ર મોદીની નીતિ કોઈના દબાણમાં આવીને કોઈનું રાજીનામું ના લેવાની છે. એવી ખોટી ટેવ ના પડાઈ ભાઈ, મીડિયામાં તો વારેવારે નામો ઉછળ્યા કરે. રાજીનામાં પોતાની મરજી પ્રમાણે લેવાય, તેથી અકબરને હમણાં ના હટાવવા અને પછી મોકો જોઈને ફાયદો થાય તેમ હોય ત્યારે હટાવવા તેની રાહ જોવાની છે.

M.J. Akbar

પરંતુ રાહ જોવામાં મુશ્કેલી થાય તેવું છે. બીજા બે મુદ્દામાં પણ રાજકારણ આવી જ ગયું છે અને તેમાં મોડું કરાય તેમ નથી. પાંચ રાજ્યોની ચૂંટણી માથે છે ત્યારે સ્ત્રીઓના મુદ્દે થાય તેટલું રાજકારણ કરી લેવાનું છે. સબરીમાલાનો મુદ્દો કેરળનો છે, પણ તેનો ઉપયોગ હાલમાં જે પાંચ રાજ્યોની ચૂંટણી છે તેમાં પહેલાં કરી લેવાનો છે. લાંબા ગાળે કેરળમાં તેનો ઉપયોગ નાસ્તિક ડાબેરીઓ વિરુદ્ધ કરવાનો છે. મૂળ હેતુ તે છે, પણ અત્યારે અમારા ધર્મમાં દખલ ના જોઈએ એવા નારા લગાવીને મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં હિન્દુ મતો લઈ લેવાના છે.

મુશ્કેલી એ થઈ છે કે મુસ્લિમ મહિલાના કલ્યાણની વાત કરીને ત્રિપલ તલાકનું જાહેરનામું લાવવામાં આવ્યું, પણ સબરીમાલામાં લાવવામાં આવ્યું નથી. સબરીમાલાના મામલે બીજા લોકોને આગળ કરવામાં આવ્યા છે. તેમાં એક એક્ટર પણ છે. ભાજપતરફી આ એક્ટરે જાહેર મંચ પરથી કહ્યું કે સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનારી નારીના બે ટુકડા કરી નાખવામાં આવે. એક ટુકડાને દિલ્હી તરફ ફેંકો અને બીજા ટુકડાને કેરળના મુખ્યપ્રધાનના ઘર ફેંકો. બહેનો આ વાક્ય યાદ રાખજો. બેટી બચાવો, બેટી પઢાવોના આકર્ષક નારા એક તરફ, ત્રિપલ તલાકના નામે મહિલાઓનું કલ્યાણ કરવાની વાતો બીજી તરફ અને ત્રીજી તરફ સ્ત્રીના બે ટુકડા કરી નાખવાની વાત. બહુ પ્લાનિંગ સાથે આ ચાલી રહ્યું છે… તમે સાંભળ્યું નહીં, બે ટુકડા કરીને ક્યાં ફેંકવાના છે તેનું આયોજન પણ થઈ ગયું છે.

સ્ત્રીઓની જાતીય સતામણીનો મુદ્દો સમાજની કુંઠિત મનોદશાનો છે. માતાઓ રાજાબેટા કરીને જેને ઉછેરે છે તે હાડોહાડ વ્યભિચારી બને છે. તેને લાગે છે કે પોતાને છેડતી કરવાની અને સતામણી કરવાની છૂટ છે. માત્ર કેસ કરવાથી કે કાયદો બનાવવાની માગણી થઈ રહી છે તે રીતે કાયદો બનાવી દેવાથી જાહેરમાં સ્રીઓની જાતીય સતામણીની સમસ્યા હલ થવાની નથી.

સ્વચ્છતાની ઝુંબેશ ચાલે છે, પણ હકીકતમાં ગંદા માનસને સ્વચ્છ કરવાની ઝુંબેશ ઉપાડવી પડશે. તે ઝુંબેશ માટે સરકાર પર આધાર રાખવાના બદલે સમાજના લોકોએ સ્વંય ઉપાડવી પડશે. વિજાતીય આકર્ષણ સાહજિક અને કુદરતી છે. તેનો અર્થ નથી કે મનફાવે તેમ વર્તી શકાય. અહીં આકર્ષણ પરસ્પર હોઉં જરૂરી છે. એકતરફી આકર્ષણમાં હક જમાવવાની વાત અનર્થકારી છે. ફિલ્મોને કારણે પ્રેમને વધારે પડતો રોમેન્ટિસાઇઝ કરવામાં આવ્યો છે. પ્રેમની લાગણીને વધારે પડતી ચગાવવામાં આવી છે. પ્રેમની લાગણી પણ બાકીની બધી જ લાગણી જેવી જ અને એટલી જ ઓછા મહત્ત્વની છે. બરાબર નોંધી લો, સુખ, દુખ, મૈત્રી, ખુશી, પીડા, મિલન અને જુદાઈની જેમ પ્રેમની લાગણી પણ ઓછા મહત્ત્વની છે. તે આવે ત્યારે તેને સહજ રીતે સ્વીકારીને પસાર થઈ જવા દેવાની હોય છે. તેને બાંધીને રાખવાની હોતી નથી. સુખને પણ બાંધીને રાખવાનું હોતું નથી. ભોજનથી સુખ મળે છે, પણ મર્યાદામાં જ ભોજન લેવું પડે અને સુખને જતું કરવું પડે.

બહુ સરળતાથી સમજી શકાય તેવો સામાજિક વ્યવહાર છે. નવા પડોશી આવે ત્યારે પ્રારંભમાં વિવેક કરીને વ્યવહાર રાખવા કોશિશ કરી શકાય. પણ પડોશી બહુ મળતાવડા ના હોય અને એકાંત ઇચ્છતા હોય ત્યાં વાત પૂરી થઈ જાય. રોજ બગીચામાં મળી જતી વ્યક્તિ કે ચાની કિટલીએ બેસવા આવતી વ્યક્તિ સાથે એકવાર વાત કરી શકાય. તેમને મૈત્રીમાં રસ હોય છો ઠીક છે, નહી તો વાત પૂરી. ડોન્ટ ડિસ્ટર્બ.

આટલી સરળ વાતમાં રાજકારણ ઘૂસી ગયું તે માત્ર એમ. જે. અકબરને કારણે નહીં. એમ.જે. અકબર પ્રધાન છે એટલે તેમણે બિલકુલ શંકાથી પર રહેવું પડે અને રાજીનામું આપવું પડે. મોદી તેમની શૈલી પ્રમાણે કોઈના કહેવાથી રાજીનામું લેવા ઇચ્છશે નહી. પણ રાજકારણ તે પહેલાં જ આ મામલમાં આવી ગયું હતું. નાના પાટેકર સાથે તનુશ્રીનો ઝઘડો દસ વર્ષ પહેલાં થયો હતો ત્યારે રાજ ઠાકરેના મનસેના માણસો વચ્ચે કુદી પડ્યા હતા. સેટ પર મનસેના કાર્યકરો પહોંચ્યા હતા અને દાદાગીરી કરી હતી. સંજય દત્ત જેવા મૂળભૂત રીતે બદમાશ માણસ માટે પણ કેવું રાજકારણ આટલા વર્ષો ચાલ્યું છે તે આપણે જોયું છે. ગુજરાતી નાટકવાળા તેમના દરેક નાટકમાં એક નેતાનું નામ ઘૂસાડતા હતા તે પણ રાજકારણની ભેળસેળ હતી.

રાજકારણની ભેળસેળને કારણે કલાને નુકસાન થયું, પણ સ્ત્રી કલાકારોને વધારે નુકસાન થયું છે. આમ પણ શોષણનો ભોગ બનતી સ્ત્રીને પુરુષોના રાજકીય કનેક્શનને કારણે વધારે સહન કરવાનો વારો આવતો રહ્યો છે.ને હવે સબરીમાલાના મુદ્દે રાજકીય પક્ષોએ ફેરવી તોળ્યું છે. સુપ્રીમ કોર્ટના ડરથી તેમના ચુકાદાને આવકાર આપ્યા પછી બધા જ રાજકીય પક્ષો સ્ત્રીઓના અધિકારને દબાવી દેવા માગે છે. ભાજપના નેતાઓ ખુલ્લેઆમ અને કોંગ્રેસના નેતાઓ આડકતરી રીતે સબરીમાલામાં સ્ત્રીઓને પ્રવેશ ના મળે તેવી વાતો કરી રહ્યા છે. મતો મેળવવા માટે આ નેતાઓ આપણને ફરી મધ્યયુગમાં લઈ જવા માગે છે. આ નેતાઓ ઈચ્છે છે કે સ્ત્રીઓએ દર મહિને ચાર દિવસ ખૂણો પાળો. આ નેતાઓ માને છે કે આ દિવસો દરમિયાન સ્ત્રીઓ અપવિત્ર ગણાય.

સબરીમાલામાં સ્ત્રીઓને પ્રવેશ માટેનો મામલો ધર્મનો કે રાજકારણનો મામલો નથી. આ મામલો વ્યક્તિ સ્વાતંત્ર્યનો છે. કોઈ વ્યક્તિ સામે અમુક પ્રકારની કુદરતી શારીરિક અવસ્થાના કારણે ભેદભાવ રાખી શકાય નહિ. સ્ત્રી એક વ્યક્તિ છે અને તેને ઋતુચક્રને કારણે અલગ ગણી શકાય નહિ. સબરીમાલામાં આ જ કારણસર 15 વર્ષથી 55 વર્ષની ઉંમરની સ્ત્રીઓને પ્રવેશ મળતો નથી. આ તદ્દન વાહિયાત વાત છે. સબરીમાલામાં સ્ત્રીઓને પ્રવેશતી અટકાવવી તેનો અર્થ એ થાય છે કે આપણે સ્ત્રીઓને અપવિત્ર માનીએ છીએ.

દુઃખની વાત એ છે કે રાજકીય પક્ષો, તેના પુરુષ નેતાઓ, પૂજારી વર્ગ અને ધર્મના ઠેકેદારો સ્ત્રીઓને અપવિત્ર ઠરાવવા માગે છે અને ઘણી બધી સ્ત્રીઓ સ્વંય અપવિત્ર ઠરવા માટે તૈયાર છે. સબરીમાલામાં અમને પ્રવેશ ના મળવો જોઈએ અને અમારી જેવી નારીઓને પ્રવેશ નહી કરવા દઈએ તેમ કહીને કેટલીક મહિલાઓ આંદોલન કરી રહી છે.સબરીમાલાના મુદ્દામાં ધર્મનું રાજકારણ પ્રમુખ છે. ધર્મના ઠેકેદારો ધર્મની બાબત પોતાના હાથમાંથી સરકી રહી છે તેથી અકળાયા છે. પણ આડકતરો મુદ્દો સમકાલીન રાજકારણનો છે. કેરળમાં ડાબેરી મોરચાની સરકાર છે. ડાબેરી મોરચાની સરકારને હિન્દુવિરોધી ઠરાવવા માટે સબરીમાલાના વિવાદને શક્ય એટલો લાંબો સમય ચગાવવામાં આવશે. તેના કારણે સ્ત્રીઓનું અહિત થઈ રહ્યું છે… તો ભલે થાય… એમ આજના યુગના આ નેતાઓ કહી રહ્યા છે. નાગરિકો પોતાની નવી પેઢીને 22મી સદીમાં લઈ જવા માગે છે અને નેતાઓ તેમને મધ્યયુગમાં લઈ જવા માગે છે. કોણ જીતશે – નાગરિકો કે નેતા?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]