26 નવેમ્બરે ઝાલરા પાટણમાં રાજપૂત સંસ્થાઓની બેઠક મળી રહી છે. રાજપૂત કરણી સેનાની આગેવાની હેઠળ જુદી જુદી સંસ્થાઓ એકઠી થઈ રહી છે, કેમ કે માથે ચૂંટણી છે ત્યારે અને રાજસ્થાનના મુખ્યપ્રધાન ભાજપના વસુંધરા રાજે સામે માનવેન્દ્ર સિંહને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. માનવેન્દ્ર એટલે ભાજપના એક જમાનાના દિગ્ગજ રાજપૂત નેતા જશવંતસિંહના પુત્ર. ભૈંરોસિંહ શેખાવત પ્રથમવાર મુખ્ય પ્રધાન બનેલા તે વખતથી રાજપૂત મતદારોમાં ભાજપનો પ્રભાવ રહ્યો છે, પણ આ વખતે સમગ્ર રાજ્ય ઉપરાંત ઝાલરાપાટણ બેઠક પર શું કરવું તે જ્ઞાતિ માટે અગત્યનું બન્યું છે.
કરણી સેનાનું વલણ માનવેન્દ્ર સિંહ માટે છે, ત્યારે ખાસ તો આ બેઠક પર કોંગ્રેસને રાજપૂત મતો કેવી રીતે મળે તે માટેની કોશિશ ચાલી રહી છે. મુખ્ય પ્રધાન વસુંધરા રાજેને પોતાની બેઠક બચાવવી ભારે પડે તો સમગ્ર રાજ્યમાં તેની અસર થઈ શકે છે. રાજસ્થાનમાં રાજપૂતના મતો 7 – 8 ટકાથી વધારે નથી, પણ રાજકારણમાં તેમનું પ્રભુત્વ રહ્યું છે, કેમ કે અન્ય જ્ઞાતિઓ પર તેમનો પ્રભાવ હજીય ચાલે છે. સાથે જ ગુર્જર, મીણા, જાટ કે યાદવ ઉમેદવાર હોય ત્યારે તેની સામે અન્ય જ્ઞાતિઓ રાજપૂત ઉમેદવાર તરફ ઢળે તેવું વલણ રહ્યું છે, કેમ કે આ જ્ઞાતિઓનું જોર વધ્યું છે.
2014માં જશવંતસિંહને ભાજપે ટિકિટ આપી નહોતી. તે પછી રાજપૂત મતદારોને ઉશ્કેરવાની કોશિશ થઈ રહી છે. હવે માનવેન્દ્ર પોતે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા ત્યારે આ કોશિશ બળવત્તર બની છે. જોકે વસુંધરાને મુશ્કેલીમાં મૂકવા કોંગ્રેસે માનવેન્દ્રને મૂક્યા, તેની સામે ભાજપના મુખ્ય નેતા સચિન પાયલટ સામે ભાજપે પણ મુસ્લિમ ઉમેદવાર મૂકીને મુશ્કેલી ઊભી કરી છે. ભાજપના ગત વખતે ચૂંટાયેલા એક માત્ર મુસ્લિમ ધારાસભ્ય —— ની બેઠક બદલીને પાયલટ સામે ટોન્કમાં ઊભા કરી દેવાયા છે. ટોન્કમાં મુસ્લિમ મતદારો મોટી સંખ્યામાં હોવાથી પાયલટ પણ ભીંસમાં આવ્યા છે.
પણ અસલી ટક્કર ઝાલરાપાટણમાં હોવાનું જાણકારો માને છે, કેમ કે અહીંની લડાઈને રાજપૂત વિરુદ્ધ બિનરાજપૂતની બનાવી દેવાઈ છે. કરણી સેનાના નેતા લોકેન્દ્રસિંહ કલવી કહે છે કે ‘1998માં ગ્વાલિયરમાં આ જ મુદ્દે ચૂંટણી લડાઈ હતી. માધવરાવ સિંધિયા સામે જયભાણસિંહ પવૈયા રાજપૂત ગૌરવ માટે ચૂંટણી લડ્યા હતા. સિંધિયા માંડમાંડ જીતી શક્યા હતા. તે પછી સિંધિયા પરિવારમાંથી કોઈ ગ્વાલિયર બેઠક લડ્યું નથી. ઝાલરાપાટણમાં પણ અમે રાજપૂત સામે બિનરાજપૂતનો મુદ્દો જ ચગાવવાના છીએ.’ વસુંધરા પણ સિંધિયા પરિવારની દીકરી જ છે. જોકે તેમણે 1972મા ધોલપુરના ભૂતપૂર્વ રાજવી પરિવારના રાણા હેમંત સિંહ સાથે લગ્ન કર્યા હતા. ધોલપુરનું રજવાડું જાટનું હતું, તેથી વસુંધરા જાટબહુ બન્યા હતા. જોકે તેમના લગ્ન લાંબા ચાલ્યા નહોતા.
જશવંતસિંહની ટિકિટ કાપીને બાડમેરીમાં જાટ ઉમેદવારને જ મૂકવામાં આવ્યા હતા. આ મુદ્દાને કારણે પણ રાજપૂત વિરુદ્ધ જાટનો મામલો આવીને ઊભો રહ્યો હતો. અપક્ષ તરીકે જશવંતસિંહ હારી ગયા હતા. બાદમાં બે માથાભારે રાજપૂત અપરાધીઓના એન્કાઉન્ટર થયા તેના કારણે રાજે સામે રાજપૂતોનો રોષ વધ્યો હતો. જેસલમેરનો હિસ્ટ્રીશિટર ચતુરસિંહ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. તેની સામે રાજપૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સીબીઆઈ તપાસની માગણી કરી હતી. ભાજપના જેસલમેરના ધારાસભ્ય છોટુસિંહે પણ વિરોધ પ્રદર્શનમાં જોડાવું પડ્યું હતું.
2017માં વધુ એક એન્કાઉન્ટ થયું ત્યારથી રોષ વધ્યો છે. આનંદપાલ સિંહ નામના ગેંગસ્ટરને પોલીસે ઠાર કર્યો હતો. તે મૂળ રાજપૂત નહોતો, પણ ક્ષત્રિય ગણાતી રાવણા રાજપૂત કોમનો હતો. પણ તે મુદ્દાને પણ કરણી સેનાએ ઉપાડી લીધો હતો અને મહિનાઓ સુધી એન્કાઉન્ટરના વિરોધમાં દેખાવો થતા રહ્યા હતા. આનંદપાલ ભાગેડું હતો અને તેના માથે પાંચ લાખનું ઇનામ જાહેર થયેલું હતું, પણ સ્થાનિક લોકોમાં આનંદપાલની છાપ રોબિન હૂડ જેવી હતી. આ મુદ્દાએ રાજકીય રંગ પણ પકડી લીધો હતો તે હજી સુધી ચાલતો રહ્યો છે.
આનંદપાલનો મુદ્દો પકડીને વસુંધરા રાજેનો વિરોધ કરનારા જાહેરમાં આવવા લાગ્યા હતા. ઘનશ્યામ તિવારી જેવા ભાજપના જ નારાજ ધારાસભ્યોએ પણ પક્ષમાં વસુંધરા હવે લોકપ્રિય રહ્યા નથી એવો ગણગણાટ શરૂ કરી દીધો હતો.
કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે પણ એન્કાઉન્ટરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેના કારણે છેવટે વસુંધરા રાજેએ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો હતો. જોકે ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું અને રાજે સામે રાજપૂતોમાં વિરોધ જગાવવામાં કરણી સેના સફળ રહી હતી. ભાજપે રાજપૂતોને મનાવવા કોશિશો પણ કરી છે. રાણી પદ્માવતી વિશેની ફિલ્મનો કરણી સેનાએ વિરોધ કર્યો ત્યારે ભાજપની રાજ્ય સરકારોએ ભરપુર મદદ કરી હતી. ગુજરાતમાં પણ ભાજપ સરકાર કુદી પડી હતી અને ફિલ્મને રિલિઝ થવા દીધી નહોતી. આમ છતાં ચૂંટણી આવી છે ત્યારે તે ભૂલીને કરણી સેના ફરીથી વસુંધરા રાજે સામે ઝાલરાપાટણમાં જ બેઠક કરી રહી છે.
વસુંધરા રાજે ભાજપમાં રાજપૂતોનું વર્ચસ્વ ઓછું કરી રહ્યા છે તેવી છાપ પાડવામાં આવી છે. સપ્ટેમ્બર 2016માં જયપુરની રાજમહલ પેલેસ હોટેલને સીલ મારી દેવાયા હતા. હોટેલની માલિકી જયપુરના માજી રાજવી પરિવારની છે. તે પરિવારના દીયા કુમારી ભાજપના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. આમ છતાં તેમની હોટેલને સીલ મરાયા તેની સામે પણ વિરોધ કરાયો. તેમાં પણ રાજપૂત ગૌરવનો મુદ્દો જોડીને જાહેરમાં દેખાવો પણ થયા હતા. અહીં પણ મોકો જોઈને કરણી સેના કુદી પડી હતી.
તે મુદ્દાને પણ ફરી ચગાવાઈ રહ્યો છે, કેમ કે આ વખતે દીયા કુમારી ચૂંટણી નથી લડવાના. પોતે ચૂંટણી લડવા નથી માગતા તેમ દીયા કુમારી સ્વંય કહેતા હોવા છતાં, ભાજપે તેમને ટિકિટ આપી નહિ તેવો મુદ્દો ચગાવાઇ રહ્યો છે. બીજા એક રાજપૂત નેતા ગજેન્દ્રસિંહ શેખાવતને પણ અન્યાય થયાની વાત રાજપૂતો કરે છે. જોધપુરના સાંસદ ગજેન્દ્રસિંહે રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ બને તેવી શક્યતા હતી. અમિત શાહના સમર્થન સાથે તેમનું નામ નક્કી જેવું હતું, પણ તેમની જગ્યાએ વસુંધરા રાજેએ પોતાની પસંદગીના મદનલાલ સૈનીને મૂકાવી દીધા એમ કરણી સેનાના નેતા કહે છે.
જોકે ભાજપમાં વસુંધરાના ટેકેદાર રાજપૂત નેતાઓ પણ છે. આ વિરોધ માત્ર કરણી સેનાના નેતાઓ પોતાની પ્રસિદ્ધિ માટે કરી રહી છે એવું પણ તેઓ કહે છે. ગજેન્દ્રસિંહ ખીમસર કહે છે કે એન્કાઉન્ટર જેવા એક બે કિસ્સામાં વિરોધ થયો હતો તેનો અર્થ એ નથી કે ચૂંટણીમાં તેની અસર પડે. તે સ્થાનિક અને છુટ્ટાછવાયા મુદ્દાઓ હતા. જશવંતસિંહને ટિકિટ ના આપવાનું કારણ આપતા તેઓ કહે છે કે ગત ચૂંટણી વખતે સિમાંકન બદલાયું હતું. તેથી તે બેઠક પર જાટ ઉમેદવાર મૂકવો પડે તેમ હતો.ગજેન્દ્રસિંહ કહે છે કે ભાજપ રાજપૂતોનો જ પક્ષ છે અને તેમાં કોઈને શંકા ના હોવી જોઈએ, કેમ કે આ વખતની ચૂંટણીમાં પણ 28 રાજપૂતોને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે માત્ર 13 રાજપૂતોને ટિકિટ આપી છે તે બાબત તરફ તેઓ ખાસ ધ્યાન દોરે છે. તેમનું માનવું છે કે કોંગ્રેસે માનવેન્દ્રને વસુંધરા સામે મૂકીને માત્ર વાત ચગે તેવી જ કોશિશ કરી છે. તેઓ બૂરી રીતે હારી જવાના છે.
કરણી સેનાના પ્રયાસોને કારણે સમગ્ર રાજપૂત મતદારો ભાજપથી વિમુખ થઈ જાય તેવું પણ શક્ય નથી. પરંતુ ચૂંટણી ટાણે જ વિરોધ અને ઝાલરાપાટણમાં મુખ્યપ્રધાનના વિસ્તારમાં જ બેઠકો કરીને રાજકીય ગરમી વધારવામાં આવી છે. બીજું મતોની ટકાવારીની દૃષ્ટિએ મુદ્દો બહુ ચિંતા કરાવે તેવો નથી, પણ અન્ય જ્ઞાતિઓ રાજપૂત મતદારો સાથે જોડાતી હોવાથી જ ભાજપ વધારે કાળજી લઈ રહ્યો છે. ગત ચૂંટણી વખતે જાટ આંદોલનને કારણે અશોક ગેહલોત સામે ઊભી થયેલી નારાજીએ કોંગ્રેસને નુકસાન કર્યું હતું તે વાત પણ ભાજપ ભૂલ્યો નથી.