કશ્મીરના ગર્વનરનો ફેક્સ બગડ્યો ને પક્ષોનો ખેલ બગડ્યો

ત બુધવારે જમ્મુ અને કશ્મીરમાં અજબનો ખેલ ખેલાયો. ગર્વનરના બંગલે ચાલતું ફેક્સ મશીન બંધ હતું. ગવર્નર સત્ય પાલ મલિક કહે છે કે ફેક્સ મશીન તૂટી ગયેલું છે. ગવર્નરે એમ પણ કહ્યું કે ઈદના કારણે સૌ રજા પર હતા અને મને ભોજન પણ બનાવી આપે તેવું કોઈ સ્ટાફમાં હતું નહિ. ટૂંકમાં ગર્વનરની રસોઈ પકડી, સર્વોચ્ચ સરકારી કચેરીનું ફેક્સ બગડ્યું અને રાજ્યના રાજકીય પક્ષોના ખેલ પણ બગડ્યા.

વાત એમ હતી કે મહેબૂબા મુફ્તિએ એક ફેક્સ ગર્વનરને કર્યો હતો. તેમણે ફેક્સ કર્યો હતો કે અમારા પક્ષ પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ને હવે નેશલન કૉન્ફરન્સ અને કોંગ્રેસ બંને ટેકો આપવા તૈયાર થઈ ગઈ છે. તેથી અમારી પાસે હવે બહુમતી છે અને સરકાર રચી શકીએ તેમ છીએ. ગર્વનર મલિકે રાતોરાત રાજ્યની વિધાનસભાને જ વીખેરી નાખી. ન રહે બાંસ, ન બજે બાંસુરી. ભાજપ અને પીડીપી વચ્ચે અનહોલી એલાયન્સ (પાપી ગઠબંધન) થયું હતું. ત્રણેક વર્ષ તે ચાલ્યું તે પછી ગત 19 જૂને એકાએક ભાજપે ગઠબંધન તોડી નાખવાની જાહેરાત કરી દીધી હતી. ત્યારથી વિધાનસભાને સુષુપ્તાવસ્થામાં રાખવામાં આવી હતી.જમ્મુ-કશ્મીરની કુલ 87 બેઠકો છે, જેમાંથી કશ્મીર ખીણમાં 46 છે, તેમાંથી પીડીપીને 28 મળી હતી. જમ્મુમાં 37 અને લડાખમાં 4 બેઠકો છે, તેમાંથી ભાજપને 25 મળી હતી. નેશનલ કૉન્ફરન્સને 15 અને કોંગ્રેસને બંને પ્રદેશોમાં થઈને 12 મળી હતી. ભાજપનો ખેલ એવો હતો કે કશ્મીર ખીણમાં ત્રણેય પક્ષો લડી મરે, ત્યારે જમ્મુ વિસ્તારમાંથી વધુમાં વધુ બેઠકો મેળવીને સૌથો મોટો પક્ષ બનવું. ટેકો લઈને સરકાર રચવી, પણ તેના બદલે ટેકો આપવો પડ્યો.ભાજપ જેમને દેશદ્રોહી પાર્ટી ગણાવતો હતો અને (હવે ફરી ગણાવે છે) તેની સાથે એકભાણે જમવા બેસી ગયો હતો. ત્રણ વર્ષ પછી ગઠબંધન તોડી નાખ્યું તે પછી બધા પક્ષોએ નવેસરથી ખેલ શરૂ કર્યા હતા. તેમાં એક ખેલ રાબેતા મુજબ પીડીપી પાર્ટીને તોડી નાખવાનો હતો. ચર્ચા એવી છે કે સજ્જાદ લોન તથા પીડીપીના બળવાખોર નેતા અને ભાજપના મિત્ર સજ્જાદ લોન વચ્ચે ચર્ચાઓ ચાલી રહી હતી. પીડીપીના ત્રણેક ધારાસભ્યોએ ખુલ્લેઆમ બળવો કરેલો હતો અને વધારે ધારાસભ્યોના મનામણા ચાલી રહ્યા હતા. આ વાતની જાણ થતાં જ આખરે નેશનલ કૉન્ફરન્સ અને કોંગ્રસ પણ પીડીપીની વહારે આવી અને રાતોરાત ત્રણેય ભેગા મળીને સરકાર રચવાનો દાવો કર્યો. જોકે તેમનો ખરો ઇરાદો પીડીપીના બળવાખોરો અને સજ્જાદ લોન ભાજપના ટેકાથી સરકાર ના બનાવી નાખે તેનો હતો.

ફરી ફેક્સની વાત પર આવીએ. ફેક્સ મળ્યો નથી એવું ગર્વનરે કહ્યું, પણ મહેબૂબાએ ત્યાં સુધીમાં સરકાર રચવાનો પત્ર સોશ્યલ મીડિયા પર મૂકી દીધો હતો અને મીડિયાને આપી દીધો હતો. તેથી ધમાચકડી મચી ગઈ હતી. હવે સજ્જાદ લોને પણ દાવો કર્યો કે પોતાની પાસે પણ બહુમતી છે. તેમના સરકાર રચવાના દાવા પછી થોડીવારમાં ખબર આવ્યા કે ગર્વનરે વિધાનસભાને વીખેરી નાખવાની જાહેરાત કરી દીધી છે. સૌને હાશકારો થયો. ગર્વનરને ફેક્સ નહોતો મળ્યો તો કેમ આમ થયું તે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી, કેમ કે સૌ સમજે છે કે આવું વાહિયાત બહાનું ચર્ચાને પણ પાત્ર નથી. કશ્મીરમાં ત્રણે જાની દુશ્મનો એક થઈને સરકાર બનાવી રહ્યા છે તેવી દિલ્હીને જાણ થઈ એટલે ગર્વનરને કહીને વિધાનસભા વિખેરી નાખી.હવે અહીં મુશ્કેલી છે કે બેમાંથી એકેય પક્ષ નૈતિક રીતે સાચો નથી. સજ્જાદ લોન અને ભાજપ ભાંગફોડ કરી રહ્યા હતા, તેની સામે ઓમર અને મહેબૂબા પણ એક થયા. પરંતુ મહેબૂબા માટેય પોતાના પક્ષને બચાવવો મુશ્કેલ હતો. વન થર્ડ સભ્યો થઈ ગયા હોત તો તેમનો પક્ષ તૂટી જાત અને સામી સરકાર બની જાત. તેના કારણે જ જાની દુશ્મન ઓમરનો સાથ માગ્યો. ઓમર પણ ફરીથી ચૂંટણી થાય તેમ જ ઇચ્છતા હતા. આથી સૌને ભાવતું હતું તેવું થયું છે.

પરંતુ તેમાં બંધારણના બધા જ નિયમોને તોડી નખાયા છે. ગર્વનરે દિલ્હી સરકારના કહ્યાગરા તરીકે ગેરબંધારણીય પગલું લીધું છે. તેમને કોઈ હક નથી પોતાની મરજી પ્રમાણે વિધાનસભાને વિખેરી નાખવાનો એવી કાગારોળ બંધારણીય નિષ્ણાતોએ મચાવી છે.

મામલો કશ્મીરનો છે અને બધા જ પક્ષને આમ હાશકારો થયો છે કે હવે નવી ચૂંટણી આવશે, એટલે બહુ રાજકીય કાગારોળ મચી નથી, પણ અન્ય કોઈ રાજ્યમાં આ રીતે ગર્વનર વિધાનસભાને વિખેરી નાખે ત્યારે ભારે વિવાદ થતો હોય છે. ફેબ્રુઆરી 2005માં બિહારમાં આવું થયું હતું અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. તે વખતે પણ એનડીએ (ભાજપ+જેડીયુ) અને (કોંગ્રેસ વત્તા) આરજેડીને એક સરખી 92 બેઠકો મળી હતી. લોક જનશક્તિ પાર્ટી અલગથી લડી હતી 29 બેઠકો લઈ ગઈ હતી. 17 અપક્ષો પણ હતા. તેના કારણે કોઈ સરકાર બનાવી શકે તેમ નહોતું. એનડીએનો દાવો હતો અપક્ષોના ટેકા સાથે પોતે સરકાર બનાવી શકે છે, પણ ગર્વનર બુટા સિંહે કેન્દ્રની કોંગ્રેસ સરકારના ઇશારે, ભારે વિવાદો વચ્ચે વિધાનસભાને વીખેરી નાખી.

આ મામલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગર્વનરને માત્ર લાગે કે હોર્સ ટ્રેડિંગ થશે કે થયું છે તેટલા માત્રથી નિર્ણય ના લઈ શકે. તેમની પાસે ઓબ્જેક્ટિવ મટિરિયલ હોવું જોઈએ. ટૂંકમાં ધારાસભ્યોને પૈસા આપીને ખરીદાયા છે તેના પાકા પુરાવા જોઈએ. એક પક્ષના ધારાસભ્યો સરકાર રચવા માટે બીજા પક્ષને ટેકો આપે અને તેમાં લાંચ આપવાનો આક્ષેપ થાય તેટલા માત્રથી બંધારણીય જોગવાઈનો ભંગ ના કરી શકાય. લાંચ સિવાયના કારણ, જેમ કે તરત ફરીથી ચૂંટણી ના થાય, તે માટે વિધાનસભ્યો કોઈ પક્ષની સરકારને ટેકો આપી શકે છે. તે માટે તક આપવી રહી અને તેનો વિરોધ ગર્વનરે નહિ, પણ વિપક્ષે કરવાનો રહે છે. વિપક્ષ આ મુદ્દો ચગાવે અને ભવિષ્યમાં પ્રજા ફરી ચૂંટણી થાય ત્યારે યોગ્ય નિર્ણય લે વધારે યોગ્ય છે એવો ચુકાદો તે વખતે સુપ્રીમ કોર્ટે આપ્યો હતો.

જોકે ચુકાદો આવવામાં સમય લાગી ગયો હતો અને ત્યાં સુધીમાં ઑક્ટોબર 2006માં નવેસરથી ચૂંટણી થઈ ગઈ હતી. પરંતુ ચુકાદમાં સુપ્રીમ કોર્ટે ગર્વનરે વિધાનસભાને વિખેરી માટે લીધેલો નિર્ણય અયોગ્ય અને ગેરબંધારણીય ઠરાવ્યો હતો.

જમ્મુ અને કશ્મીરમાં પણ તેનું રિપિટેશન થયું છે. આ વખતે કેન્દ્રમાં કોંગ્રેસને બદલે ભાજપની સરકાર છે. આ વખતે પણ બંધારણની ભાવનાને તોડી નખાઈ છે. આ વખતે પણ મામલો સુપ્રીમ કોર્ટમાં જશે, પણ ત્યાં સુધીમાં નવેસરથી કશ્મીરમાં ચૂંટણી પણ થઈ ગઈ હશે. એક શક્યતા એવી વ્યક્ત થઈ રહી છે કે હવે લોકસભાની ચૂંટણી સાથે જ જમ્મુ અને કશ્મીરની ચૂંટણી છએક મહિના પછી યોજાશે.બુટાસિંહે એવું પણ કહ્યું હતું કે સરકાર રચવાનો દાવો કરનારો પક્ષ સ્થિર સરકાર આપી શકે તેમ નથી અને તેમણે બહુમતી મેળવી લેવા માટે અયોગ્ય માર્ગો અપનાવ્યા છે. સુપ્રીમ કોર્ટે તેની સામે કહ્યું હતું કે ‘સરકાર રચવા બહુમતીનો દાવો કરનારા સ્થિર સરકાર નહિ રચી શકે તેમ કહેવું એક વાત છે, પરંતુ બહુમતી મેળવવા માટે ગેરકાયદે માર્ગ અપનાવાયો છે, અને તેથી તેમનો દાવો માન્ય રાખી શકાય તેમ નથી, તેમ કહેવું તે તદ્દન જુદી વાત છે. અહીં બીજી (ગેરકાયદે બહુમતી પ્રાપ્ત કર્યાની) શક્યતામાં નિર્ણય લેવાનું પ્રજાના ડહાપણ છોડી દેવું જોઈએ. અથવા તો ગૃહમાં વિપક્ષ તે મામલો ઉઠાવે તેના પર અથવા તો પછીથી યોજાનારી ચૂંટણીમાં લોકો જે પણ નિર્ણય લે તેના પર છોડી દેવું જોઈએ.’

આ ચુકાદો કશ્મીરમાં બંધબેસતો આવે છે. નેશનલ કૉન્ફરન્સ અને કોંગ્રેસ કઈ લાલચમાં આવીને પીડીપીને ટેકો આપવા તૈયાર થઈ ગયા તે નક્કી કરવાનું કામ ગર્વનરનું નથી. બંને પક્ષોને કે તેમના ધારાસભ્યોને લાંચ અપાઇ હોય તેમ લાગતું હોય તો તેના પાકા પુરાવા જોઈએ. બીજી બાજુ પીડીપીના ધારાસભ્યોને તોડી નાખવા માટે પણ ભાજપ અને સજ્જાદ લોને કોશિશ કરી હતી. જો તેઓ તેમાં સફળ થયા હોત અને પીડીપીનું વનથર્ડ જૂથ જૂદું પડીને ટેકો આપવા ગયું હોત તો તેમને પણ આ વાત લાગું પડત. તે વખતે પણ પીડીપીના ધારાસભ્યોને ખરીદી લેવાયા છે, તેવા આક્ષેપો થયા હોત, પણ તેના પાકા પુરાવા વિના ગર્વનર તેમની સરકાર બનતી પણ અટકાવી શકે નહિ.

જોકે જાણકારો કહે છે તે પ્રમાણે થયું એવું કે પીડીપીને સંપૂર્ણપણે તોડી શકાયું નહોતું. 10 ધારાસભ્યો તોડવા પડે તેમ હતા, પણ કદાચ ત્રણેક ધારાસભ્યોથી વધારે તૂટ્યા નહોતા. બીજી બાજુ ધારાસભ્યો તૂટવાની તૈયારીમાં છે તેવું લાગ્યું હશે તેથી મહેબૂબાએ આખરી દાવ ખેલ્યો હતો. તેમણે કાયમી દુશ્મન ઓમરને અને કોંગ્રેસને સ્થિતિની જાણ કરી હશે. ત્રણેને લાગ્યું હશે કે ભાજપ ફરીથી સત્તામાં બેસી જશે તો આગામી ચૂંટણીમાં મુશ્કેલી થશે. તેના કરતાં ગર્વનરના શાસન હેઠળ ચૂંટણી થાય તે વધારે સારું પડે. તેથી તેમણે ઊભાઊભ ફેક્સ કરીને સરકાર રચવાની જાહેરાત કરી દીધી. સામે સજ્જાદ લોનની પણ જાહેરાત આવી ગઈ અને ગર્વનરે પણ ઊભાઊભ જ વિધાનસભાને વિખેરી પણ નાખી.વધુ એક બંધારણીય સંસ્થાની કામગીરી સામે વધુ એકવાર સવાલો ઊભા થયા છે. કોંગ્રેસ વર્ષો સુધી રાજ્યપાલનો ઉપયોગ કરીને વિપક્ષની રાજ્ય સરકારોને ઉથલાવી નાખતી રહી હતી. ભાજપની સરકારે પણ કંઈ બહુ વખાણવા જેવું કામ કર્યું નથી. ગોવા અને મેઘાલયમાં અને છેલ્લે કર્ણાટકમાં પણ ગરબડ કરવાની કોશિશ કરી હતી. વજુભાઈ વાળાએ કર્ણાટકમાં ઊભાઊભ ભાજપની સરકાર બનાવવા યેદીયુરપ્પાને બોલાવી લીધા હતા. તેમને 15 દિવસનો સમય પણ આપી દીધો હતો, પણ સુપ્રીમ કોર્ટના આદેશને કારણે વહેલા ગૃહમાં બહુમતીની સાબિતી વહેલા કરવાની ફરજ પડી હતી.

કશ્મીરમાં જોકે રાજકીય વિરોધ એટલો નથી અને કદાચ બધા જ પક્ષોની ઈચ્છા ફરીથી ચૂંટણી કરાવી લેવાની હતી. પરંતુ કોઈ સભ્ય કદાચ આ મામલે સુપ્રીમ કોર્ટમાં જઈ પણ શકે છે. જોકે બિહારના કિસ્સમાં બન્યું હતું તેમ સુપ્રીમ કોર્ટ કદાચ ગવર્નરનો નિર્ણય તાત્કાલિક અટકાવશે નહિ, સ્ટે નહિ આપે, પણ સુનાવણી પછી ફરી એકવાર ટકોર કરશે કે ધારાધોરણો પાળવા જરૂરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]