નીતિશકુમારની નૌટંકીઃ કોઈને ના સમજાતું નાટક

બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે નવી નૌટંકી શરૂ કરી છે. તેમણે ખાસ ગણાતા પ્રશાંત કિશોરને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. પ્રશાંત કિશોરને જનતા દળ (યુ)ના ઉપપ્રમુખ બનાવાયા હતા. એવું લાગતું હતું કે જાણે તેઓ કિશોરને વારસદાર તરીકે નીમી રહ્યા છે. આગળ જતા પોતે દિલ્હીમાં જાય તો પાછળ બિહારનું સુકાન કિશોરને સોંપી શકાય. જેડીયુના દિલ્હી ખાતેના સારા પ્રવક્તા તરીકે જાણીતા પવન વર્માને પણ હાંકી કાઢવામાં આવ્યા છે. પવન વર્માએ વિરોધ કર્યો હતો કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે જોડાણ કરવાનો શો અર્થ છે. એક તરફ સીએએ અને એનઆરસીનો વિરોધ અને વળી પાછી ભાજપ સાથે દિલ્હીમાં દોસ્તી – એ ક્યા નૌટંકી હુઈ ભઈ?

આવો સવાલ માત્ર પવન વર્માએ નહિ, પણ ઘણાએ પૂછ્યો છે. પરંતુ નીતિશકુમારની નૌટંકી એબ્સર્ડ ડ્રામા જેવી સાબિત થઈ રહી છે. એપ્સર્ડ પ્લે તેના લખનારાને પણ સમજાતું હશે કે કેમ, જોનારાને ભાગ્યે જ સમજાતું હોય છે. તેનું વિવેચન વાંચવું પડે ત્યારે સમજ પડે, અથવા કહો કે ગેરસમજ ઉલટાની વધે. નીતિશકુમારના કિસ્સામાં એવું જ થઈ રહ્યું છે. તેઓ વારંવાર પલટી મારીને દેશના શ્રેષ્ઠ પાટલીબદલુ સાબિત થઈ રહ્યા છે. ભાજપ સાથે દોસ્તી તોડવાની તૈયારી કરી રહ્યા છે એવું વિવેચન તેમનું એબ્સર્ડ થિયેટર જોઈને થયું હતું. તે વિવેચન ગેરસમજ કરનારું હોય તે રીતે તેઓ દિલ્હી પહોંચીને ભાજપના નેતા અમિત શાહ સાથે સભાઓ ગજવી રહ્યા છે.

એવું કહેવાય છે કે અમિત શાહે થોડા વખત પહેલાં, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ હતા ત્યારે જ, જાહેરમાં એવી સ્પષ્ટતા કરી દીધી હતી કે બિહારમાં નીતિશના નેતૃત્ત્વમાં ચૂંટણી લડાશે. ગઠબંધન રહેશે, પણ મુખ્યપ્રધાન નીતિશ રહેશે તેવી ખાતરી મળી એટલે તેઓ અમિત શાહની જીહજૂરી કરવા માટે દિલ્હીમાં હાજર થઈ ગયા. પણ તો પછી તક મળ્યે, એટલે કે ઝારખંડ પછી દિલ્હીમાં પણ વિધાનસભામાં ભાજપને જીત ના મળે તો ભાજપથી જુદા થઈ જવાની વાત ક્યાં જતી રહી?

કદાચ બંને પક્ષે ગરજ ઊભી થઈ છે. બિહારમાં એકલે હાથે ચૂંટણી જીતી શકાશે નહિ તે ભાજપને સમજાઈ ગયું છે. સાથે જ નીતિશકુમારને ખ્યાલ આવી ગયો કે પાટલીબદલુની છાપ પછી હવે તેના પર આરજેડી અને કોંગ્રેસના ટેકેદારો વિશ્વાસ કરશે નહિ. તેથી તેમના માટે પણ એકલા હાથે ચૂંટણી લડવી મુશ્કેલ છે. આરજેડી અને કોંગ્રેસના શરણમાં જઈને સમાધાન થઈ શકે તેવી એક શક્યતા હતી, પણ તે બહુ મુશ્કેલ કામ તેમને લાગ્યું હશે. શરણમાં બેસીને સાવ સામાન્ય થઈ જવાનું હોય તો પછી ભાજપ સાથે જ સામાન્ય થઈને શા માટે ના રહેવું? કદાચ એવું તેમણે વિચાર્યું હશે.

સીએએ માટે ટેકો આપ્યો પણ પછી નીતિશકુમારે ગણગણાટ શરૂ કર્યો હતો. ત્યારબાદ એનઆરસીના મુદ્દે સ્પષ્ટ વલણ લીધું હતું કે બિહારમાં તેનો અમલ નહિ થાય. તેમણે કબાટમાં પડેલા પોતાના બિનસાંપ્રદાયિક ધોતિયાને કાઢીને ફરી પહેરી લીધું હતું. પ્રશાંત કિશોરની સલાહ પ્રમાણે એનઆરસીનો વિરોધ કોમવાદી ધોરણે નહિ, પણ ગરીબવાદી ધોરણે કરવાની સ્ટ્રેટેજી ઉપયોગી થાય તેવી હતી. પ્રશાંતની સલાહ પ્રમાણે ભાજપનો, નરેન્દ્ર મોદીનો, સીએએ કે એનઆરસીનો સીધો વિરોધ કરવાના બદલે, ગરીબ માણસો પાસે દસ્તાવેજો ના હોય, ગરીબ માણસોને હેરાન ના કરાય એવો સૂર વ્યક્ત કરવાનો હતો.

નોટબંધીમાં સામાન્ય માણસ હેરાન હેરાન થઈ ગયો હતો. આસામમાં એનઆરસી આવ્યું તેના કારણે પાંચ લાખ હિન્દુઓ જ બાકાત થઈ ગયા. અમે બિહારના ગરીબોને, જમીનવિહોણાને, જન્મતારીખના દાખલા ના ધરાવતા લોકોને હેરાન કરવા માગતા નથી તેવો મુદ્દો જેડીયુને કામ લાગે તેવો હતો, પણ નીતિશકુમારે તેમની નૌટંકીમાં નવો જ અંક શરૂ કર્યો છે. તેમણે પ્રશાંત કિશોર અને પવન વર્મા બંનેને દૂર કર્યા છે. આ બંને કદાચ હવે આમ આદમી પાર્ટી કે પછી સરપ્રાઇઝ સાથે કોંગ્રેસમાં પણ જોડાઈ શકે છે. વચ્ચે પવન વર્માએ એક મુલાકાતમાં એવો ધડાકો પણ કર્યો હતો કે નીતિશકુમાર એક તબક્કે કોંગ્રેસમાં જોડાઈ જવા માગતા હતા. આખી પાર્ટી સહિત કોંગ્રેસમાં ભળી જવાની તેમની ગણતરી હતી તેવું પવન વર્માએ કહ્યું હતું. જોકે તે વિવાદ બહુ આગળ વધ્યો નથી.

બીજી વાત એ છે કે પ્રશાંત કિશોર અને પવન વર્મા દિલ્હીમાં હોવાથી તેમનું કદ વધવા લાગ્યું હતું. નીતિશકુમારે (અને તેમના જેવા ચાલાક દરેક નેતાએ) તેમના અસલ રાજકારણ પ્રમાણે ક્યારેય પોતાના ટેકેદારોને એક હદથી આગળ વધવા દીધા નથી. આ બંને નેતાઓનું કદ વધી રહ્યું હતું એટલે તેમને હટાવવા જરૂરી હતા. રાષ્ટ્રીય કક્ષાએ આ બંને નેતા જેડીયુના ચહેરા બની ગયા હતા. પ્રવક્તા તરીકે અને વ્યૂહકાર તરીકે બંને ટીવીમાં સતત ચમકતા હતા. હવે આ બંનેને જેડીયુના નવા આવેલા પ્રવક્તાઓ ‘કોરોના વાયરસ’ કહે છે! નીતિશકુમારે કહ્યું કે પોતાને અમિત શાહની ભલામણ હતી એટલે પ્રશાંત કિશોરને પક્ષમાં લીધા હતા. આ રીતે તેમણે પ્રશાંત કિશોરની છાપને ભાજપતરફી, હિન્દુત્વતરફી, ઉગ્રતાતરફી ઠરાવવાની પણ કોશિશ કરી છે.

પ્રશાંત કિશોર અને પવન વર્મા બીજા કયા ચોંકાવનારા ખુલાસા કરે છે તેની હવે રાહ જોવાઈ રહી છે. તે સાથે જ બિહારનું અને નીતિશકુમારનું નાટક વધારે રોચક બનવાનું છે. દિલ્હી રાજ્ય નાનું છે અને પૂર્ણ કક્ષાનું રાજ્ય નથી. ભાજપે વાતને આડે પાટે ચડાવવા કોશિશ કર્યા પછીય દિલ્હીમાં તક દેખાતી નથી, તેથી દિલ્હીને બહુ મહત્ત્વ ના આપવું તેવું વલણ લીધેલું જણાય છે. દિલ્હીમાં ભાજપની બેઠકો વધવાની છે તે નક્કી છે, તેથી આ ચૂંટણીને તેનાથી વધુ મહત્ત્વ ના આપવું તે ભાજપની સ્ટ્રેટેજી છે.

અસલી પડકાર હવે પછીની બે ચૂંટણીઓમાં આવવાનો છે – બિહારની અને પશ્ચિમ બંગાળની. તેમાં પ્રથમ વર્ષના અંતે બિહારની ચૂંટણી આવશે. બિહાર પશ્ચિમ બંગાળનું પડોશી રાજ્ય છે અને થોડી ઘણી અસર પડોશી રાજ્યના રાજકારણમાં કરી શકે છે. તેથી બિહારમાં પરિણામોમાં અણધાર્યું કશુંક થાય તો પશ્ચિમ બંગાળમાં ભાજપની સ્ટ્રેટેજી ઊંધી વળી શકે છે. ભાજપનો અસલી પડકાર અને લક્ષ્ય પશ્ચિમ બંગાળ છે. ત્રિપુરાની જેમ ઉલટફેર કરીને પશ્ચિમ બંગાળમાં પ્રથમવાર સત્તા મેળવવાનું ભાજપનું લક્ષ્ય છે. દક્ષિણમાં કર્ણાટક માર્ગે પ્રવેશ થયો છે, તે રીતે પૂર્વમાં પશ્ચિમ બંગાળ મારફતે પ્રવેશને મજબૂત કરવાનો છે. અરૂણાચલ, આસામ, ત્રિપુરામાં સફળતા મળી છે, પણ તે નાના રાજ્યો છે. પશ્ચિમ બંગાળ જેવું મોટું રાજ્ય અને એક જમાનાનું ડાબેરીનું ગઢ ગણાતું રાજ્ય હાથમાં આવે તેની અસર નજીકમાં ઓડિશામાં અને દૂર કેરળમાં પણ પડી શકે.

નીતિશકુમાર આ વાત સમજતા હશે. તેઓ જાણતા હશે કે એનઆરસી મુદ્દે દબાણ કરીને પોતાનું નેતૃત્ત્વ પાકું કરાવી શકાશે. મહારાષ્ટ્રમાં શિવસેના અને ઝારખંડમાં આજસુ જેવી પોતાની સ્થિતિ ના થાય તે માટે તેઓ સાવધ થઈ ગયા હતા. રાષ્ટ્રીય સ્તરે જવાનું તેમનું સપનું હવે સાકાર થાય તેવું લાગતું નથી, કેમ કે તેમણે જાતે જ પગ પર કુહાડો માર્યો છે. તે સંજોગોમાં બિહાર સાચવી રાખવું તેમના માટે જરૂરી છે. સાથે જ બિહાર જાળવી રાખવું ભાજપ માટે પણ જરૂરી છે. તેથી પરસ્પરની ગરજને કારણે અત્યારે બંને પક્ષો સાથે રહ્યા છે, પણ ભાજપ બિહારમાં પોતાની રીતની તૈયારી તો રાખશે જ. નીતિશના નાટકને ભાજપ એકથી વધુ વાર જોઈ ચૂક્યું છે. દિલ્હીના પરિણામો, બજેટના પડઘા શેરબજારમાં અને નાણા બજારમાં અને ઉદ્યોગમાં શું પડે છે તે પણ નાણાકીય વર્ષના અંત સુધીમાં ખબર પડશે. નાણાકીય વર્ષનો અંત માર્ચમાં આવશે તે સાથે ગરમી વધશે, રાજકીય ગરમી પણ વધશે અને તે પછી રાજકીય નાટકોના નવા અંક ખુલશે. જોતા રહેજો.