આધાર કાર્ડના ઉપયોગ અંગે એક વધુ ચોખવટ થઈ છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) સહિત કોઈ પણ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા માટે આધાર કાર્ડ કે આધાર નંબરને પરીક્ષા આપનાર વ્યક્તિની એકમાત્ર ઓળખ તરીકે ગણી શકાય નહીં. આધાર કાર્ડ એવી વ્યક્તિનું એકમાત્ર ઓળખપત્ર બની શકે નહીં.
સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે રાષ્ટ્રીય સ્તરની કોઈ પણ પરીક્ષા આપનાર વ્યક્તિ પોતાની ઓળખ સાબિત કરવા માટે પોતાનું રેશન કાર્ડ, પાસપોર્ટ, મતદાતા ઓળખપત્ર, ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા બેન્ક એકાઉન્ટની પાસબુક બતાવી શકે છે.
કોર્ટે જણાવ્યું છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યૂકેશન (સીબીએસઈ)ના સત્તાધિશોએ NEET તથા અન્ય અખિલ ભારતીય પરીક્ષાઓ માટે આધારને એકમાત્ર ઓળખપત્ર તરીકે રજૂ કરવાનો પરીક્ષાર્થી પાસે આગ્રહ કરવો નહીં.
દેશના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની હેઠળની પાંચ-જજની બંધારણીય બેન્ચે એક અગાઉના ચુકાદાનો ઉલ્લેખ કરીને ઉપર મુજબ કહ્યું છે.
અગાઉના આદેશ અંતર્ગત કેન્દ્ર સરકારે ખાતરી આપી હતી કે આધાર કાર્ડ યોજનાની બંધારણીય કાયદેસરતાને પડકારતી પીટિશનો પર સર્વોચ્ચ અદાલત નિર્ણય ન લે ત્યાં સુધી પોતે આધાર કાર્ડને એકમાત્ર ઓળખપત્ર તરીકે ગણશે નહીં.
ગુજરાતના એક રહેવાસીએ કરેલી અરજી ઉપર સર્વોચ્ચ અદાલતે ઉપર મુજબ આદેશ આપ્યો છે. ગુજરાતના એ રહેવાસીએ સીબીએસઈના એક સર્ક્યૂલરને પડકાર્યો હતો, જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે જે લોકો અન્ડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ એમબીબીએસ, બેચલર ઓફ ડેન્ટલ સર્જરી માટે NEET પરીક્ષા આપે એમણે એમના ઓળખપત્ર તરીકે આધાર કાર્ડ રજૂ કરવું ફરજિયાત છે.