શું મધ્યપ્રદેશનું નાટક મહારાષ્ટ્રની જેમ લંબાતું જશે?

ધ્યપ્રદેશ વિધાનસભાના સત્રની શરૂઆત 16 માર્ચે થઈ ત્યારે બહુમતીના લેખાજોખા લેવાઈ જશે તેવી ધારણા હતી. તે ખોટી પડી છે અને રાજ્યપાલનું ભાષણ પૂરું થયું તે પછી સ્પીકરે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને 26 તારીખ સુધી ગૃહનું કામકાજ મોકૂફ જાહેર કરી દીધું. 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી છે અને તે દિવસે જ ખરાખરીનો ખેલ થવાનો છે. પરંતુ તે પહેલાં કમલનાથની સરકાર જ પડી જાય અને નવી ભાજપની સરકાર આવી જાય તેનો તખતો ગોઠવાયો છે. પણ તખતા પરનો ખેલ લંબાવવાની કોશિશ થઈ રહી હોય તેમ લાગે છે.

બંને બાજુના પાત્રોને ખેલ લંબાવવાની જરૂર છે એવું લાગે છે. લોકશાહીને વરેલા નાગરિકોને આ વરવું લાગી રહ્યું છે, પણ કેટલાક વિકૃત્ત મગજના લોકો પણ હોય છે, જેમને લોકશાહીના ચીરહરણનું આ નાટક લાંબું ચાલે અને વધારે મનોરંજન મળે તો વાંધો નથી. આવા લોકોના કારણે જ ચીરહરણ થાય છે. ચીરહરણ કરનારા અને ચીરહરણ રોકનારા કરતાં મોટો વર્ગ તમાશો જોનારો હોય છે.

મહારાષ્ટ્રનો તમાશો એક મહિનાથી વધુ લાંબો ચાલ્યો હતો. મધ્યપ્રદેશના તમાશાના લક્ષણો પણ કોરોના વાયરસની જેમ લાંબા ચાલશે એમ લાગે છે. કોરોના વાયરસની વાત પણ મધ્યપ્રદેશમાં વચ્ચે આવી, કેમ કે કોરોના વાયરસનો ઉપયોગ પણ રાજકીય પક્ષો રાજકીય હેતુઓ માટે કરી રહ્યા છે. કેવી રીતે? પહેલું તો એ કે મધ્યપ્રદેશના સ્પીકરને બહાનુ મળી ગયું અને તેમણે કોરોનાના કારણે એક જગ્યાએ એકઠા થવાનું ટાળવું જરૂરી છે તેવું જણાવી દીધું.
ગુજરાતમાં પણ મધ્યપ્રદેશ પાર્ટ 2 ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ કોંગ્રેસના ધારાસભ્યોએ માગણી કરી કે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તેને સમાપ્ત જાહેર કરો. આમ છતાં ગુજરાત ભાજપની સરકાર એક જ મોટા સભાગૃહમાં દોઢસોથી વધુ ધારાસભ્યો અને લગભગ એટલા જ અધિકારીઓ અને પ્રેક્ષકગેલેરીના લોકોને એકઠાં કરવામાં કશું ખોટું જોતી નથી. શાળાના એક ઓરડામાં બાળકો બેન્ચ પર નજીક નજીક ના બેસી શકે, પણ ધારાસભ્યો ગૃહની બેન્ચમાં નજીક નજીક બેસી શકે. બેસી શકે? તમે પણ વિચારો.

કોંગ્રેસના સભ્યો તો ધાર્યા પ્રમાણે વૉકઆઉટ કરીને જયપુર જતા રહ્યા અને ત્યાં વળી ટોળે વળી જ રહ્યા છે. ગૃહની અંદર કે ગૃહની બહાર ટોળે વળવાનું યોગ્ય ગણાય ખરું? તમે પણ વિચારો. વિધાનસભા કરતાંય મોટી સંખ્યામાં લોકસભા અને રાજ્યસભાના ગૃહમાં સભ્યો, અધિકારીઓ, પ્રેક્ષકો ભેગા થાય છે. તમે વિચારો કે લોકસભા અને રાજ્યસભાનું સત્ર પણ ટૂંકાવી દેવું જોઈએ કે નહિ. વક્રદૃષ્ટાઓ કહી રહ્યા છે કે મધ્યપ્રદેશની એક સરકાર કબજે કરવા ખાતર ભાજપ લોકસભા અને રાજ્યસભાના સત્રને ચાલતું રાખવા માગે છે. ગુજરાત જેવા રાજ્યમાં વિધાનસભાનું સત્ર પણ ચાલતું રાખવા માગે છે. ગુજરાતમાં તો ભાજપના જ સભ્યો પ્રશ્ન પૂછે અને ભાજપના જ પ્રધાનો સૃષ્ટુસૃષ્ટુ જવાબો આપે. પ્રજાનું કલ્યાણ થાય તેવું શું કાર્ય તેનું વિશ્લેષણ કરવું પડે. આ સવાલજવાબ એટલા બોરિંગ છે કે સમજદાર સ્પીકર પણ કંટાળ્યા અને ટકોર કરી કે શું એકસરખા સવાલો પૂછો છો.

ટૂંકમાં સવાલ એ છે કે કોરોના જેવા ચેપી રોગચાળાની બાબતમાં પણ તક મળે ત્યારે રાજકારણ નહિ છોડવાનું? આટલી હદનું રાજકારણ? તમારી સરકાર મધ્યપ્રદેશમાંથી આમ પણ જતી રહેવાની છે ત્યારે કોંગ્રેસ શા માટે નાહકની બહુમતીનો ટેસ્ટ લંબાવી રહી છે? કર્ણાટકમાં વજુભાઈ વાળાએ યેદીયુરપ્પાને લહાણી કરી આપી હતી કે જાવ પંદર દિવસે બહુમતી સાબિત કરજો. તે વખતે કોંગ્રેસના નેતાઓ અડધી રાતે સુપ્રીમ કોર્ટમાં દોડ્યા હતા. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના જ બળવાખોરોના રાજીનામાં પડી ગયાં તેને પંદર દાડા થઈ ગયા છે. હવે શાનો વિલંબ? કોરોનાનું બહાનું આ રીતે કાઢવાનું? અને કોરોનાનું બહાનુ ના ચાલે તે માટે લોકસભા, રાજ્યસભા અને ગુજરાતની વિધાનસભાના સત્રો ધરાર ચલાવવાના? જબરું કહેવાય નહિ? તમે જ જવાબ આપો.

દરમિયાન ખબર આવ્યા કે બુધવારે સવારે જ દિગ્વિજય સિંહ બેંગાલુરુ પહોંચી ગયા છે. તેઓ ત્યાં રહેલા કોંગ્રેસી ધારાસભ્યોને મળવા માટે પહોંચ્યા છે. કર્ણાટકમાંથી કોંગ્રેસના પક્ષપલટુઓને તગેડીને મુંબઈ લઈ જવામાં આવ્યા હતા ત્યારે ડી.કે. શિવકુમાર વગેરે કોંગ્રેસી નેતાઓ આ રીતે જ તેમને મળવા માટે હોટેલ પહોંચી ગયા હતા. તેમને મળવા દેવાયા નહોતા અને હોટેલની બહાર આખો દિવસ જાહેર મંચ પર તમાશો ચાલ્યો હતો. બુધવારે બેંગાલુરુમાં જાહેર રોડ પર દિગ્વિજય સિંહનો શો ચાલશે એમ લાગે છે.

શું મહારાષ્ટ્રની જેમ મધ્યપ્રદેશમાં પણ હજી ખેલ લાંબો ચાલશે? તેનો જવાબ તમે આપ્યો તે સાચો, પણ અમેય આપીએ છીએ કે હા, લાંબો ચાલશે એમ લાગે છે. કર્ણાટકનો ડ્રામા પણ એટલો જ લાંબો ચાલ્યો હતો. કર્ણાટકમાં ડ્રામા લાંબો ચાલ્યો હતો, કેમ કે યેદીયુરપ્પા ફરી સીએમ બને તેમાં ભાજપના મોવડીઓને બહુ રસ નહોતો. નારાજી પણ નહોતી અને પોતાની રીતે યેદીયુરપ્પા મેનેજ કરી લે તો કરવા દેવાનું હતું.

મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ ફરીથી સીએમ બને તે માટે ભાજપના મોવડીઓ રાજી નથી. સતત 15 વર્ષ મુખ્યપ્રધાન રહ્યા હોય, લોકપ્રિય હોય, સંઘના પણ માનીતા હોય અને ચોથી વાર મુખ્યપ્રધાન બને એટલે ભાજપના સૌથી સિનિયર મુખ્યપ્રધાન અને નેતા તેઓ બની જવાના. સિંધિયા જૂથને અલગ કરી નાખ્યા પછી ચારેક વર્ષ બાદ આવનારી ચૂંટણીમાં પણ શિવરાજસિંહ જીતી જાય અને પાંચમી વાર મુખ્યપ્રધાન બનવાનો રેકર્ડ કરે. તમે જ કહો, પોતાના જ પક્ષના કોઈ નેતાને આટલા બધા સિનિયર થવા દેવાય ખરા?

શિવરાજસિંહ સ્વંય ખાસ્સા સક્રિય થઈ ગયા છે. મોવડીઓની ઇચ્છા ના હોવા છતાં તેઓ સતત ટીવીના પરદે ચમકતા રહે છે. સિંધિયાને તોડવામાં તેમનો હાથ નહોતો, પણ તેઓ ભાજપના એક બહુ જૂના ધારાસભ્યને તોડી આવ્યા અને તેમની પત્રકાર પરિષદ કરીને ખાસ્સી સક્રિયતા દેખાડી હતી. તેઓ એવું બતાવવા માગતા હતા કે જુઓ હું જ તોડફોડ કરી રહ્યો છું અને ભાજપની સરકાર બનાવી રહ્યો છું. કમલનાથની સરકાર ગૃહમાં બહુમતી સાબિત કરે તે માટે પણ તેઓ બહુ સક્રિય થયા છે. 16 તારીખે વાત ટાળી દેવામાં આવી ત્યારે તેઓ જ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

ટૂંકમાં શિવરાજસિંહ ઉતાવળ કરી રહ્યા છે, પણ ભાજપના મોવડીઓને ઉતાવળ નથી. ભાજપના મોવડીઓને ઉતાવળ હોત તો 17 તારીખે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ તે સાથે જ નિર્ણય પણ આવી ગયો હોત કે તાત્કાલિક ફ્લોર ટેસ્ટ કરો. કેમ? કર્ણાટકમાં સુપ્રીમ કોર્ટે યોગ્ય રીતે જ નહોતું કહ્યું કે તાત્કાલિક ફ્લોર ટેસ્ટ કરો, મોડું કરવાનું નથી, શપથવિધિ કરો અને સીધો જ ટેસ્ટ કરો? સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હોત કે તાત્કાલિક બહુમતી સાબિત કરો તે ખૂબ જ વાજબી અને આવકાર્ય નિર્ણય જ રહ્યો હોત. તેમાં કોઈ ટીકાને સ્થાન ના હોય. બધા પક્ષના જવાબ માગીને 18 માર્ચે ફરીથી સુનાવણી રાખી છે તે પણ કોર્ટનો યોગ્ય નિર્ણય જ છે. સુપ્રીમ કોર્ટ 18 તારીખે હવે જે નિર્ણય આપે તેના આધારે મધ્યપ્રદેશનો મામલો આગળ વધશે. બાકી બધી શક્યતા, પણ આટલું પાકું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જ્યારે પણ મધ્યપ્રદેશમાં બહુમતી સાબિત કરવાની થશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. દરમિયાન ભોપાલમાં, બેંગાલુરુમાં અનેક અંકી નાટકના ખેલ ચાલતા રહેશે.