યુરોપિયન સાંસદોને કશ્મીર દેખાડનાર આ મહિલા કોણ છે?

ડી શર્માનું નામ દીવાળી પછીય ફટાફટાની જેમ ચર્ચાતું રહ્યું, કેમ કે તેઓ 23 યુરોપિયન સાંસદોને કાશ્મીરની મુલાકાતે લઈને આવ્યાં હતાં. સમગ્ર મુલાકાત વિવાદાસ્પદ બની રહી, અને તેમાંથી એક સાંસદે તો આખરે ભાંગરો વાટી પણ દીધો કે અમને કાશ્મીરની મુલાકાતે આવવા દેવાયાં, તે રીતે ભારતના વિપક્ષી સાંસદોને પણ કાશ્મીરની મુલાકાત લેવા દેવી જોઈએ.

કાશ્મીર ખીણની મુલાકાત છૂટથી લેવા દેવી જોઈએ એવી માગણી બ્રિટનના સાંસદ ક્રિસ ડેવિસે પણ કરી હતી. ક્રિસ ડેવિસે કહ્યું કે પોતે કાશ્મીરમાં મુક્ત રીતે હરીફરી શકે અને લોકોને મળી શકે તેવી વ્યવસ્થા કરવાના હો તો હું આવું. ડેવિસે આવી માગણી કરી એટલે તેમનું આમંત્રણ પાછું ખેંચી લેવામાં આવ્યું અને બાકીના સાંસદોને કાશ્મીરની સેર કરાવવામાં આવી.

કાશ્મીર ખીણની ગાઇડેડ ટૂર જ કરાવવાની હતી, સૌને છૂટથી હરવાફરવા દેવાનો સમય હજી આવ્યો નથી. પણ આવી પીઆર ટૂરના ગાઇડ કોણ છે તેની ઉત્સુકતા સૌને હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મડી શર્માની તસવીર પોસ્ટ થઈ અને તે પછી સૌને ખ્યાલ આવી ગયો કે મડી શર્મા નામની ‘બિઝનેસ બ્રોકરે’ આ ગાઇડેડ ટૂરની વ્યવસ્થા સંભાળી હતી. અહીં બ્રોકર શબ્દથી બહુ ચોંકવાની જરૂર નથી, કેમ કે બ્રોકરિંગ એક આબરૂદાર વ્યવસાય છે. રાજકીય બ્રોકરિંગ કદાચ એટલું આબરૂદાર નહીં હોય, પણ તે માન્ય પદ્ધતિ ગણાય છે. આ પ્રકારની મુલાકાતો દુનિયાભરમાં ચાલતી રહેતી હોય છે. યુરોપ અને અમેરિકામાં તેને લોબિઇંગ પણ કહે છે. પોતાની વાત, પોતાની પસંદની પોલિસી માટે પ્રચાર કરવા, ધારાગૃહોમાં તેની ચર્ચા કરાવવા, જાહેર માધ્યમોમાં પણ તેની ડિબેટ મારફત લોકમત ઊભો કરાવવા માટે લોબિઇસ્ટની મહત્ત્વની ભૂમિકા હોય છે.

હોર્સ રેસ, ફૂટબોલ અને ટેનિસમાં જે રીતે સટ્ટો કાયદેસર છે, તે રીતે કેટલાક દેશોમાં લોબિઇંગ પણ કાયદેસર છે. ધારાસભ્યો અને સાંસદસભ્યોને લોબિઇંગ માટે ચૂકવણું પણ થતું હોય છે. રોકડ઼ું ચૂકવણું ન થાય ત્યાં આ રીતની ટૂર યોજાતી હોય છે. આવી ટૂરમાં આવવા-જવા રહેવા-જમવાનો બધો જ ખર્ચ લોબિઇસ્ટ ભોગવતા હોય છે. નવી જગ્યાનો પ્રવાસ થાય અને ગિફ્ટું મળે તે જુદી. આવું ચૂકવણું અને આ પેઇડ પ્રવાસો પણ કાયદેસર ગણાય છે. બદલામાં ઘણી વાર સાંસદોને ચૂંટણી વખતે ભંડોળ પૂરું પાડવામાં આવે છે. મફતમાં કશું ન થાય, એમ સમજોને. અને આવી વાતમાં વચ્ચે તમારે દલાલ જોઈએ. બજારમાં પણ વચ્ચે દલાલ રાખીને કામ થતું હોય છે, જે વાજબી અને વ્યવહારુ ગણાતું હોય છે.

કાશ્મીરમાં યુરોપના સાંસદો આવે, હરેફરે, મોજ કરે અને પછી ભારતની નીતિને અનુકૂળ નિવેદનો આપતાં રહે તેટલો જ હેતુ હશે. પણ સમગ્ર બાબત ‘નાટક’ તરીકે ભારતમાં વધુ ચગી, કેમ કે ભારતના સાંસદોને હજી કાશ્મીર જવા દેવાતા નથી. વધુ નાટકીય ઘટના એટલા માટે પણ લાગી કે ટૂરના ગાઇડ મડી શર્માનું વ્યક્તિત્વ પણ ભારે નાટકીય છે.
તેનું મૂળ નામ તો મધુ શર્મા છે, પણ તેમણે આ ઉપનામ જાતે ઘડી કાઢ્યું છે. મધુનું વિદેશમાં મડી થાય તેવું નથી. આ એક ટૂંકાક્ષરી છે. મડી એટલે મેક એ ડિફરન્સ આઇડિયાઝ (Make a Difference Ideas – MADI). એક વીડિયોમાં તે મડી શર્મા એવું બોલતી સંભળાય છે, પણ આ ટૂંકાક્ષરી સમજાવતી વખતે માદી શર્મા એવું પણ સંભળાય છે. તમે આ વીડિયો ખાસ જોજો, ભારે નાટકીય છે.

વીડિયો-https://www.youtube.com/watch?v=gcjmWOkbYDE

આ વીડિયોમાં તે પોતાનું આખું નામ સમજાવે છે. પરંતુ તેની શરૂઆત બહુ નાટકીય છે. તે સ્ટેજ પર આવે છે અને ઊંધી ઊભી રહે છે. પોતાની પીઠ પ્રેક્ષકો તરફ છે અને કહે છે કે તમે લોકો હંમેશા જજ કરો છો. કોણ છે, કેવી લાગે છે, રેસ કઈ છે વગેરે. તે પછી કહે છે કે હા, મારા પિતા ભારતીય હતાં, પણ તમે એ નથી જાણતાં કે મારા દાદા બિટગોશ્ટ, પોલેન્ડના હતાં.

તમે લોકોને જાણ્યાં વિના જજ કરી લો છો. ભારતીય મૂળની છે, સ્ત્રી છે, વિદેશી છે વગેરે, પણ તમારે જાણવું જોઈએ કે તેના દાદા પોલેન્ડના છે એવું કહેવાનો તેનો ભાવ છે. મડી શર્મા કહે છે – ધે આર જજ્ડ, વિધાઉટ બિઇંગ નોન. મડી અથવા માદી શર્મા એવું કહેવા માગતાં હતાં કે મને પણ તમારે પૂરી જાણ્યાં વિના જજ કરવી જોઈએ નહીં. હાલમાં ભારતમાં જે રીતે મધુ શર્માના નામે વિવાદ જાગ્યો છે, તેના કારણે આમ તો તેની વાત જ સાચી પડી રહી છે. તેને જાણ્યાં વિના જ લોકો કમેન્ટ્સ કરી રહ્યાં છે. પણ તેનું વ્યક્તિત્વ ચર્ચાસ્પદ બને તેવું જ છે તેવું જજમેન્ટ તો આપી જ શકાય. કાશ્મીરની ટૂરની સમગ્ર ઘટનાથી તેનું નામ બહુ નાટકીય રીતે સમગ્ર ભારતમાં અને યુરોપમાં પણ જાણીતું થઈ ગયું એમ કહી શકાય.

આ જ વીડિયોમાં તે આગળ કહે છે કે આઇ એમ ધ મોસ્ટ સક્સેસફૂલ પરસન ઇન ધ વર્લ્ડ. હું દુનિયાની સૌથી સફળ વ્યક્તિ છું – એવું મડી શર્મા બિનધાસ્ત કહે છે. પછી કારણ પણ આપે છે. તે કહે છે કે સફળતાની તેની વ્યાખ્યા જુદી છે. પોતાના વિચારો ક્યારેય ન બદલવા અને પોતાના વિચારોને વળગી રહેવું તે જ સૌથી મોટી સફળતા છે. પોતે તે કરી છે અને પોતાના વિચારો પ્રમાણે જ પોતે ચાલે છે એમ કહીને તે પોતાને સૌથી સફળ ગણાવે છે.

તેનો બીજો એક વીડિયો (https://www.youtube.com/watch?v=8aiq285bnp0) તેનાથી પણ જૂનો છે અને તે વધારે નાટકીય છે. આ વીડિયોમાં તે શીર્ષાસન કરે છે. સાચેસાચું શીર્ષાસન. પ્રથમ વીડિયોમાં તે ઊંધી ફરીને ઊભી રહે છે અને ટૉકની શરૂઆત કરે છે અને અહીં સ્ટેજ પર આવીને પહેલાં શીર્ષાસન કરે છે. આપણને કદાચ એટલી નવાઈ ના લાગે, પણ બ્રસેલ્સના લોકોને તો વિચિત્ર લાગ્યું જ હશે. પછી મડી શર્માએ કહ્યું, ભવિષ્ય માટે દુનિયાને ઊંધા થઈને જોવી પડે. સફળતા માટે સ્થિતિને અલગ દ્રષ્ટિકોણથી જોવી જરૂરી છે એવું કશુંક કહેવા માટે મડી શર્માએ શીર્ષાસન કર્યું હતું. પણ સારી રીતે કર્યું હતું. અર્થાત યોગના એમ્બેસેડર તરીકની પણ તેની એક લાયકાત અવશ્ય વર્તમાન શાસકોએ ધ્યાનમાં લીધી હશે.

એક ત્રીજો વીડિયો (https://www.youtube.com/watch?v=oAqL-tk3BBU) પણ મડી શર્માનો મળે છે. બહુ નાનકડો વીડિયો છે, પણ તે યુરોપિયન સંસદ સાથે સંકળાયેલી સમિતિના મેમ્બર તરીકે કોઈ મુદ્દા વિશે અભિપ્રાય આપી રહી છે. અહીં તેની વધુ એક ઓળખ મળે છે. આ વીડિયોમાં તે કહે છે હું પોતે પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બનેલી છું. મડી શર્મા કેવા ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બની હશે, તેની વિગતો વહેલા મોડે બહાર આવશે, કેમ કે તેના વિશે ભારતીય મીડિયાને ભારે રસ પડ્યો છે.

બે રીતે મડી શર્માની ચર્ચા થઈ હતી. મોટા ભાગના વિશ્લેષકોએ શંકા વ્યક્ત કરી હતી કે મડી શર્મા જેવી અજાણી લોબિઇસ્ટને કામ કેમ સોંપાયું. (તેની સંસ્થાનું નામ યુરોપિયન યુનિયનની પાર્લામેન્ટમાં અને બ્રસેલ્સમાં લોબિઇંગનું કામ કરતી સંસ્થાઓની યાદીમાં છે. પહેલાં એવી માહિતી આવી હતી કે તે એનજીઓ ચલાવે છે, જેમાં ગણીને પાંચ માણસો છે અને નાનું એવું ફંડ છે, પણ હવે શક્યતા એવી વ્યક્ત થઈ રહી છે કે તેની સંસ્થા એનજીઓ નહીં, પણ લોબિઇંગ ફર્મ છે. યુરોપમાં લોબિઇંગ ફર્મ કાયદેસર ગણાય છે.) જોકે યુરોપિયન યુનિયનની યુરોપિયન ઇકોનોમિક એન્ડ સોશિીયલ કમિટી (European Economic and Social Committee – EESC)ની તે સભ્ય છે એવી ઓળખ આપીને શાસકોની ચમચાગીરીનું કામ કરનારી ચેનલ અને વેબસાઇટોએ તેને ઉત્તમ અને આબરૂદાર એમ્બેસેડર તરીકે સ્થાપિત કરવાની પણ કોશિશ કરી.

વાસ્તવિકતા આ બે વચ્ચેની કોઈ જગ્યાએ છે, લોબિઇસ્ટ તરીકે અને વક્તા તરીકે મડી શર્મા ઘણા વખતથી સક્રિય છે. ભારતીય મૂળ ધરાવતી તે બ્રિટિશ નાગરિક છે, પણ હવે બ્રસેલ્સમાં રહીને કામ કરે છે. મારા પિતા ભારતીય છે, પણ દાદા પોલેન્ડના હતાં એવું તે કહે છે, પણ તેના વિશે બહુ માહિતી મળતી નથી. બ્રસેલ્સમાં તેની સંસ્થાનું નામ “Westt” છે એટલે કે Women’s Economic and Social Think Tank (વિમેન્સ ઇકોનોમિક એન્ડ સોશ્યલ થિન્ક ટેન્ક.) એનજીઓ નહીં, પણ તે લોબિઇંગ ફર્મ હોવાની વાત પણ છે. ભારતની એક સંસ્થાના સહયોગમાં ટૂરનું આયોજન થયું હતું. તે ભારતીય સંસ્થાનું નામ છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર નોન-અલાયન્ડ સ્ટડીઝ (IINS) છે. દિલ્હીના સફદરજંગ એન્ક્લેવમાં આવેલી IINSએ સમગ્ર ટૂરનો ખર્ચો ઉપાડ્યો હોવાનું કહેવાય છે.

પત્રકારોને જાણ થઈ કે IINS પણ આમાં સામેલ છે એટલે તેની ઓફિસ પહોંચ્યા હતાં. સૌને નવાઈ એટલા માટે લાગી કે અંદર કામ ચાલી રહ્યું હોય તેવું લાગતું હતું, પણ બહારથી તાળું મારેલું હતું. યુરોપના સાંસદોની ટૂરનું આયોજન કરનારી સંસ્થા એવી તે કેવી કે બહારથી તાળું મારીને કામ કરવું પડે? IINS સંસ્થા ચલાવનારા લોકો કોઈ એક શ્રીવાસ્તવ ગ્રુપ સાથે જોડાયેલાં છે. મડી શર્માની સંસ્થા પણ શ્રીવાસ્તવ ગ્રુપ સાથે સંકળાયેલી છે. એક પબ્લિકેશન પણ આ ગ્રુપ બહાર પાડે છે. આ બધી વિગતો રહસ્યમય લાગે છે, કેમ કે એનજીઓ તરીકે કામ કરતી જેન્યુઇન સંસ્થા હંમેશા પોતાની વધારે પબ્લિસિટી થાય તેમ ઇચ્છતી હોય છે. તેના બદલે પત્રકારોને ટાળવામાં આવ્યાં હતાં.

દરમિયાન ખ્યાલ આવ્યો કે મડી શર્મા યુરોપના સાંસદોને જુદા જુદા દેશોના પ્રવાસે લઈ જવામાં ઘણા સફળ રહ્યાં લાગે છે. માલદીવમાં તેમણે આવી રીતે જ ત્રણ સાંસદોનો પ્રવાસ કરાવ્યો હતો. તે પણ પ્રાઇવેટ વિઝિટ હતી અને ટુરિસ્ટ વીઝા પર મુલાકાત યોજાઈ હતી. પણ માલદીવ પહોંચ્યાં પછી રાજકીય પ્રકારની ગતિવિધિ થઈ ત્યારે ભારે વિવાદ થયો હતો. માલદીવની ચૂંટણી પ્રક્રિયાના નિરીક્ષણ માટે પ્રવાસ હોવાની વાત આવી ત્યારે વિરોધ થયો હતો અને યુરોપિયન યુનિયનને ફરિયાદ કરાઈ હતી.

કાશ્મીરનો પ્રવાસ પણ ખાનગી પ્રવાસ હતો. યુરોપિયન સાંસદો અંગત મુલાકાતે અથવા કહો કે કાશ્મીરના અંગત પર્યટન પર આવ્યાં હતાં. આમ છતાં કાશ્મીરના મુદ્દે એક બે નિવેદનો આવ્યાં અને તેમની ગતિવિધિ રાજકીય લાગી. તેથી જ વિવાદ પણ થયો. માલદીવના પ્રવાસે ગયેલા ત્રણમાંથી બે સાંસદો કાશ્મીરના પ્રવાસે પણ હતાં. આ સાંસદો સાથે લાંબા સમયથી મડી શર્મા કામ કરી રહ્યાં છે તે સ્પષ્ટ છે અને તેનાથી તેઓ સારા લોબિઇસ્ટ છે તેવું પણ લાગે છે. હવે લોબિઇંગનું કામ સારું ગણવું કે ના ગણવું તે મામલો જુદી ચર્ચાનો વિષય છે.