મહારાષ્ટ્રમાં એક મહિના કરતાંય લાંબો સમય રાજકીય ડ્રામા ચાલ્યો હતો ત્યારે હરિયાણાના ગુરુગ્રામની એક હોટેલમાંથી એનસીપીના ધારાસભ્યોને યુવા કોંગ્રેસના સભ્યો છોડાવી લાવ્યા હતા. યુવા ભાજપના કાર્યકરોના કબજામાં એક હોટેલમાં તેમને રખાયા હતા, પણ યુવા કોંગ્રેસના કાર્યકરો ચાલાક નીકળ્યા અને હોટેલમાં ઘૂસીને ભાજપના કબજામાંથી ધારાસભ્યોને છોડાવીને, પાછલા બારણેથી બહાર કાઢીને એરપોર્ટ ભેગા કરી દેવાયા હતા.
ફરી એવો ડ્રામા હરિયાણામાં ભજવાયો અને કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને એક હોટેલમાંથી છોડાવવા પડ્યા. આ વખતે પણ ભાજપે ધારાસભ્યોને કબજે કરીને રાખ્યા હતા તેવો આક્ષેપ થયો હતો. ફરક એટલો કે ધારાસભ્યો આ વખતે મધ્ય પ્રદેશના હતા. મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર પાતળી બહુમતી પર ટકી રહી છે. કમલનાથની સરકારને ક્યારે પાડી દેવાશી તેની ગણતરીઓ મંડાતી રહે છે. મહારાષ્ટ્રમાં ભાજપની કારી ના ફાવી અને ઝારખંડમાં પણ હાર મળી, તે પછી ભાજપ ધીમું પડ્યું હતું, પણ હવે રાજ્યસભાની ચૂંટણી આવી છે ત્યારે મોકો જોઈને કોંગ્રેસની સરકાર પાડવા સાથે રાજ્યસભામાં સભ્યો વધારી લેવાની તક પણ મળી છે.
તેમાં વાંક મધ્ય પ્રદેશ કોંગ્રેસનો જ છે, કેમ કે માંડ માંડ 15 વર્ષે સત્તા મળી તે પછી ત્રણ મોટા નેતાઓ એકબીજાને પાડવાની કોશિશ કરી રહ્યા છે. તેમાંથી દિગ્વિજયસિંહ અત્યારે આમ કલમનાથ સામે છે, પણ આ દોસ્તી દિલની નથી, ગરજની છે. જ્યોતિરાદિત્ય સિંહ સામે બંને નેતા એક થયા છે, તેનો ફાયદો ભાજપ ક્યારે ઉઠાવે છે તે જોવાનું છે.
માથે રાજ્યસભાની ચૂંટણી છે અને ચાર ધારાસભ્યો ગાયબ થયા છે તેવી જાણ થઈ એટલે કમલનાથે પોતાના બે મંત્રીઓ જીતુ પટવારી અને જયવર્ધન સિંહને દોડાવ્યા. ગુરુગ્રામની આઈટીસી હોટેલમાં 4 અથવા 8 ધારાસભ્યો હોવાની ચકચાર વચ્ચે બંને મંત્રી પહોંચ્યા હતા. જોકે ભાજપની હરિયાણા સરકારે હરિયાણા પોલીસને હોટેલ પર ગોઠવી દીધી છે અને કોંગ્રેસના ધારાસભ્યોને મળવા નથી દેવાતા તેવી ફરિયાદો થઈ.
જોકે ગમે તેમ કરીને જીતુ પટવારી આઈટીસી ગ્રાન્ડ હોટેલમાં ઘૂસી ગયા. મંગળવારે રાત્રે તેમાંથી કોંગ્રેસ સરકારને ટેકો આપનારા બીએસપીના ધારાસભ્ય રમાબાઈને બહાર લઈ આવ્યા. પરંતુ કોંગ્રેસના પોતાના ચાર ધારાસભ્યોને ભાજપે ત્યાંથી હટાવી દીધા તેવું કહેવાયું હતું.
દેશના ઘણા રાજ્યોમાં એક સાથે રાજ્યસભાની ચૂંટણી આવી છે ત્યારે મધ્ય પ્રદેશની રાજ્યસભાની ચૂંટણી ચર્ચાસ્પદ બની છે. તેમાં કોંગ્રેસનો આંતરિક કલહ વધારે જવાબદાર છે. પ્રિયંકા ગાંધીને મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભામાં મોકલવા માટેની માગણી કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. કમલનાથ આવી માગણી કરાવી રહ્યા છે તેમ માનવામાં આવે છે. તેઓ પ્રિયંકા ગાંધીનું નામ આગળ કરીને જ્યોતિરાદિત્યને રાજ્ય સભામાં જતા અટકાવવા માગે છે. જ્યોતિરાદિત્યને ઉત્તર પ્રદેશનો હવાલો સોંપાયેલો રાખવામાં આવે અને પ્રિયંકા ગાંધીને મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભામાં મોકલીને કમલનાથ પોતાનું સ્થાન કોંગ્રેસમાં વધારે મજબૂત કરી લેવા માગે છે.
પ્રિયંકા લાંબા સમયથી જ્યાં રહે છે ત્યાં જ રહી શકે તે માટે તેમને રાજ્યસભાના સભ્ય બનાવવા જોઈએ તેવું સૂચન કેટલા કોંગ્રેસીઓએ કર્યું હતું. પ્રિયંકા અને રાહુલના અલગ જૂથો બહુ સ્પષ્ટ થયા નથી, પણ આ છાવણીઓ ગમે ત્યારે આકાર લેશે તેમ આંતરિક વર્તુળોને લાગી રહ્યું છે. તેથી પ્રિયંકા છાવણી પણ તેમને રાજ્યસભામાં મોકલવા ઇચ્છે છે. જોકે આ અંગેનો આખરી નિર્ણય કુટુંબના વડા તરીકે અને કોંગ્રેસના વડા તરીકે સોનિયા ગાંધી જ લેશે, પણ તક જોઈને કમલનાથે દાણો ચાંપી દીધો હતો.
જ્યોતિરાદિત્યને મુખ્ય પ્રધાન બનવા ના મળ્યું, ત્યારથી તેઓ સમસમી રહ્યા છે. વચ્ચે વચ્ચે કમલનાથની સરકારને મુશ્કેલી થાય તેવા નિવેદનો પણ આપતા રહે છે. દિગ્વિજયસિંહ અત્યારે કમલનાથની સાથે છે અને તેમને પણ ફરીવાર રાજ્યસભામાં જવા માટે કમલનાથના સાથની જરૂર છે. ત્રણેય નેતાઓ વચ્ચેની આ ખેંચતાણનો લાભ લેવા માટે ભાજપે દાવ ખેલ્યો અને ધારાસભ્યોને ઉઠાવી લીધા તેવું ચિત્ર મંગળવારે ખડું થયું હતું. બુધવારે ચિત્ર સ્પષ્ટ થયું નથી કે કોંગ્રેસના ધારાસભ્યો ફરીથી કબજે કરાયા કે નહિ. સ્પષ્ટતા થવાની બાકી છે. જીતુ પટવારીનું કહેવું છે કે ભાજપ લઈ ગયો હતો, તેમાંથી ચારને પરત લવાયા છે. દિગ્વિજયસિંહ કહે છે કે હજી છ ભાજપના કબજામાં છે. હરિયાણામાંથી ચારને બચાવાયા, પણ ભાજપે ચારને કર્ણાટક મોકલી દીધા છે એમ તેમણે કહ્યું. ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આખું નાટક કોંગ્રેસનું આંતરિક નાટક હોવાનું જ કહ્યું છે.
મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી થશે અને અત્યારના ગણિત પ્રમાણે કોંગ્રેસને બે બેઠકો મળી શકે. ભાજપની એક બેઠક ઓછી થાય અને કોંગ્રેસની વધે ત્યારે તે વધેલી બેઠક કોને મળે તે માટે જંગ જામ્યો છે. દિગ્વિજયસિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા બંને મુખ્ય દાવેદાર છે. પરંતુ સિંધિયાને રોકવા માટે દિગ્વિજય અને કમલનાથ એક થઈ ગયા છે. દિગ્વિજયની એક બેઠક પાકી થઈ જાય, પછી બીજી બેઠક માટે પ્રિયંકા ગાંધીનું નામ એટલે જ આગળ કરવામાં આવ્યું છે તેમ મનાય છે.
જોકે પ્રિયંકાના બહાને મધ્ય પ્રદેશમાં જૂથો વચ્ચે ખેંચતાણ ચાલી છે તેની વચ્ચે આખી સરકાર જતી રહેશે કે શું તેની ચિંતા ઊભી થઈ છે. આ વખતની 55 બેઠકોમાંથી ભાજપની ગુજરાત સહિત ચાર બેઠકો ઓછી થઈ રહી છે, ત્યારે મધ્ય પ્રદેશની બેઠક બચાવી શકાય અને કોંગ્રેસની સરકાર પણ તોડી શકાય. એક કાંકરે બે પક્ષી મારી શકાય છે. રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના 8-10 સભ્યોને તોડી નાખવામાં આવે તો રાજ્યસભાની ચૂંટણીનું ગણિત બદલાઈ શકે છે. હાલના ગણિત પ્રમાણે 58 મતો જોઈએ અને 116 સાથે કોંગ્રેસ બે બેઠકો માટે સ્યોર છે, પણ તેમાંથી 10 તૂટી જાય તો બીજી બેઠક જીતવી મુશ્કેલ બની જાય. સાથે જ સરકાર માથે પણ જોખમ. આ અઠવાડિયું મધ્ય પ્રદેશના રાજકારણ માટે અગત્યનું બની જવાનું છે.