કોંગ્રેસ છોડવાના સિંધિયાના 10 કારણ અને 10 પડકાર

હોળી ધૂળેટી દરમિયાન ભાજપનું રંગપંચમી અભિયાન મધ્યપ્રદેશમાં સત્તાનો રંગ લાવશે તે ઉત્તરાયણ પછી જ સ્પષ્ટ થઈ ગયું હતું. આમ છતાં, કોંગ્રેસના સિનિયર નેતાઓ પવન પડવા લાગ્યો તે પછીય પોતપોતાના પતંગ ઉડાવતા રહ્યા હતા. ધૂળેટીના દિવસે આખરે ધાર્યા પ્રમાણે જ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપના કેસરિયા રંગે રંગાવાનું નક્કી કર્યું. કેટલાક હવે એવું કહી રહ્યા છે કે સિંધિયા માટે આ કેસરિયા કરવા જેવું જ છે. તેમના માટે કોંગ્રેસમાં અસ્તિત્વ બચાવવાનો સવાલ હતો. રાજકીય અસ્તિત્વ બચાવવા ભાજપમાં ગયા છે, પણ ત્યાંય તેમણે ટકી જવા સંઘર્ષ કરવાનો થશે.
બુધવારે બપોરે ઉદ્વેગ ચોઘડિયામાં આખરે ભાજપમાં તેમનો સત્તાવાર પ્રવેશ થયો ત્યારે આવકાર આપવા માટે અમિત શાહ હાજર રહ્યા નહોતા. માત્ર સત્તાવાર રાષ્ટ્રીય પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ તેમને ભાજપનો ખેસ પહેરાવ્યો. બિનસત્તાવાર અને અસલી રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આવ્યા નહિ, એટલે પ્રથમ દિવસે જ ‘મહારાજા’ને એક પગથિયું નીચે ઉતારીને ‘ખંડિયા રાજા’ બનાવી દેવાયા. તે પછી માત્ર રાજ્યસભાના ઉમેદવાર બનાવીને મધ્યપ્રદેશના રજવાડાથી બહાર મોકલી દેવાયા એટલે રાજામાંથી હવે માત્ર ભાજપ માટે લડનારી એક ટુકડીના ‘સેનાપતિ’ બની ગયા.

ભાજપના મુખ્યાલય પર પત્રકારોને નાનકડું સંબોધન કર્યા પછી ભાજપના નેતાઓ તેમને ઘેરીને અંદર લઈ ગયા હતા, જેથી પત્રકારો સાથે વાર્તાલાપ ના કરી શકે. ભાજપના સભ્ય બન્યા પછી અડધો કલાકમાં જ તેમની બોલવાની આઝાદી પણ લઈ લેવામાં આવી. મધ્યપ્રદેશની સરકાર વાયદા પાળતા નથી માટે મારે સડક પર ઉતરવું પડશે એવું તેમણે જાહેર સભામાં કહ્યું હતું. હવે પત્રકારોને ખાનગીમાં પણ સિંધિયા ભાજપની સરકાર રોજગારીનું વચનપાલન નથી કરી રહી તેવું કહી શકશે નહિ. જે નેતાની પોતાની રોજગારી પક્ષપલટો કરીને મળી હોય તેઓ બીજાને ક્યાંથી રોજગારી આપી શકે?
ભાજપે પોતાના પ્રવક્તા ઝફર ઇસ્લામને સિંધિયાના ઘરે મોકલ્યા હતા અને ત્યાંથી સિંધિયાને લઈને તેઓ મુખ્યાલય પર આવ્યા હતા. ભાજપમાં શું બોલવું તેના પાઠ નેતાને ભણાવાતા હોય છે. તેથી ઝફર ઇસ્લામે તેમને તાલીમ આપી દીધી અને તે પ્રમાણે તેમણે પોતાનું નિવેદન પત્રકારો સમક્ષ આપી દીધું. પક્ષપલટા માટે કોંગ્રેસની નિષ્ફળતાના કારણો તેમણે આપ્યા, પણ આપણે હવે જોઈએ કે અસલી 10 કારણો કયા હતા. સિંધિયાના કોંગ્રેસ છોડવાના 10 કારણો સાથે ભાજપમાં તેમની સામે 10 પડકારો કયા હોય શકે તે પણ જોતા જઇશું.

કારણઃ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન ના બનાવાયા
2018ની ચૂંટણી પહેલાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ચૂંટણીપ્રચારમાં જ્યોતિરાદિત્ય છવાયેલા હતા. રાજસ્થાનમાં સચિન પાયલટ ધૂમ મચાવી રહ્યા હતા અને છત્તીસગઢમાં પણ નવા નેતાઓનો ફાલ ઉત્સાહથી પ્રચારમાં લાગ્યો હતો. મધ્યપ્રદેશમાં ભાજપ પણ પોતાના પ્રચારમાં સિંધિયાનું નામ લેતી હતી. ‘માફ કરો મહારાજ, હમે ચાહિએ શિવરાજ’ – એવું સૂત્ર ભાજપનું પણ હતું. તેથી એવું લાગતું હતું કે જો સત્તા મળી તો કોંગ્રેસમાં નવી પેઢીના નેતાઓ આગળ વધશે. તેવું થયું નહિ. મધ્યપ્રદેશમાં કમલનાથને જ મુખ્યપ્રધાન બનાવાયા. રાજસ્થાનમાં સચિને સમાધાન કરીને ડેપ્યુટી સીએમપદ લઈ લીધું, પણ સિંધિયાએ સમાધાન ના કર્યું.

પડકારઃ મુખ્યપ્રધાન બનવું મુશ્કેલ
હાલમાં તો મુખ્યપ્રધાન નથી બનવાનું તે નક્કી થઈ ગયું છે. છ વર્ષ રાજ્યસભામાં હોવાથી આગામી ચૂંટણી પછીય તેમના માટે મુખ્યપ્રધાન બનવાનું શક્ય નહિ હોય. શિવરાજસિંહની જગ્યાએ ભાજપ કોને મુખ્યપ્રધાન બનાવે છે તે જોવાનું રહે છે. નવા મુખ્યપ્રધાન હશે તેમન જ આગામી ચૂંટણીમાં ચેહેરો બનાવાશે, તેથી સિંધિયા માટે એક દાયકો મુખ્યપ્રધાન બનવાનું મુશ્કેલ બની શકે છે.

કારણઃ સાથીઓને પ્રધાનમંડળમાં ઓછા મહત્ત્વનાં ખાતાં
સિંધિયાને મુખ્યપ્રધાન ના બનાવાયા, પણ તેમને શાંત પાડવા તેમના જૂથના 6ને પ્રધાનો બનાવાયા હતા. જોકે તેમને સારાં ખાતાં અપાયા નહોતા તેનો અસંતોષ સિંધિયા જૂથમાં હતો. નાણા, ગૃહ, મહેસૂલ, કૃષિ, શહેરી વિકાસ, આરોગ્ય, શિક્ષણ જેવા સારા ખાતાં સિંધિયા જૂથના નેતાઓને ના મળ્યા.

પડકારઃ 

ભાજપની સરકાર બનશે તેમ માની લઈએ તો નવી સરકારમાં પણ તેમના બધા સાથીઓને સારા ખાતાં મળે તેવી શક્યતાઓ ઓછી છે. ભાજપમાં પણ છુપા જૂથો છે જ. શિવરાજસિંહની જગ્યાએ નરેન્દ્રસિંહ તોમર કે વિજયવર્ગીયને મુખ્યપ્રધાન બનાવાય તો શિવરાજસિંહના ટેકેદારોને સારા મંત્રાલય આપવા પડે. સુમીત્રા મહાજન જેવા નેતા પણ નારાજ બેઠા છે, તેમનેય સમાવાના. તેથી સિંધિયાના બધા ટેકેદારોને પ્રધાનો પણ નહિ બનવા મળે, ત્યારે સારા મંત્રાલયની ચર્ચા જ અસ્થાને રહેશે.

કારણઃ ટેકેદારોને ટિકિટ ના મળી
આ તો જીત પછીની વાત થઈ, પણ પહેલેથી જ સિંધિયાને કાબૂમાં રાખવા માટે દિગ્વિજય અને કમલનાથ સંપી ગયા હતા. ટિકિટોની વહેંચણીની વાત આવી ત્યારે સિંધિયાના ટેકેદારોને ઓછામાં ઓછી ટિકિટો મળે તે માટેના પ્રયાસો થયા હતા. બે મોટા જૂથો સંપી ગયા હતા એટલે સિંધિયાના ગમે તેટલા પ્રયાસો છતાં બધા ટેકેદારોને ટિકિટ અપાવી શક્યા નહિ. ઘણી જગ્યાએ ટેકેદારોને ધારી બેઠક અપાવી શક્યા નહિ. ટિકિટ મામલે ગરમાગરમી થઈ ત્યારે દિલ્હીમાં હાઇકમાન્ડે નેતાઓને બોલાવ્યા. સિંધિયા બેઠકમાંથી નારાજ થઈને જતા રહ્યા, પણ સરવાળે તેમના ટેકેદારોને ઓછી ટિકિટો મળી.

હાલમા જેટલા ધારાસભ્યો રાજીનામાં આપશે તેમને મોટા ભાગને ફરીથી ભાજપની ટિકિટ મળી શકશે. પરંતુ તેમાંય કર્ણાટકની જેમ અપવાદ રહેવાના. બેથી ચાર ધારાસભ્યોને ટિકિટ ના પણ મળે, કેમ કે ભાજપ પોતાના સ્થાનિક દાવેદારની અવગણના કરે તો ઉલટાની બેઠક ગુમાવવાની પણ આવે.

કારણઃ પત્નીને ટિકિટ ના મળી, પોતાની બેઠક ના બદલી

ટેકેદારો માટે વગ કામ ના આવી અને દિગ્ગીરાજા અને નાથના જૂથે મોવડીઓને મનાવી લીધા, તે પછી અંગત હિતની વાત આવી ત્યારે પણ તેમનું હાઇ કમાન્ડ સામે ચાલ્યું નહોતું. 2018માં વિધાનસભાની ચૂંટણીમાં જીત મળવાથી કોંગ્રેસમાં ઉત્સાહ હતો, પણ 2019ની લોકસભાની ચૂંટણી આવી ત્યાં સુધીમાં હવા ફરી ગઈ હતી. છેલ્લે એર સ્ટ્રાઇકને કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પણ જીતવું મુશ્કેલ લાગ્યું, ત્યારે સિંધિયાએ પણ ગુના બેઠક બદલવા માગણી કરી હતી. તેમને ગ્વાલિયરથી ચૂંટણી લડવી હતી, પણ મનાઈ કરી દેવામાં આવી. પોતાના બદલે પત્નીને ગ્વાલિયરની ટિકિટ મળે તોય ચાલે તેવો વચ્ચેનો રસ્તો પણ દિગ્ગીએ ચાલવા ના દીધો. દિગ્વિજયસિંહે પોતે અઘરી લડાઈ પસંદ કરી અને ભોપાલની બેઠક પર પ્રજ્ઞા ઠાકુર સામે હારી ગયા. સિનિયર નેતાઓને સહેલી બેઠકો નહિ અપાય તેવી નીતિ જાહેર કરાઈ હતી.

પડકારઃ

ભાજપમાં પણ મનગમતી બેઠક મેળવવી મુશ્કેલ બનશે. ગ્વાલિયર ભાજપમાં સિંધિયા પરિવાર અથવા તો ગ્વાલિયર પેલેસના રાજકારણનો ભારે વિરોધ રહ્યો છે. પ્રભાત ઝાએ નારાજી વ્યક્ત પણ કરી છે. અત્યારે રાજ્યસભામાં મોકલ્યા છે, પણ ભવિષ્યમાં લોકસભા માટે મનગમતી બેઠક મેળવવી મુશ્કેલ બનશે. પત્નીને ટિકિટ અપાવવી પણ મુશ્કેલ થશે, કેમ કે પરિવારના એકથી વધુ સભ્યને ટિકિટ આપવાની આવે ત્યારે ભાજપમાં થોડી મુશ્કેલી રહે છે.

કારણઃ પ્રદેશપ્રમુખ બનવા ના મળ્યું
સિંધિયા જૂથ સંગઠન પર કબજો ના જમાવે અને વધુ ટિકિટો ના લઈ જાય તે માટે પ્રથમથી જ દિગ્વિજય અને કમલનાથ સાવધ હતા. તેથી 2018ની ચૂંટણી અગાઉ તેમને મધ્યપ્રદેશના કોંગ્રેસના પ્રમુખ બનવા દેવાયા નહોતા. તેમની જગ્યાએ કમલનાથને પ્રદેશ પ્રમુખ બનાવી દેવાયા હતા. ચૂંટણી પહેલાં અને ટિકિટોની વહેંચણી પહેલાં જ આ રીતે તેમનું ધાર્યું થયું નહોતું.

પડકારઃ પ્રદેશપ્રમુખ બનવાનું શક્ય નહિ બને
ભાજપમાં પણ પ્રદેશપ્રમુખ બનવું શક્ય નથી. ભાજપમાં સંગઠન પર સંઘની વધારે મજબૂત પકડ હોય છે. સંઘની પસંદગીના નેતાને જ પ્રમુખ બનાવાતા હોય છે. બીજું સંગઠન પર આરએસએસ દ્વારા નિમાયેલા પ્રચારક મહામંત્રીનું જ વર્ચસ્વ હોય છે. તેથી સિંધિયા પ્રદેશપ્રમુખ ના બની શકે અને બને તો પણ તેમનું ધાર્યું ના થાય, જે તેઓ કોંગ્રેસમાં કરવા માગતા હતા.

કારણઃ પ્રચારમાં સિંધિયાની અટકનો ફાયદો લેવાયો, પછી અવગણના
વિધાનસભા ચૂંટણી પહેલાં પ્રદેશપ્રમુખ ના બનાવાયા તેની નારાજી હતી. તે નારાજી દૂર કરવા અને સ્ટ્રેટેજિક કારણોસર કોગ્રેસના મોવડીમંડળે તેમને વિધાનસભા ચૂંટણી વખતે પ્રચારસમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા. સિંધિયા નામ હજીય નાનો મોટો ટેકેદાર વર્ગ છે અને ગ્રામીણ પ્રજા તે પરિવારના નામે મતો આપતી હોય છે. કોંગ્રેસે તેનો ફાયદો લીધો. ખાસ કરીને ગ્વાલિયર અને ચંબલ પ્રદેશમાં કોંગ્રેસને 34માંથી 27 બેઠકો પણ મળી. જોકે બાદમાં પક્ષે વળતર ના આપ્યું અને મુખ્યપ્રધાન બનાવ્યા નહિ.

પડકારઃ પ્રચારમાં સિંધિયાનો ચહેરો નહિ હોય
ભવિષ્યમાં શું થશે તે નક્કી નથી, પરંતુ હાલમાં ભાજપના પ્રચારમાં માત્ર એક જ ચેહેરો હોય છે – નરેન્દ્ર મોદી. ભાજપને બીજા કોઈ ચહેરાના નામે મતો માગવાની જરૂર નથી. બીજું સિંધિયા પરિવારના નામે ભાજપ મતો માગવા નીકળશે ત્યારે ગાંધી પરિવાર સામેની તેમની ટીકાની ધાર બૂઠી થઈ જવાની. એટલે અટકનો કોઈ ફાયદો મળશે નહિ કે તેના કારણે વિશેષ લાભ પણ મળશે નહિ.

કારણઃ અધિકારીઓ સાંભળતા નહોતા, નિમણૂકો થતી નહોતી
પોતાના વિસ્તારમાં માનીતા અધિકારોને મૂકાતા નહોતા તેની ફરિયાદ પણ હતી. સમગ્ર સરકારી તંત્ર પર કમલનાથ અને દિગ્વિજયસિંહની પક્કડ હતી. દિગ્વિજય સુપરસીએમ કહેવાય છે. સિંધિયા પરિવાર સાથે દોઢ સદી જૂની દુશ્મનાવટ દિગ્વિજયસિંહની છે. તેમના પરિવારની જાગીર રાધોગઢ હતી અને સિંધિયાના ખંડિયા રાજા હતા, પણ રાણી લક્ષ્મીબાઇને દગો દઈને જીવાજીરાવ સિંધિયાએ અંગ્રેજોને સાથ આપ્યો હતો. તે વખતે રાઘોગઢ લક્ષ્મીબાઇ સાથે રહ્યું હતું અને સિંધિયા પરિવારનો કાયમ વિરોધ રહ્યો હતો. સિંધિયા કે તેમના પ્રધાનોના ધાર્યા કામ અધિકારીઓ કરતા નહોતા.

પડકારઃ અધિકારીઓ ભાજપના સીએમનું પણ સાંભળતા નથી
ભાજપનું મોવડીમંડળ અત્યારે દિલ્હીમાં બેઠાબેઠા અધિકારીઓ વડે જ આખું તંત્ર ચલાવે છે. ભાજપનું શાસન છે ત્યાં પણ મુખ્યપ્રધાને ખાસ કંઈ કરવાનું હોતું નથી. દિલ્હીથી સીધી અધિકારીઓને સૂચના જતી હોય છે. ગુજરાતમાં સીએમ કે ડેપ્યુટી સીએમ શોભામાં અભિવૃદ્ધિ કરતા હોય છે, તંત્ર દિલ્હીમાં બેઠેલા મોવડીઓની ઇચ્છા અનુસાર શક્તિશાળી અમલદારો ચલાવતા હોય છે. સિંધિયાને કેન્દ્રમાં પ્રધાન બનવા મળશે તોય તેમના સચિવો તેમનું સાંભળવાના નથી.

કારણઃ પોતાના વિસ્તારને યોજનાઓ ના મળી
સરકારી યોજનાઓ અને પ્રોજેક્ટ્સ કયા પ્રદેશમાં જશે તેનો નિર્ણય કમલનાથ અને દિગ્વિજય પોતાની રીતે કરી લેતા હતા. સિંધિયાના પ્રભુત્વવાળા પ્રદેશોમાં કોઈ વિશેષ યોજના આવતી નહોતી તેવી ફરિયાદ હતી. પોતાના વિસ્તારના ખેડૂતોને રાહત પણ ના મળી તેનો અફસોસ તેમણે વ્યક્ત કર્યો હતો.

પડકારઃ પોતાના વિસ્તારને મહત્ત્વ આપવાનું શક્ય નથી
ભાજપમાં પણ પોતાના વિસ્તારમાં પ્રોજેક્ટ્સ લાવવાનું એટલું સહેલું હોતું નથી. ભાજપના સાંસદો અને પ્રધાનોની સંખ્યા મોટી છે. ઘણા બધા રાજ્યોમાં સત્તા છે અને રાજ્યકક્ષાના નેતાઓની પણ માગણીઓ હોય છે. બીજું કે ઉદ્યોગગૃહોને માફક આવે તે રીતે જંગી પ્રોજેક્ટ્સ આવતા હોય છે, ત્યાં નેતાઓની ઇચ્છા પ્રમાણે પ્રોજેક્ટ્સ પાસ કરાવવા મુશ્કેલ હોય છે.

કારણઃ અપમાનજનક સ્થિતિ
પક્ષમાં અવગણના થતી હતી. મોવડીમંડળને મળવાનું પણ મુશ્કેલ હતું. મુખ્ય પ્રધાન કમલનાથે સમાધાન માટે પ્રયાસો કર્યા નહોતા. વચનપાલન નહિ થાય તો પોતે રસ્તા પર ઉતરી પડશે એવું સિંધિયાએ જાહેરસભામાં કહ્યું હતું. તેના જવાબમાં કમલનાથે એટલું જ કહ્યું હતું – ‘ઉત્તર જાયેં’.

પડકારઃ માન મર્યાદામાં જ મળશે
ભાજપમાં જાહેરમાં ઓછું અપમાન થાય છે. જૂથબંધી પણ ખાનગીમાં વધારે ચાલે છે, તેથી અપમાનજનક સ્થિતિ નહિ થાય, પણ વધારે કોઈ માન મળશે નહિ. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જલદી મળે નહિ, એ જ રીતે નરેન્દ્ર મોદી પણ કોઈને મળતા નથી. નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર પણ સ્ક્રિપ્ટ પ્રમાણે જ મહેમાન કલાકાર તરીકે જ હાજરી પુરાવવા મળશે. તેમને આવકારવા અમિત શાહ પણ હાજર રહ્યા નહોતા તે ઉપર વાત કરી જ છે.

કારણઃ ભવિષ્ય નથી
કોંગ્રેસમાં પોતાના માટે કોઈ ભવિષ્ય નથી. કોંગ્રેસમાં નેતૃત્ત્વનો પ્રશ્ન આવીને ઊભો છે અને વિચારસરણીની પણ અવઢવ છે. પક્ષ કઈ દિશામાં જવા માગે છે તેની અનિશ્ચિતતા છે. તે સંજોગોમાં પોતાનું રાજકીય ભવિષ્ય શું હશે તેની અસ્પષ્ટતા ઊભી થઈ હતી.

પડકારઃ ભવિષ્ય અનિશ્ચિત
રાજકારણમાં કોઈ પણ નેતાનું ભાવિ અનિશ્ચિત જ હોય છે. આજનો અત્યંત મજબૂત નેતા કાલે હારી પણ જાય. કોઈને લોટરી લાગી જાય અને જૂથબંધીમાં અચાનક સીએમ પણ બની જાય. તે સંજોગોમાં ભાજપમાં જોડાયા પછી ભવિષ્ય સુનિશ્ચિત થઈ ગયું છે તેવું કહી શકાય નહિ. રાજ્યસભાની ટિકિટ મળી ગઇ છે, પણ કેન્દ્રમાં પ્રધાન બનવા મળશે તેમ ખાતરીપૂર્વક કહી શકાય નહિ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]