શા માટે ડોભાલને તોફાનો શાંત કરાવવા દોડાવાયા?

જિત ડોભાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. તેમનું મુખ્ય કામ ટોચની કક્ષાએ દેશની સુરક્ષાની બાબતમાં વડા પ્રધાનને સલાહ આપવાનું છે. આ કાર્ય માટે તેઓ નિષ્ણાત પણ છે, કેમ કે તેમણે ગુપ્તચર તંત્રમાં, સંરક્ષણ તંત્રમાં, પોલીસ તંત્રમાં બહુ મોકાની જગ્યાએ કામ કરેલું છે. તેઓ માત્ર દેશમાં આંતરિક રીતે જ નહિ, પડોશી દેશોમાંથી જ નહિ, પરંતુ વિદેશમાં કોઈ પણ જગ્યાએ ભારતના હિતોને નુકસાન થાય તેવી હલચલને જાણી શકે અને તેની સામે સરકારને સાવધ કરી શકે તે માટેની કુશળતા ધરાવે છે.

તેનો અર્થ એ થયો કે દેશની રાજધાની દિલ્હીમાં અચાનક તોફાનો ફાટી નીકળ્યા અને પોલીસ ‘જોતી જ રહી ગઈ’ અને મોટી સંખ્યામાં નુકસાન થયું તે પછી તેને ઝડપથી કાબૂમાં લેવા માટે શું કરી શકાય તેની નિપુણતા તેમનામાં છે. પરંતુ તેમની કામગીરી અને જવાબદારી અત્યારે એ નથી કે તેમણે શહેરમાં ફરીને પોલીસ બરાબર કામ કરતી થાય તે માટે પ્રયાસો કરવા પડે. કાશ્મીરમાં સ્થિતિને સંભાળવા માટે તેમની ક્ષમતાનો ઉપયોગ થાય ત્યાં સુધી બરાબર છે, પણ રોકી શકાય તેવા રખમાણોને દિલ્હી પોલીસની નિષ્ફળતાને કારણે વેગ મળ્યો ત્યારે સ્થિતિ થાળે પાડવા દોભાલને કામે લગાવવા પડ્યા તે સ્થિતિની ગંભીરતા પણ દાખવે છે.

પુરાની દિલ્હી, નવી દિલ્હી સહિતના સમગ્ર દિલ્હી રાજ્યની પોલીસિંગની જવાબદારી કેન્દ્રના ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. ગૃહ મંત્રાલયના જવાબદાર અધિકારીઓને બદલે ડોભાલને કામે લગાવવા પડ્યા, જેથી સ્થિતિ વધારે વણસે નહિ. દિલ્હીના પોલીસ કમિશનરની બદલી પણ તાત્કાલિક કરી દેવામાં આવી, ગૃહ મંત્રાલયમાં બીજી બેઠકો પણ થઈ હતી, ગૃહ પ્રધાન અમિત શાહ અને દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ વચ્ચે મુલાકાત પણ થઈ હતી, તેમ છતાં સૌથી વધુ સક્રિય ભૂમિકા અજિત ડોભાલની દેખાઈ આવી.તેનું એક કારણ એ પણ છે કે તેઓ આઈપીએસ ઓફિસર રહી ચૂક્યા છે. પોલીસની કામગીરી કેવી રીતે ચાલે છે તેની ડોભાલની સમજણ, ગૃહ મંત્રાલયના આઈએએસ અધિકારીઓ કરતાં ઘણી વધારે છે.

અજિત ડોભાલને દિલ્હીમાં પોલીસ દળ વચ્ચે ફરીને રમખાણોને થાળે પાડતા જોઈને જૂના જમાનાના પત્રકારોને તેમની આઈપીએસ ઓફિસર તરીકેની કામગીરીને યાદ કરી. ધ વીક મેગેઝીને અહેવાલ આપ્યો કે કઈ રીતે છેક 1972માં અજિત ડોભાલે તોફાનોને કાબૂમાં લેવા માટે કામગીરી બજાવી હતી. આ બનાવ કેરળનો છે. અજિત ડોભાલ 1968ની બેચના કેરલ કેડરના આઈપીએસ ઓફિસર તરીકે કેરલ પોલીસમાં જોડાયા હતા. 1972ની શરૂઆતમાં થલાસેરીમાં કોમી રમખાણો થયા હતા અને ત્યારે યુવાન પોલીસ ઓફિસર તરીકે અજિત ડોભાલે કામગીરી બજાવી હતી.

28 ડિસેમ્બર 1971ના રોજ એક ધાર્મિક સરઘસ નીકળ્યું તેના પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. તેના કારણે થલાસેલી વિસ્તારમાં ઉગ્રતા વધી ગઈ હતી. સમયસર પગલાં ના લેવાયા અને 1972નું વર્ષ બેઠું તે સાથે હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. તોફાનોમાં એક તરફ આરએસએસના ટેકેદારો હતા અને સામી બાજુ સીપીઆઈ(એમ)ના ટેકેદારો હતો. કે. કરૂણાકરણ તે વખતે ગૃહ પ્રધાન હતા. તેમને લાગ્યું કે કોઈ હોંશિયાર આઈપીએસ અધિકારીને મોકલ્યા સિવાય તોફાનો કાબૂમાં આવશે નહિ.

તેમણે પોતાની રીતે તપાસ કરાવી અને તેમને લાગ્યું કે કોટ્ટાયમમાં કામ કરતા યુવાન આઈપીએસ અજિત ડોભાલને જવાબદારી સોંપવી જોઈએ. અજિત ડોભાલને તાત્કાલિક થલાસેરી મોકલી દેવાયા. તેમણે ત્યાં પહોંચીને તોફાનો થયા હતા તે વિસ્તારની મુલાકાત લીધી. દિલ્હીમાં જે રીતે તેઓ તોફાનો થયા તે વિસ્તારમાં ફર્યા તે રીતે થલાસેરીમાં પણ ફર્યા હતા. ઓફિસમાં બેસી રહેવાને બદલે મેદાનમાં ઉતરવું જરૂરી છે તે પાઠ કદાચ અજિત ડોભાલ કેરલમાં શીખ્યા હતા. કાશ્મીરમાં પણ તેઓ જાતે જુદા જુદા વિસ્તારોમાં ફરતા રહે છે અને સ્થિતિનો તાગ મેળવતા રહે છે. એવું કહેવાય છે કે તેમણે એક જ અઠવાડિયામાં થલાસેરીમાં તોફાનો બંધ કરાવી દીધા હતા. તે વખતે પણ મોકો જોઈને અનેક લોકોએ દુકાનોમાં લૂંટ ચલાવી હતી. ડોભાલે માથાભારે લોકોના ઘરોમાં દરોડા પાડીને લૂંટેલો માલ પકડી પાડ્યો હતો અને શક્ય એટલો માલ વેપારીઓને પાછો અપાવ્યો હતો.

પોલીસ અધિકારી બન્યા તેના ચાર જ વર્ષ પછી મોટા પ્રમાણમાં થયેલા કોમી રમખાણો તેમણે દાબી દીધા, તેના કારણે ઉપરીઓમાં તેમની સારી છાપ પડી હતી. જોકે ડોભાલને કદાચ પોલીસ કરતાંય ગુપ્તચર વિભાગમાં વધારે રસ હતો. તેઓ થોડા મહિના થલાસેરી અને કન્નુર જિલ્લામાં રહ્યા હતા, પણ તે પછી તરત જ તેમની નિમણૂક ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં કરવામાં આવી હતી. ત્યાંથી શરૂ થયેલી તેમની કામગીરી આઈબીમાં યાદગાર બની રહી છે.
તેમની એ કુશળતા સરકારને ત્રાસવાદ સામેના ઓપરેશનમાં તો કામ આવે જ છે, પણ કાશ્મીર અને દિલ્હીના તોફાનોમાં તેમની પોલીસ તરીકેની કામગીરી પણ ઉપયોગી નીવડી છે. ટ્રમ્પની મુલાકાતને કારણે 10,000 પોલીસ બંદોબસ્તમાં હતા. માત્ર 3 હજાર પોલીસ સમગ્ર દિલ્હી માટે હતા ત્યારે ઈશાન દિલ્હીના, યુપીને અડીને આવેલા વિસ્તારોમાં તોફાનો બહુ ઝડપથી ફેલાયા હતા. ટ્રમ્પની મુલાકાત વખતે જ પથ્થરમારો થવા લાગ્યો હતો, પણ 25 તારીખે રાત્રે અને 26 તારીખે હિંસા વધુ ઉગ્ર બની હતી.

પાંચ દિવસની ધમાલ પછી દિલ્હીમાં થોડી શાંતિ દેખાઈ રહી છે અને ચોંકાવનારા કિસ્સાઓ બહાર આવવા લાગ્યા છે. પ્રારંભમાં સામસામા પથ્થરમારાની ઘટના લાગતી હતી તે બહુ ઝડપથી કોમી રમખાણમાં ફેરવાઈ ગઈ હતી. 26 તારીખે મરણાંક પણ વધવા લાગ્યો હતો. દરેક કોમી રમખાણોમાં થાય છે તે રીતે પોલીસની નિષ્ક્રિયતાના કિસ્સા સામે આવી રહ્યા છે. એ જ રીતે દરેક કોમી રખમાણ વખતે એકબીજાને મદદ કરવાના, એકબીજાને બચાવી લીધાના, પોલીસમાંથી પણ કેટલાકે જીવના જોખમે બજાવી કામગીરીના અને માનવતા કિસ્સા પણ સામે આવી રહ્યા છે.
તપાસ લાંબી ચાલશે અને લાંબો સમય સામસામી આક્ષેપબાજી ચાલતી રહેશે. કોના નિવેદનો વધારે ઉશ્કેરણીજનક હતા તેની દલીલો પણ થતી રહેશે, પણ જેમણે જીવ ગુમાવ્યા હોય તેમના સ્વજનો માટે આ બધું અર્થહિન હોય છે. રાજકીય આક્ષેપબાજી થશે અને રમખાણો ડામવામાં કોની નિષ્ફળતા તેનું વિશ્લેષણ પણ થતું રહે છે.

ગૃહ પ્રધાન તરીકે દિલ્હીની સુરક્ષાની જવાબદારી જેમની હતી તે અમિત શાહ જાહેરમાં ઓછું દેખાયા અને તેમના નિવેદનો પણ ઓછા આવ્યા છે, પણ તેઓ સંસદમાં શું જવાબ આપશે તેના પર સૌની નજર રહેશે. તેમની જગ્યાએ અજિત ડોભાલ ફરતા રહ્યા અને તેમની ભલામણો પ્રમાણે પોલીસ તંત્રમાં ફેરફારો અને બંદોબસ્તની ચર્ચા પણ ભવિષ્યમાં થતી રહેશે.

જોકે કાશ્મીરની જેમ મોદી સરકારે અજિત ડોભાલની આવડતને અમલમાં મૂકવા માટે જ દિલ્હીમાં તેમને આગળ કર્યા હતા તેવો બચાવ થશે. ભાજપના વર્તુળો તરફથી એ વાત ખાસ કહેવામાં આવી રહી છે કે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન બંનેએ પરિસ્થિતિ પ્રમાણે જ ડોભાલને જવાબદારી સોંપી છે. રાજકીય નિર્ણયો લેવાનું કામ નેતાઓ તરીકે તેમનું છે, પણ પરિસ્થિતિને ગ્રાઉન્ડ પર સંભાળવા માટે પ્રોફેશનલ્સ જોઈએ, અનુભવી અમલદારો જોઈએ. તે રીતે જ ડોભાલની કામગીરીને ભાજપના વર્તુળોમાં જોવામાં આવી રહી છે. વિપક્ષો મોકો જોઈને ટોચના નેતૃત્ત્વનમાં પરસ્પર વિશ્વાસનો અભાવ અને સરકારનું ખરાબ ના દેખાય તે માટે ડોભાલને મોકલવા પડે છે તેવો આક્ષેપ કરી શકે તેવી સ્થિતિમાં છે.

બિલ ક્લિન્ટન ભારતની મુલાકાતે આવ્યા ત્યારે કાશ્મીરમાં 36 શીખોની હત્યા ત્રાસવાદીઓએ કરી હતી. ભારતમાં કોઈ મોટા દેશના નેતા મુલાકાતે આવે ત્યારે ત્રાસવાદી પ્રવૃત્તિઓ વધી જાય છે. મોટા હુમલા થાય છે, જેથી દુનિયાનું ધ્યાન ભારતની સ્થિતિ તરફ ખેંચાય. એજ રીતે ટ્રમ્પની મુલાકાત વખતે પણ દિલ્હીમાં રમખાણોને કારણે વિદેશી મીડિયામાં તેને વ્યાપક કવરેજ મળ્યું છે. ભારતે ડિપ્લોમસીને કામે લગાવીને કલમ 370 અને સીએએ જેવા મામલા ભારતના આંતરિક મામલા છે તે બાબતને મક્કમ રીતે રજૂ કરી છે. તેમાં મહદંશે સફળતા પણ મળી છે. કાશ્મીરમાં કરફ્યૂ અને ધરપકડો સહિતના આકરાં પગલાં લેવાં પડ્યાં છે, પણ તેના કારણે ત્યાં તોફાનો અને જાનહાની ટાળી શકાય છે. સરકાર આપખુદ રીતે વર્તે છે તે ટીકા બરાબર છે, પણ મોટા પાયે તોફાનો થાય અને જાનહાની થાય ત્યારે તેને વધારે કવરેજ મળે છે.

પોતાની મુલાકાતના અંતે પત્રકારો સાથેની વાતચીતમાં પ્રમુખ ટ્રમ્પે કલમ 370 અને સીએએ માટે સાનુકૂળ પ્રત્યાઘાત આપ્યો હતો. આ બંને ભારતની આંતરિક બાબત તેમણે ગણાવી હતી. તે રીતે ભારતને રાહત થઈ હતી, પણ તેમની મુલાકાત વખતે જ મોટા પાયે તોફાનોથી વિદેશથી આવેલા પત્રકારોનું પણ ધ્યાન ખેંચાયું હતું. તેથી તોફાનો આગળ ના વધે અને ઝડપથી રાજધાનીમાં રાબેતો સ્થાપી શકાય તે સરકારની પ્રાયોરિટી હોવાથી અજિત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના ટોચના હોદ્દાથી દિલ્હી સડકો પર પોલીસની સાથે જ પોલીસ અધિકારી જેવી કામગીરી માટે પણ ઉતારવા પડ્યા છે એમ લાગે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]