આધાર કાર્ડની વિગતો લીક અને ફેસબૂકમાંથી ઉઠાંતરી…

ધુ એક સમાચાર આવ્યાં કે કેટલીક સરકારી એજન્સીઓ પાસે આધાર કાર્ડના ડેટાનો એક્સેસ હતો ત્યાંથી માહિતી લીક થઈ છે. એટલે કે તમારાં નામ, સરનામાં, ઉંમરની વિગતો ચોરાઈ ગઈ. આ વિષય હજી ઘણાને નથી સમજાતો કે લોકો આપણાં નામ, સરનામા જાણે એમાં શું થઈ ગયું. સોશિઅલ મીડિયાના જમાનામાં ગઈ કાલે રાત્રે તમે કઈ હોટેલમાં જઈને શું ખાઈ આવ્યાં તે પણ સામે ચાલીને જણાવો છો, તો તમારાં નામ, સરનામાં, ઉંમર કોઈ જાણી જાય તો શું થાય તે સમજવું અઘરું છે.સમજવું એટલું અઘરું નથી. એક કામ કરો ચાલો, તમારા ગ્રૂપમાં મેસેજ મૂકો અને કોઈનો ફોન આવ્યો હોય અને બેન્કની વિગતો આપી હોય અને ખાતાંમાંથી પૈસા ઉપડી ગયા હોય તેવા કિસ્સા મૂકવાની માગણી કરો. તમને ઢગલાબંધ કિસ્સાઓ મળશે, જેમાં આવી છેતરપિંડી થઈ હોય. તમારી બેન્કમાંથી અચાનક ફોન આવશે. દરેક અચાનક જ હોય, પણ અચાનક મતલબ ફોન આવશે અને મોટા ભાગે કોઈ ડાહી લાગતી છોકરીનો જ હશે. ફોન પર કોઈ પણ છોકરી ડાહી જ લાગે, પણ મતલબ કે છોકરી જરાય લહેકો કર્યા વિના સરકારી ભાષામાં વાત કરશે. જાણે તમારે અને એને કંઈ લાગે જ વળગતું ના હોય અને એક જ પૃથ્વીના આપણે વાસી છીએ એવી કોઈ આત્મીયતા અવાજમાં લાવ્યાં વિના, ભાઇ આ તમારા ખાતામાં કંઈ ગરબડ થઈ છે. તમે જાણોને તમારું કામ જાણે, પણ ભાઇ અમારે નોકરી કરવાની છે, તો મેસેજ મોકલી આપો તમારા રજિસ્ટર કરેલા ફોનનંબરમાંથી.

એક વાર તમે જો આ ચક્કરમાં આવી ગયાં એટલે તમને ઓટીપી આવશે, ઓટીપી ખબર છેને… ખબર જ હશે… ઓટીપી આવશે એટલે પેલી તમને, ઠીક છે ઓટીપી તો આવ્યા કરે, હવે આવ્યો છે તો લાવો આપી દો ઓટીપી એટલે કામ પતે. એ રીતે તમારી પાસેથી ઓટીપી લઈ લેશે અને તમારા ખાતામાં હશે એટલી તમારી બચત પણ લઈ લેશે.
આ તો થોડી મજાક થઈ, પણ ગંભીર બાબત એ છે કે આ રીતે છેતરપિંડી વધી રહી છે. બેન્ક ખાતાં સાથે આધાર કાર્ડ લિન્ક કરવાના કારણે હવે તમારું ખાતું કઇ બેન્કમાં છે તે તરત ખબર પડી જાય છે. અત્યાર સુધી તે માટે મહેનત કરવી પડતી હતી અને કોઈક રીતે તમારી બેન્કની ખબર પડે તો જ ઉઠાંતરી થતી હતી. હવે આધાર કાર્ડને કારણે ઉઠાંતરી કરવામાં એટલે ઓછી મહેતન કરવી પડે છે.

ZDNet નામની ટેક્નોલૉજી વિશેની વેબસાઇટે સ્ટોરી આપી છે કે સરકારી એજન્સીઓમાંથી જ ડેટા લીક થયો છે. સરકારી એજન્સીમાંથી લીક થયો છે, પણ કઈ સરકારી એજન્સી તેનું નામ વેબસાઇટે આપ્યું નથી. હાલમાં અમે તેનું નામ જાહેર નથી કરી રહ્યાં તેવું સ્ટોરીમાં જણાવાયું છે. ગેસ એજન્સીને આપણે આધાર નંબર આપવાનો હોય છે. ગેસ એજન્સી તે બધા નંબરો ભેગા કરીને પુરવઠા ખાતાંને આપે છે. આ જ બધાં નંબરો ગેસ કંપનીઓ સુધી પણ પહોંચે છે. ટેલિકોમ કંપનીઓમાં બીએસએનએલને પણ આધાર નંબરો અપાયા છે. રેલવેમાં ટિકિટ બૂક કરાવતી વખતે ઓળખ માટે આધાર કાર્ડ અને તેનો નંબર આપીએ છીએ. પાન કાર્ડ અને આધાર કાર્ડને જોડવાના છે. આમાંથી કોઈ પણ સરકારી એજન્સીમાંથી ડેટા લીક થયાનું અનુમાન છે.

આધારનો ડેટા સંભાળવાની જેની જવાબદારી છે તે UIDAIના પ્રવક્તાએ જણાવ્યું કે અમે તપાસ કરીને જવાબ આપીશું. જવાબ જે હોય તે, પણ પ્રવક્તાએ ફરી એકવાર કહ્યું કે બાયોમેટ્રિક્સ ડિટેઇલને અલગથી સ્ટોર કરાઇ છે અને તેને એન્ક્રીપ્ટ કરાઈ છે. તેને ઇન્ટરનેટ સાથે જોડાઈ નથી, તેથી તે લીક થવાની શક્યતા નથી.
બાયોમેટ્રિક્સ એટલે કે ફિંગરપ્રિન્ટની એટલી જરૂર માર્કેટિંગ કંપનીઓને નથી. માર્કેટિંગ કંપનીઓને તમારી ઓળખ જોઈએ છે અને તે ઓળખ સાથે જોડાયેલી વિગતો, જેના આધારે તમારું એક ચિત્ર તૈયાર કરી શકાય. એક એવો પ્રોફાઇલ જેના આધારે તમારા બિહેવિયર વિશે અનુમાન કરી શકાય.

આજે એક કે બે જગ્યાએથી આધાર નંબરો અને માહિતી લીક થઈ રહ્યાં છે, પણ દરેક લીક પછી ફરતો ડેટા કેટલાક ચાલાક લોકો ભેગા પણ કરી રહ્યાં છે. આ સૌથી વધુ જોખમી સ્થિતિ ઊભી થઈ રહી છે. ઓનલાઇન ખરીદીએ આપણે સહજતાથી કરતાં થયા છીએ. ઓનલાઇન ખરીદીમાં આપણે ડેબિટ કાર્ડનો નંબર પણ આપીએ છીએ. ઘેર કેટલા વાગ્યે હાજર અને કેટલા વાગ્યે હાજર નહીં તે પણ જણાવતાં થયા છીએ. તમે કઈ બ્રાન્ડ વારેવારે ખરીદો છે તે આપોઆપ ત્યાં નોંધાતું જાય છે.બ્રાન્ડના આધારે વ્યક્તિની ઓળખની વાત નવી નથી. જૂના જમાનામાં તમે સાંભળ્યું હશે કે જૂનો પૈસા હોય તે એમ્બેસેડર ખરીદે અને નવો ધનિક ફિયાટ ખરીદે. આજે કારના અનેક મોડેલ થઈ ગયાં છે, પણ દરેકનો એક સ્લોટ હોય છે. મારુતિ ખરીદનારો અને ફિયાટ ખરીદનારો અલગ ગણાય છે. મર્સિડિઝ અને બીએમડબ્લ્યૂ બંને લક્ઝરી કાર ગણાય અને ઔડી પણ ખરી. ત્રણેય ધનાઢ્ય લોકો ખરીદે, પણ ત્રણેયમાં કયા ક્ષેત્રમાં કામ કરનારા હશે તેનો ભેદ પડે છે. બિલ્ડરો પાસે ઔડી વધારે જોવા મળે, જ્યારે કોર્પોરેટ કંપનીના માલિક મર્સિડિઝ પસંદ કરશે. પ્રોફેશનલ બીએમડબ્લ્યૂ પસંદ કરશે. શોરૂમ અને એજન્સી ધરાવતાં હોય તે પ્રકારના બિઝનેસમેન હોન્ડા ખરીદે, જ્યારે શેર, રીઅલ એસ્ટેટમાં રોકાણ કરનારા ટોયોટા ખરીદે. આ બધી બાબતોનું માર્કેટિંગ કંપનીઓ માટે બહુ મહત્ત્વનું હોય છે.

તમે કાર ખરીદી, તેનું રજિસ્ટ્રેશન કર્યું ત્યાં આધાર નંબર આપ્યો. ઓનલાઇન ટીવી ખરીદ્યું, તે ઇ-કોમર્સ વેબસાઇટમાં પણ આધાર નંબર ગયો અને કઈ બેન્ક તે પણ નોંધાયું, તમે સોશિઅલ મીડિયામાં ટ્રેઇનમાં ગયાં કે પ્લેનમાં અને કઈ હોટેલમાં રહ્યાં અને ક્યાં ડિનર લેવા ગયાં તે પણ જણાવો છો. આ પાંચેય માહિતી ભેગી થાય એટલે તમારું એક કલ્પના ચિત્ર માર્કેટિંગ કંપનીઓ ઊભું કરે જેની તમને પણ કલ્પના ના હોય.

આ કલ્પના ચિત્રના આધારે તમને કયા પ્રકારનું પ્રચાર સાહિત્ય પસંદ પડશે તે નક્કી થઈ શકે છે. તમે રાષ્ટ્રવાદી છો, ભેદભાવવાદી છો, ઉદારવાદી છો, કદાચ તટસ્થ છો તે નક્કી કરીને તમારી લાગણીને સ્પર્શે તે રીતે પ્રચાર સાહિત્ય તમારા સોશિઅલ એકાઉન્ટમાં તમારી નજર સામે આવતું રહેશે. આ અલગ અલગ શેડ્સના દરેક માટે એક જ પાર્ટી અલગ અલગ મેસેજ તૈયાર કરશે. એક જ પાર્ટી આ ચારેય પ્રકારના લોકોને તેમના અંદાજમાં ન્યૂઝ કે ફેક ન્યૂઝ માહિતી પહોંચાડીને પ્રભાવ પાડે ત્યાં સુધીની વાત આવીને ઊભી રહી છે.

વાત હજી શરૂ જ થઈ છે અને બાત નીકલી હી હૈ, તો બાત દૂર તક જાયેંગી જરૂર…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]