આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ સાથે સમજૂતી ના કરવી એવું અત્યારે તો સીપીઆઈ (એમ) દ્વારા નક્કી થયું છે. જોકે આખરી નિર્ણય લેવાયો નથી, પણ ભાજપવિરોધી મોરચો ઊભો કરવાની દિશામાં થઈ રહેલા વધુ એક પ્રયાસને ફટકો પડી શકે છે. કોંગ્રેસના એકહથ્થુ શાસન સામે કોંગ્રેસવિરોધી મોરચો ઊભો કરવાની કોશિશ કટોકટી પછીના સમયગાળામાં ઝડપી બની હતી. જોકે તે પછીના સમયગાળામાં પણ ડાબેરીએ ભાજપ ફાવી ના જાય તે માટે કોંગ્રેસને જરૂર પડ્યે ત્યારે સાથ આપીને કોંગ્રેસવિરોધી મોરચાને નબળો પાડ્યો હતો. સરવાળે ભાજપ એવો ફાવી ગયો કે ડાબેરીઓ પાસે હવે કોઈ રાજ્ય સલામત રહ્યું નથી.ત્રણ રાજ્યો ડાબેરીઓ માટે અગત્યના રહ્યાંં છે. કેરળ, પશ્ચિમ બંગ અને ત્રિપુરા. ત્રિપુરામાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આ વખતે ભાજપ અહીં જોર કરી રહ્યો છે. 25 વર્ષથી સીપીઆઈ (એમ)ની આગેવાનીમાં ડાબેરી મોરચો સત્તામાં છે. ડાબેરી સામે ભાજપની જમણેરી ચેલેન્જ આવી પડી છે ત્યારે કોંગ્રેસ સાથે કોઈ સમજૂતી થશે કે કેમ તે સવાલ અગત્યનો હતો. તેનો જવાબ ‘ના’માં આવ્યો છે. 1988માં ફક્ત એક વખત કોંગ્રેસની સરકાર ત્રિપુરામાં આવી હતી.
હવે જો ત્રિપુરામાં ડાબેરી હારે તેનો ફાયદો કોંગ્રેસને નહીં, ભાજપને થશે. પશ્ચિમ બંગમાં પણ ડાબેરી હાર્યા ત્યારે કોંગ્રેસને નહીં, તૃણમૂલ કોંગ્રેસને ફાયદો થયો હતો. પણ કેરળમાં સ્થિતિ જુદી રહી છે. ભારતમાં (અને દુનિયાના લોકતંત્રોમાં) પહેલીવાર 1957માં ડાબેરી પક્ષની સરકાર કેરળમાં બની હતી. તે પછી ડાબેરી મોરચો અને કોંગ્રેસની આગેવાનીમાં લોકતાંત્રિક મોરચો વારાફરતી કેરળમાં સત્તા પર આવતો રહ્યો. કેરળમાં અને પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરી મુખ્ય હરીફો હતાં, પણ કેન્દ્રમાં જરૂર પડ્યે જુદી નીતિ ચાલતી હતી. હવે સ્થિતિ પલટાઇ છે અને મુખ્ય હરીફ તરીકે ભાજપ ઉપસી રહ્યો છે ત્યારે કોંગ્રેસ અને ડાબેરી નીતિ બદલશે?
સીતારામ યેચુરીએ સૂચન કર્યું કે કોંગ્રેસ સાથે વર્તમાન સમયે મોરચો કરવો જોઈએ, પણ પ્રકાશ કરાતે એકલા હાથે લડવાનો વિચાર મૂક્યો હતો. સીપીઆઈ (એમ)ની કેન્દ્રીય સમિતિએ મતદાન કરીને 31 સામે 55 મતોથી યેચુરીના સૂચનને નકાર્યું છે. ડાબેરી પક્ષોમાં આંતરિક લોકશાહી છે. તેથી યેચુરી અને કરાતનું જૂથ એવા ભાગલા પડ્યામ એમ તો ન કહી શકાય, પણ ડાબેરીઓમાં પશ્ચિમ બંગાળની લાઇન અને કેરળની લાઇન એમ બે લાઇનો અત્યારે સામસામે છે એમ કહી શકાય.
કેરળમાં ડાબેરી પાસેથી સત્તાની આવનજાવન થતી રહી, જ્યારે પશ્ચિમ બંગમાં એકધારા શાસનથી પડતી થઇ ત્યારે સમૂળગી પડતી થઈ. તેની સામે કેરળમાં ડાબેરી ટકી શક્યાં છે અને ટકી જવા માગે છે. તેથી ભાજપને એકાદ બે રાજ્યમાં હરાવી દેવાના ટૂંકા રાજકારણના બદલે ડાબેરી વજૂદ એકવીસમી સદીમાં ટકાવવાના લાંબા રાજકારણની ગણતરીઓ છે. ભારતમાં પણ કહેવાતા ‘ફાસીવાદ’ સામે સામૂહિક મોરચો કરીને લડવાના બદલે ડાબેરી વિચારધારાની તાકાત પર લડવું પડશે એમ પણ કેટલાકને લાગે છે.
આવી બધી ચર્ચાઓ વચ્ચે કેરળમાં ચૂંટણી આવશે ત્યારે શું થશે તેની ચર્ચા પણ અત્યારથી થવા લાગી છે. કેમ કે ભાજપે તામિલનાડુ કરતાંય કેરળમાં વધારે જોર લગાવ્યું છે. જો કેરળમાં ડાબેરીને હટાવી શકાય તો પશ્ચિમ બંગમાં અને ત્રિપુરામાં પણ હરાવી શકાય એવી ભાજપની ગણતરી છે. ત્રિપુરામાં એક મહિનામાં જ ખબર પડી જશે કે શું થવાનું છે, પણ કેરળમાં હજી ચૂંટણીને થોડી વાર છે.
દરમિયાન કેરળમાં બીજો એક ઘટનાક્રમ ડાબેરીઓને સીધી અસર કરે તેવો બન્યો છે. કેરળમાં લાંબા સમયથી જુદા પડેલા એક મુસ્લિમ જૂથના બે ફિરકા ભેગા થાય તેવી શક્યતા ઊભી થઈ છે. સુન્ની મુસ્લિમોનું સંગઠન સમસ્ત કેરળ જમિયત-ઉલ ઉલેમા 1989માં બે જૂથમાં વહેંચાઇ ગયું હતું. 28 વર્ષે હવે તેમાં મનમેળ થાય તેમ લાગે છે. એકતા સ્થાપવા માટેની શરતો નક્કી કરવા બંને જૂથે સમિતિઓ બેસાડી છે તેથી આ વખતે સમાધાનના પ્રયાસો ગંભીર છે એમ મનાય છે. બન્ને જૂથોની એકતા પાછળ સામાજિક કરતાં રાજકીય ગણતરી વધારે છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ પાસે વધારે બેઠકો માગવાની ગણતરી છે. બીજી ગણતરી સુન્નીઓમાં પણ વધારે રૂઢિચૂસ્ત એવા કેરળ નદવાત-ઉલ મુજાહિદ્દીનને લીગનો ટેકો મળે છે તે બંધ કરાવવાનો છે. સલાફી તરીકે ઓળખાતા આ રૂઢિચૂસ્ત જૂથના બદલે પોતાનું રાજકીય મહત્ત્વ વધે તેવી ગણતરી બંને જૂથોના નેતાઓની છે.
મુસ્લિમ લીગ સલાફીઓને મહત્ત્વ આપી રહ્યું છે. સલાફીવાદ મહંમદ પયંગબરના જીવનકાળ દરમિયાન અરબો જે રીતે રહેતા હતાં તે રીતે જીવવાનો વાદ છે. સાઉદી અરેબિયાના શેખો સલાફીવાદને પ્રોત્સાહન આપે છે. ઉત્તર ભારતમાં અહલે હદીથ પણ મધ્યયુગની જેમ જીવવામાં માને છે. તેમની સાથે સલાફીઓને સારું ફાવે છે. સલાફીવાદને કારણે કેટલાક યુવાનો સિરિયામાં જઈને ત્રાસવાદી આઇએસમાં જોડાઇ રહ્યા છે તેવા પ્રચાર પછી કેરળના મોડરેડ સુન્ની મુસ્લિમોને લાગે છે કે બધા મુસ્લિમોની બદનામી થઈ રહી છે.
આવા સલાફીઓનું વર્ચસ્વ લીગમાં વધ્યું છે તેની નારાજી પણ કેટલાક મોડરેડ જૂથોમાં છે. બીજી બાજુ સમસ્ત કેરળ જમિયત-ઉલ ઉલેમાને લાગે છે કે તેમની શક્તિ વહેંચાઈ ગઈ છે. કેમ કે બેમાંથી એક જૂથ લીગને ટેકો આપે છે, જ્યારે બીજું જૂથ સીપીઆઈ (એમ)ને ટેકો આપે છે. ગયા ડિસેમ્બરમાં મલ્લપુરમમાં સલાફીઓની પરિષદ યોજાઇ ત્યારે લીગના બે મહત્ત્વના નેતાઓએ તેમાં હાજરી આપી હતી. તે પછી લીગને ટેકો આપી રહેલા સુન્ની જૂથમાં થોડી નારાજી પણ થઈ છે. પણ એકલા હાથે લીગ પર દબાણ લાવી શકાય તેમ નથી ત્યારે બંને જૂથ એક થઈને લીગમાં દબાણ વધારવા માગે છે.
જોકે લીગના નેતાઓ જાણે છે કે કેરળની 26 ટકા મુસ્લિમ વસતિ પાસે વિકલ્પો ઓછા છે. લીગને જ ટેકો મળવાનો છે કેમ કે કોંગ્રેસ અને ડાબેરીઓ કરતાંય ભાજપનું જોર કેરળમાં વધી રહ્યું છે. બીજી બાજુ ડાબેરીઓ દ્વારા માત્ર ભાજપવિરોધ ખાતર જ કોંગ્રેસને સાથ ન આપવાનું અને પોતાને મજબૂત કરવાનું રાજકારણ અપનાવ્યું છે ત્યારે કેરળના રાજકારણમાં પણ તેની અસર થશે. ડાબેરીઓ અને કોંગ્રેસનું પોતપોતાનું રાજકારણ છે અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે અને કેરળના સુન્ની મુસ્લિમોએ પોતાનું રાજકારણ ખેલવાનું છે.
તેનો દાખલો પણ કેરળમાં જ છે. કેરળમાં પલક્કડ શહેરની પાલિકામાં ભાજપનું શાસન છે. એકમાત્ર પાલિકા જેમાં ભાજપનું શાસન શક્ય બન્યું છે, કેમ કે માત્ર ભાજપને દૂર રાખવા ખાતર સીપીએમ અને કોંગ્રેસ અહીં એક થઈ શક્યાં નથી. હકીકતમાં પલ્લકડમાં ભાજપને બહુમતી પણ મળી નહોતી, માત્ર સૌથી મોટો પક્ષ બન્યો હતો, પણ સત્તા મળી ગઈ. કુલ 52 વોર્ડમાં નવેમ્બર 2015માં ચૂંટણી થઈ ત્યારે ભાજપને 24 વોર્ડમાં જીત મળી. કોંગ્રેસના મોરચાને (જેમાં લીગ સામેલ છે) 13 અને ડાબેરી મોરચાને પણ 13 મળી. અન્યને બે. પોતાના મોરચામાં કોંગ્રેસને પોતાને 13 બેઠકો મળેલી છે, જ્યારે ડાબેરી મોરચામાં સીપીએમને પોતાને 6 બેઠકો મળી છે.સ્વાભાવિક છે કે કોંગ્રેસ દ્વારા સત્તાનો દાવો થયો હતો અને સીપીએમનો ટેકો માગ્યો હતો, જેથી ભાજપ સત્તા પર ન આવે. પણ સીપીએમ તે માટે તૈયાર થયું નહોતું. પ્રકાશ કરાતનું આ વતન છે. પ્રકાશ કરાત કોંગ્રેસને સમર્થન આપીને મજબૂત કરવામાં માનતાં નથી. પરિણામે પલક્કડમાં ભાજપને તક મળી છે અને ભાજપને લાગે છે કે સીપીએમનું આ જ વલણ ભવિષ્યમાં કેરળમાં તેને ફાયદો કરાવી શકે છે. પલક્કડમાં કોંગ્રેસને સાથ ન આપવામાં સ્થાનિક કારણ અને રાજકારણ પણ ખરા, પણ એ જ વલણ રાષ્ટ્રીય લેવલે પણ પ્રકાશ કરાત પોતાના પક્ષમાં લેવરાવવા માગે છે.
દરમિયાન ત્રિપુરાનું પરિણામ આવી જશે અને કેરળના સુન્ની મુસ્લિમ જૂથો એક થાય છે કે કેમ તેની પણ થોડા વખતમાં ખબર પડી જશે. એક થયેલા સુન્નીઓ સલાફીઓને દૂર કરીને લીગને પોતાની તરફ વાળી શકશે તો ડાબેરીઓના બદલે મુસ્લિમ મતો લીગ મારફત કોંગ્રેસ તરફ પણ ઢળે. તો શું થાય? જોવું રહ્યું.