સરદાર પટેલ, સ્વામી વિવેકાનંદની ભૂમિકા કરવાની મનોકામના છે: ‘પદ્મશ્રી’ મનોજ જોશી

રાજકોટ– ગુજરાતી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા કલાકાર, રંગકર્મી અને વૈવિધ્યસભર અભિનેતા મનોજ જોશીને આ વર્ષે ‘પદ્મશ્રી’ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. ‘ચાણક્ય’ નાટકથી પ્રખ્યાત થયેલા મનોજ જોશી પછી તો થિયેટર અને ફિલ્મોમાં સતત ઉર્ધ્વગતિ પામ્યા. ‘સરફરોશ’, ‘ગોલમાલ’, ‘ભૂલભૂલૈયા’ ‘ચુપ ચૂપ કે’, ‘દે ધનાધન’ જેવી ફિલ્મો દ્વારા લોકપ્રિય બનેલા અને અભિનય ક્ષેત્રે જેમણે એક મુકામ પ્રાપ્ત કર્યો છે. સંગીત નાટ્ય અકાદમી- દિલ્હી સહિતના એવોર્ડ એમને મળ્યા છે. એ મનોજ જોશી આજે સંયોગ વશ રાજકોટમાં હતા. ‘પદ્મશ્રી’ પુરસ્કાર માટે ભારત સરકાર દ્વારા પસંદગી નિમિત્તે chitralekha.comના વરિષ્ઠ સંવાદદાતા જ્વલંત છાયા સાથે એમણે રસપ્રદ વાત કરી. ચિત્રલેખા: પદ્મપુરસ્કારનો આનંદ તો હોય જ પણ, આ અપેક્ષા હતી?

મનોજ જોશી: ના, મને આ અપેક્ષા નહોતી. કેમકે આ ચયન તો કેન્દ્રના લોકો કરતા હોય છે. આપણને એની ખબર પણ ન હોય. હું તો કોઈ પણ ફિલ્મ કે નાટકમાં મારું 100% પરફોર્મન્સ આપતો હોઉં છું. એવોર્ડ મળશે એ અપેક્ષાથી ક્યારેય કામ કરતો નથી. અને આ પુરસ્કાર મારા સાથીઓ, ડિરેક્ટર્સ, તંત્રજ્ઞો.. સૌનું સન્માન છે. આ કલાસાધનાનું પરિણામ છે.

ચિત્રલેખા:રંગભૂમિ અને ફિલ્મ બન્નેમાં કામ કર્યું. એક અભિનેતા તરીકે કયું માધ્યમ ગમે?

મનોજ જોશી
: પડદા પર કામ કરવું પડકાર છે. પણ સ્ટેજ પર કામ કર્યું અને કરું છું ત્યારે મેફીટેશનની, ધ્યાનની અનુભૂતિ થાય છે. અંદરનો કાટ નીકળી જાય છે. સ્ટેજ પર કામ કરે એ માણસ સતત એટલી વાર પવિત્ર થતો જાય છે.

ચિત્રલેખા: કોમેડિયનને આપણે ત્યાં મોટાભાગે સાઇડરોલ કરનાર જ ગણવામાં આવતા. હવે સ્થિતિ બદલાઈ છે. આ સંદર્ભમાં તમને કોઈ ચોક્કસ ભૂમિકા કરવાનું ગમે એવું ખરું?

મનોજ જોશી: હા એ કમનસીબી છે કે એક ઇમેજ બની જાય, એવી ભૂમિકા મળતી કે અપાતી હોય છે. ક્યારેક સર્વાઇવલ, અસ્તિત્વનો પણ સવાલ હોય. પણ મેં સાતત્યપૂર્વક એક જ પ્રકારના રોલ લેવાનું ટાળ્યું છે. એટલે વિવિધતા મળી અને આપી શક્યો.

ચિત્રલેખા: ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મની આજની સ્થતિ?

મનોજ જોશી
: આજે ગુજરાતી નાટકો માંથી મરાઠીમાં રૂપાંતરીત થઈ રહ્યા છે. મૌલિક નાટકો લખાઈ અને ભજવાઈ રહ્યા છે . ફિલ્મો પણ સરસ બની રહી છે. સ્ક્રીપ્ટ પર કામ વધુ ચુસ્ત રીતે થવું જોઈએ. અને તાલીમ લીધેલા કલાકારની પણ ઉણપ છે, પણ એ બધું થશે. આગામી 5 વર્ષમાં ગુજરાતી ફિલ્મો ચોક્ક્સ મુકામ પર હશે.

ચિત્રલેખા: કોઈ ડ્રિમ રોલ?

મનોજ જોશી
: મારે સરદાર પટેલની ભૂમિકા કરવી છે અને સ્વામી વિવેકાનંદ પર કામ કરવું છે.

(મુલાકાત: જ્વલંત છાયા)
(વિડિયોગ્રાફી: નિશુ કાચા)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]