દેશમાં નવી સંસદીય ચૂંટણી માટે લગભગ બે વર્ષ જેટલો સમય બાકી છે. દેશ હાલને તબક્કે એક અલગ રાજકીય પરિબળ નિહાળી રહ્યો છે. રાજકીય ઈકો-સિસ્ટમમાં અત્યાર સુધીમાં મોટે ભાગે આ નિમ્નલિખિત બાબતો ઉભરી આવી છેઃ
એક, ભારતીય રાજકારણ વંશપરંપરાગત શાસનવાળું રહ્યું છે જેમાં લઘુમતીઓની આળપંપાળ કરાય અને જાતિ-આધારિત અનામતનો લાભ અપાય. ભારતને જરૂર છે પાત્રતાના સિદ્ધાંતને માન્ય રાખવાની, લઘુમતીઓનું તુષ્ટિકરણ બંધ કરવાની, મંદિરો અને મૂર્તિઓ જેવા બહુમતી-કેન્દ્રિત બાબતોને સરકારનું સમર્થન વધારવાની, એક શક્તિશાળી દેશ તરીકેની વૈશ્વિક છાપ ઊભી કરવાની, કશ્મીર મામલે લશ્કરી ઉકેલ લાવવાની, સમાન નાગરિક ધારો લાગુ કરવાની. શાસક ભારતીય જનતા પાર્ટીનું આ વ્યાપક વલણ રહ્યું છે.
બીજું, ભારત વિવિધ સમુદાયો, જાતિઓ, સંસ્કૃતિઓ તથા ધર્મો ધરાવતો દેશ છે. તેથી ભારતીય રાજકારણના સિદ્ધાંતો મુખ્યત્વે બહુભાષીય અને બહુધર્મીય હોવા જોઈએ. સાથોસાથ, દલિતો, લઘુમતીઓ, મહિલાઓ, સરહદીય વિસ્તારોમાં રહેતાં લોકોના અધિકારીઓનું જતન થવું જોઈએ. વંશપરંપરા લાંબું ચાલતી નથી જ્યારે કોઈ અન્ય ચૂંટણી જીતે છે. સામાજિક સાંપ્રદાયિક લોકતાંત્રિક મૂલ્યોનું રક્ષણ થવું જ જોઈએ. એકદમ ટોચ પર, કોઈ એક પરિવારના નેતૃત્ત્વ હેઠળના રાજકીય અનુભવીઓનું ગ્રુપ રાષ્ટ્રીય રાજકારણને ચલાવી શકે છે. હાલનો મુખ્ય વિરોધ પક્ષ – ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ, જે ભારત દેશ આઝાદ થયો ત્યારથી એક સમયે શાસનમાં હતો. આ મુખ્ય વિરોધપક્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 20 ટકા અથવા 13 કરોડ મતદારોનો કમાન્ડ ધરાવતો હતો. હાલ એ માત્ર બે રાજ્ય પૂરતો સિમિત રહી ગયો છે – રાજસ્થાન અને છત્તીસગઢ.
ત્રીજું, ભારત એ રાજ્યોનું બનેલું સંઘ છે અને સંઘને બચાવવા માટે પહેલાં તો રાજ્યોનું રક્ષણ કરવું આવશ્યક છે. રાજ્યોમાંનું શાસન મોટા પ્રાદેશિક પક્ષોનો પાયો છે. લગભગ બધે જ વ્યક્તિગત પારિવારિક નેતૃત્ત્વ ધરાવતા સ્થાનિક કુલીન વર્ગો છે જેમને જાતિઓ કે સમુદાયોના અમુક ચોક્કસ જૂથોનો ટેકો છે. દાખલા તરીકે ટીઆરએસ, વાઈઆરએસ, આરજેડી, સમાજવાદી પાર્ટી, બીએસપી, શિવસેના, એનસીપી, ડીએમએક, એઆઈડીએમકે, બીજેડી, વગેરે. આ એવી પ્રાદેશિક પાર્ટીઓ છે જેઓ અવારનવાર પ્રાદેશિક સ્તરે સત્તા પર રહેવા માટે બળનો ઉપયોગ કરતી રહી છે. આ ત્રીજું રાજકીય પરિબળ દેશભરમાં ઘણા પક્ષોનું પ્રતિનિધિત્વ કરે છે અને અમુક રાજ્યોમાં શાસન પણ કરે છે.
ચોથું, એક નવા પરિબળનો ઉદય થયેલો જોવા મળ્યો છે જે સ્પષ્ટપણે ડાબેરીઓ પ્રેરિત છે. આ જૂથ સામ્યવાદના વિવિધ રંગ ધરાવે છે. એ રાજકારણને શ્રમજીવીઓના દ્રષ્ટિકોણથી જુએ છે અને જુદા જુદા પ્રકારની ક્રાંતિ લાવવા માગે છે. આ તમામ ડાબેરી જૂથોની પહોંચ આજે મર્યાદિત છે. એમના હાથમાં માત્ર એક જ રાજ્ય છે, કેરળ. આ બધા ડાબેરીઓ માટે ગઈ વેળાની સંસદીય ચૂંટણી તો ભયાનક બની રહી હતી. લોકસભામાં એમની હવે માત્ર છ જ બેઠક છે.
આપણને હવે જોવા મળશે વ્યાવહારિક અને વિચારધારા-તટસ્થ રાજકારણ. આ પ્રકારમાં ભારતીય રાજકારણના જૂના ચવાઈ ગયેલા શબ્દોનો ઉપયોગ નહીં કરાય, જેમ કે, બિનસાંપ્રદાયિકતા, સમાજવાદ, હિન્દુ-મુસ્લિમ રાજકારણ, બહુસંખ્યકવાદ, દલિત, અનામત પ્રથા, નારીવાદ, ફાસીવાદ વગેરે. એમના રાજકારણનો મુખ્ય આધાર હશે સામાન્ય જનની સુખાકારી. એવા પ્રકારના રાજકારણમાં જનતાને સસ્તું કે મફત સરકારી સ્તરે શિક્ષણ પૂરું પાડવામાં આવશે, ખાનગી શિક્ષણ ક્ષેત્રે કે વીજળી પૂરવઠામાં મોંઘવારી પર કાબૂ લાવવામાં આવશે, જનતાને સસ્તી કે મફત સરકારી આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવશે, નિશ્ચિત મર્યાદા સુધી પાણી સપ્લાય મફત કરાશે, સરકાર સાથે પારદર્શી ડિજિટલ ઈન્ટરફેસ અને મોટા ભાગની સરકારી સેવાઓની ઘર-પહોંચ સુવિધા અપાશે. નવી વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર નહીં હોય, સામાન્ય જનની સુખાકારીનો દરેક પ્રકારે ખ્યાલ કરાશે.
આ છે આમ આદમી પાર્ટીની સ્ટાઈલનું શાસન, જેનો આરંભ દિલ્હીથી થયો. હવે તેણે પોતાનો વિસ્તાર પંજાબ સુધી કર્યો છે, હાલમાં જ ત્યાંની વિધાનસભા ચૂંટણી ધરખમપણે જીતીને. હાલની પરિસ્થિતિ જોતાં AAP પાસે 2.5 કરોડ મતથી વધારે મત નથી. એ વધીને પાંચ ટકા પણ થાય એમ નથી. ભારતીય રાજકારણના આ નવા ઉદયનું અનોખાપણું એ છે કે એ દેશમાં બધે જ જોવા મળી રહ્યું છે. જેમ કે ભારત માતા કી જય, ભારતીય બંધારણની કલમ 370ને રદ કરીને જમ્મુ-કશ્મીરને અપાયેલો વિશેષ દરજ્જાનો અંત લાવી દેવો, રાષ્ટ્રીય સુરક્ષાની વારંવાર વાતો થવી, વરિષ્ઠ નાગરિકોને ધાર્મિક યાત્રાના વચન આપવા વગેરે. આ બધું ભાજપના વલણને મળતું આવે છે.
પરંતુ AAP હવે માત્ર દિલ્હીમાં જ ભાજપની કટ્ટર હરીફ નથી રહી, એ ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા જેવા અન્ય રાજ્યોમાં પણ પોતાનો પ્રચાર વેગવાન બનાવી રહી છે. એ બિઝનેસ લોબીઓ અને સામાન્ય નાગરિકો વચ્ચે સેતુ બની રહી છે. એમ કરીને તે કોંગ્રેસના રાજકીય સ્થાનની નિકટ પહોંચી રહી છે. આનાથી તે કોંગ્રેસના ભોગે આ રાજ્યોમાં ઉદય પામશે. ગરીબોને સુવિધા પૂરી પાડવી, એમને રોકડ નાણાં આપવા, મહિલાઓ માટે મફત ટ્રાન્સપોર્ટ, યુવાઓને બેરોજગારી ભથ્થું જેવી વાતો અને ઈન્કિલાબ ઝિંદાબાદ જેવા નારા – આ બધું ડાબેરીઓ જેવું જ છે.
આ નવા રાજકીય પરિબળ અમુક ચોક્કસ અભાવ વર્તાય છે. જેમ કે તે ઉપર દર્શાવેલી ચારેય બાબતમાં ઝઝૂમતો દેખાય છે. કોંગ્રેસ પાર્ટી એને પસંદ કરતી નથી. પહેલાં તો એ તેને દિલ્હીમાં જ પસંદ કરતી નહોતી, પણ હવે તો પંજાબમાં પણ તેની ઘૃણા જોવા મળી. હવે તો AAP એ રીતે આગળ વધી રહી છે કે બીજા અમુક રાજ્યોમાં પણ તે કોંગ્રેસને મુખ્ય વિરોધ પક્ષ તરીકે પણ હટાવી દેશે.
પ્રાદેશિક પક્ષો AAP ને મહત્વ આપતા નથી, કારણ કે એમને ડર છે કે ક્યાંક એ એમના જ રાજ્યમાં એને પાછળ પાડી દેશે તો અને એમનું રાજ્ય પણ પચાવી પાડશે તો.
ડાબેરી પક્ષો AAPને નાપસંદ કરે છે, કારણ કે એનામાં સ્પષ્ટ વિચારધારાનો અભાવ છે એવું તેઓ માને છે.
તો પછી AAP નું સ્થાન શું છે?
ભાજપ જેમાં મજબૂત છે એમાં તે શાંત રહેવાનું પસંદ કરે છે અને માત્ર શિક્ષણ, આરોગ્ય, સરકારી સેવાઓ, પાણી, વીજળી, ભ્રષ્ટાચારનો અટકાવ પર ફોકસ રાખે છે. બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ દેવા મુદ્દાઓ પર AAP શાંત છે. તે છતાં ગરીબોને સુવિધાઓ અને નાણાકીય સહાય આપવા માગે છે. એને કારણે કોંગ્રેસ પરેશાન થઈ ગઈ છે.
આ નવું રાજકીય પરિબળ રાષ્ટ્રીસ્તરે સફળ થશે કે કેમ એ જોવાનું રહ્યું. જાતિ તથા સમાજ આધારિત મતોના રાજકારણના વળતાં પાણી દેખાય છે. રાજકારણ ન સમજનાર અને રાજકારણના પંડિતો, એમ બધાંમાં કોઈને ખબર નથી પડતી ચૂંટણીના હવે પછીના રાઉન્ડમાં શું થશે. (હવે ગુજરાત, હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે અને ત્યારબાદ રાજસ્થાન અને હરિયાણામાં આવશે. અને ત્યારબાદ આવશે ધમાકેદાર લોકસભા ચૂંટણી).
(પ્રો. ઉજ્જવલ કે. ચૌધરી)
(લેખક બે યૂનિવર્સિટીઓના સ્ટ્રેટેજિક એડવાઈઝર છે, પ્રોફેસર છે)
