જાણો ચૂંટણી સાથે જોડાયેલી મહત્વની બાબતો..

ભારતમાં લોકસભા ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. અનેક જગ્યાએ મતદાન પૂર્ણ થયું છે. ગુજરાતમાં ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે જાણીએ ચૂંટણી સાથે જોડાયેલી મહત્વની માહિતી.

મતદાન કોણ કરી શકે?

લોકસભા ચૂંટણીમાં કરોડો લોકોના મતદાન થકી ઉમેદવારોના ભાવી નક્કી થાય છે. કોની સરકાર બને છે અને કોની પડે છે એ પણ મતદાન થકી જ નક્કી થાય છે.  ભારતના બંધારણમાં પુખ્ત વયના તમામ લોકોને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એટલે કે જેની ઉંમર 18 વર્ષ કે એથી વધુ હોય એ દરેક વ્યક્તિ પોતાનો મત આપી શકે છે. મત આપવા માટે ભારતના દરેક નાગરિકે નોંધણી કરાવવી ફરજીયાત છે. કારણ કે જે લોકો ભારતના નાગરિક છે એ જ લોકો મતદાન કરી શકે છે. જો કોઈ વ્યક્તિ ભારતની નાગરિક્તા ધરાવે છે પરંતુ કોઈ કારણસર એનું નામ મતદાર યાદીમાં નથી તો એ મતદાન કરી શકે નહીં. એટલું જ નહીં જે મતદારનું નામ એક કરતા વધારે મતદારયાદીમાં હોય એ મતદાર પણ મત આપવા માટે અસમર્થ છે.

એવી જ રીતે જો કોઈ વ્યક્તિ એનઆરઆઈ(નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ)પરંતુ એને અન્ય દેશની નાગરિક્તા નથી લીધી તો એને મત આપવાનો અધિકાર છે. જો કે અન્ય દેશની નાગરિક્તા લીધા પછી જે તે વ્યક્તિ ભારતીય ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ગુમાવી દે છે. આ ઉપરાંત જે લોકોને કોર્ટ દ્ધારા માનસિક વિકલાંગ જાહેર કરવામાં આવ્યા હોય એ લોકોને મતદાર ઓળખકાર્ડ આપવામાં નથી આવતું. માટે એ લોકોને પણ મત આપવાનો અધિકાર નથી. જે લોકોને મત આપવાનો અધિકાર છે એ માત્ર ચૂંટણીપંચ દ્ધારા ઊભા કરવામાં આવેલા મતદાન કેન્દ્રમાં જ મત આપી શકે છે.

 ચૂંટણી લડવાનો અધિકાર કોને છે?

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય મર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. એનાથી નાની ઉમંરની વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં. એવી જ રીતે જે વ્યક્તિને કોઈ કેસમાં બે વર્ષ કે એથી વધુની સજા થઈ હોય એ પણ ચૂંટણી લડી શકે નહીં. ઉપરાંત ભારતીય બંધારણના અનુચ્છેદ 84-A પ્રમાણે જે ભારતના નાગરિક હોય એમની પાસે જ ચૂંટણી લડવાનો અધિકાર છે. ઉપરાંત જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 4(ડી) પ્રમાણે જે વ્યક્તિનું નામ સંસદીય મતવિસ્તારની મતદારયાદીમાં નથી એ વ્યક્તિ પણ ચૂંટણી લડવા માટે અસમર્થ છે.

પ્રજ્ઞાચક્ષુ માટે મતદાનના નિયમ શુ છે?

વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ હેઠળ 21 વિકલાંગતાઓમાં પ્રજ્ઞાચક્ષુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મતદાન મથક પર નેત્રહીન મતદારોને બ્રેઇલ લિપિમાં ડમી મતપત્રક આપવામાં આવે છે. ડમી બેલેટ શિટને વાંચ્યા પછી દ્રષ્ટિહીન મતદારને મતદાન મથકમાં પ્રવેશ લઈને મતદાર ઈવીએમ પર બ્રેઈલ લિપિમાં નોંધાયેલી વિગતો અને એમની પસંદગીના ઉમેદવારનો સિરીયલ નંબર વાંચીને પોતાનો મત આપી શકે છે. આ ઉપરાંત ચૂંટણી આચાર નિયમો 1961ના નિયમ 19 (એન) પ્રમાણે મતદાન મથક પર, નેત્રહીન વ્યક્તિઓને સાથીદારની સુવિધા પણ આપવામાં આવે છે. એટલુ જ નહીં દ્ધષ્ટિહિન મતદાર રુચિ પ્રમાણે બૂથ સ્વયંસેવક કે મુખ્ય અધિકારીની મદદ પણ લઈ શકે છે. વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ 2016ની કલમ 11 પ્રમાણે ચૂંટણીપંચ અને રાજય ચૂંટણીપંચ તમામ મતદાન મથકો પર વિકલાંગ વ્યક્તિ માટે પુરતી સુવિધા પણ ઉભી કરે છે. પોતાની વિકલાંગતા વિશે મતદારે ફોર્મ-8 ભરીને માહિતી આપવાની હોય છે.

મતદારયાદીની માહિતીમાં ભૂલ હોય તો સુધારી શકાય?

મતદારયાદીમાં નામ નોંધાયા પછી જો કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો મતદાર ફોર્મ-8 ભરીને એમાં સુઘારો કરી શકે છે. ફોર્મ 8 થકી મતદાર પોતાનું સરનામું પણ બદલાવી શકે છે. એ સિવાય આ જ ફોર્મ દ્ધારા મતદાન ઓળખપત્ર પણ બદલી શકે છે. ચૂંટણીપંચ સમયાંતરે મતદાર યાદી બહાર પાડે છે. જો એમાં નામ ન હોય તો શક્ય છે કે કોઈ ભૂલને કારણે નામ બાકાત થઈ ગયું હોય. તો તમે ceo.gujarat.gov.in પર જઈને મતદાનને લગતી વિવિધ માહિતી મેળવી શકો છો. ઉપરાંત National Voters service portal પર મતદાર યાદી ચેક કરી શકાય છે. વેબસાઇટ ઉપરાંત 1950 હેલ્પ લાઈન નંબર પર કોલ કરીને પણ માહિતી મેળવી શકાય છે. આ નંબર પ્રમાણે રાજયવાર માહિતી આપવામાં આવે છે. એટલે કે તમે જે રાજ્યના હશો એ રાજયની માહિતી આ નંબર પરથી મળી રહે છે.

મતદાર યાદીમાં નામ કેવી રીતે નોંધાવી શકાય?

જે વિસ્તારમાં મતદાર રહેતા હોય એ જ વિસ્તારમાં એ પોતાનું નામ નોંધાવી શકે છે. 1 જાન્યુઆરીએ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર દરેક ભારતીય નાગરિક પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકે. જેની માટે બૂથ કક્ષાના ઓફીસર કે બીઓ (બૂથ ઓફિસર) પાસેથી વ્યક્તિએ ફોર્-6 લઈને ભરવું પડે છે. આ ફોર્મ https://voters.eci.gov.in/login પર જઈને ઓનલાઈન પણ ભરી શકાય છે. એનઆરઆઈએ ભારતીય મતદારયાદીમાં નામ નોંધાવવા માટે ફોર્મ 6એ ભરવાનું હોય છે. ફોર્મમાં આધાર નંબર પણ આપવો પડે છે. જો કે જેની પાસે આધાકકાર્ડ ન હોય એ લોકો પણ ફોર્મ ભરી શકે છે.

ફોર્મની સાથે મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે જન્મનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, શિક્ષણ બોર્ડ દ્ધાપા આપવામાં આપેવુ ધોરણ 10 અને 12નાં પ્રમાણપત્ર, અથવા પાસપોર્ટમાંથી કોઈ પણ એક પુરાવો આપવો અનિવાર્ય છે. સમયાંતરે મતદાન મથકો પર કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. તો ત્યાં જઈને પણ મતદારયાદીમાં નામ નોંધાવી શકાય છે. આ ઉપરાંત કોઈ પણ મૂંઝવણ હોય 1950 હેલ્પ લાઈન નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકાય છે.

ગુજરાતમાં કેટલા મતદારો છે?

ચૂંટણી પંચે જાહેર કરેલી યાદી પ્રમાણે ગુજરાતમાં કુલ 4.98 કરોડ મતદારો છે. જેમાં 2.40 કરોડ મહિલા મતદાર અને 2.55 કરોડ પુરૂષ મતદારો છે. જેમાં 47 ટકા મતદારો 40 વર્ષથી નાની ઉંમરના છે. જ્યારે 80 વર્ષથી વધુ ઉંમર હોય એવા 10 લાખ મતદારો છે. પહેલીવાર મતદાન કરશે એવા સુરત સહિતના યુવાઓની સંખ્યા 12.20 લાખ છે.