કોરેગાંવ ભીમા ભીમા નદીના કિનારે આવેલું ગામ છે. પૂણેથી નજીક પડે. પૂણે પેશ્વાઓની રાજધાની બન્યું હતું. પેશ્વાઓને હરાવવા માટે અંગ્રેજોનું સૈન્ય આ માર્ગે જ આગળ વધ્યું હતું. ભીમા નદી પાસે યુદ્ધ થયું અને વિશાળ મરાઠા સેના સામે અંગ્રેજોની આગેવાનીમાં ભારતીય સૈનિકોની નાની પણ શિસ્તબદ્ધ ટુકડી જીતી ગઈ. આ યુદ્ધ થયું હતું પહેલી જાન્યુઆરી 1818. 1 જાન્યુઆરી 2018ના રોજ તેને બસ્સો વર્ષ થયાં. કોરેગાંવમાં મહાર રેજિમેન્ટનું સ્મારક બનેલું છે ત્યાં આઝાદી પહેલાંથી, લગભગ 1934થી મહાર અને અન્ય દલિત સમુદાયના લોકો એકઠાં થઇને વિજયની ઉજવણી કરતાં આવ્યાં છે. 200 વર્ષ થયાં હોવાથી આ વખતે સંખ્યા વધારે મોટી હતી.
200 વર્ષે આ પ્રકારના પ્રસંગને કઇ રીતે યાદ કરવો જોઈએ તેના વિશે સામસામી દલીલો ચાલી હતી. ભૂતકાળમાં પણ દલિતો દ્વારા આ પ્રસંગની ઉજવણી થાય તેનો ગણગણાટ થતો આવ્યો છે. આ વખતે કેટલાક હિન્દુવાદી ગણાવાયેલાં જૂથના કાર્યકરોએ પથ્થરમારો કર્યો અને ભડકો થયો. બંને પક્ષ તરફથી સામસામે ઉશ્કેરણી કર્યાંના આક્ષેપો કર્યા છે. ભીંસમાં આવી ગયેલી મહારાષ્ટ્ર સરકારે તપાસના આદેશો આપ્યાં છે. આવી તપાસ ક્યારેક સંતોષકારક હોતી નથી અને ક્યારે અહેવાલ આવશે તે અનિશ્ચિત હોય છે, પણ મહાર રેજિમેન્ટના નામે વિવાદના કેટલાક મુદ્દા આપણે તપાસીએ.
1818ના યુદ્ધ વિશે મહાર રેજિમેન્ટલ સેન્ટર દ્વારા ફોરફ્રન્ટ ફોરએવર નામનું પુસ્તક 1981માં બહાર પડ્યું હતું. અન્ય લેખકોએ પણ આ યુદ્ધ વિશે લખ્યું છે, કેમ કે આ યુદ્ધ નિર્ણાયક સાબિત થયું હતું અને બાજીરાવ પેશ્વા દ્વિતીયની સેનાને હરાવીને અંગ્રેજો ભારતમાં નિશ્ચિંત બન્યાં હતાં. પેશ્વાઓનું સૈન્ય 20,000નું હતું અને તેની સામે મહાર રેજિમેન્ટના 500 સૈનિક લડ્યાં તે રીતે બહુ ગૌરવથી વાત યાદ કરાય છે. સૈન્યના આંકડાં અંગે જુદાજુદા ઉલ્લેખો મળે છે, પણ પેશ્વાનું સૈન્ય મોટું હતું અને મહાર રેજિમેન્ટ નાની હતી તેટલું નક્કી થાય છે.
બ્રિટીશ ગેરીસન પર પેશ્વા સેનાના હુમલાને ખાળવા માટે કેપ્ટન સ્ટોન્ટન્ટની આગેવાનીમાં 40 કિમી દૂર આવેલા શીરુરથી મહાર રેજિમેન્ટને મોકલાઇ હતી. પુસ્તકમાં જણાવ્યા અનુસાર પૂના ગેરીસનને મદદ માટે 31 ડિસેમ્બર સાંજે શીરુરથી રેજિમેન્ટને રવાના કરાઇ. આખી રાત કૂચ કરીને ટુકડી કોરેગાંવ પહોંચી ત્યારે સવાર પડી ગઇ હતી. કેપ્ટન સ્ટોન્ટન્ટ વિચાર કરે તે પહેલાં પેશ્વાઓના ઘોડેસ્વાર સૈનિકોએ તેમને ત્રણ તરફથી ઘેરી લીધાં હતાં. 40 કિલોમિટર દૂરથી આવેલા સૈનિકોએ સીધી જ લડત શરૂ કરી દેવી પડી હતી. પેશ્વાની ત્રણ ઇન્ફન્ટ્રીએ ત્રણ બાજુથી આક્રમણ કર્યું હતું. દરેકમાં 600 જેટલા ઘોડેસ્વાર હતાં. તેની સામે મહાર રેજિમેન્ટની બટાલિયન અને આર્ટિલરીમાં 500 જેટલા સૈનિકો હતાં. કોરેગાંવ ખાતે પહેલેથી જ રહેલી પૂના ઇરેગ્યુલર હોર્સની ટુકડીના 250 સૈનિકો અંદાજે હતાં. મદ્રાસ આર્ટિલરીની બે તોપ અને 24 જેટલાં તોપચી પણ હતાં. પેશ્વાની ઘોડેસ્વાર ટુકડી ભીમા નદી વટાવીને ગામમાં ઘૂસી ગઈ હતી અને પછી તો શેરીમાં યુદ્ધ ખેલાયું હતું. લેખક લખે છે કે અંગ્રેજ સેનાના થાકેલા ભારતીય સૈનિકો ખાધાંપીધાં વિના જોમથી લડ્યાં. ખાસ કરીને મહાર સૈનિકોએ દાદ ના આપી અને કોરેગાંવના ઘરોમાં પેશ્વા સૈનિકોને ઘૂસવા ના દીધાં. આખરે બારેક કલાકની લડાઇ પછી પેશ્વાની સેનાએ ગામ છોડીને ભાગવું પડ્યું હતું.
પુસ્તકમાં કેટલા સૈનિકો મરાયાં તેનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે મદ્રાસ આર્ટિલરીના 12, ફર્સ્ટ રેજિમેન્ટ બોમ્બે નેટિવ ઇન્ફ્રન્ટ્રીના 50 અને 3 બ્રિટીશ ઓફિસરો માર્યા ગયા હતા. 22 મહાર, 16 મરાઠા, 8 રાજપૂત, 2 મુસ્લિમ અને એક સંભવત ભારતીય યહુદી આ લડાઇમાં માર્યા ગયાં હતાં.
આ રીતે સૌથી વધુ મહાર સૈનિકો મરાયાં હતાં તેથી યુદ્ધમાં તેમની ભૂમિકાને મહત્ત્વ મળ્યું છે. એટલું જ નહીં, લેખકે વિશેષ ઉલ્લેખ કર્યો છે કે મહાર સૈનિકો બહુ જોમથી લડ્યાં હતાં અને ઘોડેસ્વાર પેશ્વા સૈનિકો સામે ભારે બહાદુરી બતાવી હતી. આ રીતે કોની ટુકડીમાં કેટલા સૈનિકો હતાં, સાધન શું હતાં, અંગ્રેજોની મહાર રેજિમેન્ટમાં અન્ય ભારતીય સૈનિકો હતાં તે બધી બાબતો ગૌણ બની જાય છે, પણ મહાર સૈનિકો સૌથી વધારે લડ્યાં તેનું ગૌરવ મહારાષ્ટ્રના મહાર અને ભારતના અન્ય ભાગોના દલિતો કરતાં આવ્યાં છે. આ સહજ બાબત છે, કેમ કે બહાદુરીની યાદ ગૌરવ અને આત્મવિશ્વાસ પ્રેરે છે. ચીન સામેની 1962ની લડાઇમાં હરિયાણાના આહીર-યાદવો બહુ ઓછા સાધનો સાથે બહુ બહાદુરીથી લડ્યાં હતાં તેનું ગૌરવ આજેય થાય છે.
પરંતુ ફરક એ છે કે ચીન સામેની લડાઇ એ ભારતની લડાઇ હતી, જ્યારે કોરેગાંવમાં લડાઇ થઇ તે ભારતીય વિરુદ્ધ અંગ્રેજોની હતી. તેથી વિરોધ કરનારાં સવાલ ઉઠાવે છે કે અંગ્રેજોનો વિજય થયો તેની ઉજવણી શા માટે? આ સવાલ સામે મહાર લોકો કહે છે કે અમારા માટે આ લડાઇ આત્મગૌરવની હતી. તે વખતના મરાઠા શાસનમાં દલિતો પર અનહદ અત્યાચારો થતાં હતાં અને મહાર જે જોશથી લડ્યાં તે અંગ્રેજો પ્રત્યેની વફાદારી માટે નહોતાં. એ જોશમાં પોતાનું દમન કરનારા પેશ્વા શાસન સામેનો આક્રોશ વધારે હતો. અત્યાચાર સામેના આક્રોશની એ લડાઇ આજેય દલિતોએ લડવી પડે છે.
બીજું અંગ્રેજોની ટુકડીમાં ભારતીય સૈનિકોની ઉપસ્થિતિ સતત રહી છે અને બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોએ બહાદુરી બતાવી હતી તેની પણ ઉજવણી થાય જ છે. તો માત્ર મહાર રેજિમેન્ટના મુદ્દે બેવડી નીતિ શા માટે? ટીપુ સુલતાનને અંગ્રેજો સામે લડનારો રાષ્ટ્રવાદી નેતા ગણવો કે મુસ્લિમ જુલમી શાસક ગણવો તેમાં પણ બેવડી નીતિ છતી થઇ જાય છે.
માત્ર કોરેગાંવની એક લડાઇને સંકુચિત દૃષ્ટિથી જોવાના બદલે વ્યાપક સામાજિક સંદર્ભોમાં જોવી પડે. એ પણ યાદ રાખવું પડે કે શિવાજીએ કિલ્લાની રખેવાળી માટે મહાર સૈનિકોને રાખ્યાં હતાં. શિવાજીની દૃષ્ટિ વધારે વિશાળ હતી અને તેમની સેનામાં મુસ્લિમો પણ રહેતાં હતાં. પરંતુ શિવાજી પછી શાસન પેશ્વાઓએ પચાવી પાડ્યું હતું. પેશ્વાના શાસનમાં મહારને આ કામમાંથી હટાવી દેવાયાં અને તેમને ફરી અસ્પૃશ્યતામાં ધકેલી દેવાયાં હતાં. કદાચ ભારતમાં સૌથી વધુ ક્રૂર અસ્પૃશ્યતા મરાઠા શાસનમાં હતી. દલિતોએ પૂંઠે સાવરણી બાંધી રાખવી પડતી હતી. ગળામાં થૂંકદાની બાંધી રાખવી પડતી હતી અને પોતાનો પડછાયો પણ બીજા પર ના પડે તેની કાળજી રાખવી પડતી હતી.
આવી ક્રૂર સામાજિક વ્યવસ્થા વચ્ચે અંગ્રેજો આવ્યાં અને તેમણે મહારને સૈન્ય ટુકડીમાં લીધાં. તેમાં જ દલિત ઉત્થાનનો પાયો નંખાયો હતો. મહાર રેજિમેન્ટમાં બાબાસાહેબ આંબેડકરના પિતા સૂબેદાર રામજી તરીકે શિક્ષકની નોકરી મેળવી શક્યાં હતાં. પિતા સૂબેદાર હતાં તેથી આંબેડકર ભણી શક્યાં. પેશ્વાના અત્યાચાર વચ્ચે અંગ્રેજોએ મહાર રેજિમેન્ટ બનાવી તેનાથી સામાજિક પરિવર્તન આવ્યું હતું અને જ્યોતિબા ફૂલે જેવા દલિત નેતા અને સુધારક પેદા થઇ શક્યાં હતા.
એ પણ ન ભૂલવું જોઇએ કે અંગ્રેજોએ પણ એકવાર ગરજ પતી એટલે મહાર જેવી કોમમાંથી સૈનિકોને લેવાનું બંધ કર્યું હતું. ભાગલા પાડોની નીતિ તરીકે તેની ટીકા કરી જ શકાય, પણ તેમાં વાંક ભાગલા પાડનારનો નહીં, ભાગલામાં વહેંચાઇ જતા સમાજનો વધારે ગણાવો જોઈએ. 1895ની આસપાસ અફઘાન સામેનું યુદ્ધ જીત્યાં પછી અંગ્રેજોએ લડાયક કોમની નવી વ્યાખ્યા કરી હતી. તેમણે ક્ષત્રિય ગણાતાં રાજપૂત, આહીર, યાદવ વગેરેને જ સેનામાં લેવાનું રાખ્યું અને મહાર રેજિમેન્ટને રદ કરી દીધી હતી. તે પછી લગભગ દોઢ સદી સુધી મહાર રેજિમેન્ટનું કોઇ માહાત્મ્ય રહ્યું નહોતું, પણ પેશ્વા સામેની લડાઇનું ગૌરવ મહાર લોકો ક્યારેય ભૂલી શક્યાં નહોતાં. આંબેડકરે ફરી એકવાર મહાર રેજિમેન્ટ બનાવવાની માગણી કરી હતી. તેઓ વાઇસરોયની ડિફેન્સ એડવાઇઝરી કમિટીના સભ્ય બની શક્યાં હતાં. પોતાના પિતા સૂબેદાર તરીકે મહાર રેજિમેન્ટમાં હતાં તેનું મહત્ત્વ તેઓ સમજતાં હતાં. તેથી જ તેમની સલાહથી અંગ્રેજોએ ફરી એકવાર ઓક્ટોબર 1941માં મહાર રેજિમેન્ટની સ્થાપના કરી હતી. આજે મહાર રેજિમેન્ટમાં 12 બટેલિયન્સ છે. ભારતીય સેનાના વડા બનેલા જનરલ કેવી કૃષ્ણારાવ અને જનરલ કે. સુંદરજી મહાર રેજિમેન્ટના જ હતા. ફરીથી મહાર રેજિમેન્ટ શરૂ થઈ તે પછી મહાર સ્મારક પણ કોરગાંવમાં ફરી જીવંત થયું અને દર વર્ષે પહેલી જાન્યુઆરીએ દલિતો ત્યાંં એકઠા થઇને મહાર સૈનિકોની બહાદુરી યાદ કરે છે.