200 વર્ષ પહેલાંના જંગની વરસીએ મુંબઈને સળગાવ્યું

રોષે ભરાયેલા દલિત લોકોએ આજે મુંબઈમાં અનેક સ્થળે ટ્રેનો અટકાવી હતી, રસ્તાઓ પર અવરોધો મૂકીને ટ્રાફિક રોક્યો હતો અને મોરચા કાઢ્યા હતા. એમણે મહારાષ્ટ્ર રાજ્યના બીજા અનેક ભાગોમાં પણ આંદોલન કર્યા છે. આનું કારણ છે પુણે જિલ્લાના ભીમા-કોરેગાંવ ગામમાં સોમવારે થયેલી હિંસામાં એક યુવકનું નિપજેલું મરણ. આ હિંસાચાર આજે ખતમ થયો એવું નથી, પુણેની હિંસક ઘટનાઓના વિરોધમાં આવતીકાલે, બુધવારે મહારાષ્ટ્ર બંધનું એલાન કરવામાં આવ્યું છે.

પ્રકાશ આંબેડકરના નેતૃત્વવાળી દલિત પાર્ટી – ભારતીય રિપબ્લિકન પાર્ટી બહુજન મહાસંઘે પુણેની ઘટના ઉપર રોષે ભરાઈને બુધવારે મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે. દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે દલિત કાર્યકર્તાઓને અપીલ કરી છે કે બંધને શાંતિપૂર્ણ રાખવું.

બંધને અનેક દલિત પાર્ટીઓ, ડાબેરી પક્ષો તેમજ કેટલાક મરાઠા જૂથોએ ટેકો જાહેર કર્યો છે. મુંબઈમાં શિવસેના સહિત અન્ય તમામ રાજકીય પક્ષો પણ ટેકો આપે એવી શક્યતા છે.

દલિતોના નેતા પ્રકાશ આંબેડકર

દલિતો હજારોની સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવતા આજે થયેલી હિંસામાં મુંબઈ સહિત રાજ્યના અનેક ભાગોમાં 187 જેટલી સરકારી બસો (એસ.ટી. તથા બેસ્ટ) બસોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તે ઉપરાંત બીજી ઘણી ખાનગી બસો તથા વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

પિંપરી પોલીસ (પુણે)એ શિવજાગર પ્રતિષ્ઠાન સંસ્થાના પ્રમુખ સંભાજી ભિડે ગુરુજી અને હિન્દુ જનજાગૃતિ સમિતિના વડા મિલિંદ એકબોટે સામે ફરિયાદ નોંધી છે.

ઈશાન મુંબઈમાં જ્યાં દલિતોનું જ્યાં વર્ચસ્વ છે તે ચેંબૂર, માનખુર્દ, ઘાટકોપર, મુલુંડ, ભાંડુપ જેવા ઉપનગરીય વિસ્તારોમાં દલિતો હજારોની સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. એમની માગણી હતી કે પુણેના રમખાણોના સૂત્રધારો સામે પગલાં લેવામાં આવે.

સેંકડો દલિત યુવાનોએ આજે બપોરે ચેંબૂર નજીક મધ્ય રેલવેની હાર્બર લાઈન બ્લોક કરી દીધી હતી. એને કારણે ટ્રેનો લગભગ ત્રણેક કલાક સુધી અટકી ગઈ હતી.

લોકલ ટ્રેનો અટકી જતાં લાખો પ્રવાસીઓ સ્ટેશનો પર અથવા ઊભી રહી ગયેલી ટ્રેનોમાં અટવાઈ ગયા હતા. ઘણા લોકોએ એમના મુકામે પહોંચવા માટે રેલવેના પાટા પર ઉતરીને ચાલવાનું પસંદ કર્યું હતું.

‘જય ભીમ’ના ઝંડા સાથે રસ્તાઓ પર નીકળેલા દલિત સમુદાયના લોકોએ ચેંબૂર ઉપરાંત પડોશના મુલુંડ, ગોવંડી, ભાંડુપ ઉપનગરોમાં રિક્ષા-રોકો આંદોલન કર્યું હતું. એવી જ સ્થિતિ સાયન ઉપનગરમાં પણ જોવા મળી હતી.

પથ્થરમારાને કારણે કેટલાક કલાકો સુધી તણાવભરી સ્થિતિ રહ્યા બાદ પોલીસે દાવો કર્યો છે કે બધા ઉપનગરોમાં પરિસ્થિતિ અંકુશ હેઠળ છે.

સવારે લગભગ પોણા બાર વાગ્યે કેટલાક આંદોલનકારીઓએ ચેંબૂર સ્ટેશનમાં ઘૂસીને નારા લગાવ્યા હતા. એમાંના કેટલાક યુવકો રેલવેના પાટા પર બેસી ગયા હતા અને નારા લગાવ્યા હતા. એને કારણે અપ અને ડાઉન, બંને લાઈન પરનો ટ્રેન વ્યવહાર અટકી ગયો હતો. ધસારાના સમયે આવું આંદોલન કરાતાં પ્રવાસીઓ પરેશાન થઈ ગયા હતા.

પોલીસો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આંદોલનકારોને પાટા પરથી હટાવ્યા હતા.

ચેંબૂર ઉપરાંત મુલુંડ, ભાંડુપ, રમબાઈ આંબેડકર નગર, કુર્લામાં નેહરુ નગર વિસ્તારોમાં પણ હિંસક વાતાવરણ જોવા મળ્યું હતું. દેખાવકારોએ દુકાનદારોને એમની દુકાનો બંધ કરવાની ફરજ પાડી હતી.

ભીમા-કોરેગાંવમાં પોલીસે કર્ફ્યૂ લાગુ કર્યો

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે, સોમવારે પુણે જિલ્લામાં દલિતોના વર્ચસ્વવાળા કોરેગાંવ-ભીમા, પાબલ અને શિકરાપુર ગામોના રહેવાસીઓએ વિજયદિવસ ઉજવ્યો હતો. આ વિજયદિવસ તેઓ બ્રિટિશ હકૂમત દરમિયાન 1818ની 1 જાન્યુઆરીએ બ્રિટિશ દળોએ કોરેગાંવ-ભીમામાં પેશ્વા બાજીરાવ-દ્વિતીયના લશ્કર ઉપર મેળવેલા વિજયની ખુશાલીમાં ઉજવતા હતા. એ વખતે બ્રિટિશ સૈન્યમાં દલિતો મોટી સંખ્યામાં હતા. એમણે સોમવારે એ જંગની 200મી તિથિ ઉજવી હતી.

200 વર્ષ પહેલાંની લડાઈમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની બ્રિટિશ સેનાએ પેશ્વાઓની સેનાને પરાજય આપ્યો હતો. દલિતો દર વર્ષે 1 જાન્યુઆરીએ એ વિજયની ઉજવણી કરતા હોય છે. એવું કહેવાય છે કે, એ સમયમાં અછૂત ગણાતા મહાર સમુદાયના સૈનિકો ઈસ્ટ ઈન્ડિયા કંપની-બ્રિટિશ સેના વતી લડ્યા હતા. પુણેમાં અમુક દક્ષિણપંથી જૂથોએ આવી ‘બ્રિટિશ જીત’ની ઉજવણી કરવામાં આવે છે એનો વિરોધ કર્યો હતો.

ભીમા-કોરેગાંવના ગામમાં દલિત લોકો આજે સવારે ગામના યુદ્ધ સ્મારક તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે હિંસક અથડામણ થઈ હતી. પથ્થરમારો અને તોડફોડના બનાવો બન્યા હતા.

સ્મારકની તરફ આગળ વધતા એક સ્થાનિક જૂથના સભ્યો અને જમા થયેલા ટોળાના અમુક લોકો વચ્ચે કોઈક મુદ્દે દલીલબાજી થઈ હતી. એમાંથી મામલો બિચક્યો હતો અને પથ્થરમારો થયો હતો. એ હિંસામાં કેટલાક વાહનો અને એક મકાનને નુકસાન પહોંચ્યું હતું.

તે હિંસાને પગલે પોલીસે પુણે-એહમદનગર હાઈવે પર ટ્રાફિક અટકાવી દીધો હતો.

પોલીસતંત્રે સ્ટેટ રીઝર્વ પોલીસ ફોર્સની ટૂકડીઓ તથા સ્થાનિક પોલીસજવાનોને તહેનાત કરી દીધા છે. મોબાઈલ ફોન નેટવર્ક પણ અમુક સમય પૂરતું બંધ કરી દેવામાં આવ્યું જેથી ભડકાવતા સંદેશાઓનો ફેલાવો ન થાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]