હિમાચલમાં ભાજપે 44 બેઠક જીતીને સત્તા ફરી કબજે કરી; ધુમલ હારતાં આંચકો

શિમલા – હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં તમામ 68 બેઠકોનાં પરિણામ જાહેર થઈ ગયા છે. વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટી 41 બેઠક જીતીને ફરી સત્તા કરવામાં સફળ થઈ છે. સત્તા ગુમાવનાર કોંગ્રેસને ફાળે 21 બેઠક આવી છે. અન્ય પક્ષો તથા અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠક કબજે કરી છે.

ભાજપને જીત મળી છે, પરંતુ એણે મુખ્યપ્રધાન પદના દાવેદાર તરીકે ઘોષિત કરેલા પ્રેમકુમાર ધુમલ એમના નિકટના હરીફ કોંગ્રેસના રાજિન્દર રાણા સામે હારી ગયા છે. હવે ભાજપે સીએમ તરીકે કોઈક અન્ય નેતાની પસંદગી કરવી પડશે.

પ્રેમકુમાર ધુમલ ભાજપના વિવાદાસ્પદ નેતા અનુરાગ ઠાકુરના પિતા છે. ચૂંટણીમાં અનુરાગ ઠાકુરના સસરા ગુલાબ સિંહ ઠાકુર પણ હારી ગયા છે.

કોંગ્રેસના ઉમેદવાર અને મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહ અરકી બેઠક પરથી વિજયી થયા છે. પરંતુ એમની પાર્ટીના નબળા દેખાવને પગલે એમણે પરાજયનો સ્વીકાર કરી લીધો છે. રાજ્યમાં કુલ 68 બેઠકો છે. ગઈ 9 નવેમ્બરે રાજ્યમાં મતદાન થયું હતું અને તે 74 ટકા નોંધાયું હતું.

મતગણતરી-પરિણામની સાથોસાથઃ

  • પરિણામના અંતિમ આંકડાઃ કુલ બેઠક 68, ભાજપ 44, કોંગ્રેસ 21, અન્યો 3.
  • ભાજપના સીએમ પદના ઉમેદવાર પ્રેમકુમાર ધુમલ કોંગ્રેસના ઉમેદવાર સામે હારી ગયા
  • કોંગ્રેસના મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહે પરાજયનો સ્વીકાર કર્યો.
  • મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહ અરકી બેઠક પરથી જીત્યા.
  • ભાજપે પહેલી સીટ પર મેળવેલી જીતમાં ઈન્દર સિંહ ગાંધીએ કોંગ્રેસના કેબિનેટ પ્રધાન પ્રકાશ ચૌધરીને પરાજય આપ્યો છે.
  • ઈન્દર સિંહે મંડી જિલ્લાની બાલ બેઠક પર મોટા માર્જિનથી જીત મેળવી છે.
  • વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહ શિમલા રુરલ બેઠક પરથી આગળ હતા.
  • પહાડી વિસ્તારોવાળું રાજ્ય દરેક વિધાનસભા ચૂંટણીમાં અલગ પાર્ટીને સત્તા આપવા માટે જાણીતું છે. 2012માં કોંગ્રેસે ભાજપને પરાજય આપ્યો હતો.
  • મતગણતરી માટે 42 કાઉન્ટિંગ કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યા છે.

2012ની ચૂંટણીમાં કોંગ્રેસે 36 બેઠક જીતીને સત્તા મેળવી હતી, ભાજપને 26 બેઠકો મળી હતી. એક બેઠક અન્યને ફાળે ગઈ હતી.

આ વખતની ચૂંટણીના પ્રચારમાં ભાજપે ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો અને વીરભદ્ર સિંહને મુખ્ય ટાર્ગેટ બનાવ્યા હતા. કોંગ્રેસે જીએસટી અને નોટબંધી મામલે ભાજપની વિરુદ્ધ પ્રચાર કર્યો હતો.

વીરભદ્ર છ વખત મુખ્યપ્રધાન પદ સંભાળી ચૂક્યા હતા, પણ ભ્રષ્ટાચારના આરોપોને કારણે એમની ખુરશી આ વખતે જોખમમાં આવી ગઈ હતી. વીરભદ્ર પોતે અરકી બેઠક પરથી જીત્યા છે, પણ એમની પાર્ટીનો પરાજય થયો છે.

કોંગ્રેસ અને ભાજપે તમામ 68 બેઠકો પર પોતાનાં ઉમેદવારો ઊભા રાખ્યા હતા. બહુજન સમાજ પાર્ટીએ 42, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ 14, સ્વાભિમાન પાર્ટી તથા લોક ગઠબંધન પાર્ટીએ 6-6 અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ 3 બેઠકો પર ઉમેદવારોને ઉભા રાખ્યા હતા.

એક્સિસ એજન્સીના એક્ઝિટ પોલ તારણ અનુસાર ભાજપ 51 સીટ જીતશે અને કોંગ્રેસને 17 સીટ મળશે. ન્યૂઝ-એક્સના અભિપ્રાય મુજબ, ભાજપને 47-55 બેઠકો મળશે જ્યારે કોંગ્રેસ 18-24 સીટ જીતશે. ટુડેઝ ચાણક્યની આગાહી છે કે ભાજપને 55 બેઠક મળશે અને કોંગ્રેસને ભાગે માત્ર 13 આવશે.