રામસેતુ એકથી વધુ ધર્મો માટે પવિત્ર છે

વાત માન્યામાં નહીં આવતી હોય, પણ વાત સાચી છે. રામસેતુ માત્ર હિન્દુઓમાં પવિત્ર ગણાતો નથી. પૃથ્વી પરના બીજા મહત્ત્વના બે ધર્મોમાં પણ રામસેતુ સ્થળનો ઉલ્લેખ છે અને તેની સાથે જુદી જુદી શ્રદ્ધાકથાઓ જોડાયેલી છે. એડમ્સ બ્રીજ એવું તેનું બીજું નામ છે અને તેની સાથે જોડાયેલી કથાઓ ખ્રિસ્તી અને ઇસ્લામમાં છે. આ બંને અબ્રાહમ પરંપરાના ધર્મમાં છે. આ પરંપરામાં માનવજાતની શરૂઆત આદમ અને ઇવથી થાય છે. હિન્દુ અને બૌદ્ધ ધાર્મિક પરંપરાના ધર્મો છે, જેમાં સૃષ્ટિને અનાદીઅનંત માનવામાં આવે છે, પણ મનુષ્યની ઉત્પતિ માટે જુદી જુદી કથાઓ છે.આ કથાઓ સાચી કે ખોટી તેની વાતમાં ના પડીએ પણ જાણીએ કે કેવી રીતે ભારત અને શ્રીલંકાને જોડતા દરિયામાં થોડે જ નીચે રહેલા સેતુની સાથે જુદી જુદી કથાઓ જોડાઇ છે.

રામસેતુ સાથે રામ અને રાવણની કથા જોડાયેલી છે તે આપણે જાણીએ છીએ. રાવણે સીતાનું હરણ કર્યું અને તેને લંકામાં લઈ ગયો. લંકા પર આક્રમણ કરવા માટે સેનાને કઈ રીતે લંકા લઈ જવી તે સમસ્યા હતી. તેનો ઉકેલ હનુમાનની સેનાએ આપ્યો. છીછરા દરિયા પર પથ્થરો ગોઠવીને બનાવાયો સેતુ.

રામસેતુ વિશે ચર્ચાઓ અને વિવાદો થઈ ચૂક્યા છે. વિવાદ એટલા માટે થયો હતો કે રામસેતુ જ્યાં આવેલો છે તે ભારત અને લંકા વચ્ચેના દરિયામાં ડ્રેજિંગ કરવાની દરખાસ્ત હતી. મુંબઈથી વિશાળ સ્ટીમરે ચેન્નઇ જવું હોય તો શ્રીલંકા ફરતે રાઉન્ડ મારીને જવું પડે. ભારત અને લંકા વચ્ચે દરિયો છે તેમાં વચ્ચે આ એક લાંબો પટ્ટો આવેલો છે જે બહુ ઊંડો નથી. તેથી મોટા કન્ટેનર જહાજો પસાર થઈ શકે નહીં. પટ્ટાનો કેટલોક ભાગ તોડીને ડ્રેજિંગ કરીને દરિયો ઊંડો કરવામાં આવે તો ત્યાંથી કન્ટેનર જહાજો પસાર થઈ શકે. આવા પ્રોજેક્ટમાં ચર્ચા એ થાય કે કેટલો ખર્ચ થશે અને ફાયદો કેટલો થશે. તેના બદલે ચર્ચા આડા પાટે ફંટાઈ ગઈ, કેમ કે કેટલાક લોકોએ મુદ્દો ઉઠાવ્યો કે આ કુદરતી રીતે બનેલી રચના નથી. આ તો ભગવાન રામ અને હનુમાનની વાનરસેનાએ બનાવેલો સેતુ છે. આ રામસેતુ છે અને તેમાં કશું કરી શકાય નહીં. ધાર્મિક વાત આવી એટલે વિવાદ વધી પડ્યો અને મામલો છેક કોર્ટ સુધી પહોંચ્યો. આ રચના નેચરલ છે કે મેનમેઇડ છે તેના પર ચર્ચા વધી પડી.

એ જ ચર્ચા ફરી ચાલી છે, કેમ કે એક જાણીતી સાયન્સ ચેનલ પર દાવો થયો કે આ સ્ટ્રક્ચર કુદરતી ઓછું લાગે છે અને મેનમેઇડ હોય તેમ લાગે છે. મતલબ કે ભારતને લંકાદ્વીપ સાથે જોડવા માટે પ્રાચીન સમયમાં મનુષ્યે પથ્થરો નાખીને સેતુ બનાવ્યો હતો તેવા અંદાજ અભ્યાસોને આધારે મૂકી શકાય છે.

આ અંદાજ પાછળ પથ્થરો અને રેતીની ઉંમરમાં રહેલો તફાવત છે. કાર્બન ડેટિંગ જેવી પદ્ધતિ દ્વારા પદાર્થ કેટલો જૂનો છે તેનો અંદાજ લગાવી શકાય છે. રામસેતુમાંથી સંશોધકોએ રેતીના અને પથ્થરોના નમૂના લીધા. તેમના આશ્ચર્ય વચ્ચે રેતી ચાર હજાર વર્ષ જૂની હોય તેવો અંદાજ મળ્યો, જ્યારે પથ્થરો સાત હજાર વર્ષ જૂના જણાયા. રેતી અને પથ્થર વચ્ચે આટલો મોટો તફાવત જોઈને સંશોધકો વિચારમાં પડી ગયા. હિમયુગમાં દરિયાની સપાટી નીચી હતી ત્યારે બંને ભૂમિ જોડાયેલી હતી. બરફ ઓગળતા દરિયાની સપાટી વધી અને ભારત તથા લંકા વચ્ચે દરિયો આવી ગયો. એક લાંબા પટ્ટા જેવો ભાગ બહુ પાણીમાં ડૂબ્યો નહોતો. તેની આસપાસ રેતી જમા થતી રહી અને અત્યારે છે તેવો આકાર થતો ગયો. તે વખતે જો પથરાળ પ્રદેશ હોત અને પથ્થરો પણ પાણીમાં ડૂબી ગયા હોત તો તેની ઉંમર અને રેતીની ઉંમર સરખી હોવી જોઈએ. પણ પથ્થરો વધારે જૂના છે તેનો અર્થ એ કે તે અન્યત્રથી લાવવામાં આવ્યા છે.

આ ધારણાને કારણે ફરી રામસેતુ ચર્ચામાં છે. રામસેતુ કોઈએ બહારથી પથ્થર લાવીને બાંધ્યો છે તેવું જો વધુ સંશોધનની સાબિત થાય તો કોણે બાંધ્યો આ સેતુ તેનો વિવાદ વધશે. વિવાદ એટલા માટે વધશે કે માત્ર રામની કથા તેની સાથે જોડાયેલી નથી. આદમ અને ઇવની કથા પણ તેની સાથે અન્ય ધર્મોના ગ્રંથોમાં જોડી દેવાયેલી છે.

એડમ્સ બ્રીજ એટલે કે આદમનો સેતુ એવું નામ અંગ્રેજોએ ઘડી કાઢ્યું હોવાનું મનાય છે. પણ તેવું નામ આપવા પાછળ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ધાર્મિક અધિકારીઓનો આશય ખ્રિસ્તી ધર્મમાં મળતા વર્ણનને આ સાથે બંધબેસતું કરી દેવાનો કદાચ હતો. એ જ રીતે અંગ્રેજોએ લંકાના એક પર્વતને પણ તેમની પૌરાણિક કથાઓ સાથે જોડી દીધો. તેનું નામ પાડી દીધું એડમ્સ પીક – આદમનું શિખર. આ શિખર સાથે હિન્દુ અને બૌદ્ધ માન્યતાઓ જોડાયેલી જ હતી. તે જ રીતે ઇસ્લામની માન્યતાઓ પણ આ શિખર સાથે અને રામસેતુ સાથે જોડાયેલી છે.

શ્રીલંકાનો આ પર્વત 7360 ફૂટ ઊંચો છે. તેના પર વિશાળ પગલાં જેવો આકાર જોવા મળે છે. પાંચ ફૂટ સાત ઇંચ લાંબા અને બે ફૂટ, છ ઇંચ પહોળા પગલાંને પવિત્ર પગલાં માની લેવાયા છે. હિન્દુઓ કહે છે કે ભગવાન શિવના આ પગલાં છે. શ્રીલંકામાં બૌદ્ધ ધર્મ ફેલાયેલો છે. તેમના મતે ભગવાન બુદ્ધના પગલાં અહીં પડ્યાં હતાં. ખ્રિસ્તી અને ઇસ્લામની આદમ અને ઇવની કથા સાથે આ પર્વતને જોડી દેવાયો છે. તે માન્યતા મુજબ આદમે તેનું પ્રથમ પગલું આ પર્વતના શિખર પર મૂક્યું હતું અને તેની જ આ નિશાની છે.

આ શિખર પર આદમનું પ્રથમ પગલું પડ્યું તે કથા આગળ વધે છે અને તેની સાથે રામસેતુની કથા જોડાઈ જાય છે. આદમે અહીં ડગલું માંડ્યું, પણ ઇવનું આગમન બહુ દૂર અરબસ્તાનના રણમાં થયું હતું. ઇવને મળવા જવા માટે હોડી નહોતી તેથી ભૂમિ માર્ગે જવું પડે. પણ ભારતની ભૂમિ દૂર હતી અને વચ્ચે દરિયો. આખરે આદમે પોતાની વિશાળ તાકાત દ્વારા પથ્થરો મૂકી મૂકીને સેતુ બનાવ્યો અને ભારતની ધરતી પર થઈને રણ સુધીની સફર કરી.

આ પ્રાચીન કથાને કારણે મુસ્લિમો માટે પણ રામસેતુ પવિત્ર સ્મારક છે. કુરાનમાં આદમનો ઉલ્લેખ પયગંબર તરીકે 25 વાર કરાયો છે. તેમને જન્નતમાંથી પૃથ્વી પર મોકલાયાં તેના કારણે તેમને રડવું પણ આવ્યું હતું. કેટલાક મુસ્લિમો માને છે કે ભારતની નીચે લંકાનો નકશો જોઈએ તો લાગે કે જાણે આંસુંનું ટીપું છે. આદમ લાંબો પ્રવાસ ખેડીને રણમાં ઇવને મળ્યાં હતાં. તેઓ જ્યાં મળ્યાં તે સ્થળને જેદ્દાહ કહેવામાં આવે છે. જેદ્દાહનો અર્થ થાય છે માતાના વડવાઓ. અરેબિયાના જેદ્દાહ શહેરમાં એક બહુ પ્રાચીન કબરને ઇવની કબર માનવામાં આવે છે. અરેબિયામાં આદમ અને ઇવનો સંસાર ચાલ્યો અને તેમને બે સંતાનો થયાં હબીલ અને કબીલ. (બાઇબલમાં આવા જ બે પાત્રો છે. તેમના નામ કેઇન અને એબીલ છે.) આદમ હજ કરવા મક્કા ગયાં ત્યારે બંને ભાઇઓ લડી પડ્યાં હતાં. હબીલે કે કબીલનું ખૂન કરી નાખ્યું હતું.

આદમ અને ઇવની કથા જરા જુદી રીતે બાઇબલમાં પણ છે. આદમે ઉપરથી પૃથ્વી પર આવતી વખતે પ્રથમ પગલું લંકાના પર્વત પર મૂક્યું અને શિખર પર પંજો કોતરાઈ ગયો. આજે પણ તે છાપ દેખાય છે એમ શ્રદ્ધાળુ ખ્રિસ્તી અને મુસ્લિમ માને છે. આદમ એક હજાર વર્ષ રહ્યાં અને બાદમાં અરેબિયા ઇવને મળવા જવાનું થયું ત્યારે આ સેતુ બનાવ્યો. તેથી આ સેતુ એડમ્સ બ્રીજ છે એવું અંગ્રેજોએ પણ માની લીધું.

રામસેતુ મેનમેઇડ છે તેવું સાયન્સ ચેનલે જણાવ્યું છે ત્યારે તે દિશામાં ચર્ચાઓ ચાલતી જ રહેશે. જોકે શ્રદ્ધાળુઓને સાયન્સ ફિક્શન કરતાંય રીલિજીયસ ફિક્શનમાં વધારે રસ પડે અને તેઓ ભેગા મળીને એવી માગણી કરે કે અહીં ડ્રેજિંગ ના કરો અને આ સ્મારકને જાળવી રાખો તો કંઈક અનોખા પ્રકારની ધાર્મિક એકતા જોવા મળશે!